દર્શકની બહુમુખિ પ્રતિભાના સ્પષ્ટ દર્શન તેમના અનેક વિષય પરના યોગદાનમાંથી થાય છે. આપણી ભાષાના આ સમર્થ સર્જકની જન્મશતાબ્દીનું આ મંગળ વર્ષ છે. (૧૯૧૪-૨૦૧૪) આપણાં સૌ માટે, ગુજરાતી જયાં જયાં વસતો હોય તે પ્રત્યેક વ્યક્તિ માટે દર્શકનું સ્મરણ થવું તે આ જન્મશતાબ્દીના સંદર્ભમાં સાહજિક છે, સ્વાભાવિક છે. જન્મશતાબ્દી વર્ષ નિમિત્તેના કાર્યક્રમો અવશ્ય થશે. દર્શકના અનેક ચાહકોના ઉમંગ તથા ઉત્સાહને કારણે આ બધા ઉપક્રમો પ્રાણવાન તથા હેતુપૂર્ણ હશે. ગાંધીનગરમાં જાણીતા સાહિત્યકાર શ્રી દોલતભાઇ ભટ્ટના અધ્યક્ષસ્થાને ગાંધીનગર સાહિત્યસભા નામની જાણીતી સંસ્થા ઘણાં વર્ષોથી સક્રિય છે. અનેક નાના મોટા સાહિત્યિક કાર્યક્રમો આ સંસ્થાના માધ્યમથી સમગ્ર વર્ષ દરમિયાન થતાં રહે છે. આવા જ એક કાર્યક્રમમાં તા.૦૯/૦૨/૨૦૧૪ ના રોજ દર્શક વિષે તેમની શતાબ્દી વર્ષના સંદર્ભમાં વાત કરવાનું બન્યું ત્યારે ફરી એ વાતની પ્રતિતિ થઇ કે દર્શક અનેક ભાવકોના દિલમાં ઉંડા મૂળ જમાવીને બેઠાં છે. શ્રી મનુભાઇ રાજારામ પંચોળી કે જેઓ દર્શકના ઉપનામથી સુપ્રસિધ્ધ છે. આપણી આવતી અનેક પેઢીઓને તેમના સત્વશીલ લખાણો દ્રારા પથદર્શક બની શકે તેવી ક્ષમતા અને અસાધારણ શકયતાઓ ધરાવતા મહાન સર્જક છે.
જીવાતા જીવનના વિવિધ પ્રવાહો સાથે અભિન્નપણે સંકળાયેલાં કેટલાં બધા વિષયો દર્શકની વેધક દ્રષ્ટિમાંથી પસાર થયા છે તે જોઇને હેરત પામી જવાય તેવું છે. આ દરેક બાબતોને તેમણે અભ્યાસુની દ્રષ્ટિએ નિરખી છે તેમજ સંશોધકની દ્રષ્ટિએ ચકાસી છે. નિર-ક્ષિર તારવવાની તેમની શક્તિને કારણે અનેક ઉપયોગીતથા વ્યાપક રીતે સમાજને હિતકર્તા તેવા નૂતન પરિમાણો પ્રાપ્ત થાય છે. આ વિચારવલોણાંની ભેટ સમાજ જેટલી જૂએ, અનુભવે તથા સ્વીકારે તેમાંજ વ્યાપક જનહિત સમાયેલું છે. દર્શકનીકેળવણી વિષયક વાત હોય કે ખેતી વિષયક બાબતમાં તેમનો વિચાર હોય. દર્શકની માનવીય મૂલ્યોમાં શ્રધ્ધાની પુન:પ્રતિષ્ઠા કરવાની બાબતહોય. ચાણક્ય પરંપરાની શૃંખલાના શિક્ષક દર્શકની ચીલાચાલુ પધ્ધતિને મૂળમાંથી જ ઉખેડવાની દિદ્રોહી લાગણી હોય. આ બધામાંથી દર્શકનું વિચારક તરીકેનું બહું આયામી વ્યક્તિત્વ ઝળકી ઉઠે છે.
