વંચિતોના વાલેશ્રી : ઠક્કરબાપા

Image   

મેઘાણીભાઇએ ૧૯૩૯ માં જાહેર પ્રવચનમાં યાદગાર શબ્‍દો કહયા :

 ‘‘ આદિવાસી તથા હરિજનોના તો અમૃતલાલ સાચા અર્થમાં બાપા છે. આજથી હું પણ તેમને ઠક્કરબાપા કહીશ. આ નામની ઉદઘોષણા કરતા હું આનંદ અનુભવું છું. ’’ હજારો વનવાસી ભાઇઓની વિશાળ મેદની વચ્‍ચે રામજી મંદિરની પ્રાણપ્રતિષ્‍ઠાના પ્રસંગે પંચમહાલમાં રાષ્‍ટ્રીય શાયર આવું બોલ્‍યા અને જગત આખાએ જાણે એ શબ્‍દો  રાજીખુશીથી ઝીલી લીધા. ગાંધીજી સહિત સૌ તેમને ઠક્કરબાપાના નામથીજ ઓળખતા અને બોલાવતા હતા. ‘‘ ઠક્કરબાપા તો ભગવા પહેર્યા વીના પોતાના સન્‍યાસને શોભાવી રહયા છે ’’ આવી પ્રશંસા ગાંધીજીના શ્રીમુખેથી મેળવનાર ઠક્કરબાપા કેવું મહત્‍વનું કામ કરતા હશે! વિશ્વમાં જ્યાં ક્રાંતિ થઇ, શોષણકર્તા શાસકો સામે પ્રજાએ પોતાનો અવાજ જ્યાં બુલંદ કર્યો અને તેના પરિણામો પણ મળ્યા. પરંતુ એવા કિસ્‍સા પણ નોંધાયા કે જે શોષણકર્તા, અન્‍યાયી શાસક સામે પ્રજાએ સંગ્રામ ખેલ્‍યો હતો, તેમની વિદાય પછી પણ સામાન્‍ય લોકોના જીવનમાં સુખ – સમૃધ્‍ધિના નૂતન દીવાઓ પ્રગટ્યા નહિ. એક અન્‍યાયી વ્‍યવસ્‍થામાંથી જાણે તેઓ બીજી અન્‍યાયી વ્‍યવસ્‍થાનો ભોગ બન્‍યા. શાસન કરનારાઓના નામ, તેમના રંગ બદલાયા પણ તેમની શાસન ચલાવવાની રીતભાત – રંગઢબ બદલાયા નહિ. પ્રજા ઠેરની ઠેર રહી. મહાન મુત્‍સદ્દી તથા રાજનીતિજ્ઞ હોવા ઉપરાંત અંતરથી માનવતાવાદી હોવાથી ગાંધી આ વાત પ્રથમથીજ બરાબર સમજ્યા હતા. આથીજ તેમણે સ્‍વાધિનતા સંગ્રામ સાથે સાથે રચનાત્‍મક કાર્યક્રમો પર એટલુજ ધ્‍યાન આપ્‍યું. શાસકોની ચામડી બદલાય – ગોરા ને બદલે કાળા શાસકો આવે પણ વ્‍યવસ્‍થાજ સામાન્‍ય  જન માટે, પછાત વર્ગની કે છેવાડાની વ્‍યક્તિ માટે અન્‍યાયી કે બીન સંવેદનશીલ હોય તો સમાજના દબાયેલા – કચડાયેલા તથા વંચિત વર્ગ સુધી આઝાદીની સ્‍વર્ણિમ ઉષાનો પ્રકાશ પહોંચે નહિ. આથી ઠક્કરબાપા કે રવિશંકર મહારાજ જેવા સમાજ સુધારણાના કાર્ય માટે રચનાત્‍મક પ્રવૃત્તિઓ કરનારા પોતાની સેનાના સૈનિકો પ્રત્‍યે ગાંધીજીને વિશેષ સ્‍નેહ રહેતો હતો. તેમનું ધ્‍યાન સતત આવી પ્રવૃત્તિઓ તરફ રહેતું. ઠક્કરબાપા જેવા કાર્યકરો માટે આઝાદી પ્રાપ્‍ત કરવાના કાર્ય જેટલુજ મહત્‍વનું કાર્ય સામાજિક સમરસત્તાનું હતું. ઠક્કરબાપા ગાંધીયુગની આકાશગંગાનો એક એવો સીતારો છે કે જેણે જીવનના તમામ વર્ષો માત્ર આદિવાસી તેમજ છેવાડાના વર્ગના લોકોની સેવામાં ગાળ્યા. આ વર્ગોના જીવનમાં માણસાઇના – તેજના તીખારા જે ઠક્કરબાપા તથા રવિશંકર મહારાજ જોઇ શક્યા તેની કઠોર ઉપેક્ષા સમાજના ઘણાં લોકોએ કરી તે વલણ સામેનો આ સંગ્રામ હતો. માટેજ તે પ્રવૃત્તિ સ્‍વસ્‍થ સમાજ – સ્‍વસ્‍થ રાષ્‍ટ્રના નિર્માણ માટે અનિવાર્ય બાબત હતી.

