હરિની હાટડીએ હટાણું કરનાર કવિ

મોરના ઇંડા ચીતરવા ન પડે તેવો આપણી ભાષાનો રૂઢિ પ્રયોગ ઘણાં અનુભવો તથા અનુભૂતિ પછી ચલણી થયો હશે. આ કહેવતને યથાર્થ ઠેરવે તેવા ઘણા દાખલાઓ જોવા મળે છે. નિરક્ષર સાક્ષર કહીને જેમને ક. મા. મુનશીને છેક ૧૯૩૬ માં એક ભવ્‍ય સમારંભમાં મુંબઇમાં બીરદાવ્‍યા હતા તે મેઘાણંદબાપાનું અડિખમ વ્‍યક્તિત્‍વ તો હતુંજ પરંતુ સાથે સાથે મા સરસ્‍વતીના ચાર હાથ પણ તેમના પર હતા. આ પ્રભાવી મેઘાણંદબાપાના બે સુપુત્રો – મેરૂભા તથા પિંગળશીભાઇ બન્‍ને  સરસ્‍વતીના આજીવન ઉપાસક અને સંસ્‍કારની વાતો સરળ રીતે લોકો સુધી પહોંચાડવાના કાર્યમાં અજોડ હતા. ભાદર અને મધુવંતી પ્રદેશના ઘેડ વિસ્‍તારમાં છત્રાવા નામના નાના ગામમાં ચારણ જ્ઞાતિના લીલા શાખાના સમર્થ પુરૂષ મેઘાણંદબાપાના દરેક પુત્ર સંસ્‍કારી હતા તે સ્‍વાભાવિક છે. પરંતુ સરસ્‍વતીની સાધના કરનાર મેરૂભા તથા પિંગળશીભાઇ સોરઠ – સૌરાષ્‍ટ્રના ગામડે ગામડે લોકહ્રદયમાં બીરાજતા હતા. લોક સાહિત્‍યના ખેડાણની અવિસ્‍મરણિય તથા જ્વલંત યાત્રામાં ભગતબાપુ અને મેરૂભાની ગરવી જોડીએ અનેક રંગોની પુરણી કરી હતી. પિંગળશીભાઇ આ બન્‍ને  મહાનુભાવોના પથ પર ચાલનારા પરંતુ સાહિત્‍ય જગતમાં પોતાની આગવી ઓળખ પ્રસ્‍થાપિત કરનાર સર્જક હતા. આપણાં આ બહુશ્રુત સર્જક પિંગળશીભાઇએ સુંદર કાવ્‍યોની સરવાણી ઉપરાંત વાર્તાઓ, જીવનચરિત્રો વગેરે પણ એટલાજ અધિકારપૂર્વક લખ્‍યા. અનેક વિષયોમાં પિંગળશીભાઇએ તેમની સર્જન શક્તિનું યોગદાન આપ્‍યું. આ સાહિત્‍યના સર્જકો તથા મર્મીઓની ખૂબી એવી હતી કે તેમણે શ્લોકની વાત લોક સુધી પહોંચાડવાનું યજ્ઞકાર્ય કર્યુ. 

શાસ્‍ત્રોના ઉત્તમ તત્‍વો લોકો સહેલાઇથી સમજી શકે તેવી રીતે તેમણે પોતાના સાહિત્‍ય સર્જનની સાધના કરી. પિંગળશીભાઇનું એક સર્જન ‘‘ગીતા દોહાવલી’’ ને બીરદાવતા કાકાસાહેબ કાલેલકરે લખ્‍યું કે આપણાં અમૂલ્‍ય  વારસા સમા ભગવદગીતાના જ્ઞાનને લોકભાષામાં ઉતારીને લોકભોગ્‍ય  બનાવવાનું પવિત્ર કામ પિંગળશીભાઇએ કર્યું છે. કાકાસાહેબે આ પ્રયાસને જનતાયુગની ઉત્તમ સેવા તરીકે ગણાવ્‍યો છે. પિંગળશીભાઇની કવિતા એમના ઉજળા તથા ગૌરવયુક્ત જીવનપંથમાં પડેલી છે. કાળના પ્રવાહ સામે અણનમ ઊભી રહે તેવું સત્‍ય તેમાં વિચારપૂર્વક ભરેલું છે. વારસાગત મળેલી મા સરસ્‍વતીની કૃપાને તેમણે દીપાવી છે. આ બધી સર્જન પ્રક્રિયા વચ્‍ચે પણ કવિનો આત્‍મા તો પરમ તત્‍વ સાથેજ જોડાયેલો રહ્યો છે. 

