વાગડનો વડલો : મણીભાઈ સંઘવી

ગાંધીજી માત્ર સ્‍વરાજ્ય મેળવવા માટેના વિશ્વમાં અદ્વિતિય એવા મહદ્અંશે અહિંસક મહાસંગ્રામનાજ પ્રેરણાસ્‍ત્રોત ન હતા. આઝાદી મળ્યા પછી ખરા અર્થમાં ‘સ્‍વરાજ્ય’ ની સ્‍થાપના થાય તે બાબત પણ તેમના અગ્રતાક્રમમાં હતી. હતી. તેઓ આ બાબત તરફ સંપૂર્ણ રીતે સભાન હતા અને પ્રયત્‍નશીલ હતા. સ્‍વસ્‍થ  સમાજ, જાગૃત તથા જવાબદાર સમાજ હોય તો જ સ્‍વરાજ્યનો સૂર્યોદય થાય. આ વાત તેમણે અનેક રીતે અનેક વખત કહી પણ ખરી તેમના કેટલાક સાથી-અનુયાઈઓએ સામાજીક સમરસત્તાના કામમાં જ ઘૂણી ધબાવી હતી. સ્‍વસ્‍થ  સમાજના નિર્માણ માટે તેઓએ ગાંધીજીની હયાતીમાં તેમજ તેમની હયાતી બાદ એકનિષ્‍ઠાથી પ્રયાસો કર્યા. સમાજ સુધારણાના માર્ગે ચાલવું સહેલું હોતું નથી. અનેક પડકારો તથા મુશ્‍કેલીઓ વચ્‍ચે આ મરજીવાઓએ પોતાના માર્ગને છોડ્યો નહિ. થાકીને વિસામો લેવાનું જાણે તેમના સ્‍વભાવમાંજ ન હતું. કવિશ્રી વેણીભાઈ પુરોહિતના બાપુ અને મહાદેવભાઈ દેસાઈને ગમતા આ શબ્‍દો કદાચ આ અનોખા યોધ્‍ધાઓને જ લાગુ પડે તેમ છે.

       થાકે ન થાકે છતાંયે હો માનવી,

              ન લેજે વિસામો.

       ને ઝૂઝ જે એકલ બાંયે

              હો માનવી ન લેજે વિસામો.

       તારે ઉલ્‍લંઘવાના મારગ ભૂલામણાં

       તારે ઉધ્‍ધારવાના જીવન દયામણાં

              હિમ્‍મત ન હારજે કયાંયે

              માનવી ન લેજે વિસામો.

