કવિ દાદની સર્જન યાત્રા

                        વિશ્વકોશમાં  ૧૯ મી ફેબ્રુઆરીના રોજ કવિ દાદની સર્જનયાત્રા વિશે સાહિત્યમાં રૂચિ અને સુઝ ધરાવતા મિત્રો-સ્નેહીઓ સાથે વાત કરવાનું થયું. કવિ શ્રી હરીન્દ્ર દવેએ કહ્યું છે તેમ કવિ કાગ પછી કવિ દાદ ચારણી પરંપરાને આગળ વધારનારા- ઉજાળનારા કવિ છે. કવિના સર્જનો અનેક સુપ્રસિધ્ધ કલાકારોના કંઠેથી સતત વહેતા રહ્યા છે. દાદની રચનાઓ તેના સરળ તથા પ્રવાહી કાવ્ય તત્વ તેમજ ગેય હોવાથી તેની રજૂઆત પણ ચિત્ત આકર્ષક રહી છે. ઉપરાંત કવિ દાદ પોતે પણ માતા સરસ્વતીની કૃપાથી સુંદર રચનાઓનું નિજાનંદે સર્જન કરવા ઉપરાંત મીઠા કંઠે તેની ધારદાર રજૂઆત પણ કરી શકે છે. કવિ શ્રી કાગ (ભગતબાપુ) પછી આ ઉભય કળાઓ તેમને વરી છે. કવિ દાદની શાખ (અટક) મીસણ છે. આ શાખામાં સોલંકી યુગના ખ્યાતનામ કવિઓ આણંદ અને કરમાણંદ થઇ ગયા.

                ૧૯૬૭ ના વર્ષના પવિત્ર શ્રાવણ માસની એક રસીક ઘટના કવિ શ્રી મકરંદ દવે એઆલેખી છે. સ્વામી આનંદ તે સમયે હરિદ્રારમાં પવિત્ર ગંગા નદીના સાનિધ્યમાં હતા. સ્વામીદાદાએ સાંઇ મકરંદને એક પત્ર લખ્યો. તેમણે જણાવ્યું કે, કોઇ યાત્રિકબહેન પાસેથી તેમણે એક સુંદર કાવ્યરચના સાંભળી. શબ્દો હતાં :

ટોચોમાં ટાંકણું લઇ ભાઇ ઘડવૈયા !

                        મારે ઠાકોરજી નથી થાવું.

સ્વામીદાદા ઉમેરે છે કે, કાવ્ય સુંદર છે અને તેની રચના કોઇ ‘‘દાદલ’’ નામના સંતકવિએ કરી હોય તેમ કાવ્ય સાંભળતા જણાય છે. આ રચના ગાનાર પાસે કાવ્યની પૂરી ટેકસ્ટ નથી અને તેના સર્જક વિશે તેમને કોઇ માહિતી પણ નથી. પછી તેઓ સાંઇ મકરંદને પ્રશ્ન કરે છે કે તમારા ધ્યાન બહાર સંત કવિ નહિ હોય. આ કવિ મધ્યયુગના કોઇ સંત કવિ છે કે કેમ તે બાબત પણ સ્વામીદાદાએ પૂછપરછ કરી. મકરંદભાઇઆ બધી વિગતોના હરતા ફરતા કોશ જેવા. આથી તેઓ સ્વામીદાદાને પ્રત્યુત્તર આપતા લખે છે કે, આ દાદલ કોઇ મધ્યયુગના સંતકવિ નથી. પરંતુ નૂતન યુગનો ચારણ કવિ છે. ભાતીગળ રંગની કવિતાઓનો સર્જક છે. આમ અનાયાસ કવિને સ્વામીદાદાના આશિર્વાદ પ્રાપ્ત થયા. સ્વામીદાદાએ જેનો ઉલ્લેખ કર્યો તે રચના ખૂબ જ લોકપ્રિય થઇ છે. ગુજરાતના ગામેગામ ગવાઇ છે અને શ્રોતાઓએ ઉમંગથી વધાવી છે.

ટોચોમાં ટાંકણું લઇ ભાઇ ઘડવૈયા !

                        મારે ઠાકોરજી નથી થાવું.

                ધડધીંગાણે જેના માથા સમાણે

                        એનો પાળિયો થઇને પૂજાવું …. ઘડવૈયા મારે …..

                હોમ હવન કે જગન જાપથી

                        મારે નથી પધરાવું

                બેટડે બાપના મોઢા ન ભાળ્યા

                        એના કુમળા હાથે ખોડાવું …. ઘડવૈયા મારે …..

