‘‘ દરબાર સાહેબશ્રી ગોપાલદાસ દેસાઇ : નાના રાજના રાજવી – મોટા ગજાના માનવી ’’

        દરબાર સાહેબશ્રી ગોપાલદાસનું પાવન સ્મરણ તેમની જન્મજયંતિ – ૧૯ ડીસેમ્બર ના દિવસે ઘણાં લોકોને થાય તે સ્વાભાવિક છે. ગુજરાતના ઘણાં નિડર તથા સમર્પિત સ્વાતંત્રય સેનાનીઓમાં કેટલાંક ગિરાસદારોનો પણ સમાવેશ થાય છે. દરબાર સાહેબ તેમાંના એક અંગ્રેજ હતાં. તેમના ધર્મપત્નિ ભક્તિબા પણ દરબાર સાહેબની જોડાજોડ ઉભા રહીને સંપૂર્ણ નિડરતાથી દેશની આઝાદી માટે લડ્યા. ભક્તિબાના પિતા સુખી, સંપન્ન તથા લીંબડી રાજયના દિવાન હોવા છતાં આઝાદીની આકરી લડતમાં ભાગ લેવા તેઓએ પહેલેથી જ સુવિધાપૂર્ણ જીવન જીવવાની ટેવને તિલાંજલી આપવા પ્રયાસો કરેલા. સુખી પાટીદાર ઘરની દીકરી, રાજવી સાથેના લગ્ન બાદનો તેમનો વિશેષ મોભો તેમજ તે સમયના એકહથ્થુ તથા નિષ્ઠુર શાસનનો ભય જેવી કોઇ બાબત તેમના દ્રઢ નિર્ણયને ડગાવી શકી નહીં. દરબાર સાહેબ પણ એવા જ દીર્ઘદ્રષ્ટિવાળા અને પોતાની તમામ સુખ-સમૃધ્ધિના જોખમ સાથે અંગ્રેજો સામે બાથ ભીડનારા મરજીવા હતા. આમ તો કાઠિયાવાડ બહારવટિયાની ભૂમિ તરીકે પણ પ્રસિધ્ધ છે પરંતુ દરબાર સાહેબ જેવા ગાંધી વિચારધારાને વરેલા બહારવટિયા વિશાળ દ્રષ્ટિ તથા વિશાળ લક્ષ લઇને ચાલનારા હતા. સામાન્ય રીતે સૌરાષ્ટ્રની પ્રજા આપખુદદેશી રાજયોની અનેક પ્રકારની તકલીફો તેમજ નિયંત્રણો હેઠળ જીવતી હતી તેની સામે અમૃતલાલ શેઠે ‘‘સૌરાષ્ટ્ર’’ પત્ર દ્રારા વિરોધનો વંટોળ સફળતાપૂર્વક ઉભો કર્યો હતો. આમ છતાં પણ ઘણાં સુખી તથા શિક્ષિત લોકો ઉપરાંત દરબાર ગોપાલદાસ તથા ભક્તિબા જેવા રાજવી કુટુંબના લોકો ગાંધી માર્ગે નિર્ભયતાપૂર્વક ચાલ્યા હતાં.

        સૌરાષ્ટ્રમાં નાના મોટા રજવાડાઓનો મોટો સમુહ હતો. દરબાર સાહેબને અમરેલી જીલ્લાના ઢસા તથા સુરેન્દ્રનગર જીલ્લાના રાયસાંકળી ગામો વારસામાં મળેલા. જો કે મોટા ભાગની તેમની મિલ્કતો અંતે તો જાહેર કાર્યો માટે જ વાપરવામાં આવી. દરબાર સાહેબના સ્વર્ગવાસ બાદ પણ ભક્તિબાએ કેળવણીના કામને પ્રાધાન્ય આપીને તેમાં પોતાની સંપત્તિનો સદ્દઉપયોગ કર્યો. આદરણિય બહેનશ્રી જયાબેન શાહે ખૂબ મહેનત લઇને ચોકસાઇ સાથે સૌરાષ્ટ્રના સ્વાતંત્રય સૈનિકોની વિગત એકત્રિત કરી છે. આ વિગતો પુસ્તકના માધ્યમથી પ્રસિધ્ધ થતા ઘણાં પ્રેરણાદાયી જીવનના દર્શન થાય છે.