       કવિગુરુ ટાગોરના ‘એકલો જાને રે’ કાવ્‍યનો ભાવ વેણીભાઈએ કુશળતાથી ઉપરના કાવ્‍યમાં પ્રગટાવ્‍યો છે. કેટકેટલા ધન્‍યનામો ગાંધીયુગની આ આકાશગંગામાં આત્‍મબળે વિહરતા હતા. ઠક્કરબાપા દલિતો-વનવાસીઓના ક્ષેત્રમાં સેવાનો મહામંત્ર લઈને બેઠા હતા. રવિશંકર મહારાજ ગાંધીના બહારવટિયા થઈ મહીસાગરના કોતરો ગજવતા હતા. જુગતરામ દવે વેડછીનો વડલો થઈને સામાજિક ચેતના પ્રગટાવતા હતા. કચ્‍છમાં મગનભાઈ ગોવિદજી સોની  સમાજમાં પાછળ રહી ગયેલા ભાડુઓની આંગળી પકડી તેમને વિકાસની ગતિ આપવાના પ્રયાસો કરતા હતા. ખાસ કરીને વાગડ વિસ્‍તારના ગામોની અનેક સમસ્‍યાઓ અંગે ઊંડી સૂઝ ધરાવનારા મગનભાઈ પડકારોને પણ પડકારનારા હતા. આજ શૃંખલામાં આપણાં મણિલાલ ન્‍યાલચંદ સંઘવી પણ હક્કથી પોતાનું સ્‍થાન જમાવીને બેઠા. શ્રી મણિભાઈ (૧૯૨૧-૨૦૦૮) પણ વાગડના પનોતા પુત્ર અને રાપર પાસે તેમણે નિષ્‍ઠાથી ઊભા કરેલ સંકૂલના મોટા પરિવારના વહાલા ‘બાપુજી’ હતા. આવા લોકો એ જે તે પ્રદેશની શોભા સમાન હોય છે. ઉષાકાળ તથા સંધ્‍યાકાળ વચ્‍ચેનું જીવન મણિભાઈ દિપાવીને ગયા. કચ્‍છમાં જિલ્‍લા વિકાસ અધિકારી તરીકે કામ કરવાનું થયું ત્‍યારે (૧૯૯૧-૧૯૯૫) મણિભાઈને અવારનવાર મળવાનું થતું. સાદગી, નિષ્‍ઠા અને સચ્‍ચાઈના ગુણોએ જાણે માનવદેહ ધર્યો હોય તેવી પ્રતિતિ થયા કરે. વાગડ ભૂજથી આમ પણ દૂર અને પ્રગતિના અનેક પગથિયા તેમને ચડવા બાકી હોય તેમ લાગ્‍યા કરે. જો કે ખડીરના ખમીર તથા ઉજળી મહેમાનનવાઝી ઊડીને આંખે વળગે તેવા ગુણો કોઈના પણ ધ્‍યાને આવ્‍યા સિવાય રહે નહિ. ધોળાવીરાના અવશેષોને કારણે વાગડ-ખડિર બહારની દુનિયા માટે વિશેષ પ્રકાશમાં આવ્‍યા. આપણા આ ગઈપેઢીના લોકોને આપણે માત્ર જૂનું એટલું સારું તેમ વિચારીને યાદ કરતા નથી. તેમનું ઉજળું જીવન, સેવા પરાયણતા, સાદગી તથા ચિવટના ગુણો દરેક કાળે પ્રસ્‍તુત છે. આચાર્ય ક્રિપલાણીજી કહેતા તેમ સત્‍ય-અહિંસાના ગુણો આધુનિક યુગમાં અપ્રસ્‍તુત હોય તો જ ગાંધી અપ્રસ્‍તુત ગણાય. પરંતુ આ બધા તો શાસ્‍વત મૂલ્‍યો છે અને તેથી તે આજની તથા આવનારી પેઢીઓ માટે દિશા દર્શક છે.  એક દીવો બીજા દીવાને સ્‍પર્શે તો બીજો દીવો પણ પ્રકાશિત થાય તે માટે આ ધન્‍યનામોનું સ્‍મરણ પ્રરણાદાયક છે. (પ્રવર્તિતો દીપ ઈવ પ્રદીપાત્) મુ. શ્રી મણિભાઈને જયારે મળવાનુ થાય ત્‍યારે રાપરમાં ચાલતા અછત રાહતના કામો અંગે, ઢોરને નિભાવવાના પ્રશ્નો બાબત તેમજ ઓઝલ- મર્યાદા પાળનાર બહેનોને ઘેર બેઠા રોજગારી આપવાના પ્રશ્નોની ચર્ચા થતી. ઊંડી સૂઝ તેમજ બહોળા લોક સંપર્કને કારણે તેઓના વિચારો-મંતવ્‍યો વહીવટી તંત્રને ઉપયોગી નીવડતા હતા. નીલપરના આ શ્રમયોગી સમાજને સંપૂર્ણ સમર્પિત હતા. વાગડના ઊંડાણમાં વસનારા અને સમય સાથે તાલ મેળવવા આતુર એવા સમૂહને કેળવણી મળી રહે તે માટે ગુજરાત રાજયની સ્‍થાપના થઈ તે પહેલા મણિભાઈએ શિક્ષણની સંસ્‍થા શરૂ કરી. પોતાની હયાતી દરમિયાન આ મીશનને તેમણે દિશા અને ગતિ પૂરા પાડ્યા. શ્રી મગનભાઈ સોનીની મોટી હૂંફ તેમને તેમની દરેક પ્રવૃત્તિ માટે મળી. ગામડા તથા વાંઢો (પેટાપરા) થી બાળકોને શિક્ષણ માટે લાવવાનું કપરું કામ નિષ્‍ઠાપૂર્વક કર્યું. મણિભાઈના લગ્‍ન સુશીલાબહેન સાથે ૧૯૪૩ માં થયા. સુશીલાબહેન ખરા અર્થમાં અર્ધાંગીની બનીને જીવ્‍યા અને જીવનની લીલી-સૂકી ક્ષણો સમત્‍વ ભાવે સ્‍વીકારીને જીવતર દીપાવ્‍યું.

