ડૉ. રાજેન્‍દ્ર પ્રસાદનું પાવન સ્‍મરણ

   DrRajendraPrasad  ગાંધી વિચારની વસંત જયારે આ દેશની ધરતી પર પૂર્ણ સ્‍વરૂપે ખીલી હતી ત્‍યારે અનેક વૃક્ષો ફૂલ બહારમાં મહેકી ઉઠ્યા હતા. અનેક ખૂબસૂરત પુષ્‍પોની અવનવી સુગંધ પ્રસરી હતી. દરેક પુષ્‍પને પોતાનું અલગ વ્‍યક્તિત્‍વ હતું, વિશિષ્‍ટ સુગંધ હતી પરંતુ તેમનું પોષણ મહદ્ અંશે ગાંધી વિચારથી થયેલું હતું. આ જીવો સેવા-સ્‍વાર્પણ તથા સાદગીના ગૌરવપૂર્ણ રંગોથી રંગાઈ ગયા હતા. મોટા ભાગના આ મહાનુભાવો સુશિક્ષિત હતા, દેશ અને કેટલાકે વિદેશમાં ઉચ્‍ચ અભ્‍યાસ ખંતથી કરીને પદવીઓ મેળવી હતી. તેઓએ જો ધાર્યુ હોત તો તેમની ઉજ્વળ શૈક્ષણિક કારકિર્દીને કારણે સારી એવી આર્થિક કમાણી કરીને સુખચેન પૂર્વકનું જીવન વ્‍યતિત કરી શક્યા હોત. પરંતુ તેઓએ સુખચેનની સગવડતાભરી જિંદગીનો સ્‍વેચ્‍છાએ ત્‍યાગ કરી માતૃભૂમિને આઝાદ કરાવવા માટે ભેખ લીધો. કુટુંબ કબીલાના મોહને, ખેંચાણને પણ અવગણીને પરાધિન દેશબાંધવોના કલ્‍યાણ માટે કમર કસી. ગાંધીની અહાલેકને ઉજળો પ્રતિસાદ આપ્‍યો. પોતાની તમામ શક્તિઓનો થાળમા ભારતીના ચરણકમળમાં ધરી દીધો. વ્‍યક્તિગત મહત્‍તાને કોરાણે મૂકી સામાજિક નિસબતને અગ્રતા આપી. ડૉ. રાજેન્‍દ્રબાબુ આવી ઉજળી પેઢીના એક પ્રતિભાશાળી આગેવાન હતા.

     ડિસેમ્‍બર માસમાં ડૉ. રાજેન્‍દ્રબાબુનું પાવન સ્‍મરણ તેમની જન્‍મ જ્યંતિએ થાય તે સ્‍વાભાવિક છે. ડૉ. રાજેન્‍દ્રપ્રસાદનો જન્‍મ ૧૮૮૪ ના ડિસેમ્‍બરની ત્રીજી તારીખે, બિહાર પ્રાંતમાં થયો. તેમણે પિતાની છત્રછાયા સાત વર્ષની ઉંમરે જ ગુમાવી. તેમના મોટાભાઈએ પિતાની ખોટ ન સાલે તે રીતે તેમનો ઉછેર કાળજીપૂર્વક કર્યો. અભ્‍યાસમાં તેઓ ઝળકી ઉઠ્યા. ૧૯૦૭ માં કોલેજમાં અધ્‍યાપનનું કાર્ય શરૂ કર્યું. વિદ્યાર્થીકાળમાં અભ્‍યાસુ અને મહેનતું વિદ્યાર્થી તરીકે તેમની છાપ હતી તે જ રીતે અધ્‍યાપન કાર્ય કે વકીલાતમાં પણ તેઓનું નામ તેમની કાર્યપધ્‍ધતિને કારણે સુવિખ્‍યાત થયું હતું.

