હાજી કાસમ તારી વીજળી રે સમદરિયે વેરણ થઇ ! શેઠ કાસમ તારી વીજળી રે મધદરિયે વેરણ થઇ ! ભુજ અંજારની જાનુ રે જૂતી જાય રે મુંબઇ શેર દેશ પરદેશી માનવી આવ્યા જાય રે મુંબઇ શેર..... કાસમ તારી વીજળી રે મધદરિયે વેરણ થઇ.
લોકજીવનની અનેક સારી-માઠી કથાઓમાંથી લોકસાહિત્યનું નિર્માણ થાય છે. લોકસાહિત્ય એ દરેક કાળે જીવાતા લોકજીવનનું પ્રતિબિંબ હોવાથી એ નિત્ય નૂતન રહે છે તથા સમય તેમજ પ્રસંગને અનુરૂપ પરિવર્તન પામતું રહે છે. સામાન્ય રીતે લોકસાહિત્યમાં સામુહિક ઉલ્લાસના પ્રસંગો તેમજ તેની કથાઓ ઘણી મળી આવે છે. પરંતુ સમાજ પર ઘેરાયેલી વેદનાની વાત પણ આ સાહિત્યમાં નખશીખ ઝીલાય છે અને કદાચ તે કારણે જ જે તે ઘટનાને કાળના પ્રવાહમાં ચિરંજીવીતા પ્રાપ્ત થાય છે. વાગડમાં ઢોલીની કળા પર ઓળઘોળ થતી અને ઉલ્લાસનું પર્વ ઉજવતી આહિરાણીઓની કથા પણ આ માનુનિઓનું ગૌરવ કરનારી છે. ઉપરાંત આ કરૂણાંતિકા દરેક વાચક કે ભાવકના મનમાં ઉંડી વેદના પણ પ્રગટાવે છે. એવાત ખરી છે કે આવી લોકકથાઓ કે લોકસાહિત્યનું એક સંશોધકની દ્રષ્ટિથી નિરક્ષિર તારવીને સંપાદન કે દસ્તાવેજીકરણ ઓછા પ્રમાણમાં થઇ શકયું છે. આથી કેટલીકવાર તેમાં લોકવાયકા થકી અતિશયોક્તિનું તત્વ સહેજે ઉમેરાય છે. હકીકત દોષ થવાનો પણ ભય રહે છે. આ મર્યાદાને બાદ કરતા લોકવાયકા-કથાઓનું એક મૂલ્ય પણ છે. આ મૂલ્યનું આગવું મહત્વ પણ છે. આવી કથાઓ આવા લોકજીભે ચડેલા લોકસાહિત્ય થકી જ સચવાઇ છે. વ્યાપક રીતે લોકસ્મૃતિમાં રહી છે. આથી જ લોકસાહિત્ય એ ખરા અર્થમાં લોકધન છે. સૌની સહિયારી સંપત્તિ છે. આજ કથા-વાયકા કે ગીતોમાંથી કયારેક કોઇ ઇતિહાસકાર કે સંશોધક વિગતોના ઉંડા જળમાં ડૂબકી લગાવીને સમાજ સામે તેનો અર્ક રજૂ કરે છે. આમ નિર્ભેળ હકીકતોના મૂળ સુધી પહોંચવાના પગથિયા તો જરૂર સાહિત્યમાંથી મળે છે. મેઘાણીભાઇ, દુલેરાય કારાણી કે જયમલ્લાભાઇ પરમાર પણ આવી સંશોધકીય સાહિત્ય યાત્રા કરીને જ શકય તેટલા હકીકતોથી નજીક હોય એવા પ્રસંગો સમાજને પીરસીને ગયા છે. હાજી કાસમ અને તેની વીજળી નામની સ્ટીમરના કીસ્સામાં પણ આવો જ ઘટનાક્રમ થયો હોય તેવું લાગ્યા કરે છે.
