ભારતીય જીવનદર્શનના સમર્થ સંદેશવાહક: સ્‍વામી વિવેકાનંદ

       SwamiViveknand

બેલુર મઠમાં છેક ૧૮૯૯ માં એક શિષ્‍યને બીલીવૃક્ષ નીચે બેસીને જે શબ્‍દો કહ્યા તે આ મહાન સન્‍યાસીની ભાવીની આરપાર જોઈ શકવાની શક્તિના દર્શન કરાવે છે. સ્‍વામીજી કહે છે:

       ‘‘આ દેશમાં ચોમેર આળસ, અધમતા તથા દંભ ફેલાઈ રહ્યા છે. શું કોઈ બુધ્‍ધિશાળી માણસ આ બધું જોયા પછી શાંત રહી શકે? શું તેની આંખમાં આંસુ નહિ આવે?….. મને કયાંય જીવંતપણાના ચિન્‍હો દેખાતા નથી. તમે પોતાને કેળવાયેલા માનો છો. પણ તમે કેવી નકામી વિદ્યા શીખ્‍યા છો! તમારી વિદ્યાનું ધ્‍યેય શું છે? કાંતો એક કારકુન, કાં તો એક વકીલ અથવા બહુ બહુ તો એક ડેપ્‍યુટી મેજીસ્‍ટ્રેટ થવાનું!….. તમારી આંખો ખોલો અને જુઓ કે જે ભારત તેની સમૃધ્‍ધિ માટે પ્રખ્‍યાત છે ત્‍યાં અન્‍ન માટે કેવો કરુણ પોકાર ઉઠે છે? તમારી વિદ્યા આ જરૂરિયાત પુરી પાડશે?….. પાશ્ચાત્‍ય વિજ્ઞાનની મદદથી જમીન ખેડો અને અન્‍ન ઉત્‍પન્‍ન કરો….. ઉત્‍પાદનના નવા નવા માર્ગો શોધીને!…… શ્રમ કરીને! દેશના લોકોને પ્રવૃત્તિમય બનવા ઉપદેશ આપુ છું…… તમારા શાસ્‍ત્રોને ગંગા નદીમાં ફેંકી દો અને પ્રથમ તો લોકોને અન્‍ન-વસ્‍ત્ર ઉત્પન્‍ન કરવાના ઉપાયો શીખવો….. આત્‍માની સહજશક્તિને જાગૃત કરો.’’ આ શબ્‍દો બોલતા સ્‍વામીજીના ચહેરા પર પશ્‍ચાતાપ, શોક, દયા અને શક્તિના મિશ્ર ભાવો દીપી ઉઠ્યા. થોડીવાર બાદ તેમણે શ્રધ્‍ધાપૂર્વક ઉમેર્યું: શ્રી રામકૃષ્‍ણનું આગમન થયું ત્‍યારથી જ ઊગતા સૂર્યનાં કિરણોથી પૂર્વની ક્ષિતિજ દૈદીપ્‍યમાન બની છે. સમય જતાં દેશ મધ્‍યાન્‍હ સૂર્યના પ્રકાશથી ઝળહળી ઉઠશે.’’

       ઉપરના શબ્‍દો વાંચતા જ આપણાં યોધ્‍ધા સન્‍યાસીના દેશની સ્‍થિતિના નિદાન અને છતાં ઉજ્વળ ભવિષ્‍યના ઉજળા આશાવાદમાં તેમના હેતુલક્ષી અભિગમનું વાસ્‍તવિક દર્શન થાય છે. ગાંધીજી પહેલા પણ ગાંધીજી જેવા જ ઉદ્દેશને લક્ષમાં રાખીને સ્‍વામીજીએ ૧૮૮૭ થી ૧૮૯૩ સુધી ભારતભરનું પરિભ્રમણ કર્યું. દેશની સ્‍થિતિ નિકટથી નિહાળી. આ પૂર્વભૂમિકાને કારણે સ્‍વામીજી સચોટ રીતે દેશની તત્‍કાલિન સ્‍થિતિનું નિદાન કરી શક્યા અને ઉપચાર પણ બતાવી શક્યા.

