ગ્રાહક જાગ્યો નથી…

Image

15 માર્ચ એટલે વિશ્વભરમાં ગ્રાહકોના હક્કની જાણળવણી માટે જાગૃતિ કેળવવાનો દિવસ. આ દિવસ અન્ય દિવસોની જેમજ આવે અને વિતી જાય. ખરા અર્થમાં ગ્રાહકો પોતાના હક્કો વિશે જાણકાર છે ખરા ? તેમના હક્કો મેળવવા માટેની કાનૂની વ્યવસ્થા તેઓ બરાબર સમજે છે ખરા ? આ બાબત એસોચેમ (એસોસીએટેડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડઇન્ડસ્ટ્રીઝ) તરફથી એક સર્વે જાન્યુઆરી – ફેબ્રુઆરી – ૨૦૧૪ માં હાથ ધરવામાં આવ્યો. દેશના અમદાવાદ સહિતના 15 શહેરી વિસ્તારોમાં આ સર્વે થયો. 4000 લોકોની આ બાબતની જાણકારી અંગેના ઇન્ટરવ્યુ ગોઠવાયા. પરિણામે એવું તારણ નીકળ્યું કે 60% લોકોને આવા કોઇ કાયદાથી તેમને નાગરિક તરીકે મળતા હક્કની જાણકારી પણ નથી ! કાયદાનો ઉપયોગ કરી હક્ક મેળવવાની વાત તો દૂરની ગણાય.

કંપનીઓ લોભામણી જાહેરાતો થકી પોતાના ઉત્પાદનનું બજાર ઊભું કરવાના સતત પ્રયાસો કર્યા કરે છે. દેશ-વિદેશની વપરાશકારો માટેની અનેક નવી ચીજવસ્તુઓ બજારમાં સતત ઠલવાતી રહે છે. વિશ્વ એક બજાર બન્યું હોય તેવી સ્થિતિ ઘણા અંશે પ્રવર્તમાન છે. પ્રોડક્ટને લગતી તથા કિંમતને લગતી બાબતો અંગે જો કે પૂરતી તથા જરૂરી વિગતો અપાતી નથી. આ વ્યવસ્થા વિકસી છે જરૂર પરંતુ તેમાં પારદર્શિતા ભાગ્યેજ જોવા મળે છે. તેનો ભોગ સરવાળે વપરાશકાર બને છે. ઉત્પાદકો ફેઇસબુક, બ્લોગ, ટ્વીટર જેવા સાધનોથી ગ્રાહકો સુધી બીન ખર્ચાળ રીતે તેમજ પહેલા કરતા વધારે સરળતાથી પહોંચી શકે છે. પરંતુ ગ્રાહકો તમામ વિગતોથી સજ્જ નથી, માહિતગાર નથી. ગ્રાહકોના હક્કનું રક્ષણ કરી શકે તેવા અસરકારક તંત્ર ઉપરાંત ગ્રાહકોની જાગૃતિ માટે સતત તથા સઘન પ્રયાસો કરવા અનિવાર્ય છે. કન્ઝ્યુમર્સ પ્રોટેકશન એક્ટ નીચે થતી કાર્યવાહી તેમજ તેનાથી મળતા રક્ષણનો લાભ નાના વર્ગ સુધી પહોંચે છે પરંતુ તેનો વ્યાપ વિસ્તારવાની જરૂરિયાત છે. કન્ઝ્યુમર્સ કોર્ટની કામગીરી વિશેષ સરળ તથા ઝડપી બનાવીને પણ ગ્રાહકો માટે વિશેષ સુવિધા કરી શકાય. આ સમસ્યા તરફ સૌનું ધ્યાન રહે તથા જાગૃતિ કેળવાય તે બાબતને વિશેષ અગ્રતા આપવાની જરૂર છે. સ્વૈચ્છિક સંસ્થાઓ તથા જાગૃત નાગરિકોના મંડળો પણ આ બાબતમાં ચોક્કસ યોગદાન આપી શકે છે. સુમાહિતગાર તથા જાગૃત ગ્રાહક એ આજના સમયની અનિવાર્ય આવશ્યક્તા છે. 

***

Leave a comment

Blog at WordPress.com.

Up ↑