થોડા સમય પહેલાં જ ‘‘ભાતીગળ સૌરાષ્ટ્ર’’નામના દ્વિમાસીક સામયિકના નવેમ્બર-ડીસેમ્બર ૨૦૧૩ ના અંકમાં વીજળીની કથા અંગેની વિવિધ વિગતો પ્રસિધ્ધ થઇ છે. આ અંકના મુખ્ય વિષય તરીકે જ હાજી કાસમની વીજળીને લેવામાં આવ્યોછે. કચ્છ તથા સૌરાષ્ટ્રના સાગરકાંઠાના અનેક લોકોની સ્મૃતિમાં વીજળીની ઝાકઝમાળ તેની લોકવાયકા તેમજ લોકગીતને કારણે અકબંધ રહી છે. આથી ‘‘ભાતીગળ સૌરાષ્ટ્ર’’ના આ અંકમાં કાળજીપૂર્વક વણી લેવાયેલ ઘટનાઓ સૌને વાંચવી અને માણવી ગમે તેવી છે. ‘‘ભાતીગળ સૌરાષ્ટ્ર’’ નામનું આ સામયિક ભાઇ શ્રી રાજેન્દ્રભાઇ દવે ચિવટપૂર્વક વિષયોની પસંદગી કરીને એક દાયકા કરતા પણ વધારે સમયથી ચલાવે છે. આવી સાહિત્ય વિષયક પ્રવૃત્તિ શરૂ કરવા માટે તેમજ તેને ટકાવી રાખવા માટે સૌરાષ્ટ્ર સંસ્કૃતિ ફાઉન્ડેશનઅને રાજેન્દ્રભાઇ અભિનંદનના અધિકારી છે. આવા સામયિકોના માધ્યમથી પણ દસ્તાવેજીકરણનું કામ ક્રમશ: થતું રહે છે. લાંબાગાળે તેનું વિશેષ મૂલ્ય સમજાય છે.
સાગરની વિશાળતા તથા ભવ્યતા તેની સાથે સંપર્કમાં આવનારા સૌ કોઇના દિલો-દિમાગમાં વધતા ઓછા અંશે ઉતરતી હશે તેમ માનવાને કારણ છે. આ રીતે જોઇએ તો ગુજરાતનો સામુદ્રિક ઇતિહાસ અનેક વર્ષોમાં વેરાઇને પડેલો છે. આપણો પ્રદેશ અનેક સાહસિક અને દ્રષ્ટિવંત ગુજરાતી સાહસખેડુથી શોભાયમાન છે. ભારતના કુલ સમુદ્ર કાંઠાના વિસ્તારનો અંદાજે ચોથા ભાગનો વિસ્તાર અને દેશની લાંબામાં લાંબી દરિયાઇ પટ્ટી ધરાવતું આપણું રાજય છે. લગભગ ૧૬૦૦ કી.મી.ના વિસ્તારમાં લાંબા પટ્ટે સમુદ્રના ઘેરા સ્વરોને સમજતો તથા માણતો પ્રદેશ ગુજરાતનો ભાગ છે. આર્થિક ગતિવિધિઓ ઉપરાંત બીજા અનેક દ્રષ્ટિકોણથી આ વિસ્તારનું મહત્વ અદકેરૂં છે. આથી જ કદાચ ગુણિયલ ગુજરાતી એક જવાબદાર ભારતવાસી બની શકયો હશે. કવિ શ્રી ઉમાશંકર જોશીએ આ લાગણીને સુંદર શબ્દદેહ આપ્યો છે.
અર્બુદ – અરબ સમુદ્ર વચાળે
ધરતીના આ આઉ દૂધાળે,
આવી વળગી હર્ષ ઉછાળે
ઉત્તર પશ્રિમ દક્ષિણ પૂર્વથી વિધવિધ પ્રજા સુહાસી,
હું ગુર્જર ભારતવાસી.
ગુજરાતના સાગરકાંઠાના વિસ્તારની ખુમારી તથા ગતિવિધિઓને ખૂબ જ સુંદર રીતે વણીને શ્રી ગુણવંતરાય આચાર્ય સમાજ પર પોતાનું રૂણ ચઠાવીને ગયા છે. ‘‘ દરિયાલાલ’’ ની તેમની ભાતીગળ વાતો કોઇપણ કાળે માણવી ગમે તેવી છે. ઇતિહાસ અને સાહિત્ય વચ્ચે એક સહજ અનુસંધાન છે. તેવી પ્રતિતિ આ બધી કથાઓ વાંચતા થાય છે. લોથલ, માંડવી(કચ્છ), ધોલેરા કે ઘોઘા જેવા એક સમયના ખૂબ મહત્વના અને ધબકતા બંદરીય કેન્દ્રોની જાહોજહાલીએ ઘણા ઉતાર- ચઢાવ અનુભવ્યા છે.
