ફરી આ વર્ષે પણ કાગધામ – મજાદરનું ઉજળું આંગણું, પૂ. ભગતબાપુની ચિરંતન ચેતના અને પૂ. મોરારીબાપુની પાવક ઉપસ્થિતિનો ત્રિવેણી સંગમ રચાયો. તા.૦૪/૦૩/૨૦૧૪ ના રોજ (કવિ દુલા ભાયા કાગ) ભગતબાપુના આંગણે તેમની ૩૭મી પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષની જેમ ભગતબાપુની સ્મૃતિમાં વિવિધ કાર્યક્રમો થયા. ગુજરાતના અલગ અલગ સ્થળોએથી કાગપ્રેમી તથા સાહિત્યપ્રેમીઓનો પ્રવાહ મજાદર તરફ વળ્યો અને સૌએ આપણાં આ ફાટેલ પિયાલાના ચારણ કવિને ફરી આદરપૂર્વક યાદ કર્યા. મોરારીબાપુએ કહ્યું તેમ કવિ કાગ લોકહ્રદયના સિંહાસને બીરાજેલો કવિ છે. કોઇપણ કાળે તેના સાહિત્ય સર્જનો જગતના ચોકમાં અમી ઠાલવતા રહેશે. ભગતબાપુનો ગુણાનુરાગ બે વિદ્વાન વક્તાઓએ રસપૂર્વક કર્યો. બે વક્તાઓ પૈકી એક શ્રી શાહબુદ્દીન રાઠોડનો પરિચય ગુજરાતમાં કે ગુજરાત બહાર વસતા કોઇ ગુજરાતીને આપવાની જરૂર હોય નહિ. છેલ્લા કેટલાયે વર્ષોથી તેઓ અનેક કાર્યક્રમોમાં મંચ ઉપરથી હળવી શૈલીમાં સંસ્કારની વાતોનો પ્રસાર કરી રહ્યા છે. બીજા વક્તા મુંજકા (રાજકોટ) વાળા શ્રી ઘનશ્યામભાઇ ગઢવી હતા. તેઓ પણ સંપદા મ્યુઝિયમ ઉપરાંત સાહિત્યના વિવિધ સ્વરૂપોની સેવા – ઉપાસના આજીવન કરનાર સન્માનનિય વ્યક્તિ છે. બન્નેએ ભગતબાપુના જીવનના અનેક પાસાનો સવિસ્તર ઉલ્લેખ કરીને તેમના જીવન તથા સર્જનો વિશે વિસ્તૃત વાતો કરી. ભગતબાપુના સ્મૃતિસત્રનું સમાપન કરીને મોરારીબાપુએ સમગ્ર કાર્યક્રમને સુવર્ણ કળશ ચઢાવ્યો. જે મહાનુભાવોને મોરારીબાપુ પ્રેરીત કાગ એવોર્ડ બીજા સત્રમાં પ્રદાન કરવામાં આવ્યા તેમની વાત પણ આવતા દિવસોમાં કરવાની ઇચ્છા છે. એ બધાજ વ્યક્તિવિશેષોનું આગવું યોગદાન સાહિત્યક્ષેત્રમાં રહેલું છે.
ભગતબાપુનું સાહિત્ય અનેક પ્રકારના કાવ્ય સ્વરૂપોમાં વિસ્તરેલું છે. આમછતાં તેમના ભજનો લોકપ્રિયતામાં શિરમોર સમાન રહ્યા છે. ભજનો આમ પણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં સૌથી વિશેષ લોક સ્વીકૃતિ પામેલું કાવ્ય સ્વરૂપ છે. સામાન્ય લોકોને પણ ભજનના સરળ, પ્રવાહી તથા ગેય સ્વરૂપને કારણે તેનું એક વિશેષ આકર્ષણ રહ્યું છે. જીવન-મરણના મીઠા સંબંધ માત્ર માનવીઓ વચ્ચે નહિ પરંતુ સમગ્ર પ્રકૃતિ અને માનવી વચ્ચે હોય છે. તેજ પ્રકારે વૃક્ષ તથા પક્ષી વચ્ચે પણ એક વિશિષ્ટ સંબંધ રહેલો છે. વૃક્ષનું વૃક્ષત્વ પક્ષીઓના કલરવથીજ મહોરી ઉઠે છે. ભગતબાપુએ આજ વાતને તેમના એક લોકપ્રિય ભજનના માધ્યમથી ખૂબ સુંદર તથા ભાવવાહી રીતે રજૂ કરી છે.
