મળતાં ………. હળતાં ………..

ચારણો દેવીપુત્રો કહેવાયા તેમાં પરમ કૃપાળુ આઇઓની અપાર કૃપા તેમજ ચારણ સમાજનો તેમના તરફનો આદર તથા શ્રધ્ધા એ મહત્વના પાસા છે. આઇ સોનબાઇમા હોય કે આઇ કંકુ કેશરમા હોય. સૌની લાગણીની દ્રષ્ટિ, કાળજીની દ્રષ્ટિ સમાજ તરફ રહેતી હોય છે. આ વાતની અવારનવાર પ્રતિતિ પણ થયા કરે છે. આવી પ્રતિતિ તાજેતરના એક પ્રસંગે ફરી થઇ. પૂ. મોરારીબાપુએ ભાવનગર બોર્ડિંગના નવનિર્માણના રળિયામણા તથા યાદગાર પ્રસંગે એક રામકથાનું આયોજન ચારણ સમાજની શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરતી તમામ સંસ્થાઓ માટે કરવાની વાત કે વચન સ્વેચ્છાએ તથા નિજાનંદે ઉચ્ચારી હતી. સંતોની કૃપા અકારણ તથા માગ્યા સિવાય પણ હોઇ શકે તેનું આ જવલંત ઉદાહરણ છે. સમાજે એક અવાજે આ વાતને વધાવી. થોડા દિવસો પહેલાં આઇ શ્રી કંકુ કેશરમાની ઇચ્છા તથા સૂચના મજબ આ રામકથા અંગે થયેલ પ્રગતિની સમીક્ષા કરવા તેમજ તેના સ્થળ-સમય બાબત વિચાર કરવા, શકયતે આગોતરૂ આયોજન કરવા અમદાવાદમાં ગઢવી સોસાયટી (નવરંગપુરા) ખાતે શ્રી અક્ષયભાઇ સામતભાઇ વરસડાને ત્યાં એક બેઠક તા.૧૨/૦૨/૨૦૧૪ ના રોજ બોલાવવામાં આવી. પૂ. કંકુ કેશરમા પ્રથમથી જ કથાના આ મહત્વાકાંક્ષી પ્રોજેકટને દિશા તથા બળ પૂરૂં પાડી રહયાં છે. ચર્ચા-વિચારણાના અંતે જ્ઞાતિના હિત માટે સજાગ એવા અમેરિકા સ્થિત શ્રી રામભાઇ સોયાની સક્રિય દરમ્યાનગીરીથી પૂ. મોરારીબાપુ સાથે 

પણ એક ટૂંકી મુલાકાત  બેઠકના  દિવસે  જ ગોઠવવામાં આવી. પૂ. કંકુ કેશરમા તથા સૌ ભાઇઓને જોઇ પૂ. બાપુએ પોતાની પ્રસન્નતા વ્યકત કરી. કથાના સ્થળ બાબત તેમણે શ્રી રામભાઇ સોયાના સૂચન બાબત જણાવ્યું કે હેતુ સારો તથા પરિણામલક્ષી પ્રસંગ કરવાનો છે. સ્થળ અંગે તેઓની અમૂક પસંદગી જરૂર છે. પરંતુ સમાજના મત તેમજ અનુકૂળતા સાથે તેઓ આ બાબત પુન:વિચાર કરી શકે છે તેમ હૈયાધારણ આપી. સંત પુરૂષો મતાગ્રહી નહીં પણ સ્નેહાગ્રહી હોય છે તે વાતની પ્રતિતિ આ મુલાકાતથી થઇ. પૂ. કંકુ કેશરમાએ સમાજ વતી આભાર પ્રદર્શિત કર્યો અને આવનાર દિવસોમાં કોઇ વૈકલ્પિક સ્થળ વિચારીને સૂચવવામાં આવશે તેમ પણ પૂ. મોરારીબાપુને જણાવવામાં આવ્યું. સૌને આ ઘટનાથી પ્રસન્નતા થઇ. ઉત્સાહ બેવડાયો. મા ની કૃપા અને સંત પુરૂષની ઉષ્માનો એક સુખદ અનુભવ થયો. જગદંબા જરૂર સારૂં પરિણામ અપાવશે તેવી શ્રધ્ધા અસ્થાને નથી. મા પોતાવેટ પાળવાવાળા છે તેવી સુંદર વાત પૂ. ભગતબાપુએ કરી તે સાર્થક થતી લાગે. 