વીજળીની કથા પણ એક સાગર સાથે જોડાયેલી મહત્વની તેમજ લોકજીભે જીવંત કથા છે. લોકસાહિત્યને કારણે તેમજ લોકલાગણીના પ્રતાપે આ કથાને ચિરંજીવતા પ્રાપ્ત થઇ છે. કચ્છના સુપ્રસિધ્ધ તથા સિધ્ધહસ્ત લેખક શ્રી દુલેરાય કારાણીએ પણ વીજળીકથા સુપેરે આલેખી છે. ‘‘ભાતીગળ સૌરાષ્ટ્ર’’ ના અંકમાં જ આ વિષયના નિષ્ણાત શ્રી વાય. એમ. ચિત્તલવાલાનો હકીકતો આધારીત લેખ પ્રસિધ્ધ કરવામાં આવ્યો છે. આથી સાહિત્યીક રંગો તેમજ ઐતહાસિક તથ્યો આધારીત હકીકતોનો સુભગ સમન્વય થયેલો છે.
જે વાત વ્યાપક રીતે પ્રચલીત છે તેની કેટલીક વિગતો શ્રી રાજેન્દ્ર દવે તથા અન્ય સિધ્ધહસ્ત કલમોથી આલેખાયેલી છે તેમાં શ્રી સંજય ઠાકર, જયોતિ રાવલ, તેમજ કિશોર વ્યાસનો સમાવેશ થાય છે. શ્રી ગુણવંતરાય આચાર્યએ લગભગ છ દાયકા પહેલાં ‘‘હાજી કાસમ તારી વીજળી’’ પુસ્તકની અમૂલ્ય ભેટ સમાજને આપી. આ પુસ્તકની પછી ઘણી આવૃત્તિઓ પણ થઇ.
શ્રીદુલેરાય કારાણીના આલેખન મુજબ વીજળી ૧૮૮૮ ના નવેમ્બર માસમાં કચ્છના ધીકતા બંદર માંડવીથી મુંબઇની સફર માટે તૈયાર હતી. વીજળી બોમ્બે સ્ટીમ નેવીગેશન કંપનીની આગબોટ હતી. મુંબઇ સ્થિત હાજીકાસમ જાસુબ નામના હેઠે એક અંગ્રેજની ભાગીદારીમાં આ કંપનીનીનસ્થાપના કરી હતી. કંપનીનો વહીવટ હાજી કાસમ સંભાળતા તેથી ‘‘હાજી કાસમની કંપની’’ તરીકે આ સાહસ જાણીતું બન્યું હતું. આગબોટનું મૂળ નામ તો ‘‘વેટરના’’ હતું પરંતુ તેની ઝાકઝમાળ તથા પ્રકાશના પ્રભાવથી લોકોતેને વીજળી તરીકે ઓળખતા હતાં. લોકજીભે ચડેલી ઓળખ લાંબા ગાળા સુધી સચવાય તે સ્વાભાવિક હોવાથી વીજળી નામ જાણીતું બન્યું. અરબ સાગરના અફાટ તથા નિરંતર ચાલતા હિલોળાઓ વચ્ચે વીજળીની એક જૂદી તથા આકર્ષક છબી ઉભી થતી હતી તેમ કારાણી ભાઇએ નોંધેલું છે. વીજળીની સફરનો લહાવો લેવા માંડવી બંદરે અનેરો ઉત્સાહ તથા ઉમંગ હતા. માંડવીના દરિયા કિનારેથી સાડા સાતસો મુસાફરો વીજળીની સફર માટે તૈયાર હતા તેવી લોકપ્રચલીત માન્યતા છે. આ મુસાફરોમાં કચ્છના અલગ અલગ ગામોની કુલ તેર જાનનો પણ સમાવેશ થતો હતો.