       ગઈ સદીના મહાન પુરુષોનું સ્‍મરણ કરીએ ત્‍યારે સ્‍વામી વિવેકાનંદનું નામ ધ્રુવ તારક સમાન ઝળહળતું દેખાય છે. માતા-પિતાની માન્‍યતા મુજબ વારાણસીના વીરેશ્વર મહાદેવની કૃપાથી પ્રાપ્‍ત થયેલ વીર પુરુષ માત્ર ચાર દાયકાના ટૂંકા આયખામાં ભારતીય આત્‍મદર્શનની વિજય પતાકા પૂરા વિશ્વમાં ફરકાવે છે. તે એક અદ્દભૂત ઘટના છે. ગરીબી, ગુલામી અને અજ્ઞાનના વમળમાં ફસાયેલા દેશના વિશાળ જનસમુદાયને ઉમંગ-ઉત્સાહ અને જ્ઞાનના નૂતન સૂર્યોદયનું દર્શન તેમણે કરાવ્‍યું. પ્રસિધ્‍ધ એટર્ની પિતાનો તર્ક તથા સરળ અને ધાર્મિક સ્‍વભાવ ધરાવતા માતાની લાગણી એ બન્‍ને બાબતો બાળક નરેન્દ્રને વારસામાં મળી હતી. નાનપણથી જ કોઈપણ બાબત તેઓ તેની વ્‍યવહારુ તેમજ બૌધિક ચકાસણી કર્યા સિવાય માની લેતા નહિ. બંગાળમાં જન્‍મ લઈને ભારતીય વિચારધારાનું સમર્થ નેતૃત્‍વ તેમણે વિશ્વના ઘણાં દેશોના ભ્રમણ દરમ્‍યાન સફળતાપૂર્વક કર્યું. તીવ્ર બુધ્‍ધિ અને અસાધારણ યાદ શક્તિને કારણે નાનપણથી જ કુશળ બુધ્‍ધિના નરેન્‍દ્રએ રામાયણ અને સંસ્‍કૃત ભાષા પર પ્રભુત્‍વ મેળવી લીધું હતું. શરૂઆતમાં તેઓ ઘેર રહીને અભ્‍યાસ કરી શકે તેવી વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી હતી. પછીથી બ્રહ્મોસમાજના વિદ્યાલયમાં દાખલ થયેલા. ઉચ્‍ચ અભ્‍યાસ માટે તેઓએ કલકત્તા ખાતેની પ્રેસીડેન્‍સી કોલેજમાં તેમજ સ્‍કોટ્ટીશ ચર્ચ કોલેજમાં પ્રવેશ લઈને અભ્‍યાસ આગળ વધાર્યો હતો. અભ્યાસકાળમાં જ તેઓએ પુરોપનો ઈતિહાસ, તર્કશાસ્‍ત્ર તથા પાશ્ચાત્‍ય તત્વજ્ઞાન અંગે વિશેષ અધ્યયન કર્યું હતું. નરેન્‍દ્રનાથની નામના એક પ્રતિભાસંપન્‍ન વિદ્યાર્થી તરીકેની હતી. તેમની યાદશક્તિ અસાધારણ હતી. બાળપણથી જ રાજાની રમતના શોખીન નરેન્‍દ્રનાથ ખરા અર્થમાં ભારતીય આધ્‍યાત્મવિદ્યાના ક્ષેત્રનાં મહારાજા પુરવાર થયા. વ્‍યાયામ પ્રત્‍યેની તેમની રુચિને કારણે તેઓ વિદ્યા તથા વ્‍યાયામ બન્‍નેની આવશ્‍યકતા ભારતીય યુવાનોને સમજાવી શક્યા. ભારતભરના યુવાનો માટે વિવેકાનંદ હમેશા પ્રેરણાના તેજપુંજ સમાન રહ્યા છે.