 સૌરાષ્‍ટ્રમાં ભાવનગરની ભૂમિ ‘‘બહુરત્‍ના વસુંધરા’’ છે જ્યાં ઠક્કરબાપાનો જન્‍મ થયો. ગાંધીનો જન્‍મ એજ વર્ષમાં ઠક્કરબાપાનો જન્‍મ  એ માત્ર એક સુખદ યોગાનુયોગ નહિ હોય, ગાંધીજીના રચનાત્‍મક કાર્યોના પાસાને નિષ્‍ઠાપૂર્વક સંભાળી શકે તેવા સાથીના સહ પ્રાગટ્યની યોજના પર વિધિની પણ મહોર કદાચ લાગી હશે !

 ૨૯મી નવેમ્‍બરના રોજ તેમના જન્‍મદિવસના શુભ અવસરે ગુજરાત વિધાનસભામાં મૂકવામાં આવેલા તેમના તૈલચિત્રને પુષ્‍પાંજલી આપી સમાજ બાપાના યોગદાનને વંદન કરશે.

 અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કર કે જેઓ સમગ્ર દેશમાં ઠક્કરબાપાના નામથી સુવિખ્‍યાત થયા હતા તેમનો જન્‍મ ભાવનરની ભૂમિ પર થયો હતો. પિતાજીની આર્થિક સ્‍થિતિ સામાન્‍ય હતી. પરંતુ સૌરાષ્‍ટ્ર કચ્‍છની સંસ્‍કૃતિના હાર્દ સમી ભૂખ્‍યાને ભોજન આપવાની પ્રવૃત્તિ તેઓ યથાશક્તિ કરતા હતા. જરૂરિયાતવાળા બાળકો માટે શિક્ષણની વ્‍યવસ્‍થા કરવાના કામમાં પણ તેઓ હમેશા રસ લેતા હતા. એમના બા મૂળીબા પણ સેવા પરાયણ હતા. માતા-પિતાના આ ઉત્તમ ચારિત્ર્યની અસર ઠક્કરબાપા પર સ્‍વાભાવિક રીતેજ પડી હતી. તે સમયની મેટ્રિકની પરિક્ષા સારા માર્કસ મેળવીને તેમણે પસાર કરી અને માતા-પિતાએ આર્થિક સંકડામણ હોવા છતાં પુત્રને પુનાની ઇજનેરી કોલેજમાં ભણવા માટે મોકલ્‍યો. આ રીતે ઠક્કરબાપાએ ઇજનેરની પદવી મેળવી. નાની વયમાંજ તેમના લગ્‍ન પણ કરી દેવામાં આવ્‍યા હતા. તેમણે થોડા સમય અલગ અલગ સ્‍થળે નોકરી પણ કરી પરંતુ નોકરીનું વાતાવરણ તેમને અનુકૂળ ન આવ્‍યું. પ્રથમ પત્‍નીના અવસાન બાદ બીજા લગ્‍ન થયા પરંતુ બીજા પત્‍ની પણ બે વર્ષ બાદ મૃત્‍યુ પામ્‍યા પછી ઘરગૃહસ્‍થીની માયામાંથી પરવારી જઇને તેમણે જાહેરજીવનના કાર્યોમાં સંપૂર્ણ ધ્‍યાન કેન્‍દ્રિત કર્યું.