ઊડી જાઓ પંખી પાંખુવાળા…..જી
વડલો કહે છે વનરાયુ સળગી
મૂકી દિયો જૂના માળા….. ઊડી જાઓ….
આભે અડિયા સેન અગનના ધખિયા આ દશ ઢાળાં
આ ઘડીએ ચડી ચોટ અમોને
ઝડપી લેશે જ્વાળા…. ઊડી જાઓ….
બોલ તમારા હૈયામાં બેઠાંરૂડાને રસવાળા જી….
કોકદી આવી ટૌકી જાજો….
મારી રાખ ઉપર રૂપાળા…. ઊડી જાઓ….
પ્રેમી પંખીડા પાછા નહિ મળીએ આ વનમાં વિગતાળા….
પડદા આડા મોતના પડિયા
તે પર જડિયા તાળા…. ઊડી જાઓ….
આશરે તારે ઇંડા ઉછેર્યા ફળ ખાધા રસવાળા જી….
મરવા વખતે સાથ છોડી દે
એ મોઢા હોય હોય મશવાળા…. ઊડી જાઓ….
ભેળા મરશું,ભેળા જન્મશું, તારે માથે કરશું માળા જી….
કાગ કે આપણે ભેળા બળશું ભેળા ભરશું ઉચાળા….
ઊડી જાઓ પંખી પાંખુવાળા.
-કવિ દુલા ભાયા કાગ.
પત્ર બિગાડે ફલડ ડસે બેઠા શિતલ છાંય,
તુમ જસો હમ ઉડ ચલે સો જીવન કા ફલ નાય.
કંઠો-પ-કંઠ કહેવાતા ઉપરના પ્રચલિત જૂના દુહાના સારને કેન્દ્રમાં રાખીને કવિ શ્રી કાગે ઉપરના સુપ્રસિધ્ધ ભજનની રચના કરી છે. કવિ શ્રી ઉમાશંકર જોશીએ લખ્યું છે તેમ આ વિશાળ સૃષ્ટિમાં જીવંત અસ્તિત્વ ધરાવનાર માત્ર એક માનવી જ નથી. મનુષ્ય ઉપરાંત પશુ-પંખી તથા વિવિધ સ્વરૂપા વનોની મનોહર વનસ્પતિ પણ છે અને સૃષ્ટિના આ બધા ભાગો એકબીજા સાથે જીવંત સંબંધોથી, સ્નેહથી જોડાયેલા છે. અહીં આ સંબંધોથી, સ્નેહની પરાકાષ્ટારૂપ સંવાદો વૃક્ષ અને પંખીઓ વચ્ચે થાય છે. બન્નેના જીવન એકબીજાના સંપર્કથી લીલાછમ છે. આથી જ્યારે વનમાં આગ લાગે છે અને તેની વિનાશક જ્વાળાઓ ભયજનક રીતે આગળ વધી રહી છે ત્યારે મીઠા ટહુકાના માલિક પંખીઓને વૃક્ષ સલાહ આપે છે કે તમે હવે અહીંથી ઊડી જાઓ. અન્ય સ્થળે સુખેથી પ્રયાણ કરી તમારું મોઘેરું જીવન બચાવી લો. કારણકે તમે તો પાંખુવાળા છો, ઊડવું એ તમારું સહજ કર્મ છે. છતાં મારા હ્રદયમાં પડેલી મધુર ટહુકાની સ્મૃતિને સંભારીને ક્યારેક આ વગડામાં બળીને ખાક થયેલી પોતાની કાયારૂપી રાખ ઉપર બેસીને ટહુકી જવાની પણ વૃક્ષ વિનવણી કરે છે. જીવનના લીલાછમ સંબંધોની આ એક ચિત્તાકર્ષક