       ભારતીય દર્શનની કથાઓની વાત તેઓ તે રીતે કહેતા કે સાંભળનારાઓને તેની પાછળ રહેલા વિચારતત્‍વની ઓળખ થાય આથી જ તેમની વાણીમાં શુષ્‍ક વિદ્દવતાની જગાએ અનુકરણ કરવા યોગ્‍ય જીવનદર્શન સતત નીતરતું હતું. દરેક સ્‍થળે મહિલાઓમાં માતૃત્‍વ શક્તિની વાત ભારતીય દર્શનના સંદર્ભમાં કરીને તેમણે માતૃશક્તિનો મહિમા કર્યો. કેલિફોર્નિયામાં આપેલા પ્રવચનમાં તેમણે રામાયણની ઓળખાણ ભારતના એક પ્રાચીન મહાકાવ્‍ય તરીકે કરાવી. તેમણે કહ્યું કે રામ અને સીતા ભારતીય પ્રજાના આદર્શ છે. રામાયણની અમર કથા મનુષ્‍ય કેટલું વધારે મેળવી શકે છે તેવા પશ્ચિમના વિચાર સામે માણસ કેટલા ઓછામાં ચલાવી શકે છે તેના જીવંત દ્રષ્‍ટાંત તરીકે તેમણે વર્ણવી છે. વિશાળ પ્રજાના જીવનને આવરી લે અને તેમના લોહીમાં ભળી જાય તેવા સંસ્‍કારનું  સિંચન કરે તેવો આદર્શ બીજી કોઈ પૌરાણિક કથા ભાગ્યે જ કરી શકે તે વાત તેમણે જીવંત ઉદાહરણો આપી સ્‍પષ્‍ટ કરી. તેમનો પ્રયાસ ભારતનું જીવનદર્શન ખંડોમાં નહિ પરંતુ તેની અખિલાઈ તથા ઊંડાણ સાથે રજૂ કરવાનો હતો. તેમના વિશાળ તેમજ વ્‍યવહારલક્ષી જ્ઞાન તેમજ મેઘાવી પ્રતિભાને કારણે તે શક્ય બન્‍યું. કેલિફોર્નિયામાં જ આપેલા બીજા એક પ્રવચનમાં તેમણે મહાભારત અને ભગવદ્દગીતાએ પ્રમાણેલા જીવન સિધ્ધાંતોની વાત રસાળ શૈલિમાં કરી. તેમણે કહ્યું કે રામાયણ અને મહાભારતનાં અમર પાત્રો છેલ્‍લા હજારો વર્ષોથી સંપૂર્ણ ભારતીય જીવનપ્રથા તથા જીવનદર્શનના પાયામાં રહેલા અમૂલ્‍ય વારસા સમાન છે. આ બન્ને મહાકાવ્‍યો આર્ય જીવન અને આર્યજ્ઞાનના વિશ્વકોષ સમાન છે અને વિશ્વના દરેક માનવીને ઉન્‍મત જીવન જીવવાની પ્રેરણા આપે છે. મહાભારતની કથાના શ્રેષ્‍ઠ ભાગ સમાન ગીતાના દીવ્‍ય પ્રવાહની તેમણે વાત કરી અને તેમાંથી જ આદર્શ જીવન જીવવાના તમામ ઉપાયોની સહજ રીતે જ પ્રાપ્‍તિ થાય છે તેમ દાખલા દલીલ સાથે સમજાવ્‍યું. ઈમર્સન તથા કાર્લાઈલની પ્રેરણાનું મૂળ તેમને ભગવદ્દ ગીતામાં દેખાયું શાસ્‍ત્રોના આ સ્‍વરૂપનું દીવ્‍ય દર્શન તેમની અસ્‍ખલિત વાણી પ્રવાહથી પશ્ચિમના લોકોને થયું અને તેઓ આ યુવાન તથા તેજસ્‍વી સન્‍યાસીને સાંભળવા દરેક સ્‍થળે મોટી સંખ્‍યામાં એકઠા થવા લાગ્‍યા. વિવેકાનંદની વાણીમાં રહેલી તર્કબધ્‍ધ સચ્‍ચાઈ અને ભારતીય દર્શનમાં રહેલી દ્રષ્ટિબિન્‍દુની વિશાળતા શ્રોતાઓને જકડી રાખતી હતી. કેવી ગૌરવપૂર્ણ વાત તેમણે કરી કે ‘હું એક એવા રાષ્‍ટ્રનો પ્રતિનિધિ છું કે જેણે અન્‍યાય તથા જુલમોનો ભાગ બનેલા અને નિરાશ્રિત બનેલા જગતના તમામ ધર્મો તથા દેશોના લોકોને આશ્રય આપ્‍યો છે.’ ધી ન્‍યુયોર્ક હેરોલ્‍ડમાં લખાયું કે સ્‍વામીજી વિશ્વધર્મ પરિષદની સૌથી મહાન વ્‍યક્તિ છે. પૂર્વના આ મહાન સંદેશાવાહકે ગરીબી તથા વિદેશી હકૂમતના સાણસામાં સપડાયેલ દેશના ભવ્‍ય વારસાની વાત વિશ્વ ફલક પર જીવંત કરી, દૈદીપ્‍યમાન કરી. યુરોપના વિવિધ દેશોના પરિભ્રમણ દરમિયાન પણ આજ સ્‍થિતિનું પુનરાવર્તન થયું. બાઈબલ અને કુરાનના શબ્‍દો ટાંકીને પણ તેમણે અંતે તો વિશુધ્‍ધ, નિર્મળ તથા પવિત્ર આત્‍માના અસ્‍તિત્‍વની વાત કરી અને સંપૂર્ણ જગતના લોકો શાશ્વત પિતાના સંતાનો છે તે વાતનું પ્રતિપાદન કર્યું તેમણે કહ્યું કે ઉપનિષદો કોઈ એક અવતાર વિશેષની વાત કરતા નથી પરંતુ તેઓ જુદા જુદા જ્ઞાની રુષિમુનિઓના વિચાર તેમજ તેમના પ્રદાનની વાત કરે છે. તેઓ એવા સિધ્‍ધાંતોની વાત કરે છે જેમાં મનુષ્‍યત્‍વનું ગૌરવ થયેલું છે. આ બધી બાબતો કોઈપણ કાળમાં આપણી વિવેકશક્તિને સ્‍પર્શે છે અને તેથી તેનું સંદર્ભ મૂલ્‍ય હંમેશા રહે છે. રૂષિ આ વિચારોના દ્રષ્‍ટા છે અને માનવ સાર્વત્રિક કલ્‍યાણ માટે તે રજુ થયેલાં છે. સચવાયેલા છે.