મહાત્‍મા ગાંધીના સાદગીના વિચારનું સંપૂર્ણ પાલન કરનારા ડૉ. રાજેન્‍દ્રપ્રસાદ ૧૯૪૬ માં વચગાળાની સરકારમાં જોડાવા દિલ્‍હી ગયા. જયારે તેઓ દિલ્‍હી ગયા ત્‍યારે એક અતિ સાધારણ કાચા મકાનમાં રહેતા હતા. કૃષિ તથા અન્‍ન વિભાગોના મંત્રી તરીકે તેઓ ભારત સરકારમાં જોડાયા. દેશને આઝાદ જોવાનું સ્‍વપ્‍ન હવે સિધ્‍ધ થવાની તૈયારીમાં હતું. બ્રિટીશ અમલની વ્‍યવસ્‍થાની જગાએ વ્‍યવસ્‍થાનું આપણું માળખું ઊભું કરવાની બાબત ટોચ પર હતી. દેશના તે સમયના નેતાઓ ગાંધીજીની એ વાતથી પૂરતા સાવચેત હતા કે માત્ર વહીવટ ચલાવનારાઓની ફેરબદલ થવાથી દેશના લોકોનું કલ્‍યાણ આપોઆપ થતું નથી. જો નવી વ્‍યવસ્‍થા લોકહિતને કેન્‍દ્રમાં રાખીને ગોઠવાય તથા તેનું લક્ષ્‍યાંક સર્વોદય હોય તોજ મહામૂલી આઝાદીનું વાસ્‍તવિક દર્શન સામાન્‍ય નાગરિકને થાય. આથી ભારતના બંધારણની રચના એ તે સમયના દેશનેતાઓ સામે મોટા પડકારની બાબત હતી તેજ રીતે મોટી તક પણ હતી. જો બંધારણમાં છેવાડાના માનવીના હિતનો વિચાર કરીને તેમજ સ્‍વતંત્રતાના પાયાના તથા સ્‍થાયી મૂલ્‍યોની કાળજી રાખીને તેની રચના કરવામાં આવે તોજ સ્‍વાતંત્ર્ય પ્રાપ્‍તિ માટે અપાયેલા બલિદાનો લેખે લાગે. મેઘાણીભાઈના ‘‘તારા નામમા ઓ સ્‍વતંત્રતા!’’ નામની અતિ સુંદર રચનામાં વર્ણવાયેલી સ્‍વતંત્રતાની મીઠી સુગંધ તથા તેના ફળ જન સામાન્‍ય સુધી પહોંચાડવા માટે માળખું ઊભું કરવાનો આ ભગીરથ પ્રયાસ હતો. આવું સુયોગ્‍ય માળખું સ્‍થાયી પ્રકારે બંધારણ મારફત જ પુરું પાડી શકાય. ભારતની બંધારણ સભાના અધ્‍યક્ષ તરીકે તેઓ સર્વથા સુયોગ્‍ય વ્‍યક્તિ હતા. એક વિયક્ષણ ધારાશાસ્‍ત્રી તરીકે તેઓએ બંધારણના ઘડતરની કામગીરીમાં પણ અસરકારક માર્ગદર્શન આપ્‍યું. ડૉ. રાજેન્‍દ્રપ્રસાદ ઉપરાંત ડૉ. બાબાસાહેબ આંબેડકર, ક.મા. મુનશી જેવા મોટા ગજાના વિચારશીલ આગેવાનોને કારણે દેશને બંધારણ સ્‍વરૂપે ઉત્તમ દસ્‍તાવેજની પ્રાપ્‍તિ થઈ શકી છે. રાજેન્‍દ્રબાબુ પોતે ગામડાના માહોલમાં એક જમીનદાર પિતાને ત્‍યાં ઉછર્યા હોવાથી દેશના ખેડૂતોની સ્‍થિતિથી સંપૂર્ણ માહિતગાર હતા. આથી જ બિહારના ચંપારણમાં ખેડૂતો પર શાસકો તેમજ વેપારીઓના સંયુક્ત રીતે થતા શોષણ તેમજ અત્‍યાચાર સામે ન્‍યાય મેળવવાની લડત માટે તેઓ ચંપારણ પહોંચી ગયા. આ સમયે તેમની વકીલાત ઘણી સારી ચાલતી હતી, આર્થિક લાભો ઘણાં હતા તે છોડીને તેઓ ૧૯૧૭ માં ચંપારણ ગયા. મહાત્‍મા ગાંધી પણ આફ્રિકાથી હિન્‍દમાં પરત આવ્‍યા હતા. શાસકોના અન્‍યાયી ફરમાનથી ખેડૂતોને પોતાની જમીનના અમુક ભાગમાં ગળીની ખેતી કરવી ફરજિયાત બનાવવામાં આવી હતી. વિદેશના વેપારીઓના લાભ અર્થે ગોઠવાયેલી આ વ્‍યવસ્‍થાથી ખેડૂતો ત્રસ્‍ત હતા. ગાંધીજી પણ ધરતીપુત્રોની પીડા સામે જાગૃતિ ફેલાવવા તથા અસહકારની લડત કરવા ચંપારણ પહોંચ્‍યા. રાજેન્‍દ્રબાબુને ગાંધીજીના સાનિધ્યનો લાભ તથા તેમની શક્તિનો પરિચય ચંપારણમાં થયો. ગાંધીજી સાથે વિશ્વાસના સંબંધો જે ચંપારણમાં બંધાયા તે જીવનભર અખંડ રહયા. જલિયાંવાલા બાગનો અમાનવીય કિસ્‍સો હોય કે રોલેટ એક્ટ સામેનો પ્રતિકાર કરવાનો હોય તે દરેક પ્રસંગમાં રાજેન્‍દ્રબાબુ તેમના સક્રિય યોગદાનથી ઝળકી ઉઠ્યા. એક પત્રકારની જવાબદારી પણ તેમણે સુપેરે નિભાવી. જનજાગૃતિ માટે આ માધ્યમનો તેમણે અસરકારક ઉપયોગ કર્યો. બિહારના ગાંધી તરીકે લોકો તેમને સ્‍નેહ અને આદરથી ઓળખતા હતા.

