લોકવિદ્યા-વિમર્શ : વન-ઉપવનના પુષ્પો

            આપણા વિદુષિ બહેન શ્રી વસુબેને લખેલી એક વાત સ્મરણમાંથી ખસતી નથી. તેઓ કહે છે : ‘‘ સફેદ વાળમાં સૌરાષ્ટ્રના પૌરુષનું સોહામણું સ્વરૂપ નીખવું હોય તો જયમલ્લભાઇમાં જોવા મળે …….. સૌરાષ્ટ્રનું કાઠું અને એવી જ ધારદાર આંખ, શબ્દોની સમજ અને શક્તિ અપાર. શબ્દોના શિલ્પી …. બોલે ત્યારે વાર્તા રચી દે.  સૌરાષ્ટ્રના સાંસ્કૃતિક ક્ષેત્રના તેઓ એલચી હતાં.’’ લાગણીનું તત્વ હોવા છતાં વસુબેનની આ વાતમાં સહેજ પણ અતિશયોક્તિ નથી. જયમલ્લભાઇનું વ્યક્તિત્વ અને કર્તુત્વ બન્ને પ્રભાવી અને પ્રતાપી હતા. ડીસેમ્બર-૨૦૧૨ માં જયમલ્લભાઇની શતાબ્દી વર્ષનો શુભારંભ પૂજ્ય મોરારીબાપુના પવિત્ર કર કમળોથી થયો. ત્યારબાદ રાજયના અનેક ભાગોમાં વિભિન્ન વર્ગના લોકોએ જન્મશતાબ્દીના કાર્યક્રમોને હૈયાના ઉમળકાથી વધાવ્યા તે ભાગ્યે જ જોવા મળે તેવી ઘટના છે. લોકસાહિત્યનો સંબંધ જીવાતા જીવન સાથેનો સંબંધ છે અને તેની સરળતા, પ્રવાહિતા તથા લોકભોગ્યતાને કારણે જયમલ્લભાઇનું આ ક્ષેત્રમાં અમૂલ્ય યોગદાન લોકસ્મૃતિમાં ચિરસ્મરણિય છે. ડૉ. હસુ યાજ્ઞિકે લખ્યું છે તેમ ઉર્મિનવરચનાના સંપાદનની અભ્યાસદ્રષ્ટિએ લોકસાહિત્યને જોવા-મૂલવવાની પ્રથાનો વિકાસ થયો. ઉપરાંત તેઓ કહે છે તેમ લોકસાહિત્યની વિદ્યાશાખાના નવયુવાન અભ્યાસીઓ છે તેમના દ્રષ્ટિ વિકાસમાં જયમલ્લ પરમારનો તથા ઉર્મિનવરચનાનો ખાસ ફાળો છે. જયમલ્લભાઇની રસલ્હાણને હોંકારો દેતા કવિ પિંગળશીભાઇ લીલા (જામનગર) મર્મવાળી વાત કરે છે.

        તેં સોંપ્યો સાહિત્યનો ભરપુર લઇ ભંડાર,

                વેધુ કુણ એ વાંચશે પોથાને પરમાર,

        પીરસવી પરમાર કયાં રસસાહિતની લાણ,

                છે નહિ આ સૌરાષ્ટમાં જયમલ્લજેવી જાણ.