લગભગ નવ દાયકાના સુદીર્ઘ જીવનકાળને ઉજાળી ગયેલા દર્શકનો જન્મ વાંકાનેર તાલુકાના પંચાશીયા ગામે થયો હતો. પિતાનું નામ રાજારામ તથા માતાનું નામ મોતીબાઇ હતું. સંસ્કારી તથા ભદ્ર માતાપિતાની જીવન જીવવાની પધ્ધતિ તથા તેમના સંસ્કારોની ઉંડી અસર દર્શક પર જરૂર થઇ હશે. પિતા વાંકાનેર રાજયની શાળામાં શિક્ષક તરીકે કામ કરે. પિતાનો વાંચન શોખ જાણે દર્શકને વારસામાં મળ્યો. પિતા અનેક મેગેઝીનો મંગાવે. દેશભાવનાવાળા તેમજ સાહિત્ય સંબંધિત આવા અનેક સામયિકો કિશોર વયના દર્શકને સહજ રીતે મળતા તેમનો વાંચન શોખ વિકસ્યો અને દ્રઢ થયો. આજ રીતે પિતાની લુણસર ગામની શાળાના લાઇબ્રેરીના પુસ્તકો પણ કિશોર મનુભાઇને હાથવગા હતા. દર્શક લખે છે કે ઘણું વાંચ્યું, વાંચવા જેવું તથા ન વાંચવા જેવું પણ વાંચ્યું. એમ લાગે છે કે વાંચનના નિર-ક્ષીરનો વિવેક કેળવવા પણ માણસે ઘણું વાંચવું પડતું હશે. લુણસર ગામમાંથી પાંચ ગુજરાતી પછીના અભ્યાસ માટે નજીકના મોટા ગામ વાંકાનેર હાઇસ્કુલમાં ભણવા ગયાં. વાંકાનેરમાં લાઇબ્રેરી શોધી કાઢી. અહીં લાઇબ્રેરીની ફી ભરવાનો પ્રશ્ન થયો. ફી કેવી રીતે કાઢવી ? પરંતુ અહીં ફરી તેમના નિર્ણયમાં રહેલી દ્રઢતાના દર્શન થાય. પરીક્ષાના સમયે એકાદ બે વિદ્યાર્થીઓને ભણાવવાનું કામ કરીને તેમાંથી કમાણી કરી પુસ્તકાલયની ફી મેળવનાર કિશોર આવી નાની બાબતમાંથી પણ જીવન ઘડતરની શોટી શીખ મેળવે છે. આપણી મહાકથાઓ પણ મનુભાઇએ અહીં જ વાંચી. આમ દર્શકની વાંચનયાત્રા બાળવયથી જ શરૂ થઇ. પછી તો જીવનભર તેમની અધ્યન યાત્રા નિયમિત ગતિથી ચાલતી રહી. બાળવયનું વાંચન બાળકમાં ઘણી શક્તિઓની ખીલવણીકરે છે. બાળક જૂદાં જૂદાં રસ સમાજતો થાય છે અને તેને માણવાનું પણ ક્રમશ: શીખતો જાય છે. પુસ્તકોની પાંખે સફર કરતાં વિશ્વનું અંતર ટૂંકું થાય છે. જે જે ભૂમિમાં શિલ, સૌદર્ય તથા સંસ્કારનું દર્શન થાય તે ભૂમિ તેમજ તેના નિવાસીઓ સાથે વાચનના માધ્યમથી એક તંતુ આપોઆપ બંધાય છે. દૂનિયાભરની ઘટનાઓને તેમજ વ્યકતિઓને નાણવાની શક્તિ પણ વાચનના માધ્યમથી બાળક કે કિશોરના મનમાં ઘડાતી જાય છે તેમજ ઘૂંટાતી જાય છે. ગાયકવાડી રાજયમાં દરેક શાળામાં એક પુસ્તકાલયની વ્યવસ્થા ઉભી કરવામાં આવતી તેનો લાભ તે વિસ્તારના બાળકોને થયલો છે જ. અંતે તો મહાન નવલકથાઓ કે મહાન કૃતિઓ મેળવવા માટેસારા વાચકોનું નિર્માણ કરવાનું કામ પ્રથમ કરવું પડશે. આ માટે બાળવયે વાચનની સંસ્કારદીક્ષા આપવામાં આવે તેની વ્યવસ્થા સમાજે-શિક્ષકોએ કાળજીપૂર્વક ગોઠવવી પડશે.