રજૂઆત છે. પરંતુ પંખીઓની જીભે જે વૃક્ષને આપવાનો ઉત્તર પ્રગટ થાય છે તેમાં પંખીઓના આભથી ઊંચા ઉડ્ડયનની ગરિમા છલકાય છે. પંખીઓ કહે છે કે, અમારું તો સમગ્ર જીવન જ તારી શિતળ છાયામાં પોસાયું છે, વિકસ્યું છે. આથી જ્યારે હવે મૃત્યુ દ્વાર ખખડાવે છે ત્યારે સાથ છોડીને ઊડી જવાનો વિચારજ કેવી રીતે કરી શકાય ? આપણે તો સાથે જે મધુરતાથી જીવ્યા છીએ તેને હ્રદયમાં અખંડ રાખીને મરીશું પણ સાથેજ એટલુંજ નહિ પરંતુ આપણો સંબંધ – વૃક્ષ અને પંખીનો સંબંધ તો જન્મોજન્મનો છે. આથી ફરી આવતા જન્મે તારી લીલીછમ ડાળની શોભા બનીને અમે ફરી ટહુકાની સોગાદ લઇને હાજર થઇશું. જીવનને અખંડ, વ્યાપક દ્રષ્ટિકોણથી વધાવતાં આ ભજનની લોકપ્રિયતા હંમેશા રહે તે એક સ્વાભાવિક છે.
આપણાં પ્રાચીન શાસ્ત્રોની અમૂલ્ય વાતો લોકો સુધી સરળતાથી પહોંચાડવાનું કામ સંતકવિઓ – ભક્તકવિઓએ કર્યુ છે. આ કવિઓજ શ્લોક તથા લોક વચ્ચેનું અનુસંધાન બન્યા છે, વેદોની શાસ્ત્રવાણી છે, ઉપનિષદોની અનુભવવાણી છે જ્યારે સંતો – ભક્તકવિઓની સંતવાણી છે. મીરા, તુકારામ કે નરસિંહની વાણી આથીજ કાળના પ્રવાહ સામે નિજસત્વથી ટકી રહી છે. મેઘાણીભાઇ કહેતા કે દુલાભાઇ જેવા લોકકવિઓ પચેલા આત્મજ્ઞાનના ઓડકાર ખાનારા છે. જૈન શાસ્ત્રોના દિગ્ગજ ચિંતક – વિચારક પંડિત સુખલાલજીને કવિ કાગની કાવ્ય તત્વની સચ્ચાઇ તથા સરળતા નોંધપાત્ર લાગી છે. રામચરિત માનસના એક સુંદર પ્રસંગને ગૂંથીને ભગતબાપુએ સુંદર ભજનની રચના કરી છે. આ ભજન ખૂબજ લોકપ્રિય થયું છે.
પગ મને ધોવા દ્યો રઘુરાયજી….
પ્રભુ મને શક પડ્યો મનમાંય…. પગ મને….
રામ લક્ષ્મણ જાનકી એ તીર ગંગાને જાયજી
નાવ માંગી નીર તરવા
ગુહ બોલ્યો ગમ ખાઇ…. પગ મને….
રજ તમારી કામણગારી નાવ નારી થઇ જાયજી
તો અમારી રંક જનની
આજીવિકા ટાળી જાય…. પગ મને….
જોઇ ચતુરતા ભીલ જનની જાનકી મુસકાયજી
અભણ કેવું યાદ રાખે
ભણેલ ભુલી જાય…. પગ મને….
આ જગતમાં દીનદયાળું ! ગરજ કેવી ગણાયજી
ઊભા રાખી આપને પછી
પગ પખાળી જાય…. પગ મને….