        આથી જ ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર પ્રકાશિત ‘‘લોકવિદ્યા વિમર્શ’’  પુસ્તક ભાઇ શ્રી ભરતભાઇ કવિ પાસેથી મળ્યું ત્યારે પ્રસન્નતાનો  અનુભવ સ્વાભાવિક રીતે જ થયો. આ પુસ્તકના માધ્યમથી સુઆયોજિત રીતે જયમલ્લભાઇના અનેક વિષયો પરના વિવિધ લખાણોનું સુંદર સંપાદન કરવામાં આવ્યું છે. સાહિત્ય અકાદમી તેના મહામાત્ર શ્રી હર્ષદ ત્રિવેદીના સક્રિય માર્ગદર્શન હેઠળ પ્રકાશનની વિવિધરંગી પ્રવૃત્તિ કરે છે. આ બાબતથી ભાગ્યે જ કોઇ અજાણ હોય તેથી આ પુસ્તકનો વિચાર કરવા માટે તથા તે વિચારને કાર્યાન્વિત કરવા માટે રાજય સરકારની અકદામી તેમજ હર્ષદ ત્રિવેદી આપણી પ્રશંસાના અધિકારી બને છે. આ કામ જેમના માધ્યમથી થયું તે શ્રી ભરત કવિ એક પત્રકાર અને સુવિખ્યાતકવિ હોવા ઉપરાંત એક અસરકારક સંપાદક પણ પુરવાર થયા છે. ભાઇશ્રી રાજુલ દવેનો ઉમળકો લોક સાહિત્યના કોઇ પણ કાર્ય માટે હોય છે જ તેથી આ પુસ્તક તૈયાર કરવામાં અને તેને સુરેખ બનાવવામાં તેમનું પાયાનું યોગદાન હોય તે સ્વાભાવિક છે. 

               કવિ શ્રી દુલા ભાયા કાગ (ભગતબાપુ) કહે છે તેમ જયમલ્લભાઇએ લોકસાહિત્યનો રસધોધ વહાવ્યો છે. જયમલ્લ પરમારનો આ બાબતનો અભિગમ ખૂબ જ વૈજ્ઞાનિક તથા તથ્યઆશ્રિત છે. લોકસાહિત્ય વિશે દેશ-વિદેશના અનેક ભેખધારી સંશોધકોનો ઉંડો અભ્યાસ કરીને તેઓ પોતાની વાત મૂકે છે. લોકસાહિત્યના મૂળ સ્ત્રોત વિશેવાતકરતા તેઓ લોકસાહિત્યના જ્ઞાતા ડૉ. કૃષ્ણદેવ ઉપાધ્યાયના અભ્યાસુ શબ્દો ટાંકે છે: ‘‘એ યુગનો પ્રધાન ગુણ જ સ્વાભાવિકતા, સ્વછંદતા અને સરળતા હતો. સ્વાભાવિકતા એટલે વન-ઉપવનમાં ખીલતા ફુલ જેવી, સ્વછંદતા એટલે આકાશમાં વિહરતા પંખી જેવી અને સરળતા એટલે સરિતાની ધારા જેવી. એ સમયના સાહિત્યના જે કાંઇ અંશ બચી ગયા છે એ જ લોકસાહિત્યના રૂપમાં મળી આવે છે.’’  આથી જયમલ્લભાઇ એવા ચોકકસ તારણ પર પહોંચ્યાછે કે, લોકસાહિત્યનું ક્ષેત્ર ઘણું વિશાળ છે. વિશાળ વિશ્વ અને તેના લોકની પરંપરાઓ જોતા, જયમલ્લભાઇના મત મુજબ, આવા અલિખિત લોકસાહિત્યની સરખામણીમાં શિષ્ટ સાહિત્ય ઘણું અલ્પ કહી શકાય એટલું જ છે. કંઠસ્થ  સાહિત્ય ગ્રંથસ્થ નથી થયું તેથી અલ્પ લાગે છે. આ લોકસાહિત્યમાં તર્ક કરતાં શ્રધ્ધાનું અને કલ્પના કરતાં ઉર્મિનું તત્વ વિશેષ રહેલું છે. થોડા શબ્દોમાં સચોટ ચિત્ર ઉપસાવવા નૈસર્ગિક કલાવિધાન લોકસાહિત્યમાં રહેલું છે. તેની રચનાઓનું લાઘવ ચોટદાર તથા ચિત્તવેધક હોય છે. લોકકથા કે લોકગીત પણ

સરળતા, સહજતા તથા પ્રવાહીતાના સચોટ ઉદાહરણ જેવા છે. કૃત્રિમતાને અહીં સ્થાન નથી.