                ગોમતીજી કે ઓલ્યા જમુનાજીના

                        નીર ગંગામાં નથી નાવું

                નમતી સાંજે કોઇ નમણી વિજોગણના

                        ટીપા આંસુડે ભીંજાવું… ઘડવૈયા મારે …..

                મોહ ઉપજાવે એવી મૂરતિયુંમાં

                        ચિતારા નથી ચીતરાવુ.

                રંગ કસૂંબલ ઘૂંટયો રદામાં

                        દાદલ જાજુ શું રંગાવું ? …. ઘડવૈયા મારે ….. 

કવિનું પૂરૂં નામ દાદુદાન પ્રતાપદાન મીસણ (ગઢવી) વેરાવળ તાલુકાના ઇશ્વરીયા ગામે ૧૯૪૦માં કવિનો જન્મ થયો. ફોર્મલ શિક્ષણ સામાન્ય પરંતુ કવિત્વ શક્તિ અસાધારણ. સાત દાયકાથી વધારે અર્થપૂર્ણ આયુષ્યમાં કવિશ્રીએ આઠ જેટલા કાવ્ય સંગ્રહોની અમૂલ્ય તથા ચિરંજીવી ભેટ સમાજને ચરણે ઘરી છે. છેલ્લી અડધી સદીથી પોતાના મધુર કંઠેથી સાહિત્ય તથા કાવ્યોની રસલ્હાણ પીરસે છે. કવિનું જાહેર અભિવાદનમુંબઇમાં ૧૯૯૩ માં ભવ્ય રીતે કરવામાં આવ્યું. આ કાર્યક્રમ માતુશ્રી બીરલા માતૃગૃહમાં પૂજય મોરારીબાપુના અધ્યક્ષસ્થાને થયો. ગુજરાત સરકાર તરફથી પણ તેમનું સન્માન લોકકલા ક્ષેત્રનો એવોર્ડ ૧૯૯૮ માં આપીને કરવામાં આવ્યું. પૂજય મોરારીબાપુ પ્રેરીત કવિ શ્રી દુલા કાગ લોકસાહિત્ય એવોર્ડ કવિશ્રીને ૨૦૦૩ ના વર્ષમાં આપવામાં આવ્યો. કવિતાની અણમોલ આહૂતિ આપીને કવિએ સામાજિક ચેતના પ્રગટાવવાનું યશકાર્ય કર્યું છે.

સરિતાઓને કાકાસાહેબે લોકમાતાઓ કહી છે તે યથાર્થ છે. નદીઓના કિનારે માનવજીવન પાંગર્યું છે. નદી સમાજ જીવનની, સંસ્કૃતિની ધારક, પોષક તથા સંવર્ધક છે. તેનું સ્વરૂપ જ રમણિય છે. પ્રયાગના સંગમનું દર્શન કરીને માનસના રચયિતા મહાકવિ સંત તુલસીદાસજી પણ તેનું વર્ણન કરવા કલમ ઉપાડે છે.

દેખત સ્યામલ ધવલ હલોરે

                        પુલકિ સરીર ભરત કર જોરે

કવિ દાદનો ઉછેર ગિરની વનરાઇ ચોમાસામાં તેમજ તેમાં ખળખળ વહેતા ઝરણાઓ વચ્ચે થયો છે. ગિરનારના સ્વરૂપ તથા તેમાંથી પ્રગટ થતી નદીઓના મોહક સ્વરૂપે કવિ આકર્ષયેલા છે. મેઘાણીભાઇ પણ પોતાને ‘‘ હું પહાડનું બાળક ’’ કહીને ઓળખાવતા. આથી ગિરની વનરાજી વચ્ચેથી રૂઆબભેર વહી જતી હિરણ નદી તરફ કવિનું ધ્યાન સહજ રીતે જ જાય.

  ડુંગરથી દડતી ઘાટ ઉતરતી

                        પડતી પડતી આખડતી.

                આવે ઉછળતી, જરા ન ડરતી

                        હરતી ફરતી મદઝરતી

                કિલકારા કરતી, ડગલાં ભરતી

                        જાય ગરજતી જોરાળી

                હિરણ હલકાળી જોબનવાળી

                        નદી રૂપાળી નખરાળી.

ત્રિભંગી છંદમાં ગુંથાયેલી આ રચના જયાં જયાં રજૂ થઇ છે ત્યાં ત્યાં લોકોએ તેને વખાણી છે તથા વધાવી છે.