       શિષ્‍યોને કેળવવાની શ્રી રામકૃષ્‍ણ પરમહંસની રીત અનોખી હતી. જીવસેવા તે જ શિવસેવાનો દીક્ષામંત્ર તેમણે શિષ્‍યોને સુપેરે ભણાવ્‍યો હતો અને તેથી જ તેમના શિષ્‍યોના નભોમંડળના તેજસ્‍વી તારક સમાન નરેન્‍દ્રનાથે ગુરુદેવ પાસેથી મળેલા અમૂલ્‍ય જ્ઞાનનો વિશ્વકલ્‍યાણ માટે સંપૂર્ણ ઉપયોગ કર્યો હતો. સ્‍વામી રામકૃષ્‍ણ પરમહંસ પાસેથી મળેલી શિક્ષાને કારણે નરેન્‍દ્રનાથનું પરીવર્તન સમસ્‍યાઓના ઉત્‍તરને ખોળતા એક અધીર યુવાનમાંથી એક પરીપક્વ તથા વિચારશીલ ચિંતકમાં થયું હતું. સેવાનો ગુરુમંત્ર પણ રામકૃષ્‍ણદેવનો જીવન વ્યવહાર હતો જે શિષ્‍યોમાં મૂતિમંત થયો હતો. ઈશ્વર એક છે અને તેની ઉપાસનાના બધા માર્ગો પૈકી કોઈપણ માર્ગ પર નિષ્‍ઠાપૂર્વક ચાલવામાં આવે તો પરમ તત્‍વની પ્રાપ્‍તિ સુગમ છે તેવું વિશાળ દર્શન ગુરુદેવે શિષ્‍યોને સમજાવ્‍યું હતું. આ બાબત સ્‍વામી વિવેકાનંદના જીવન અને કાર્યોમાં સ્‍પષ્‍ટ રીતે સાર્થક થતી જોઈ શકાય છે.