               મણિયારાને ઉતારા ઓરડા

                       ને દેશું મેડીના મોલ રે

               ભેણ મુંજો હાલારી મણિયારો

                       કે બાઇ મુંજો પરદેશી મણિયારો.

વર કન્યાની પસંદગીના પણ કેવા મીઠા તથા મર્મીલા ગીતો !

               એક ઉંચો તે વર ના જોજો રે દાદા,

                       ઉંચો તે નત નેવા ભાંગશે !

               એક નીચો તે વર ના જોજો રે દાદા,

                       નીચો તે નત કેબે આવશે !

પરંતુ હવે આગળની વાત કરવામાં પણ વિવેક અને શરમ ભારોભાર છે. દાદાને જ આ વાત કરી શકાય.

               એક કેડે પાતળિયો ને મુખરે સાંવરિયો

                       તે મારી સહિયરે વખાણીયો !

        લગ્નના ગીતો હોય કે કૃષ્ણજન્મના મંગળ પ્રસંગે સમુહમાં ગવાતા ગીતો હોય એ દરેક લોકગીતમાં જીવતરનું અમી તથા અંતરનો ઉલ્લાસ ભારોભાર પ્રગટ થાય છે. જગજનની જગદંબાના નવલા નોરતામાં ગવાતા ગરબા તો આજે દેશ-વિદેશના ઘણા લોકોના ધ્યાનમાં આવ્યા છે. આ ગીતોની મીઠાશ, ભાવ તથા સરળતાને કારણે આજે પણ ડાયરાઓના અનેક કાર્યક્રમોમાં આ ગીતોની પ્રસ્તુતિ વધાવી લેવામાં આવે છે. મેળાના ગીતોનો પણ એક આગવો મીજાજ છે. લોકસાહિત્યના માધ્યમથી કદાચ સંધોમિ સૌથી અસરકારક રીતે પ્રગટી છે. પ્રસ્તુત પુસ્તકમાં આ બાબતની સમજુતી શાસ્ત્રીય ઢબે તથા તર્કબધ્ધ રીતે આપવામાં આવી છે. જયમલ્લભાઇનું આ પ્રદાન બીરદાવવા યોગ્ય છે.

જયમલ્લભાઇએ નશાબંધીની પ્રવૃત્તિમાં પણ મોટું યોગદાન આપ્યું. નશાબંધી મંડળનું કામ માનવીમાં પરિવર્તન થશે તેવી શ્રધ્ધાથી કરવાનું કામ ગણીને તેઓ આ કાર્યમાં જોડાયા. માત્ર કાયદાથી પરિવર્તન શકય નથી. વિકૃતિઓના વમળ વચ્ચેથી માણસને શોધી કાઢવાની ધીરજ જોઇએ. આથી જ માળિયા મીયાણાંના મામદને બીજી કોઇ રીતે નશાથી દૂર કરી શકાયો નહિ ત્યારે દિકરીના માધ્યમથી સમજાવ્યો. નિકાહ પઢવાના પવિત્ર સમયે પુત્રીની નશો છોડવાની માંગણી પિતા ઠુકરાવી શકયો નહિ.

        સિંહ તથા અશ્વ વિશેષાંકોની વાતો પણ હેરતા પમાડે તેવી છે. ‘ગગનને ગોખે’ માં ખગોળશાસ્ત્રનો પરિચય કરાવ્યો. ‘‘આપણે આંગણે ઉડનારા’’  પક્ષી વિષયક માહિતી લોકગીતોની કડીઓ સાથે સમાજ સમક્ષ રજૂ કરી. શ્રી પલાણ સાહેબ લખે છે તેમ મેધાણીભાઇને જયમલ્લ પરમાર -નિરંજન વર્મા જેવા થનગનતા વછેરા જોતાતાં અને નિરંજન – જયમલ્લને ધગધગતો સર્જક ખપતો હતો. નિરંજન વર્માનું મૂળ નામ – નાનભા બારહઠ્ઠ. જયમલ્લભાઇ, ઇશ્વરભાઇ તથા નિરંજન – ત્રણેની આદર્શ મૈત્રિ ઉત્તમ સંબંધોના ઉદાહરણ સ્વરૂપ હતી. ત્રણે મિત્રો વિશિષ્ટ રીતે શક્તિશાળી પરંતુ જીવનભર મીઠા સંબંધોના તાંતણે બંધાયેલાં  રહ્યાં.