દૂર કરો દ્વિધા સરવ, અંતર ભરો ઉજાસ,

રાધા પતિ મમ હ્રદયમાં, કાયમ કરો નિવાસ.

જીવનના અનેક નાના મોટા પ્રશ્નો-કોયડાઓ ઉકેલવાનું માનવીને અનેક વખત વિકટ અને ગજા બહાનું લાગે છે. કેવી રીતે આવા જીવનના મુંઝવતા પ્રશ્નોમાંથી માર્ગ કાઢવો તેનો ભાર જન જનને રહે છે. કવિ આર્ષદ્રષ્‍ટા છે. તેઓ આ કોયડાને આરપારથી જોઇ શકે છે. અમંગળને પણ મંગળ કરનાર શક્તિમાં તેમની શ્રધ્‍ધા પરોવાયેલી છે. પ્રભુ પરાયણતા ન હોય તો સામાન્‍ય જનનેજ નહિ પરંતુ મુનિવરને પણ મુંઝવણ રહે છે. 

અકળ કોયડો કેમ ઉકલે મન મુનિવરનું મુંઝાણું 

પાર ન પામ્‍યા કોઇ પંડિતો તો પ્રભુ હું શું જાણું ? 

બીજકમાંથી વૃક્ષ બને કે વૃક્ષમાંથી બીજ સરજાતું 

પિતાપુત્રમાં કોણ પ્રથમ છે તે સાચું નથી સમજાતું 

મનમંથનથી સાર નીકળતો કારણ નથી અકળાવાનું 

પ્રભુકૃપાનું પાત્ર બનું તો અમંગળ મટી જવાનું. 

‘‘બીજમાં વૃક્ષતું, વૃક્ષમાં બીજતું’’ જેવી ભક્તકવિ નરસિંહ મહેતાની વાત અહીં કવિએ પોતાના અલગ અંદાજથી આલેખી છે. સંસારીઓને વેદનાની વાત નવી નથી તેમજ સંસારની પીડા હરવા આવનાર પ્રભુને પણ સાંસારિક બાબતોમાં પીડાનોજ અનુભવ થયો છે તે વાત કવિ સુંદર રીતે રજૂ કરે છે. 

કોઇ મળ્યું નહિ કેહવા જેવું ક્યાં જઇ રાધા વાત કરું 

દિલમાં સંઘરી રાખેલ દુ:ખની આજે જાહેરાત કરું. 

કંસ તણા એ કારાગૃહમાં કાજળ શો અંધકાર હતો 

મારો જન્‍મ થયો તે વખતે ચો તરફ સુનકાર હતો. 

લોકનાયક દેવકૃષ્‍ણનો જન્‍મોત્‍સવ આજે મંદિરોમાં કે કથા-વાર્તાઓમાં ધામધૂમથી ઉજવાયછે. પરંતુ કવિ કહે છે કે કૃષ્‍ણજન્‍મ થયો ત્‍યારે કારાગૃહમાં કોણ વધાઇ કરે ? કોણ તેની ઉજવણી કરે ? 

પિતા ઉપાડી પંથે પડિયા માથે મુશળધાર ખરે, 

યમનું રૂપ ધરીને યમુના કાળ સમો ઘૂઘવાટ કરે. 

કવિ શ્રી દુલા ભાયા કાગ (ભગતબાપુ) પણ આ અદ્વિતીય ઘટનાને ખૂબી પૂર્વક આલેખે છે તેનું સહજ સ્‍મરણ થાય છે. 

પિતાએ ઉપાડ્યો એને પરબારો 

રે દેવકીજી ! તારો દીકરો રે જી 

મોટી મોટી મેડીઓએ દીધેલો જાકારો 

ઝૂંપડી કહે કે ‘‘જીવન પધારો રે’’……..દેવકીજી… 

કવિ શ્રી પિંગળશીભાઇ કહે છે કે જીવનની આ બધી તકલીફો તથા સમસ્‍યાઓ રાધાનો નિ:સ્‍વાર્થ સ્‍નેહ મળતા વિસરાઇ ગઇ. 