               સત્યનિષ્ઠા અને દ્રઢ મનોબળવાળા દરબાર સાહેબે  પોતાના રાજય વહીવટમાં પણ ઘણાં સુધારાલક્ષી ફેરફારોકરીને પુસ્તકાલય પ્રવૃત્તિ અને શિક્ષણનો વ્યાપ વધારવા માટે અનેક પગલાં ભર્યા હતા. કુરિવાજોને પોતાના રાજયમાંથી નાબુદ કરવા માટે પણ અસરકારક પ્રયાસો કર્યા હતા. દરબાર સાહેબની દિર્ઘદ્રષ્ટિને કારણે છેક ૧૯૨૦માં તેમણે ઢસામાં અનુસૂચિત જાતિના ભાઇઓની પરિષદ બોલાવી અને સમાજમાંથી છુત અછુતના વલણને નિર્મુળ કરવાની અનોખી પહેલ કરી. ખેડૂતોને જમીનની માલીકીના હકકો સુપ્રત કરવામાં પણ તેઓ અગ્રેસર રહ્યાં. ગાંધીજીના તમામ આદેશોને સંપૂર્ણ રીતે તેમણે તેમના વ્યવહાર દ્રારા મૂર્તિમંત કર્યા હતા. તિલક સ્વરાજ ફંડ માટે ગાંધીજી વઢવાણ આવ્યા ત્યારે તેમની જોળીમાં મુંગે મોઢે સોનાનો તોડો ભેટ ધરનાર આ રાજવી જીવ્યા ત્યાં સુધી ગાંધી વિચારધારાના પ્રખર સમર્થક બની રહયા. બ્રિટિશ સરકારે તેમના પર રાજદ્રોહનો આરોપ મૂકી તેમના તાબા હેઠળનાગામો ખાલસાકર્યા. અંગ્રેજોના આ અન્યાયી નિર્ણયસામે લડવા માટે આ પ્રજા વત્સલ રાજવીને પોતાના પ્રજાજનોનું વ્યાપક સમર્થન મળ્યું. આથી જ જયારે તેઓ ગામો ખાલસા થયા બાદ રાયસાંકળી ગયા ત્યારે દરબારગઢ ઉપરની સરકારી તાળાબંધી તોડીને લોકજુવાળના બળે પોતાના ગઢમાં વિજય પ્રવશ કર્યો અને બ્રિટિશ સત્તા તેમને રોકી શકી નહીં. ૧૯૨૨માં નાગપુર ઝંડા સત્યાગ્રહમાં તેઓ જોડાયા અને જેલવાસ ભોગવ્યો. ૧૯૨૭ માં સૌરાષ્ટ્રના રેલસંકટ સમયે તેમજ૧૯૨૮માં બારડોલીના સુપ્રસિધ્ધ મુક્તિ-સંગ્રામના સમયે તેમણે સ્વેચ્છાએ મહત્વની જવાબદારીઓ સ્વીકારી અને સુપેરે પાર પાડી. ૧૯૩૯ ના હરિપુરા કોંગ્રેસ અધિવેશનના સ્વાગત પ્રુમખ તરીકે તેમણે અધિવેશનના સંચાલનમાં મહત્વની ભૂમિકા ભજવી. જુનાગઢની આરઝી હકુમતની ઐતિહાસિક લડાઇમાં પણ તેમનું મહત્વનું યોગદાન હતું. રાજકોટની કેટલીક શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના તથા વિકાસ માટે તેમણે ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. ૧૯૩૦ માં દાંડીકૂચના સમયે સરકારે જે ધરપકડનો દોર ચલાવ્યો હતો તેમાં દરબાર સાહેબને પણ પકડી લેવામાં આવ્યા હતા. જેલમાં તેઓએ કદી કોઇ વિશેષ સગવડોની માંગણી ન કરતા જેલના કાયદાનું સંપૂર્ણ પાલન કરીને પોતાની ખરી ગાંધી નિષ્ઠા સાબીત કરી બતાવી. લીંબડી પ્રજા પરિષદના અધિવેશનમાં તેઓની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી. સૌરાષ્ટ્રનું રાજય બન્યા પછી પણ જમીનદારી નાબુદીના મહત્વના છતાં કપરાં કામોમાં તેમણે વિશેષ યોગદાન આપ્યું. ૧૯૫૧માં તેમનું નિધન થયું ત્યાં સુધી તેઓ રચનાત્મક પ્રવૃત્તિઓમાં સતત જોડાયેલા રહયાં અને માર્ગદર્શન કરતા રહયા.

        કાઠિયાવાડી રાજકીય પરિષદતે સમયે એક મહત્વની તથા જાગૃત સંસ્થા હતી. ૧૯૨૨ માં આ પરિષદનું અધિવેશન વઢવાણમાં યોજવામાં આવ્યું ત્યારે દરબાર સાહેબ તેમજ ભક્તિબાની તેમાં નોંધપાત્ર હાજરી હતી. તેમણે તે સભામાં પોતાના ક્ષાત્ર ધર્મને ઉજાગર કરતા કહયું કે, સરકારનીખુશામત કરીને સલામતી ટકાવી રાખવાને બદલે જાનમાલનું જોખમ વહોરી લેવું એ મારો ધર્મ જણાય છે. તેમની પ્રભાવી વાણીએ પરિષદમાં પ્રાણ પૂર્યો હતો.