કવિશ્રીના ગીતો લગભગ ૧૫ ગુજરાતી ફિલ્મોમાં લેવાયા છે. તેમાંથી ‘‘ કાળજા કેરો કટકો ’’ એ લોકપ્રિય કાવ્યને શ્રેષ્ઠ પાર્શ્વગીત પુરસ્કાર મળ્યો. સુદામા તથા કૃષ્ણની ભગવદમૈત્રીના કાવ્યને કવિ શ્રી મકરંદ દવે સહિત અનેક લોકોએ બિરદાવ્યું છે. વહાલસોયી દિકરીના કન્યા વિદાય પ્રસંગનું ગીત : –

‘‘ કાળજા કેરો કટકો મારો ગાંઠથી છુટી ગ્યો

                        મમતા રૂએ જેમ વેળુમા વીરડો ફૂટી ગ્યો ’’

આ કાવ્ય ખૂબ જ લોકપ્રિયતા પામેલું છે. કુંવારી કલ્પનાઓના આ કવિની સર્જનયાત્રામાં ભરપુર વિષય વૈવિધ્ય છે.

શબ્દ એક શોધું ત્યાં

                        આખી સંહિતા નીકળે

                કૂવો જયાં એક ખોદુ ત્યાં

                        આખી સરિતા નીકળે

                સાવ અલગ તાસીર છે

                        આ ભૂમિની

                અહીં મહાભારત વાવો

                        અને ગીતા નીકળે

                જનક જેવા આવીને

                        જો હજીએ હળને હાંકે

                તો હજીએ આ ધરતીમાંથી

                        સીતા નીકળે

                હજીએ ધબકે છે કયાંક

                        લક્ષ્મણની એ રેખા

                રાવણો પણ જયાંથી

                        બીતા બીતા નીકળે

ચારણ કવિઓ સંસ્કાર તથા પરંપરાથી શિવ અને શક્તિના આરાધકો છે. કવિ દાદ પણ પરમાત્માના શિવ સ્વરૂપ તરફ આકર્ષાયેલા છે. શિવની કૃપાથી જ સૃષ્ટિનો તમામ કારોબાર ચાલે છે તેવું માનનારા છે. આથી શિવની દ્રષ્ટિ, તેમની કૃપા કવિ હંમેશા યાચી રહ્યા છે.

  તેરી ક્રીપા બીના ન હીલે એક હીં અણું

                લેતે હૈ શ્વાસ તેરી દયાસે તનું તનું

                કહે ‘‘દાદ’’ એકબાર મુજકો નીહાળ તું

                આયો શરન તીહારે પ્રભુ તાર તાર તું.

                કૈલાસ કે નિવાસી નમું બાર બાર હું

                આયો શરન તીહારે પ્રભુ તાર તાર તું.

આજ પ્રકારે દાદુભાઇએ પોતાના દુહામાં દાતારી જેવા ઉમદા ગુણોની ખીલવણી કરવામાં મનુષ્યને મળેલા સંસ્કારની વાત કરી છે. આપણાં પ્રદેશના આભુષણ સમા સિંહ વિશે વાત કરતા દાદુભાઇએ સરસ દુહો લખ્યો છે.

વધેલું વેરી દીએ, સંઘરે નહિં તલભાર,

                        અમીના લ્યે ઓડકાર, ડાઢાળો સાવજ દાદ કયે.

સંગ્રહ કરવાની વૃત્તિ કદાચ મનુષ્યને બાદ કરતાં પ્રાણી કે પક્ષીજગતમાં જોવા મળતી નથી. સંગ્રહ કરવાની વૃત્તિ અને સ્વાદને વશ થઇને ખોરાક ગ્રહણ કરવાની વૃત્તિ માનવીમાં સવિશેષ છે. ગિરના રાજા સિંહની લાક્ષણિક શૈલીની વાત કરતા કવિ લખે છે કે સિંહ શિકાર કર્યા પછી પોતાને જોઇતો ખોરાક લઇને વધેલો ખોરાક બીજા નાના-મોટા પ્રાણીઓ માટે વેરી દે છે. ફરી ખપ પડશે ત્યારે બીજો ખોરાક શોધી લેવાના આત્મવિશ્વાસથી સિંહનું ગૌરવ વધે છે. આવતી કાલની ચિંતા આજે કરીને નબળો વ્યવહાર કરવાનું આ દિલાવર પ્રાણીના સ્વભાવમાં જ નથી. કવિ દાદના ગીર સાથેના લગાવને કારણે કેટલીક ગિર સબંધેની, ગિરના સૌંદર્યનું આલેખન કરતી સુંદર રચનાઓ સમાજને મળી છે. જગતમાં જેની સત્તાનો પ્રભાવ લાંબા સમય સુધી ટક્યો છે તેના કારણોમાં ઉતરીને કવિએ એક સરસ દુહો લખ્યો છે.