       ભારતના આ યુવાન સન્‍યાસીએ શિકાગોમાં મળેલ ધર્મ પરિષદમાં ભારતીય દર્શનમાં જેનો મહિમા કરવામાં આવ્‍યો છે તેવા સહિષ્‍ણુતા તથા પૂરા વિશ્વની એકતાનો અનોખો સંદેશ આપ્‍યો. ૧૧ સપ્‍ટેમ્‍બર, ૧૮૯૩ ના દિવસે વિશ્વને પંથવાદ, ધર્માધતા તથા ધર્મઝનૂન સામે ચેતવણી આપીને સ્‍વામીજીએ આ બાબતને માનવસમાજની પ્રગતિમાં બાધક ગણાવી. જોગાનુજોગ ૧૧ સપ્‍ટેમ્‍બર, ૨૦૦૧ ના દિવસે જ અમેરિકાના વર્લ્‍ડ ટ્રેડ સેન્‍ટર પર હૂમલો થયો ત્‍યારે કદાચ સ્‍વામીજીએ આર્ષદ્રષ્ટા તરીકે જે બાબતો સામે વિશ્વને ચેતવણી આપી હતી તેવા જ દુષ્‍પરિણામ વિશ્વના સામે પ્રત્‍યક્ષ સ્‍વરૂપે આવ્‍યા. સ્‍વામીજીએ શ્રી રામકૃષ્‍ણ મિશનની સ્‍થાપના કરીને તેમનું જીવનકાર્ય આગળ વધારવા માટે સંસ્‍થાકીય વ્‍યવસ્‍થા ઊભી કરી. સ્‍વામીજીએ ગુજરાત સહિત સમગ્ર દેશનું જે પરિભ્રમણ કર્યું હતું તેના કારણે રાષ્‍ટ્રની સાચી પરિસ્‍થિતિથી તેઓ પૂરેપૂરા વાકેફ હતા. આથી જ સમર્પિત સન્‍યાસીઓનું એક જૂથ રામકૃષ્‍ણ મિશનના સ્‍થાયી માધ્‍યમથી માનવ કલ્‍યાણના વિશાળ ઉદ્દેશ માટે સતત કાર્યરત રહે તેવી તેમની ભાવના હતી. આ બધી જ બાબતો આયુષ્‍યના આટલા ટૂંકા ગાળામાં તેઓ કરી શક્યા તે અહોભાવ જન્‍માવે તેવી બાબત છે.

       સ્‍વામીજીને ગુજરાત સાથે એક વિશિષ્‍ટ નાતો રહ્યો. રાજસ્‍થાન તરફથી ગુજરાતમાં આવ્‍યા બાદ આશરે પાંચેક માસનો સમય તેમણે સૌરાષ્‍ટ્ર-કચ્‍છ અને રાજયના બાકીના ભાગોમાં વિતાવ્‍યો. વઢવાણ-લીંબડી-ભાવનગર તથા પોરબંદરમાં તેઓ રોકાયા. પોરબંદરનો તેમનો નિવાસ લાંબો મનાય છે. પોરબંદરથી જ દરિયાઈ માર્ગે તેઓ દ્વારકા તથા માંડવી કચ્‍છ ગયા છે. તેમ પલાણ સાહેબે નોંધેલું છે. કચ્‍છયાત્રાના ૧૧ દિવસ માનવામાં આવે છે. પોરબંદરના વહીવટકર્તા શંકરરાવ પાંડુરંગ પંડિત જેઓ બહુશ્રુત વિદ્વાન હતા તેમની સાથે સ્‍વામીજીએ વિદ્યા વ્‍યાસંગ કરેલો છે. સ્‍વામીજી સાથે વિશ્વધર્મ પરિષદમાં ભારતીય ધર્મ સંસ્‍કૃતિ તથા જૈનદર્શનની વાત કરનાર વીરચંદ ગાંધી પણ ગુજરાતી હતા. તેઓના જ્ઞાન તથા તાર્કીકતાની પણ ભારે પ્રશંસા થઈ હતી.