એક સફળ વકીલ, જાગૃત પત્રકાર, વિદ્યાર્થી નેતા ઉપરાંત હિન્‍દી સાહિત્‍યમાં પણ તેમનું નોંધપાત્ર યોગદાન હતું. હિન્‍દી ભાષાના પુરસ્‍કર્તા હોવા ઉપરાંત હિન્‍દી સાહિત્‍યને સમૃધ્‍ધ કરવામાં પણ તેઓ અગ્રજ હતા. હિન્‍દી સાહિત્‍ય સંમેલનના પ્રમુખ તરીકે તેમણે હિન્‍દીના વિકાસને નવી દિશા પુરી પાડી.

ડિસેમ્‍બર-૧૯૪૬ માં બંધારણ સભાના પ્રમુખ થયા બાદ, ૧૯૪૮ માં તેઓ કોંગ્રેસના અધ્‍યક્ષ બન્‍યા. ૧૯૫૦ માં જીવનમાં ગાંધી વિચારનો વાસ્‍તવિક અમલ કરનાર આ મહાનુભાવ સ્‍વતંત્ર ભારતના પ્રથમ રાષ્‍ટ્રપતિ બન્‍યા. ફરી ૧૯૫૭ માં ફરી એક વખત ભારતના રાષ્‍ટ્રપતિ તરીકે ચૂંટાયા. બાર વર્ષની તેમની રાષ્‍ટ્રપતિ તરીકેની કામગીરી ગૌરવપૂર્ણ તથા અસરકારક રહી. પંડિત નહેરુનો આ બાબતમાં અલગ વિચાર હોવા છતાં તેઓ બે વખત રાષ્‍ટ્રપતિ બન્‍યા તે તેમના ઊંચેરા વ્‍યક્તિત્‍વની સાક્ષી પુરે છે. ગુજરાત સાથેનો તેમનો વિશિષ્‍ટ સંબંધ સોમનાથ મંદિરના પુન: નિર્માણની યોજના સાથે સંકળાયેલો છે. સોમનાથ મંદિરના મંગળમુહૂર્ત પ્રસંગે સરદાર વલ્‍લભભાઈ પટેલની ગેરહાજરીમાં તેમની ઉપસ્‍થિતિ એક મહત્‍વની ઘટના બની. પ્રધાનમંત્રીશ્રી પંડિત નહેરુની ઈચ્‍છા વિરૂધ્‍ધ તેઓ આ પ્રસંગમાં ભાગીદાર બન્‍યા તે પ્રસંગ નોંધાયેલો છે.

