‘‘વસુધૈવ કુટુમ્બકમ’’ ની વાત આપણાં શાસ્ત્રોએ કરી ત્યારે સમગ્ર વિશ્વને સ્નેહના, લાગણીના તથા માનવ મનની એકતાના અતુટ તાંતણે બાંધવાની વાત કરી છે. ‘‘કૃણવન્તુ વિશ્વઆર્યમ’’ વેદોમાં કહેવાયું ત્યારે પણ સ્વામી દયાનંદ સરસ્વતીએ કહ્યું તેમ વિશ્વને સુસંકૃત બનાવાની ઉદાર ભાવના તેમાં રહેલી છે. આજે તો સંદેશા વ્યવહાર તથા વાહન વ્યવહારના આધુનિક સાધનોના પ્રતાપે વિશ્વનું અંતર ઓછું થયું છે. પરંતુ જે સમયે દેશના એક ભાગથી બીજા ભાગ સુધી મુસાફરી કરવી હોય તો તે પણ મુશ્કેલ લાગતી તેવો કાળ હતો. આ સમયમાં પણ કેટલીક વંદનીય વિભૂતિઓ ખરા અર્થમાં આચાર તથા વિચારથી વિશ્વ નાગરિક બનીને જીવ્યા તે અહોભાવ ઉપજાવે તેવી વાત છે. મોહન (ગાંધીજી) ના સાથી ચાર્લી (દીનબંધુ એન્ડ્રુઝ) આવા એક વિશ્વ નાગરિક હતા. જ્યાં જ્યાં પિડિતોનો સાદ સંભળાયો ત્યાં ત્યાં તેઓ ગયા.સહજભાવે અને પૂરી સંવેદનશીલતાથી તેમના સુખદુખમાં સહભાગી થયા. ભારત હોય, દક્ષિણ આફ્રિકા હોય કે ફિઝી હોય, એ દરેક સ્થળે આ સાંતાક્લોઝ પ્રેમ, આનંદ તથા સાહનુભૂતિની ભેટ લઇને ફર્યા. નાતાલના પવિત્ર તહેવારોના સમયે આ પાવનકારી સંતનું સ્મરણ થવું સ્વાભાવિક છે. તેઓ આપણાં ઠક્કરબાપા કે રવિશંકર મહારાજની હરોળમાં બેસે તેવા મહામના સેવક હતા. જ્યાં માનવતા જોડે છે ત્યાં સંપ્રદાયો કદી પણ વિચ્છેદ કરતા નથી. દીનબંધુના સ્મરણ સાથેજ ગુજરાતના સંદર્ભમાં વિચાર કરીએ તો ફાધર વાલેસની પવિત્ર સ્મૃતિ પણ તાજી થાય. સ્પેનના આ પાદરીએ સવાયા ગુજરાતી થઇને ગુજરાતી સાહિત્યમાં કેટલું મોટું તથા નોંધપાત્ર પ્રદાન કર્યું ! તેમાંયે યુવાનો માટેનો તેમનો વિશેષ સ્નેહ તથા યુવાનોને દિશા ચિંધનારા તેમના તરોતાજા વિચારો ગમે તે કાળે પ્રાસંગિક લાગે તેવા છે.