               રજવાડાઓનું વિલિનીકરણનું કપરૂં કામ સરદાર વલ્લભભાઇ પટેલના ભાગે આવ્યું હતું. કદાચ સરદાર સાહેબ જેવા નિર્ણયાત્મક તેમજ સૂઝવાળા સ્વભાવ સિવાય આ બાબત સંપન્ન થઇ શકી ન હોત તે નિર્વિવાદ છે. કાઠિયાવાડના અનેક નાના મોટા દેશી રજવાડાઓમાંપણ દરબાર સાહેબ જેવા રાજવીઓ હતા જેમણે દેશની જરૂરીયાતને પોતાના હિત કરતા વિશેષ મહત્વની ગણી. સ્વાભાવિક રીતે જ પોતાના વિશાળ રાજયની તમામ મિલ્કતો સ્વેચ્છાએ દેશને સમર્પિત કરવાના ભાવનગરના મહારાજા કુષ્ણકુમારસિંહજીના નિર્ણયથી રાજવીઓની શોભા વધી હતી. કૃષ્ણકુમારસિંહજીના આ ઐતિહાસિક નિર્ણયથી ગાંધીજી પણ પ્રભાવિત થયેલા તે જાણીતી વાત છે.

               સરદાર વલ્લભભાઇ પટેલની ઝીણી દ્રષ્ટિમાંથી કોઇ નાના કાર્યકરનું યોગદાન પણ ધ્યાન બહાર જતું નહીં. દરબાર સાહેબ તથા ભક્તિબા તો તે સમયના સુપ્રસિધ્ધ આગેવાનો પૈકીના હતા. આથી જ સરદાર સાહેબે તેમને બિરદાવવા માટે ખૂબ ઉચિત રીતે કહ્યું કે, વતનની શાન જયારે ભયમાં હોય ત્યારે જાતની પરવા કઇ રીતે થાય ? દરબાર સાહેબ તથા ભક્તિબા આ વાત બરાબર સમજયા અને તેથી ગરાસને ઠોકર મારી પગપાળા ફરે છે તેમ પણ સરદાર સાહેબે જણાવ્યું. તેમના જેવા સાથી દેશને આઝાદ કરવાના ધર્મયુધ્ધમાં મળ્યાં તેનો પણ વલ્લભભાઇએ સંતોષ વ્યક્ત કર્યો. સરદાર સાહેબના શબ્દોથી વિશેષ સન્માન બીજું હોઇ શકે નહીં. દરબારસાહેબ તથા તેમના જીવનસંગિની ભક્તિબાના નામો આઝાદી સંગ્રામના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયા છે.

આ માસના તેજસ્વી તારક

 ૨૦૧૨ના વર્ષને મહાન ગણિતશાસ્ત્રી રામાનુજનની ૧૨૫ મી જન્મ જયંતિ તરીકે ઉજવવામાં આવી. તેમનો જન્મ ડીસેમ્બર માસની ૨૨ તારીખે ૧૮૮૭ માં થયો હતો. આર્યભટ્ટ, ભાસ્કરાચાર્ય, વરાહમિહિર જેવા દિગ્ગજોની હરોળમાં મૂકી શકાય તેવું રામાનુજનનું પ્રદાન હતું. તામીલનાડુના નાના ગામમાં ગરીબ પરિવારમાં જન્મ લેનાર આ તેજસ્વી તારકની સિધ્ધિઓ અનોખી હતી. કેમ્બ્રિજના સુપ્રસિધ્ધ ગણિતશાસ્ત્રી જી. એમ. હાંર્ડીને આ હીરાની પૂરી પરખ થઇ હતી. ઇંગ્લેન્ડની રોયલ સોસાયટીએ ૧૯૧૮માં તેમને ફેલોશીપ પ્રદાન કરી. રામાનુજન આવું સન્માન મેળવનારા પ્રથમ ભારતીય હતા. માત્ર ત્રણ દાયકાની ટૂંકી જિંદગીમાં ગાણિતિક સંશોધનનો એક વિશાળ વારસો તેઓ છોડીને ગયા. ગણિતના ક્ષેત્રમાં ભારતની એક વિશિષ્ટ ઓળખ સમગ્ર વિશ્વ સમક્ષ રજૂ કરવાનું તેમનું યોગદાન અસાધારણ છે.આપણાં કેટલાયે શાળા-કોલેજમાં અભ્યાસ કરતા બાળકોને ગણિત તરફ એક ભય અથવા અણગમાનો ભાવ રહેતો જોવા મળે છે. રામાનુજનનું જીવન તેમના માટે પ્રેરણાદાયક છે.

***

 

Leave a comment

Blog at WordPress.com.

Up ↑