        એક પ્રદેશની મોહક છબી ઉપસાવવામાં માત્ર ત્યાંના નિવાસી નરનારીઓ કે મઠ મંદિરો જ નહિ પરંતુ સિંહો તથા સંતોના ગૌરવપૂર્ણ અસ્તિત્વને કારણે પ્રદેશની શોભાગીરીમાં વિશેષ નીખરી છે તેમ કહીને પ્રકૃતિ સાથેના કાયમી તથા ઉષ્માપૂર્ણ માનવ સંબંધની વાત જયમલ્લભાઇએ અલગ અલગ રીતે લખી છે તેને સંકલિત કરવાનો નોંધપાત્ર પ્રયાસ થયો છે.

        ઉર્મિનવરચના માસિકે લગભગ અઢી દાયકાના તેના યાદગાર પ્રવાસ દરમિયાન લોકસાહિત્યના જ એક અભિન્ન મણકા સમાન પશુ-પ્રાણી-પ્રકૃતિની અનેક વાતો તેના સિધ્ધહસ્ત લેખકો પાસે લખાવી અને સમાજને આ મહામૂલી સામગ્રી ભેટ ઘરી. હવે આ બાબતો સદ્દભાગ્યે ગ્રંથસ્થ થઇ છે.

        સૌરાષ્ટ્રની સંસ્કૃતિના જાણતલ અને સદા જાગૃત તથા અભ્યાસુ એવા જયમલ્લભાઇએ આ સામગ્રીને ગ્રંથસ્થ કરવા માટેના જે પ્રયાસો કર્યા તે પ્રશંસાને પાત્રછે. ઘણી બધી એવી બાબતો કે વિગતો જે કંઠો-પ-કંઠ કહેવાતી હતી તે ગ્રંથસ્થ થતા ભાવી પેઢીઓ સુધી તેનો લાભ વિસ્તરતો રહેશે. આ પ્રયાસના જ એક ભાગરૂપે દર વર્ષે દિપોત્સવી પર્વ નિમિત્તે લોકસાહિત્યના કોઇ એક વિષયને કેન્દ્રમાં રાખીને તેના પર અભ્યાસપૂર્ણ વિશેષાંક પ્રગટ કરવાની જે પ્રથા હતી તેના કારણે કેટલાંક લોકજીવનના ખૂબ  મહત્વના વિષયો પર વિશેષાંકો થયા. સમાજે આ પ્રયાસને ઉમળકાભેર વધાવી લીધો. આવા વિશેષાંકોમાં સ્વાભાવિક રીતે જ ર૫ થી ૩૦ જેટલા વિષયના જાણકાર તથા અનુભવીલેખકો પોતાની કૃતિ રજૂ કરી શકતા હતા. સિંહ કથાઓનો વિશેષાંક હોય કે પછી લોકકળાઓના વિવિધ વિષયોની સામગ્રીને કાળજીપૂર્વક આવરી લેતો ખાસ અંક હોય, તે દરેકમાં એકઠી થયેલ સામગ્રી મહત્વની છે. આ બધી બાબતો થકી એક સારા દસ્તાવેજીકરણનું કામ ઉર્મિનવરચનાના જાગૃત માધ્યમથી થયું. ફુલછાબના માધ્યમથી મેઘાણીભાઇએ ઘણી પ્રગટ-અપ્રગટ લોકજીવન, લોકકળાઓ સાથે સંકળાયેલી બાબતો લોકો સમક્ષ ધરી. તે જ પ્રકારે જયમલ્લભાઇએ ઉર્મિનવરચના થકી એક નિષ્ઠાથી આ કાર્ય અઢી દાયકા સુધી – ૧૯૬૭થી ૧૯૯૧ નિયમિત રીતે કર્યુ. સૌરાષ્ટ્રની સંસ્કૃતિ કેટલીક રીતે વિશિષ્ટ છે તેવું કહેવાય છે પરંતુ આ વિશિષ્ટ બાબતો કઇ છે અને શા માટે તેને વિશિષ્ટ કે અનોખી ગણીએ છીએ તેનો ખ્યાલ આપતું કાર્ય મહદ્દઅંશે મેઘાણીભાઇએ અને ત્યારબાદ જયમલ્લભાઇ જેવા ધૂળધોયા લોકોએ કરી