       વિનોબાજીના વિચારોની ઊંડી અસર પણ મણિભાઈ પર છવાયેલી રહી. ભૂદાનનું મહત્‍વ સમજ્યા. વિનોબાજીની હાકલને વધાવી. ૧૯૫૩ થી લગભગ પાંચેક વર્ષ સુધી આ કામમાં સતત દોડતા રહ્યા. ભૂદાન માટે પ્રાપ્‍ત કરવાની જમીનના લક્ષાંકને પણ તેઓ ધગશ તથા આત્‍મવિશ્વાસના બળે ઓળંગી ગયા. મણિભાઈએ જે કાર્ય હાથ પર લીધું તેમાં પોતાની શક્તિઓ સંપૂર્ણ રીતે રેડી અને પરિણામે લક્ષાંકો સિધ્‍ધ થઈ શક્યા. ગ્રામ સ્‍વરાજ સંઘની સ્‍થાપના પણ  જૈફ ઉમ્‍મરે કરી. ઉત્‍તર બુનિયાદી વિદ્યાલય, ગૌશાળા, કન્‍યા તથા કુમાર છાત્રાલય જેવી અનેક સુવિધાઓ ઉમેરીને સમૃધ્‍ધ વિદ્યા સંકુલનું નિર્માણ કર્યું. ઘસાઈને ઉજળા થવાના સંસ્‍કાર નાનપણમાં પોતાના માતા તરફથી મણિભાઈને મળેલાં. આ બાબતની અસર તેમના દરેક કાર્યોમાં જોવા મળે છે. વિધિસરનું શિક્ષણ ઓછું પરંતુ કોઠાસૂઝ તથા કામની ધગશને કારણે તેઓ નવા ચીલા પાડીને ચાલ્‍યા.

       મણીભાઈ સંઘવીએ પોતાના વતન રાપર તાલુકાના ફતેગઢ ગામે ખાદી પ્રવૃત્તિ શરૂ કરીને પોતાની જીવનદિશા નક્કી કરી હતી. જાહેર સંસ્‍થાઓના વહીવટમાં ચોક્સાઈ તથા કરકસરના ગુણ તેમના જીવનમાં સ્‍પસ્‍ટ રીતે જોવા મળતા હતા. વેડછી આશ્રમની કામગીરી તથા જુગતરામનાભાઈનો સહવાસ તેમને એકાદ વર્ષ માટે મળ્યો. આ બાબત પણ તેમના સર્વાંગી ઘડતરમાં ઉપયોગી બની. કચ્‍છ ‘ક’ વર્ગનું રાજય હતું અને ચીફ કમિશ્નર તેનો વહીવટ કરતા. જો કે શ્રી પ્રેમજી ભવાનજી ઠક્કર તથા શ્રી જમિયતભાઈ વૈદ્ય જેવા સલાહકારોને કારણે સમસ્‍યાઓના ઉકેલ માટે તંત્રનો સહયોગ મળી રહેતો.

       મુ.શ્રી મણીભાઈમાં નમ્રતાનો ગુણ ઊડીને આંખે વળગે તેવો હતો. પ્રથમ મુલાકાતે જ તેમના વ્‍યક્તિત્‍વમાં ગૂંથાયેલા સૌજન્‍ય તથા વિવેકનો અનુભવ ગમે તે વ્‍યક્તિને થાય તેવું તેમનું આચરણ હતું. જોખમ વહોરીને પણ નક્કી કરેલા માર્ગે ચાલવાની નૈતિક હિમ્‍મત ધરાવનારા હતા. જૈન કુટુંબમાં જન્‍મ લેનાર મણીભાઈએ સમગ્ર સમાજને અને તેમાંય વિશેષ રીતે પાછળ રહી ગયેલા વંચિતોના સમાજને બાથમાં લીધો હતો.

       ન ત્‍વહં કામયે રાજ્યમ્

              ન સ્‍વર્ગં ન પુનર્ભવમ્ |

       કામયે દુખ: તપ્‍તાનમ્

              પ્રાણિનામાર્તિનાશનમ્ ||

       મણિભાઈ જેવા ગાંધીના સેનાનીઓ પ્રાણીમાત્રના કલ્‍યાણ માટે જીવ્‍યા અને ઝઝૂમ્‍યા. અન્‍ય કોઈ ઈચ્‍છા, વળગણ કે મોહ તેમને વિચલિત કરી શક્યા નહિ. સંસારના તમામ જીવોની કષ્‍ટમુક્તિમાજ તેમણે પોતાના જીવનનું ઈતિશ્રી ગણ્‍યું હતું. અશોક ગોંધિયા એવોર્ડ તેમને એનાયત કરવામાં આવ્‍યો ત્‍યારે તેમણે ખૂબ વિચારશીલ પ્રતિભાવ આપેલો.