મનહરની રાધા તું મળતાં દુ:ખ બધા વિસરાઇ ગયાં, 

ફરી ફરી એ તાજા થઇને આજે અલેખાઇ ગયા. 

કવિઓ જેમ શાસ્‍ત્રો તથા જીવનના મૂલ્‍યો બાબત હમેશા જાગૃત હોય છે તેમજ સાંપ્રત સ્‍થિતિ બાબતમાં પણ એટલાજ સંકળાયેલા હોય છે. અંતે તો જીવાતા જીવનનું પ્રતિબિંબ મહદ અંશે કાવ્‍યોમાં તથા ગદ્યમાં ઝિલાતું હોય છે. ઘણાં કવિઓની રચના ઉપર ગાંધી યુગની અસર એ તેનું એક ઉદાહરણ છે. કવિ શ્રી પિંગળશીભાઇ પણ એ વાતથી સજાગ છે કે લાંબા સંઘાર્ષના અંતે દેશને આઝાદી મળી છે. આથી સ્‍વતંત્ર દેશના નાગરિકોની પણ દેશ તરફ એક ચોક્કસ ફરજ રહે છે. આપણે તથા આપણો સમાજ એ ફરજ બજાવવાના કાર્યમાં સફળ થયા છીએ કે નહિ તેની વાત પણ કવિએ પોતાના અંદાજમાં આલેખી છે. 

મોઢે કરી વાતો ઘણી ઉપદેશ સર્વેને આપતો 

આ દેશના ઉત્‍થાન માટે સર્વને સમજાવતો 

લખિયું ઘણું બોલ્‍યો ઘણું શું આચરણમાં ઉતર્યું 

જે દેશમાં તું જન્‍મીઓ તે દેશ માટે શું કર્યું ? 

અભ્‍યાસને અનુભવ કરી વિચિત્ર બુધ્‍ધિ વાપરી 

કંકાસ કરિયા સ્‍વાર્થ કાજે સત્‍ય વાતો પરહરી 

સજ્જન ગરીબના હાડ ચૂસી ધન ખજાનામાં ભર્યું 

જે દેશમાં તું જન્‍મીઓ તે દેશ માટે શું કર્યું ? 

કવિશ્રીએ ખેડૂતોના પ્રશ્નોની તથા ખેતીની વાતો પોતાની લોકપ્રિય રચના ‘‘ખેડૂત આપની’’ માં વણી લીધી છે. વાર્તાઓના બળુકા માધ્‍યમથી માનવ ગરીમાના તથા ખાનદાની અને દાતારીના ઉતકૃષ્‍ટ મૂલ્‍યોની પુન:પ્રતિષ્‍ઠા કરવા માટેના એકનિષ્‍ઠ પ્રયાસો કર્યા. કવિશ્રીને નજીકથી ઓળખનાર કેટલાયે મહાનુભાવો પાસેથી તેમના સાદા તથા પવિત્ર જીવનની તથા ઉચ્‍ચ વિચારની વાતો સાંભળી છે. 

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના દીર્ઘદ્રષ્‍ટા કુલપતિ શ્રી ડોલરરાય માકડ લોકસાહિત્‍ય તથા લોકસાહિત્‍યકારોનું મૂલ્‍ય બરાબર સમજતા હતા. આથીજ સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીએ જે પાંચ ચારણ કવિઓનું જાહેર અભિવાદન કર્યું તેમાં સ્‍વાભાવિક રીતેજ મેરૂભા – પિંગળશીભાઇની આ બંધુ બેલડીનો તેમાં સમાવેશ થયો હતો. શિક્ષણના મહાવિદ્યાલયે સરસ્‍વતીના ઉપાસકોનું સન્‍માન કરી એક ઉજળું દ્રષ્‍ટાંત પૂરું પાડ્યું. કવિ શ્રી પિંગળશીભાઇની લોકસાહિત્‍ય વિદ્યાલય જૂનાગઢની કામગીરી પણ અસરકારક હતી અને તેમની પ્રતિષ્‍ઠામાં વૃધ્‍ધિ  કરનારી હતી, યાદગાર હતી. 

હરિની હાટડીએ હટાણું કરવાની સૂઝ અને આંતરિક શક્તિ ધરાવતા આ કવિ કાવ્‍યો-ભજનોમાં ખૂબ ખીલ્‍યા છે. 