ગાંધીયુગની આકાશગંગાના આ તેજસ્‍વી તારકની ઘણી વાતો અહોભાવ ઉપજાવે તેવી છે. તેમને લાગ્‍યું કે તેમને રાષ્‍ટ્રપતિ તરીકે મળતો રૂપિયા દસ હજારનો પગાર તથા રૂપિયા પચીસસોનું ભથ્થું વધારે છે. આથી સ્‍વેચ્‍છાએ તેમાં કાપ સ્‍વીકારીને તેમણે પોતાના પગાર ભથ્થા નોંધપાત્ર રીતે ઓછા કરાવ્યા! બાર વર્ષ સુધી દેશના રાષ્ટ્રપતિ તરીકે સેવા આપનાર આ મહામાનવ તેમનો દિલ્‍હીનો સમયકાળ પુરો થયા બાદ પટણામાં બિહાર વિદ્યાપીઠમાં ફરી નિવાસ કરવા આવ્‍યા. કાચા ઝૂંપડા જેવા મકાનમાંથી ૧૯૪૬ માં દિલ્‍હી ગયા હતા તેજ મકાનમાં આ ભવ્‍ય મોગલગાર્ડન તથા અનેક સુખ સુવિધાઓથી ભરેલા રાષ્‍ટ્રપતિ ભવનના નિવાસીએ રહેવાનું ફરી શરૂ કર્યું!તેમની ઉંમરને કારણે તથા તબીયતના કારણે આ રહેણાંક ખૂબ અસુવિધાપૂર્ણ હતું. પરંતુ રાજેન્‍દ્રબાબુને તેની કોઈ ફરિયાદ ન હતી. લોકનાયક જયપ્રકાશ નારાયણના ધ્‍યાને આ બાબત આવતાં તેમણે પહેલ કરીને કેટલુંક ફંડ એકઠું કર્યું તથા વિદ્યાપીઠમાં જ એક નાનું પણ પ્રાથમિક સુવિધાઓ ધરાવતું મકાન તેમના માટે બંધાવ્‍યું. કેવી નિષ્‍ઠા તથા સમર્પણના ભાવ હશે આ મહામાનવમાં!

કોંગ્રેસના અધિવેશનમાં ૧૯૪૦ માં પંડિત જવાહરલાલ નહેરુએ  રાજેન્‍દ્રબાબુ વિશે યાદગાર વાત કરી: ‘‘અમારા કેટલાક કાર્યોમાં ક્ષતિ રહે છે. અમે ભૂલો કરીએ છીએ. અમારી જીભ પણ કેટલીકવાર લસરી જાય છે. પણ આપણી વચ્‍ચે એક વ્‍યક્તિ એવી છે કે જેને આ કોઈ વાત લાગુ પડતી નથી. ડૉ. રાજેન્‍દ્રબાબુએ એકવાર કહ્યા પછી કે એકવાર પગલું ભર્યા પછી તેમને કયારેય પાછા પાડવાનું બન્‍યુ નથી.’’ તેમની જન્‍મ જયંતિના પ્રસંગે પૂરા રાષ્‍ટ્રમાંથી ઘણાં લોકો તેમને પંડિત જવાહરલાજીના આ શબ્‍દો યાદ કરી શ્રધ્‍ધાસુમન અર્પણ કરશે તે નિર્વિવાદ છે.

તેજ-તણખો

      રાજસ્‍થાનના પ્રતાપગઢ જિલ્‍લાના લમ્‍બોરી નામના નાના ગામની વિગત તાજેતરમાં જ ગુજરાત ન્‍યુઝ એન્‍ડ ફિચર એજન્‍સીના એક અહેવાલમાં જોવા મળી. આ ગામમાં કબૂતરોના ભરણ પોષણ માટે તેમના નામે ૭૦ વર્ષ પહેલા બે ખેડૂતોએ સાત વિઘા જેટલી ખેતીની જમીન આપેલી છે. તે જમીનની ખેતીની આવકમાંથી આજે પણ કબૂતરોને ચણ માટેની વ્‍યવસ્‍થા કરવામાં આવે છે. ગોચરમાં જમીન આવવાન કિસ્‍સા આપણે ત્‍યાં પણ ઘણાં ગામોમાં જોવા મળે છે. મુંગા પ્રાણીઓ-પક્ષીઓ માટેની આ અનુકંપા એ કદાચ આપણી ઉજળી સંસ્‍કૃતિનો જ એક ભાગ છે. કવિ શ્રી ઉમાશંકર જોશીના શબ્‍દો  યાદ આવે:

 વિશાળ આ જગવિસ્‍તારે

                 નથી એકજ માનવી,

પશુ છે, પંખી, વનોની છે વનસ્‍પતિ.

***

Leave a comment

Blog at WordPress.com.

Up ↑