       ‘‘ઈશ્વરની કરૂણા, સાથીઓનો સદ્દભાવભર્યો સહયોગ અને પ્રેમાળ પુરુષાર્થ તથા માનવ માત્રમાં રહેલ ભલાઈમાં અતૂટ આસ્‍થા-અદના આદમી પાસેથી મોટા કામ કરાવી શકે છે.’’

       ગાંધી વિચારધારાને વરેલા આ મહારથીઓ પ્રેરીત શિક્ષણની સંસ્‍થાઓમાં ઉત્‍પાદકીય શ્રમનું એક આગવું તથા અનિવાર્ય સ્‍થાન હતું. કોઈપણ જાતના સંપ્રદાય, જાતિ કે પ્રદેશના વાડાને ત્‍યાં લવલેશ પણ સ્‍થાન ન હતું. વિદ્યાર્થીનો જીવન તરફનો દ્રષ્‍ટિકોણ વ્‍યાપક, વિધેયક તથા સમાજ તરફ સંવેદનશીલતા ધરાવતો રહે તે તેમની અગ્રતા હતી. દર્શકદાદા હોય, નાનાભાઈ ભટ્ટ હોય કે મણિભાઈ હોય એ સૌ શિક્ષણ સંસ્‍થાઓની સ્‍થાપના અને તેના માધ્‍યમથી સરવાળે માનવગરિમાનું પુન: સ્‍થાપન કરવા માગતા હતા. અંતે તો સ્‍વસ્‍થ સમાજ હોય તો જ આઝાદીના ફળોની વહેંચણી સમાન પ્રકારે થઈ શકે. ગાંધીના આ બધા સેનાનીઓ નોખી માટીના હતા. આર્થિક વળગણ કે પ્રસિધ્‍ધિથી સ્‍વેચ્‍છાએ જ દૂર રહેનારા હતા. તેમની પ્રવૃત્તિમાં માનવ ઘડરની વાત તેમજ તે માટેની ઠોસ કામગીરી પાયામાં હતી તે પણ એક નોંધપાત્ર બાબત છે.

              બાતેં તિમિર ન ભાજઈ,

                     દીવા, બાતી તેલ.

       વાતો કરવાથી અંધકાર દૂર કરી શકાતો નથી. આથી જ ગાંધી વિચારના આ બધા સેનાનિઓએ દીવાસળી, તેલ અને વાટનો સુયોગ રચીને એક યજ્ઞકાર્ય કરતા ગયા. મણિભાઈના સંસ્‍કારી સંતાનોમાં તો તેમની પ્રતિમાના દર્શન થાય છે જ. પરંતુ તેમના થકી જીવનની કેળવણી પામેલા ઘણાં લોકોએ સમાજને પોતાના નૂતન સ્‍પર્શનો પરિચય કરાવ્‍યો છે.     

તેજ-તણખો 

       પ્રબુધ્‍ધ જીવનના તંત્રી શ્રી ચીમનભાઈ ચકુભાઈ  શાહ એક સુપ્રસિધ્‍ધ જૈન ચિંતક પત્રકાર અને કર્મઠ માનવીનો પરિચય ગુજરાતને ભાગ્‍યે જ આપવો પડે. મણિભાઈ સંઘવીના કાર્યોમાં કદાચ ચીમનભાઈની જીવનદ્રષ્‍ટિનો પડઘો પડતો હતો. ચીમનભાઈ લખે છે: 

       ‘‘મારી જીવનદ્રષ્‍ટિ ગાંધીજીને બધી રીતે આદર્શ તરીકે સ્‍વીકારે છે. પ્રકૃતિથી હુ પ્રવૃત્તિમય છું. નિવૃત્તિ મારા સ્‍વભાવમાં નથી. સાધનશુધ્‍ધિ અને અન્‍યાયના પ્રતિકારમાં માનું છું. મારી ચિત્તવૃત્તિઓ ઉપર સારી પેઠે મારો કાબૂ છે. જીવનમાં સંયમ મને સ્‍વાભાવિક છે. ચિંતન અને મનન મારા જીવનનું અંગ છે. સતત વિચારશીલ રહુ છું. મારા ધ્‍યેયથી લાખો જોજન દૂર છું. ગાંધીજીને આદર્શ માન્‍યા છે. એ માટે નહિ કે તેઓ અવતારી કે પૂર્ણ પુરુષ હતા. તેમની અપૂર્ણતાઓ જ તેમના તરફનું આકર્ષણ છે. તેમાં રહેલી જીવનસાધના મને માર્ગદર્શક છે.’’

***

Leave a comment

Blog at WordPress.com.

Up ↑