હરિની હાટડીએ મારું કાયમ હટાણું, 

જોયું કે ન જોયું મેં તો ટાણું કે કટાણું…….. 

                     હરિની હાટડીએ…….
પૃથ્‍વી પવનને પાણી આપ્‍યા સૌને ઉલટ આણી 

કોય દિ ન માગ્‍યું એનું નારાયણે નાણું…….. 

                       હરિની હાટડીએ…….
ધણી મેં ધાર્યો છે નામી, વ્‍યાધી દીધી સઘળી વામી, 

મળીયું પિંગળને મોટી પેઢીનું ઠેકાણું…….. 

                     હરિની હાટડીએ…….

કવિ શ્રી કાગ, મેરૂભા તથા પિંગળશીભાઇ જેવા સાહિત્‍યના મર્મીઓ તથા સર્જકોની હાજરીના એ કાળમાં સાહિત્‍યનું એક રંગદર્શી મેઘધનુષ્‍ય રચાયું હતું. સમાજે તેને વખાણ્‍યું હતું, વધાવ્‍યું હતું. સંસ્‍કારી સાહિત્‍યની અસ્‍ખલિત સરવાણી વહેતી કરવા માટે કવિ શ્રી પિંગળશીભાઇ સદેહે આપણી વચ્‍ચે નહિ હોવા છતાં તેમની પાવક સ્‍મૃતિ આવતી અનેક પેઢીઓને નિરંતર થતી રહેશે. 

મશાલ પકડવાની વેળા

૨૦૧૩ ના વર્ષને આવજો કહેવાનો સમય આવ્‍યો છે. ઘણી સારી અને કેટલીક મનને વિક્ષુબ્‍ધ કરે તેવી ઘટનાઓ ૨૦૧૩ ના વર્ષ સાથે કંળાયેલી રહેશે. આમ બનવું તે કાળનો એક ક્રમ છે. આમછતાં, કેટલીક ઘટનાઓ આપણી મનની સ્‍વસ્‍થતાને ખલેલ પહોંચાડે છે. પુનામાં ડૉ. નરેન્‍દ્ર   દાભોલકરની હત્‍યા એ વિતેલા વર્ષનો આવો એક બનાવ હતો.

વેદોમાં ‘‘દરેક દિશાએથી અમને શુભ તથા સુંદર વિચારો પ્રાપ્‍ત થાઓ’’ તેવી પ્રાર્થના હજારો વર્ષ પહેલા આપણાં ઋષિઓએ કરેલી. અંધશ્રધ્‍ધા કે અસહિષ્‍ણુતાને વેદ-ઉપનિષદોમાં પ્રમાણભૂત ગણ્‍યા નથી તેવું વિદ્વાનો કહે છે. આ પૂર્વભૂમિકામાં આ ઘટનાને આપણું વિચાર – દારીદ્રય ગણીશું ? કેટલાક હિત ધરાવનાર તત્‍વોનું ઝનૂની ગાંડપણ ગણીશું ? જે હોય તે, પરંતુ નરેન્‍દ્રભાઇ તમામ આર્થિક ઉપાર્જનની તકો સ્‍વેચ્‍છાએ ઠુકરાવીને સમાજને કોરી ખાતી અંધશ્રધ્‍ધાની બીહામણી બીમારી સામેની પવિત્ર તથા નિ:ર્વાર્થ લડાઇ લડતા હતા. સમાજની જનજાગૃતિ ઉપરાંત કાયદાના માધ્‍યમથી પણ અંધશ્રધ્‍ધાના નિવારણ માટે પ્રયાસ કરતા હતા. ધાર્મિક સ્‍વાતંત્ર્ય પર તરાપ મારવાની કોઇ બાબત તેમાં ન હતી. પરંતુ તેમની હત્‍યા એ સુસંકૃત સમાજ માટે હિણપતભરી ઘટના છે. ડૉ. દાભોલકરની હત્‍યાથી પેદા થયેલા વમળો કદાચ શમી જાય પરંતુ તેમણે જે ચીનગારી પ્રગટાવી છે તે વિચારશીલ નાગરિકોના મનમાં જાગૃત અને જીવંત રહે તો તેમનું મોઘું બલિદાન એળે નહિ જાય. મશાલ આપણેજ પકડવી પડશે. 

વી. એસ. ગઢવી
ગાંધીનગર.     

Leave a comment

Blog at WordPress.com.

Up ↑