જીણા મૂળનો છોડવો, જટ દઇ ઉખડી જાય,

                        મુળ ઉંડા વીણ જગતમાં, સત્તા ટકે ન સદાય.

ખૂબ વિચારવા જેવી વાત સરળ શબ્દોમાં કવિએ આપણી સમક્ષ મૂકી છે. જેમનો પ્રભાવ કાળના પ્રવાહ ઉપર લાંબો ટક્યો છે તેવા લોકોના મૂળ ઉંડા હતાં. કદાચ ઓછી મહેનતે કે વગર મહેનતે કોઇ વ્યક્તિ કે સંસ્થાના પ્રભાવમાં સમાજ આવે તો પણ આ પ્રભાવનો આયુકાળ ક્ષણજીવી હોય છે. ભાવનગરના પૂર્વ મહારાજ કૃષ્ણકુમાર સિંહજી કે ગૉંડલના પૂર્વ રાજવી ભગવતસિંહજીનો પ્રભાવ, તેમની કીર્તિ આજે પણ પ્રસરેલા છે. કારણ કે તેમની નિષ્ઠાના, તેમના ધ્યેય, કર્તવ્ય અને સંસ્કારના મૂળ ઉંડા ઉતરેલા હતાં. મહાત્મા ગાંધીજી તો કોઇ સત્તાધિશ ન હતા છતાં તેમના વચનોની શક્તિનો પ્રભાવ સમગ્ર વિશ્વમાં આજે પણ અકબંધ છે.

તુલસીદાસજી પાસે તો રામાયણના ઘણાં પાત્રો, ઘણાં પ્રસંગો હતા અને શ્રી રામ જેવા વીરનાયક કથાના કેન્દ્રસ્થાને હતાં તેથી કદાચ લક્ષ્મણ-ઉર્મલાના પાત્રોને તેમને આપવું જોઇતું ઉચિત સ્થાન આ મહાકવિ કદાચ ન પણ આપી શકયા હોય તેવી મધુર કલ્પના કરીને કવિ દાદે લક્ષ્મણજીને કેન્દ્રમાં રાખીને લછનાયનનું સર્જન કર્યું છે. જો કે રામાયણના તો દરેક નાના મોટા પાત્રની પોતાની આગવી ભૂમિકા અને સ્થાન છે અને સંતકવિ તુલસીદાસજીએ માળાના દરેક મણકાને વધાવ્યા છે. તેમ છતાં લક્ષ્મણ, ઉર્મિલા, કૈકઇ અને જટાયુ જેવા ઉજળા ચરિત્રોમાંથી કોઇ એકનું સ્વતંત્ર રીતે નિરૂપણ કરીએ તો તે પણ એક વિશેષ રૂપે આસ્વાદવા લાયક રચના બને છે. લક્ષ્મણજીના ગુણોને વર્ણવતાંતો શબ્દોના માપ ટૂંકાપડે છે.

લછમન તપ મેં મહાતપ, લછમન જપ મે મહાજપ,

                લછમન વેદમેં રુગવેદ, લછમન ભેદ મેં હે અભેદ,

                લછમન ફણી ધરરી ફૂંક, લછમન હરિવવરી હુંફ,

                લછમન મંત્રમે મહામંત્ર, મન જંત્રમેં મહાજંત્ર.

પૂજય મોરારીબાપુએ યથાર્થ કહયું છે કે સમાજને સાદ પાડીને અનેક રીતે પ્રેરણા આપનાર કવિ ‘દાદ’ ને સમાજે દાદ આપવી જોઇએ. આ વાત સાચી પણ પડી છે. ગુજરાત તથા ગુજરાત બહાર વસતા અનેક ગુજરાતી ચાહકોએ કવિ દાદના સર્જનો ભરપૂર રીતે માણ્યાં છે. કવિ દાદની રચનાઓને ચારે દિશાએથી ભરપૂર દાદ મળી છે. આવનાર વર્ષોમાં પણ કવિની પાવક વાણી નિરંતર પ્રવાહની જેમ વહેતી રહે તથા ભાવકોને ભીંજવતી રહે તેવી શ્રધ્ધા જરૂર રાખી શકાય.

***

Leave a comment

Blog at WordPress.com.

Up ↑