જે રીતે કથા પ્રચલિત છે તે રીતે વીજળીની મુસાફરી માંડવીથી શરૂ થઇ દ્રારિકા સુધી પહોંચી. આ કથા સાથે એક એવી વાત પણ જોડાયેલી છે કે વીજળીની મુંબઇ તરફની મુસાફરીમાં પોરબંદરથી પણ કેટલાંક યાત્રિકો બેસવાના હતા પરંતુ પોરબંદરના તત્કાલિન એડમિનિસ્ટ્રેટરે દરિયાનું તોફાની સ્વરૂપ જોઇને પોરબંદરના મુસાફરોને વીજળીની મુસાફરીકરતા રોકયા. જે લોકોને રોકયા તેઓ નારાજ તથા નિરાશ પણ થયાં. વીજળીનો કેપ્ટન ઇબ્રાહિમ જો કે દરિયાના તોફાની સ્વરૂપને નિહાળવાછતાં આગળની મુસાફરી પૂરી કરવા આગ્રહી હતો. અંતે કુદરતે જે નિર્ધારી હતી તે જ ઘટના બની. વીજળી પોરબંદર તથા માંગરોળ વચ્ચેના માર્ગ પર હતી ત્યારે ભયંકર પવન ફૂંકાવો શરૂ થયો. આ વેગવંતા પવનની અસરથી વીજળી હાલકડોલક થવા લાગી. અંતે વેગીલા પવન સાથેના વિકરાળ મોજાઓ સામે વીજળી ઝીંક ઝીલી શકી નહિ. લગ્નગીતોની જગ્યાએ જાનૈયાઓ સહિતના લગભગ ૧૩૦૦ મુસાફરોએ હાંફળાફાંફળા થઇ હાહાકાર મચાવ્યો. પણ વિધિનિર્માણ દૂર્ઘટના અંતે બનીને જ રહી. ઝાકઝમાળ સાથેની લોકપ્રિય વીજળીએ વેરાવળ-માંગરોળ વચ્ચેના દરિયામાં જળસમાધી લીધી. વીજળી માટેનો કારમો વિલાપ આજે પણ લોકગીતોમાં પડઘાયા કરે છે.
હાજી કાસમ તારી વીજળી રે
મધદરિયે વેરણ થઇ !
ભૂજ અંજારની જાનુ રે જૂતી
જૂત્યા કેસરીયા વર રે !
ઉત્તર દખણના વાયરા વાયા
વાયરે ડોલ્યા વહાણ
ચાહમા ચડાવીને માલમી જૂએ
પાણીનો નાવે પાર રે !
કાસમ તારી વીજળી ……
દેશ પરદેશ તાર વછૂટયા
વીજળી બૂડી જાય
વાણિયો વાંચેને ભાટિયો વાંચે
ને ઘર ઘર રોણાં થાય.
પીઠી ચોળેલ કોઇ લાડલી વાંચે
માંડવે ઉઠી આગ ……
કાસમ તારી વીજળી……..
ફટ ભૂંડી તુ વીજળી !
મારા તેરસો માણસ જાય,
વીજળી કે મારો વાંક નૈ વીરા
લખિયલ છઠ્ઠીના લેખ.
કાસમ તારી વીજળી ……
આ ઘટના લોકગીતના સબળા માધ્યમથી જીવંત તેમજ ગવાતી રહી છે. આ રીતે લોકો આ ગોઝારી ઘટનાને યાદ કરતા રહે છે. લોકગીત એ કોઇ ચોક્કસ કવિની રચના હોતી નથી અને તેથી આ ગીત સાથે કોઇ ચોક્કસ કવિનું નામ જોડાયેલું નથી.
***
આ પ્રચલિત લોકકથા-લોકગીતની વિગતો સામે સૌરાષ્ટ્રના પુરાતત્વવીદ્દ શ્રી ચીત્તલવાલાએ કેટલીક નકકર હકીકતો સંશોધનના આધારે પ્રસ્તુત કરી છે. આ પ્રયાસ ખૂબ જ પ્રશંસાને પાત્ર ગણાય. દર્શક ઇતિહાસનિધિએ શ્રી ચીત્તલવાલાનું આ વિષયનું માહિતીપ્રદ પુસ્તક તૈયાર કરીને નોંધપાત્ર તેમજ અભિનંદનને પાત્ર કામ કર્યું છે. પશ્રિમના દેશોમાં આવી ઘટનાઓ બન્યા બાદ તેની તપાસ-સંશોધનના પગલાં ઝડપથી લેવામાં આવે છે. અમેરિકાની સેનેટે ટાઇટેનિકની દૂર્ધટના પછી તરત જ તપાસ માટેની પહેલ કરાવી હતી. બ્રિટનની સરકારે પણ તેની વિગતવાર તપાસ અલગ તથા સ્વતંત્ર રીતે કરાવી હતી.
ભાતીગળ સૌરાષ્ટ્રના આ નાના પણ માહિતી સભર અંકથી હાજી કાસમની વીજળીની સ્મૃતિનો ઝબકારો જરૂરથી સૌના મનમાં થશે.
***
Leave a comment