ગાંધીજીનું વ્યક્તિત્વ એવું હતું કે અનેક ક્ષેત્રના તથા અલગ અલગ આચાર, વિચાર ધરાવતા આપણાં દેશના તેમજ વિદેશોના ધણાં લોકો તેમનાથી આકર્ષિત થયા હતા. કવિવર ટાગોર જેવા શ્રેષ્ઠ કક્ષાના સર્જક હોય કે ટોલ્સટોય જેવા વિશ્વના સુવિખ્યાત ચિંતક હોય, પરંતુ ગાંધીજી તરફ તેમને એક વિશેષ આકર્ષણ રહેતું હતું. તેમાના ઘણા લોકો સાથે તેઓ અંગત સંબંધોથી પણ જોડાયેલા રહ્યા હતા. ચાલ્સ એન્ડ્રુઝ આવાજ એક સજ્જન હતા. ઇંગ્લાંડમાં ૧૮૭૧ માં જન્મેલા ચાલ્સ ભારત સાથે અને ગાંધીજી સાથે એક અનન્ય ઐક્યનું ઉજળું જીવન જીવી ગયા. તેઓ એક પાદરીના સંતાન હતા. ધર્મનું વાતાવરણ તથા તેના સંસ્કાર તેમનામાં સહજ રીતે સંચરેલા હતા. સારા-નરસાનો નિર્ણય પોતે સ્વતંત્ર રીતે કરી શકે તેવા તટસ્થ વિચારક હતા. આથીજ પિતા જે સંપ્રદાય સાથે જોડાયેલા હતા તેને પણ તેઓ છોડી શક્યા હતા. એમનામાં ઊંડે ઊંડે પણ હિન્દ તરફનું ખેંચાણ હતું. એન્ડ્રુઝને શિક્ષણ સારું મળ્યું. અભ્યાસમાં પણ ખૂબજ ચીવટ હોવાના કારણે યશસ્વી કારકિર્દી હતી. પરંતુ તેમની સંવેદના દુખીયારા તથા તરછોડાયેલા તરફ હોવાથી મોભાદાર નોકરી તરફ તેમનું ધ્યાન કદી ન ગયું. સાદુ તથા ઓછી જરૂરિયાતો હોય તેવું જીવન જીવવાની તેમની ખેવના હતી. કોલેજમાં અધ્યાપન કાર્ય પણ તેમણે થોડા વર્ષો સુધી કર્યું. તેઓને દુનિયાભરના અલગ અલગ સમાજના જીવનમાં જેની અસર છે તેવા વિવિધ ધર્મો વિશેની જાણકારી મેળવવાની તાલાવેલી હતી. આથી તેનું અધ્યયનકાર્ય પણ તેમણે એકનિષ્ઠાથી કર્યું. સ્વાભાવિક રીતેજ તેના કારણે દ્રષ્ટિમાં વિશાળતા આવી. દરેક ધર્મમાં સારા તત્વો છે તેની પ્રતિતિ થઇ. આપણાં ગાંધીયુગના કેટલાક મહાનુભાવો જેમાં વિનોબાજી કે કિશોરલાલ મશરૂવાલાની સ્મૃતિ થાય કે જેઓ પણ વિભિન્ન ધર્મો તથા શાસ્ત્રોનો અભ્યાસ કરીને આપણાં સુધી તેનો અર્ક પહોંચાડી શક્યા. અંતે તેમના મનની જે ભારત આવવાની ઇચ્છા હતી તે પૂરી થવાનો સમય આવ્યો. વીસમી સદીની શરૂઆતના બ્રિટિશ શાસન હેઠળના હિન્દમાં ૧૯૦૪ માં તેઓ ભારત આવ્યા. પોતાની ઇચ્છા પૂરી થઇ તેનો બેહદ આનંદ એન્ડ્રુઝને હતો. એ કેવો સુખદ અનુભવ કહેવાય કે આટલે દૂરથી આવતા એક અજનબીને હિન્દ માદરે વતન જેવું લાગ્યું. અહીંની ભૂમિનું ખેંચાણ યથાવત રહ્યું. હિન્દની ધરતીનું પ્રાકૃતિક સૌંદર્ય પણ તેમને વિશિષ્ટ લાગ્યું.