 બાપા આફ્રિકામાં હતા અને નવો રેલમાર્ગ તૈયાર થતો હતો ત્‍યાં  સારા પગારની નોકરી કરતા હતા ત્‍યારે પત્‍નીએ એકવાર લખ્‍યું કે ત્‍યાં  સોનાના ઘરેણા સસ્‍તા મળે છે તેથી તેમના માટે લાવવા તેવી ઇચ્‍છા  પ્રગટ કરી. આ બાબત આમ તો સાહજિક – સ્‍વાભાવિક છે. પરંતુ નોખી માટીના માનવી ઠક્કરબાપાએ લખ્‍યું કે ‘‘ અહીંની સ્‍ત્રીઓ સોનારૂપાના નહિ પણ લોઢાના ઘરેણા પહેરે છે તું કહીશ તો આવીશ ત્‍યારે લેતો આવીશ ! ’’ અલગારી બાપા આફ્રિકાથી પરત આવ્‍યા ત્‍યારે ખીસ્‍સા   ખાલી ! જે કમાયા તે પરોપકારના કામમાં તથા જરૂર પડી ત્‍યારે કુટુંબને સહાય કરવાના કામમાં વાપરી નાખ્‍યા હતા.

 દેશમાં પાછા આવ્‍યા પછી ૧૯૦૪ માં મુંબઇ શહેર નગરપાલિકાની નોકરી સ્‍વીકારી મુંબઇમાં સમૃધ્‍ધિ સાથેજ દારુણ ગરીબીમાં સબડતા અને ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો તરફ તેમનું ધ્‍યાન ગયું. ત્‍યાંજ વિઠ્ઠલ રામજી નામના દલિતોની સેવામાં સંપૂર્ણ નિષ્‍ઠાથી રોકાયેલા એક કાર્યકર્તા પાસેથી સેવા કાર્યની પ્રેરણા મેળવી ગોપાળકૃષ્‍ણ ગોખલેની ‘‘ભારત સેવક સમાજ’’ ની યોજના તથા કામગીરી તરફ આકર્ષણ થયું. આખરે તેઓના મનમાં ધરબાઇને પડેલા સેવાના સંસ્‍કારના પોકારને ખાળી ન શકયા. સુધરાઇની નોકરીના આર્થિક લાભોનો સ્‍વેચ્‍છાએ ત્‍યાગ કરી તેઓ ભારત સેવક સમાજમાં સેવાભાવના સાથે જોડાયા. ગોખલેજીને આ સમર્થ વ્‍યક્તિના સંસ્‍થા પ્રવેશની વાતનો ખૂબ આનંદ હતો. ત્‍યક્તા તેમજ વિધવા સ્‍ત્રીઓની ચિંતા કરનાર અને તે હેતુ માટેજ કાર્ય કરનાર ભેખધારી ધોંડો કેશવ કર્વેના કામનું પણ તેમને આકર્ષણ હતું. ભાવનગરમાં આ પ્રવૃત્તિના શ્રીગણેશ બાપાએજ કરાવેલા. દલિતો- વંચિતોને સમાજની મુખ્‍ય ધારામાં સ્‍વમાન તથા સ્‍વાભિમાનપૂર્વક લાવવા ‘‘ગુજરાત અત્‍યંજ સેવા મંડળ’’ ના નેજા હેઠળ તેમના માટે ખેડા તથા પંચમહાલ જિલ્‍લામાં આશ્રમશાળા – પાઠશાળાઓ શરૂ કરાવી. ૧૯૩૨ માં પંડિત મદનમોહન માલવીયાની આગેવાની હેઠળ સમાજમાંથી અસ્‍પૃશ્‍યતાના કલંકને દૂર કરવા જે સંસ્‍થા  શરૂ કરવામાં આવી તેના મહામંત્રી તરીકે માલવીયાજીએ બાપાની પસંદગી કરી. સંસ્‍થાના માધ્‍યમથી સમાજમાં દલિતો – વંચિતો તરફ સંવેદનશીલતા પ્રગટાવવાનું કામ તેમજ તેમના આર્થિક ઉત્‍થાનની યોજનાઓ ચીવટપૂર્વક કરવામાં આવી. કસ્‍તુરબાના અવસાન પછી તેમની સ્‍મૃતિમાં જે સ્‍મારક કોષ ઊભો કરવામાં આવ્‍યો તેનો વહીવટ પણ ગાંધીજીએ ઠક્કરબાપા હસ્‍તક મૂક્યો. તેના દ્વારા બહેનો માટેના રચનાત્‍મક કાર્યક્રમો સમગ્ર રાજ્યમાં ચાલ્‍યા. ઠક્કરબાપા દ્રઢપણે માનતા કે સામાજિક ચેતના પ્રગટાવવાનું કામ માત્ર સરકાર પર છોડી શકાય નહિ. જાહેર કામોમાં નિષ્‍ઠા સાથેજ ચીવટ, ચોકસાઇ તથા કરકસરના તેઓ ખૂબજ આગ્રહી હતા.