       રામકૃષ્‍ણ પરમહંસે સિંચેલા સેવા તથા સંસ્‍કારના કાર્યોનો પ્રસાર કરવામાં તથા તે માટે ચોક્કસ વ્‍યવસ્‍થા ઊભી કરવાના કામમાં વિવેકાનંદજીએ ટૂંકા સમયગાળામાં નોંધપાત્ર પ્રયાસો કર્યા. ઈ.સ. ૧૮૯૭ માં તેમણે શ્રી રામકૃષ્‍ણ મિશનની સ્‍થાપના કરી. ‘પ્રબુધ્‍ધ ભારત’, ‘ઉદ્દબોધન’ વગેરે  સામાયિકો શરૂ કરાવ્‍યા. ભગિની નિવેદ્દીતાને સાથે લઈને દેશ-વિદેશમાં પરિભ્રમણ કર્યું. જીવનના છેલ્‍લા દિવસે પણ તેમણે કાલીપુજા તેમજ અન્‍ય દૈનિક કાસ્‍ય હંમેશની માફક કર્યા. માત્ર ૩૯ વર્ષની વયે અનેક ક્ષેત્રોમાં પોતાનું વિશષ્‍ટિ યોગદાન આપીને આ મહાપુરુષે ૪ જુલાઈ ૧૯૦૨ ના દિવસે સંસારનો ત્‍યાગ કર્યો. રોમાંરોલાંએ રામકૃષ્‍ણ–વિવેકાનંદની જોડીને વર્તમાન ભારતની એક મોટી ઐતિહાસિક ઘટના તરીકે ઓળખાવી તે સર્વથા ઉચિત છે. સ્‍વામી વિવેકાનંદ યુગ-યુગાંતરો સુધી માનવજાતને પ્રેરણા તથા જાગૃત રહીને કર્મ કરતા રહેવાનો સાશ્વત સંદેશ આપતા રહેશે તે નિર્વિવાદ છે.

સ્‍વામીજી સર્વ કાળે સાંપ્રત

       ગાંધીજીએ જેને મહત્‍વ આપ્‍યું તેવી સમાજજીવનને સ્‍વસ્‍થ કરનારી પાયાની બાબતો પર ગાંધીજી પહેલા સ્‍વામી વિવેકાનંદે ધ્‍યાન કેન્‍દ્રિત કરેલું. સ્‍વાધિનતા, જનજાગરણ, સર્વધર્મ સમન્‍વય, દરિદ્રનારાયણની સેવા જેવા વિચારોને તેમણે ફેલાવ્‍યા. એટલું જ નહિ, તે બાબતોને વ્‍યવહારમાં ઉતારવા દ્રઢ ઈચ્‍છાશક્તિથી કામ કર્યું. આ સમસ્‍યાઓ પણ તેઓએ ગાંધીજીની પહેલા, ગાંધીની જેમજ ભારતનું નિરંતર પરિભ્રમણ કરીને સાચા અર્થમાં સમજ્યા. રામકૃષ્‍ણ મીશનને તેમણે જ સંસ્‍થાકીય સ્‍વરૂપ આપીને પ્રવૃત્તિઓને એ દિશામાં વાળી. શંકરાચાર્ય, કબીર, નાનક, રાજા રામમોહનરાય જેવા વિચારકો સાથે સ્‍વામીજી-ગાંધીજીના પણ વિચારો મળતા આવે છે. પૂર્વ તથા પશ્ચિમની જીવનશૈલીના અભ્‍યાસુ સ્‍વામીજી પૂર્વની વૈચારીક મહત્‍તા પારખી શક્યા તથા તાર્કીક રીતે સ્‍થાપિત કરી શક્યા. પરંતુ સાથેસાથે પશ્ચિમનો વૈજ્ઞાનિક અભિગમ તથા માનવજીવનના વિકાસ માટેની ઉપયોગી બાબતોને પણ એટલુંજ પ્રાધાન્‍ય આપ્‍યું. ઘણીવાર  સ્‍વામીજી કહેતા કે ક્રાઈસ્‍ટના અનુયાઈઓએ ઈસુની મુળ વાતોનું અનુસરણ કરવાનું મહદઅંશે છોડી દીધું છે. તેજ રીતે શ્રીકૃષ્‍ણના ભક્તોએ કર્મના માર્ગને તિલાંજલી આપી છે. યુવાનોને બલિષ્‍ઠ અને શિક્ષિત બનવવાની સ્‍વામીજીની સોનેરી સલાહ આજે પણ યર્થાથ છે. બંધિયાર વિચારો-માન્‍યતાઓને બદલે સરિતાના નિર્મળ નીર જેવા જીવંત આ વિચારો કોઈપણ કાળે દિશાદર્શક બને તેવા છે.

***

Leave a comment

Blog at WordPress.com.

Up ↑