દીનબંધુ આવ્યા એક મીશનરી તરીકે પરંતુ તેમની દ્રષ્ટિની વિશાળતા તેમજ હિન્દ પ્રત્યેના વિશેષ ભાવને કારણે તેઓ જુદા પડતા હતા. હિન્દનો તેમજ હિન્દની સમસ્યાઓનો વિશેષ પરિચય મેળવવામાં તેમને તે વખતના સ્વાતંત્ર્ય માટેની ચળવળના નેતાઓસાથેનો પરિચય વિશેષ ઉપયોગી થયો. તેમની લંડનની સારવાર માટેની મુલાકાત દરમિયાન તેઓને ગુરૂદેવ ટાગોરને મળવાનું થયું. દરમિયાન એન્ડ્રુઝને દક્ષિણ આફ્રિકાની મુલાકાતે જવાનું બન્યું. ગાંધીજી સાથે તેમની મુલાકાત થઇ અને ગાંધીજીના આફ્રિકાના આશ્રમમાં રહેવાનું થયું. દક્ષિણ આફ્રિકાની લડાઇમાં ગાંધીજીને તેમનો પૂર્ણ સહયોગ મળ્યો. ગાંધીજી સાથેની તેમની ગાઢ દોસ્તી હતી. ગાંધી તેમને ‘‘ચાર્લી’’ કહેતા. એન્ડ્રુઝ ગાંધીજીને ‘‘મોહન’’ કહીને સંબોધન કરતા. ગાંધીજીએજ તેમને ‘‘દીનબંધુ’’ કહ્યા અને આ યથાર્થ સંબોધન ચલણી સિક્કા જેવું પુરવાર થયું. તેઓ દીનબંધુ એન્ડ્રુઝ તરીકે સુવિખ્યાત થયા. વિચારો તથા દીન-દુખીયારા પ્રત્યેની અપાર સંવેદનમાંથી પ્રગટેલું ગાંધી – એન્ડ્રુઝનું સાયુજ્ય કદી ભૂલાશે નહિ. કાકા સાહેબ એન્ડ્રુઝને એક અજોડ વ્યક્તિ તરીકે ઓળખાવે છે તથા તેમની વિધ્વતા અસાધારણ હતી તેમ કહે છે. એક સાધારણ સેવકની જેમ તેમણે હિન્દુસ્તાનની અમૂલ્ય સેવા કરી. કાકા સાહેબને કહે ‘‘હું તો હિન્દીઓનો સેવક થઇને રહેવા માંગુ છું’’ તેમનામાં નમ્રતા તથા સંવેદનશીલતાના અજોડ ગુણ હતા. ગાંધીજીના સંદેશથી તેઓ સંપૂર્ણપણે પ્રભાવિત થયા હતા. ગાંધીજી વિશે લખતા તેઓ કહે છે : ‘‘જેમને હું દક્ષિણ આફ્રિકામાં પહેલીવાર મળ્યો હતો તે મહાત્મા ગાંધીમાં, જાતે કષ્ટ વેઠીને વિજય મેળવવાની સર્વશ્રેષ્ઠ પધ્ધતિ મને દેખાઇ આવતી હતી. તેમની સાથે રહેવાથી મારામાં જે કંઇ ઉત્તમ હતું તે બધું જાગી ઊઠ્યું. ગાંધીજીએ પોતાના પરમ સાહસમય જીવન દ્વારા મારામાં એક એવુંજ સાહસ જાગતું કર્યું.’’ ગિરમીટીયાઓના પ્રશ્ન બાબતમાં ગાંધીજી જે લડાઇ સાઉથ આફ્રિકામાં લડતા હતા તે દીનબંધુને સંપૂર્ણ ન્યાયી લાગી અને તેથીજ તે લડતમાં તેઓ ગાંધીના સાથી બન્યા. ગાંધીજીના કાર્યોને ટેકો આપવાનું કાર્ય તેઓએ આજીવન એકનિષ્ઠાથી કર્યું. દક્ષિણ આફ્રિકા કે ભારતના સામાન્ય લોકોના સત્તાધિશો સામેના પ્રશ્નોમાં તેઓ સક્રિય રહ્યા. આ ઉપરાંત ફિઝીમાં પણ હિન્દી મજૂરોની સ્થિતિ સુધારવા તેમણે અનેક પ્રયાસો કર્યા.