નાનાભાઇના વ્યક્તિત્વ જેવા ભવ્ય શિલ્પનું નિર્માણ કરવામાં જેમનો સિંહફાળો રહ્યો છે તેવા નાનાભાઇ ભટ્ટથી ગુજરાત અપરિચીત નથી. કેળવણીના ગાંધી વિચારોને નાનાભાઇના કારણેમોટાપાયે વાસ્તવિક સ્વરૂપ મળ્યું. ચાણક્યના વારસદાર સમાન નાનાભાઇના વ્યક્તત્વની ખૂબીઓ સમજવા મનુભાઇની આ વાત ધ્યાનથી સાંભળવા જેવી છે.
ગાંધીજીએ આફ્રિકાથી મુંબઇ બંદરે ઉતરી હિન્દુસ્તાનમાં પ્રવેશ કર્યો તે ૨૦૧૫ નું વર્ષ છે. ભાવનગરના તખ્તેશ્વર મંદિર પાસેના એક બોર્ડિંગ હાઉસના દરવાજા પર ભરબપોરે ધમાલ મચી છે. શસ્ત્રસજ્જ શિકારીઓની ટોળી બંધ બોર્ડિંગ હાઉસના બંધ દરવાજા બહાર ઉભા છે.
‘‘ માસ્તર કયાં છે ? ’’
‘‘ નાનાભાઇ ઘેર નથી. બંદરે ગયા છે. ’’
અંદરથી છોકાઓ જવાબ આપે છે.
‘‘ તમારી કૂતરી કયાં છે ? લાવો, મહારાજ સાહેબે મંગાવી છે. ’’
‘‘કૂતરી તો કયાંય રખડતી હશે. સાહેબ આવે પછી આવજો’’
છોકરાઓ બનાવટી જવાબ આપે છે.
‘‘ અમે હમણાં તો એને ઝાંપમાં જતી જોઇ છે. અંદર જ છે. બારણાં ઉઘાડો, અમારેતપાસ કરવી છે. ’’
છોકરાઓ બારણાં આડા ઉભા છે. બહારથી શિકારીઓ બારણાં ખખડાવે છે. ધમકીઓ તથા ગાળો પણ બોલે છે. છોકરાઓ એકના બે થતા નથી. આ કાળુડી કૂતરી તથા તેના ગલુડિયાં એમને જીવ જેવાં વહાલાં છે. એમની બૂમાબૂમ સાંભળી પડખેના ઓરડાની બારીમાંથી ડોકું બહાર કાઢી એક આધેડ બાઇ શિકારીઓને ધમકાવે છે : ‘‘ એમ પરાણે ઘરમાં પેસતા લાજશરમ નથી આવતી ? ’’
બરાબર એ જ સમયે જેમની રાહ જોવાતી હતી એ માસ્તર આવે છે. માસ્તરના મોં પર ખડકની દ્રઢતા અને પ્રતિમાની નિશ્ચલતા છે – પણ પ્રતિમાની નિર્જીવતા નથી. સન્યાસીના દંડ જેવું સીધું શરીર અને માથુ પર્વતના શિખર પેઠે ઉંચું રહયું છે.
‘‘ નાનાભાઇ, નાનાભાઇ, આપણાં ફળિયામાં શિકારીઓ પેઠા છે. ’’ એક વિદ્યાર્થી દોડતો આવી ફરિયાદ કરે છે.
શિકારીઓમાંથી એક ઘરડો શિકારી આગળ આવી વાત સમજાવે છે : ‘‘ માસ્તર, વાત એમ બની છે કે કાલે સાંજે મહારાજા સાહેબની ગાડી અહીંથી નીકળેલી. તેમણે અહીં બે ગલુડિયા રમતા ભાળ્યાં. ગલૂડિયા રૂપાળાં હતા. એમને થયું કે, આપણે એ કૂતરી રાજમહેલમાં રાખીએ તો તેની ઓલાદ સરસ થાય એટલે અમને આજ કૂતરી લેવા મોકલ્યાં.’’
‘‘ પણ કૂતરીને લઇ જાઓ તો ગલૂડિયા મરી જાય. ધાવે કોને ? ’’ છોકરાંઓ બોલ્યાં.
‘‘ એ તો દૂધ પવાય ’’શિકારી કહે. ‘‘ લ્યો, માસ્તર, હવે કૂતરી લાવો. ’’
‘‘ કૂતરી તો નહિ મળે ’’ માસ્તર દ્રઢતાથી બોલ્યા.