ઉગમણાં ઓરડાવાળી, 

ભજા તોય ભેળિયાવાળી, 

સોનલમા આભકવાળી

પોતાવટ પાળવાવાળી.

પોપટપરા : નવજાગૃતિનો સૂર્યોદય

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાનું પોપટપરા ગામ એટલેઆમ તો એક નાની અને ઓછી જાણીતી જગ્યા. પરંતુ આ તાલુકાના લગભગ ર૦ ગામોમાં વસેલા ચારણોએ ગામની શોભા વધારી. મુખ્ય માર્ગ પર જ એક શિખરબંધ મંદિર તેમણે બાંધ્યું અને તેમાં આઇમાઓની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરી. સમાજની શ્રધ્ધા આ બધી આઇઓમાં જ સ્થિર થયેલી છે. ભગતબાપુના અમર શબ્દો યાદ આવે….

ચારણો જન્મથી પક્ષપાતી બની

શરણ જનની તણું એક લીધું.

પરંતુ ગામની, વિસ્તારની તથા મંદિરની શોભામાં વૃધ્ધિ થાય તેવું સમૂહલગ્નનું આયોજન પણ તેઓ છેલ્લા એક દાયકાથી કરે છે. સમગ્ર આયોજનમાં પૂ. કંકુ કેશરમાના આશીર્વાદ છે અને શ્રી દાદુભાઇ તથા લાભુભાઇ અને રામભાઇ જેવા જ્ઞાતિના હિતચિંતકોની મહેનત છે. ૨૩ યુગલોએ લગ્નમાં તા.૧૭/૦૨/૨૦૧૪ ના રોજ યોજાયેલા સમૂહ લગ્નમાં ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યો. ત્યાના સમાજના ભાઇઓમાં એવી સામાન્ય લાગણી છે કે, ઘણાં કુટુંબોને આવા સમૂહલગ્નના આયોજનથી રાહત મળે છે. પ્રસંગની શોભા વધારે તેવી પ્રાર્થના ભાઇ આદિત્ય બોક્ષાએ કરી. સમાજના તેજસ્વી તારલાઓ જેવા વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહન સ્વરૂપે સન્માનવામાં આવ્યા. આ  પ્રસંગ  જોતા પ્રતિતિ થઇ કે,  હવે અહીં  પણ  શિક્ષણની  ભૂખ ઉઘડી  છે.  માત્ર  તેને  ગતિ  અને  દિશા  આપવાની જરૂર છે. પૂ. કંકુમાએ ખૂબ જ ભાવપૂર્વક આઇ શ્રી સોનલે બતાવેલ માર્ગે સંસ્કાર સાચવીને શિક્ષણ વધારવા સૌને સલાહ આપી. ગોધરા તાલુકાના નાના મોટા વીસેક ગામોમાં પથરાયેલા આ જ્ઞાતિ સમૂહને જોઇને થયું કે હજૂ મહદઅંશે તેઓ પરંપરા તથા સંસ્કારને સાચવીને બેઠા છે. 

પૂ. કંકુમાની પ્રેરણાથી સ્થાનિક ભાઇઓ પણ ઘણી મહેનત કરે છે. તેમની મહેનત છે, શ્રધ્ધા પણ છે એટલે જગદંબાની મહેર છે અને રહેશે જ.

‘કાગ’ ખેડૂતની ખેડી ઘરણી પરે

મહેર વરસાદની લાવ માયા …. 

ખોળલે ખેલવ્યા બાળને માવડી

આજ તરછોડ મા જોગમાયા.

    વી. એસ. ગઢવી

  ગાંધીનગર

Leave a comment

Blog at WordPress.com.

Up ↑