ગાંધીજીના આવા ઉજળા સહયોગીઓનો સંક્ષિપ્ત પરિચય મીરાબહેન ભટ્ટે એક નાનુ પુસ્તક લખીને કર્યો છે જે એક સમાજ ઉપયોગી પ્રયાસ છે. શ્રી નારાયણ દેસાઇના માધ્યમથી પણ દીનબંધુના ઉજ્વળ જીવનના અનેક પાસા સ્પષ્ટ થઇને નજર સમક્ષ આવે છે. ગાંધીજીના કાર્યોને જીવનના છેલ્લા શ્વાસ સુધી તેમણે સમર્થન આપ્યું. તેમની ઊંડી ધર્મભાવના ગરીબો તરફના તેમના વર્તાવમાં પ્રગટ થતી હતી. બીજા મિશનરીઓ કરતા તેઓ જુદા હતા. એન્ડ્રુઝના નિધન બાદ ગાંધીજીએ યાદગાર શબ્દોમાં તેમના જીવનને બીરદાવ્યું. ગાંધીજી લખે છે : ‘‘ઇંગ્લાંડ પ્રત્યેનો તેમનો પ્રેમ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અંગ્રેજ કરતા કોઇપણ રીતે ઊતરે તેવો ન હતો. પરંતુ એ પણ એટલુંજ નિ:સંદેહ છે કે હિન્દ પ્રત્યેનો તેમનો પ્રેમ પણ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ હિન્દીના પ્રેમની બરોબરી કરે તેવો હતો. અંગ્રેજોના દુષ્કૃત્યો ભૂલાઇ જશે પણ દીનબંધુના વીર સુકૃત્યો ઇંગ્લાંડ તથા હિન્દની હસ્તી હશે ત્યાં સુધી નહિ ભૂલાય.’’ ૧૯૪૦ માં તેઓએ વિરવિદાય લીધી ત્યારે સમસ્ત માનવજાતીએ એક ઉત્તમ વિશ્વ નાગરિક ગુમાવ્યો હોય તેવી અનુભૂતિ કરી. પૂર્વ અને પશ્ચિમ વચ્ચેના સેતુરૂપ જીવનને દીપાવીને તેઓ ગયા. આવા લોકોના જીવનની સુગંધ શાશ્વત રહે છે.
થાકે ન થાકે છતાંયે હો માનવી,
ન લેજે વિસામો.
તારે ઉલ્લંઘવાના મારગ ભુલામણાં,
તારે ઉધ્ધારવાના જીવન દયામણાં,
હિમ્મત ન હારજે તું ક્યાંયે,
હો માનવી ન લેજે વિસામો !
************************************
વધુ માહિતીઃ
http://www.bu.edu/missiology/missionary-biography/a-c/andrews-charles-freer-1871-1940/
——————————————————————-
ઘર દીવડાની પાવન સ્મૃતિ
નાતાલના પવિત્ર તહેવારો જ્યારે નજીકમાં છે ત્યારે દીનબંધુ એંન્ડ્રુઝ સાથે કચ્છના ઘરદીવડા સમાન સ્વર્ગીય ફાધર જ્યોર્જ કુન્નથની સ્મૃતિ તાજી થાય છે. કચ્છમાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે કામ કરવાનું બન્યુ ત્યારે ફાધરનો તથા તેમના સમર્પિત કાર્યનો પરિચય થયો. ફાધર જ્યારે પણ મળવા આવે ત્યારે તેમની પાસેથી સમાજના નબળા વર્ગો તેમજ કુદરતી રીતે શારીરિક ખોટનો પડકાર ઝીલીને જીવતા લોકોના પ્રશ્નો વિશે વિશેષ તથા ઉપયોગી માહિતી મળે. તેમના તરફથી આ બાબતોમાં થતા સુયોજિત પ્રયાસો અંગે પણ જાણકારી મળે. આવી જરૂરિયાતવાળા લોકોના લાભાર્થે થતી પ્રવૃત્તિઓ જોવા માટે રાયધણપર આવવા માટેનું તેમનું હમેશનું સ્નેહભર્યુ નિમંત્રણ રહેતું. કચ્છને તેમણે ખરા અર્થમાં અપનાવી લીધું હતું. કચ્છના નાના-મોટા પ્રશ્નોથી પરિચિત હતા. દીન દુખીયામાં ઇશ્વરનું દર્શન કરનાર અને તે માટે કંઇક કરી છૂટનાર લોકોની સ્મૃતિ – સુંગધ હમેશા જીવંત – જ્વલંત રહે છે.
ચરણ આપના ક્યાં ? બીરાજે
ચરણ આપના ક્યાં ?
નીચમાં નીચા, પાછામાં પાછા
રંકના ઝૂંપડા જ્યાં,
બીરાજે ચરણ આપના ત્યાં.
(ગુરૂદેવ ટાગોરના શબ્દો અને જુગતરામ દવેનો અનુવાદ)
***
Leave a comment