‘‘ તમે શું બોલો છો તેનું કંઇ ભાન-બાન છે ? અમે તમારી હારે માથાઝીંક કરવા નથી આવ્યા. કૂતરી આપો નહિતર ઝાંપો તોડી અંદર આવીશું. ’’
માસ્તર એક વિદ્યાર્થીને મોકલી બોર્ડિંગમાં કોઇ બળજબરીથી પ્રવેશ કરવા માગે છે તેની પોલીસ ચોકીમાં ફરિયાદ નોંધાવવા સૂચના આપે છે. માસ્તરને સૌ ઓળખે. માસ્તરે કોલેજની મોટા પગાર તથા મોભા સાથેની પ્રોફેસરી છોડીને બાળકોને ચકાચકીની વાતો કહેવાનું કામ સ્વેચ્છાએ સ્વીકાર્યું છે. પોલીસ ઉપરી તેના માણસોસાથે સ્થળ પર આવે છે. પરંતુ અહીં આવીને રાજયના શિકારીઓને જોઇને સહેજ ખચકાય છે. પૂરી વાત સમજ્યા પછી મામલત વગરની કૂતરી માટે ઝગડો છે તેમ તેઓ સમજયા. આથી માસ્તરને કહે છે : ‘‘ કૂતરી આપી દોને ! ’’
‘‘ કૂતરી તો શું પણ આ ફળિયાની કાંકરી પણ આપવી કે ન આપવી એ મારી મુનસફીની વાત છે ’’ માસ્તરની દ્રઢતા કાયમ રહી છે.
‘‘ બે દોકડાની કૂતરી માટે મહારાજા સાહેબ સાથે….. રાજયના હજાર કામ તમે સંસ્થા લઇને બેઠા છો એટલે પડશે ’’ પોલીસ અધિકારીએ વ્યવહારૂ સલાહ આપી.
‘‘ કૂતરીનો સવાલ નથી. જબરજસ્તીનો સવાલ છે. જબરજસ્તીને હું નમતું નહિ આપું ’’ નાનાભાઇ ફરી એ જ દ્રઢતા સાથે કહે છે.
પોલીસ અધિકારી સજ્જન છે. મુંઝાય છે. અંતે સમસ્યાનો ઉકેલ કરવા માટે ખૂદ મહારાજ સાહેબસાથે ફોન પર માસ્તરની હાજરીમાં વાત કરે છે. આ તો ભાવનગરના સંસ્કારી મહારાજા છે. તેઓ નિર્ણય આપે છે.
‘‘ શિકારીઓ ગાળો કાઢતા હોય તો મારીને કાઢી મૂકો એમને ’’
પ્રશ્ન કૂતરી બચાવવાનો કદાચ ગૌણ હતો. નાગરિકનું સ્વમાન સાચવવાનો વિશેષ હતો. આવા દાખલા વર્તનના બળે તમામ જોખમ ઉઠાવીને સમાજ સામે પ્રસ્તુત કરનાર નાનાભાઇના હાથે મનુભાઇનું ઘડતર થાય તેમાં શી મણા રહે ? કોના વખાણ કરીએ ?
હાલાજી તારા હાથ વખાણું ……
કે પટી તારા પગ વખાણું.
એક સમર્થ સર્જક તરીકે મનુભાઇના લોહીમાંથી જ જાણે સાહિત્ય સર્જનની છોળ સહજ રીતે ઉડતી હોય તેમ લાગે. તેમના દોરેલા આવા અનેક શબ્દચિત્રો માણવા જેવા છે. સંઘેડા ઉતાર ગદ્ય એ તેમને માતા સરસ્વતી તરફથી મળેલ મોંઘેરી ભેટ હોય તેમ લાગે.
આપણાં યુગના મહાકવિ ઉમાશંકરે યથાર્થ કહ્યું છે કે નાનાભાઇ એક અનોખી વિભૂતિ અને નસીબદાર કે તેમને દર્શક મળ્યાં. સૌ મહાજનોનું નાનાભાઇ જેવું સદ્દભાગ્ય નથી હોતું.