નાવડીમાં બાવડી ઝાલી રામની ભીલરાયજી….
પાર ઉતારી પૂછીયું તમે
શું લેશો ઉતરાઇ…. પગ મને….
નાઇની કદી નાઇ લ્યે નહિ આપણે ધંધાભાઇજી….
કાગ લ્યે નહિ ખારવાની
ખારવો ઉતરાઇ…. પગ મને….
રામાયણ –મહાભારત જેવા આપણાં અમૂલ્ય પ્રાચીન શાસ્ત્રો કવિઓ-સર્જકો માટે હંમેશા અખૂટ પ્રેરણાના સ્ત્રોત સમાન રહ્યા છે. લોકકવિઓએ તો આ શાસ્ત્રના તમામ પ્રસંગોને આડકંઠ ગાયા છે. એમ પણ કહી શકાય કે આ બધા મહાકાવ્યોની પ્રસાદી આપણાં લોકકવિઓ જ ગામ-ગામ સુધી જન-જન સુધી લઇ ગયા. આથીજ કદાચ સ્વામી આનંદે તેમને શાસ્ત્રોનો પ્રસાદ ઘરે-ઘર પહોંચાડનારા ‘‘રીટેઇલર્સ’’ કહ્યાં. કવિ શ્રી દુલા ભાયા કાગની પ્રસ્તુત રચના પણ આ પ્રકારનીજ છે. આ રચના – ભજન એક લોકગીત જેટલીજ લોકપ્રિય બની છે. સૌરાષ્ટ્ર- કચ્છમાં મોડી રાતે પોતાના દૈનિક કામકાજથી પરવારી શ્રમિક વર્ગના લોકો એકતારાના સથવારે ભજનો લલકારે ત્યારે આ ભજનને તેમાં અચૂક સ્થાન મળે છે. પ્રસંગ ખૂબ જાણીતો છે, પરંતુ પોતાની કવિત્વ શક્તિનો સુંદર પ્રયોગ કરીને કવિએ તેને વિશેષરૂપે સજાવ્યો છે.
કવિ કહે છે કે, પ્રભુ શિલામાંથી અહલ્યાનું સર્જન કરવાની તમારી શક્તિઓ વિશે મેં સાંભળ્યું છે એટલે મારી નાવ જો તમારી ચરણરજ લાગવાથી નારી બની જાય તો મારી આજીવિકાનું સાધન ટળી જાય ! એક વનવાસી ભક્તની તથા સમાજ જેને અભણ ગણે છે તેની આ મીઠી ચતુરાઇ જોઇને જગદંબા જાનકી પણ પ્રસન્ન થાય છે. જાનકીજી કહે છે કે, આ નાવિકની ખૂબી જુઓ કે પોતે પ્રભુના ચરણ કમળની સેવા કરવા માંગે છે, એટલે બરાબર તક જોઇને તેણે પોતાની માંગણી રજૂ કરી દીધી ! જગતના તારણહારનો હાથ પકડીને નાવમાં બેસાડી ગંગાપાર કરાવનાર આ ખારવો કુશળતાપૂર્વક કહે છે કે, પ્રભુ ! મારે તમારી પાસેથી કોઇ ઉતરાઇના નાણાં લેવાના હોય જ નહિ. આપણે બન્ને તો એકજ કાર્ય કરનારા લોકો છીએ ! મેં તમને જેમ વિના વિઘ્ને ગંગાપાર કરાવી તેમ પ્રસંગ આવ્યે તમે મને ભવપાર કરાવવાની કૃપા કરજો ! રામ વનવાસના એક નાના પ્રસંગનું ભક્તિપ્રધાન સ્વરૂપ પ્રગટાવીને કવિ શ્રી કાગે આ લોકપ્રિય ભજન લોક હૈયે વહેતું કર્યુ છે.