બતાવ્યું. સદ્દભાગ્યે જે લેખકોએ પોતાનું યોગદાન આ યજ્ઞકાર્યમાં આપ્યું તેઓને આ વિષયનો માત્ર ઉપરચોટિયો કે પુસ્તકિયો પરિચય નથી. આ વિષયમાં અને તેને લગતી તમામ બાબતોમાં તેમનું જીવન ઓતપ્રોત હોવાથી તેની બારીક બબતોને તેઓ ખૂબીપૂર્વક પકડી શકયા છે અને આપણી સમક્ષ મૂકી શકયા છે. શ્રી મેઘાણીભાઇના ચીલે ચાલીને તેમણે ઉપાડેલી બાબતોને વિશેષ આગળ વધારવામાં કે તેમાં અર્થપૂર્ણ પૂર્તિ કરવામાં જયમલ્લભાઇ, રાયચુરાભાઇ તથા દૂર્લરાયકારાણી જેવા લોકોએ સંપૂર્ણ નિષ્ઠા અને શ્રધ્ધાથી પ્રયાસો કર્યા છે. આવતીકાલે કોઇ પણ જીજ્ઞાસુને માર્ગદર્શક બની શકે તેવા વિષયની તલસ્પર્શી છણાવટ આવા અભ્યાસપૂર્ણ લેખોથી થાય છે એ ખરા અર્થમાં સરસ્વતીની ઉપાસના છે. સમાજજીવન તેનાથી હરિયાળુ બને છે.

        જયમલ્લભાઇનું વ્યક્તિત્વ બહુ આયામી હોવાના કારણે તેમણે લોકસાહિત્ય ઉપરાંત અનેક ક્ષેત્રોમાં પોતાનું યોગદાન આપ્યું. પત્રકારત્વમાં તેમણે ફુલછાબના માધ્યમથી નવી ભાત પાડી લોકસાહિત્યમાં સંગીતની કેટલીક બારીક બાબતોની સમજૂતી આપીને તેમણે સાહિત્ય-સંગિતના આ મધુર સંબંધને સ્પષ્ટ કર્યો. લોકસાહિત્યમાં ધોરણો જળવાય અને લોકરંજન માટે કોઇ અણછાજતી વાતો લોકસાહિત્યના નામે ન પીરસાય તેની જાગૃતિ કેળવી અને નિર્ભયતાથી આ વાત દરેક તબકકે લખી તથા સંભળાવી સાહિત્યમાં રસ ધરાવતા અને યોગદાન આપી શકે તેવા નવલોહિયા યુવાનોની પીઠ થાબડીને લખતા કર્યા.સતત પરિભ્રમણથી લોક વચ્ચે રહીને તેમની વાતો મેળવી અને અતિશયોક્તિ, અંધશ્રધ્ધાથી હંમેશા દૂર રહયા. નવા રચાયેલા સૌરાષ્ટ્ર રાજયના સંગીતનાટક અકાદમીની સ્થાપ્નામાં મહત્વનો ફાળો આપવા ઉપરાંત તેની પ્રવૃત્તિને વિસ્તૃત કરવામાં સિંહભાગ ભજવ્યો. આકાશવાણી રાજકોટના સબળ માધ્યમનો ઉપયોગ લોકસાહિત્યના પ્રસાર માટે થાય તેનું સુરેખ આયોજન કર્યુ. એક વ્યક્તિએ હૈયા ઉકલત અને કૂનેહથી કેટલા બધા ક્ષેત્રોમાં ખેડાણ કર્યુ ! આથી જ તેમના યોગદાનની કેટલીક મહત્વની બાબતો પર ‘‘લોકવિદ્યા-વિમર્શ’’ પ્રકાશ પાડે છે તે આનંદની બાબત છે. વાચકને રસ પડે તેવી વાતોનું સંપાદન  થયું છે.  ‘‘ગમતાનો ગુલાલ’’  કરનારા જયમલ્લભાઇ સાહિત્ય પ્રેમીઓની સ્મૃતિમાં હંમેશા આદરપૂર્વક રહેશે. લોકસાહિત્યના આ ધૂળધોયાની મહેનત અર્થપૂર્ણ અને આશીર્વાદરૂપ છે.