મનુભાઇ પોતાનું સંપૂર્ણ જીવન મસ્તીથી જીવ્યા. અધ્યાપન કાર્યને આકંઠ પ્રેમ કર્યો. સમર્થ સર્જક તરીકે સમાજ અને સાહિત્યની ઝોળી પોતાની કાળજયી રચનાઓથી છલકાવી દીધી. ખેતીમાં પણ સંપૂર્ણ જીવ પરોવીને નવા નવા પ્રયોગ પધ્ધતિને વિકસાવવા માટે ગામડામાં ધૂણી ધખાવીને બેઠા. સમાજની શિક્ષણની નબળાઇઓ સામે ફરિયાદ કરીને બેસી ન રહયાં. આવી અપૂર્ણતાઓ ખાળવા માટે શિક્ષણના યજ્ઞ કાર્યમાં આજીવન આહૂતિઆપી તથા અનેકને તે પંથે વાળ્યાં.વાતો કરવાથી શું વળે એ કબીરવાણીનું હાર્દ જીવનમાં ઉતાર્યું.
બાતેં તિમિર ન ભાજઇ,
દીવા, ખાતી તેલ.
મનુભાઇન પંચોળી ‘‘ દર્શક ’’ ની જન્મશતાબ્દીના વિવિધ કાર્યક્રમો પૈકી આ મહામાનવનું જીવન તથા તેનું વિચારતત્વ યુવાનો-વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાનું કામ ખૂબ મહત્વનું છે. ખૂબ જરૂરી પણ છે. આ કામ માટેનું પણ એક નક્કર આયોજન થયું છે તેમ શ્રી મનસુખભાઇ સલ્લા હમણાં જ ગાંધીનગરમાં મળ્યા ત્યારે જણાવતા હતાં. દર્શકની જીવનયાત્રામાં વણાયેલ વિચારોનું મૂલ્ય સમજવાની તથા તેને જાળવવાની સમાજની સામૂહિક જવાબદારી છે.
તેજ તણખો
દર્શકની કેળવણીમાં વિદ્યાર્થીના સર્વાંગિ વિકાસની વાત મૂળમાં હતી. કોઇ એક વિષયમાં નબળો વિદ્યાર્થી જીવનમાં પણ નબળો ગણાય તેવી વાત મિથ્યા છે તે તેમની સ્પષ્ટ દ્રષ્ટિ હતી. પરીક્ષામાં પ્રથમ ક્રમ લાવનાર જ ઉત્તમ છ તે થીયરી જે આજકાલ પૂરજોશમાં ચાલે છે તેનું પણ તેમણે સમર્થન કર્યું નથી. અંતે કેળવણી તો જીવન ઘડતરછે. આ સંદર્ભમાં હમણાં જ માઇક્રોસોફટના સી.ઇ.ઓ. તરીકે પસંદગી પામેલા ભારતીય મૂળના શ્રી સૂર્યા નડેલાની વાત પ્રાસંગિક છે. ઓલ ઇન્ડિયા રેડિયોના શ્રી નડેલા પરના ઇન્ટરવ્યુ-અહેવાલોમુજબતેઓ જે શાળામાં ભણતાં હતા. તે શાળાના શિક્ષકોએ તેમને ‘‘ આઉટસ્ટેન્ડીંગ ’’ કે ‘‘ બ્રિલિયન્ટ ’’ જે હંમેશા રેંકર હોય તેવા વિદ્યાર્થી તરીકે ગણાવ્યા નહિ. હા, તેઓ જરૂર અભ્યાસુ, ખંતિલા તથા નિષ્ઠાવાન વિદ્યાર્થી ચોકકસ હતા તેમ પણ તેમના ગુરુજનોએ પોતાની સ્મૃતિને ઢંઢોળીને કહ્યું. વિષયના જ્ઞાન સાથે સાથે સમગ્ર જીવન ઘડતર કરે તથા જવાબદાર અને સંવેદનશીલ માનવીનું લક્ષ ધ્યાનમાં રાખીને જે શિક્ષણની વ્યવસ્થા ગોઠવાય તે જ ખરા અર્થમાં કેળવણી છે. ગાંધી – નાનાભાઇ – ગિજુભાઇએ આ દિશામાં નક્કર પ્રયોગો કરીને વાત સમજાવી છે. આથી દર્શકે કેળવણીના જે વિચારો રજૂ કર્યા છે તથા તેના જે જે પ્રયોગ કર્યા છે તે સર્વકાળે પ્રાસંગિક ગણાય તેવા છે. ‘‘ કેળવે તે કેળવણી ’’ એ સુત્ર યાદ રાખવા જેવું છે.
વી. એસ. ગઢવી
ગાંધીનગર
Leave a comment