કવિ શ્રી કાગ બંગલાની વેદનાની વાતો માર્મિક રીતે એક ભજનમાં આલેખે છે. જેનું બાહ્ય સ્વરૂપ ભવ્ય હોય, ભૌતિક સમૃધ્ધિથી ભરપૂર લાગતું હોય તેનું આંતરિક સ્વરૂપ કદાચ તેથી વિપરીત પણ હોય. બહારની ભવ્યતામાં આંતરિક વેદનાને છુપાવીને કદાચ ઘણાં લોકો જીવન વ્યતિત કરતા હશે. આથી બાપુ અને બંગલા વચ્ચેનો આ સંવાદ માર્મિક લાગે છે.
બોલો ભાઇ ! બંગલા બોલો…..
હૈયાની હાટડી ખોલો….
ભાળેલું જીભથી ભાખો !
રુદામાં ન સંઘરી રાખો….
કવિને બંગલાએ આપેલો જવાબ પણ સૂચક છે.
‘કાગ’ કે આખર બંગલો બોલ્યો,
સૂણવામાં નથી સાર….
ઈશ્વર કોઇને આપીશમા,
આવા બંગલાનો અવતાર….
હેમાળાના મારગે જાવું,
નાની એવી ઝુંપડી થાવું….
બંગલાના ભવ્ય સ્વરૂપમાં પડેલી વેદનાને કારણેજ ભૌતિક સમૃધ્ધિથી ધરાયેલ અને અકળાયેલ બંગલો અંતે તો ઝુંપડીનું સુખ તથા તેના શાંતિ અને સંતોષ ઇચ્છે છે. આથીજ મહાભારતકારે વિજેતા પાંડવોની ઐતિહાસિક યુધ્ધના વિજય બાદની વેદનાનું ચિત્ર દોરીને તેમને મૃત્યુના માર્ગે કે મુક્તિના માર્ગે ચાલતા દેખાડેલા છે.
આકાશવાણીના માધ્યમથી ભગતબાપુની વાણી આજે પણ ગુંજતી અને ગાજતી રહી છે. સંસ્કૃતિની સરવાણી વહેતી કરનાર આ કવિની વાણી કાળજયી છે. શ્રી જયમલ્લ પરમારના શબ્દોમાં આપણી સૌની લાગણીનો પડઘો સંભળાય છે.
‘‘ મેઘાણીભાઇએ જેમાં સેલારા લીધા એવી પ્રાચીન પરંપરાઓ દુલાભાઇના દિલમાંથી વહ્યા કરતી. કારણ કે દુલાભાઇ એ પરંપરામાંથી આવેલા અને મેઘાણીએ એના અંઘોળ કરેલા. એટલે દુલાભાઇની વાણીમાંથી સંસ્કૃતિની સરવાણી વહ્યા કરતી. મેઘાણીભાઇને લોકસંગીત ઘૂંટવું પડ્યું છે અને દુલાભાઇને તો પાતાળ સરવાણીઓ ફૂટતી. એમની સરળ લાગતી સુરાવલિમાં લોકકંઠના યુગોના રસાયણનો, કનૈયાની બસંરીનો રંગ નીતર્યા કરતો. દિલ ન મળાવે પણ ડોલાવે જરૂર. દુલાભાઇના કંઠના કામણ દિલ્હી સુધી સૌને ડોલવતા રહેલાં. નાખી નજર પહોંચે છે ત્યાં સુધી લોકસાહિત્યના ક્ષેત્રે આજેય તેઓ મૂઠી ઊંચેરા જ લાગે છે. ’’ આ મૂઠી ઊંચેરા કવિની સ્મૃતિને જીવંત તથા જ્વલંત રાખવા મોરારીબાપુના સાનિધ્યમાં યોજાતો સ્નેહીજનોનો મેળો પણ માણવો ગમે તેવો પ્રસંગ હોય છે. ભર્તુહરી મહારાજે યથાર્થ કહેલું છે કે આવા કવિઓની વાણીને જરા – મરણનો ભય હોતો નથી.
***
Leave a comment