               કૈ જનમ્યા, કૈ જન્મશે, લેખક લાખ કરોડ,

                       પણ જહનામી જડશે નહિ, જૈમલ તારી જોડ

                                                     (બાપલભાઇ ગઢવી)

મેઘાણી અને કારાણીની સ્મૃતિ

શ્રી જયમલ્લ પરમાર અને સૌરાષ્ટ્રના સંદર્ભમાં તેમના મેઘાણી પછીના સમર્થ યોગદાનને વાગળોએ ત્યારે કચ્છના કળાયલ કારાણી અચૂક યાદ આવે. કચ્છનો લોક વારસો ભવ્ય છે. કચ્છની ઘરતી અનેક શૂરા, સંતો તથા દાતારોથી શોભાયમાન છે. મહાકવિ નાનાલાલના શબ્દો આ ગૌરવના યશોગાન ગાય છે. કવિશ્રી કહે છે :

‘‘સાગરના તરંગો અને રણના વંટોળની મધ્યે ઉછરેલા

        પાણીદાર વછેરા-વછેરીઓ જોવા કચ્છનાં

રૂઆબદાર નરનાર ભાવ ઝળૂંબતાં

        વૃક્ષવેલીઓ સમાં વિલસે છે ’’

શ્રી દુલેરામ કારાણીની સુઝ તથા વણથાકી રઝળપાટને કારણે કેટલાયે વીરો તથા સંતોના દર્શન થયા છે. તેમણે ખરેખર લોકસાહિત્યના ધૂળધોયાનું વિરાટ કાર્ય એક નિષ્ઠાથી કર્યુ છે. કારાણી સિવાય આ વાતોનો ખજાનો આપણાં સુધી શી રીતે પહોંચત ?

દેશ-શણગાર, દાતાર જગડૂ અને

        રાય ખેંગારની કીર્તિ રાજે,

લક્ષ ફુલાણી ને જામ અબડા તણા,

        નામની નોબતો નિત્ય ગાજે,

જંગ ઝારા તણાં રંગ જામ્યા જહાં,

        વીર પર અંગ ઉછરંગ ભરણી,

ભારતીમાતને ખોબલે ખેલતી,

        ધન્ય હો ! ધન્ય હો ! કચ્છ ધરણી !

*********

ગુજરાતી સાહિત્‍ય પરિષદની વેબસાઇટ પરથી શ્રી  જયમલ્લભાઇનો વિશેષ પરિચય આપતી માહિતી માટેની લીંકઃ

           http://gujaratisahityaparishad.com/prakashan/sarjako/savishesh/Savishesh-Jaymal-Parmar.html

Leave a comment

Blog at WordPress.com.

Up ↑