 ઠક્કરબાપાની તમામ કામગીરીમાં આદિવાસીઓ માટે તેમણે કરેલી કામગીરી શિરમોર સમાન છે. તેમણે વનવાસી બંધુઓના કલ્‍યાણ માટે પોતાનું સમગ્ર જીવન હોડ પર મૂકી દીધું હતું. પંચમહાલમાં ભીલોના સર્વાંગી ઉત્‍થાન માટે તેમણે કરેલા પ્રયાસો અવિસ્‍મરણિય છે. ૧૯૨૨ માં દુષ્‍કાળની દારુણ સ્‍થિતિમાં ભીલ સેવા મંડળના માધ્‍યમથી અનેક ગામોએ સેવા કેન્‍દ્રો ઊભા કરીને રાહત પહોંચતી કરવાના ભગીરથ પ્રયત્‍નો તેમણે કર્યા. લગભગ એક દાયકા સુધી તે વિસ્‍તારમાંજ ધૂણી ધખાવીને બેઠા અને શરાબની બદીમાંથી સમાજને મુક્ત કરવા માટે તેમજ તેઓ કેળવણી લેતા થાય તે માટે સતત કાર્ય કર્યું. આરોગ્‍ય જાળવવા માટેની પ્રાથમિક બાબતોનો બહોળો પ્રચાર કર્યો અને કુરિવાજો તથા અંધશ્રધ્‍ધા  દૂર કરવા માટે અવિરત ઝુંબેશ કરી. મહિલાઓ સ્‍વાવલંબી બને તે માટે અનેક રચનાત્‍મક પ્રવૃત્તિઓનો આધાર લઇને ચેતના પ્રગટાવી. એજ રીતે ગોપાલકૃષ્‍ણ ગોખલે પ્રેરીત ‘‘ભારત સેવક સમાજ’’ માં જોડાઇને તેના કઠીન વ્રતો સ્‍વેચ્‍છાએ અપનાવ્‍યા. ૧૯૨૮ માં પોરબંદર ખાતે કાઠિયાવાડ રાજકીય પરિષદનું આયોજન થયું ત્‍યારે ગાંધીજીએ પરિષદના પ્રમુખ તરીકે ઠક્કરબાપાના નામની પસંદગી દર્શાવી. ભારતનું બંધારણ ઘડવા માટે રચાયેલી બંધારણ સભાના એક જાગૃત સભ્‍ય તરીકે તેમણે પછાત વર્ગોના હિતોની જાળવણી થાય તેવી બાબતોનો બંધારણમાં સમાવેશ કરાવ્‍યો. પ્રજાના મોટાભાગના વર્ગને જ્યારે રાહત પહોંચાડવાની હોય ત્‍યારે માત્ર સરકાર પર આધાર રાખીને બેસી રહેવાય નહિ તે વાત તેઓ હમેશા કહેતા જે આજે પણ તેટલીજ યથાર્થ છે. પ્રજાની સાર્વત્રિક સુખાકારી – કલ્‍યાણની યોજનામાં જનભાગીદારી થાય તથા તેના અમલમાં જનશક્તિનો પ્રભાવ રહે તે પધ્‍ધતિથી તેમણે દરેક પ્રવૃત્તિને દિશા આપી. સાર્વજનિક કામોમાં નાણાનો ખર્ચ કરવામાં ચોકસાઇ તથા હિસાબો જાળવવાની સંપૂર્ણ કાળજી એ તેમના વ્‍યક્તિત્‍વનો ભાગ હતા. સંસ્‍થા માટે કોઇ કાયમી ફંડ ઊભું કરવાના મતના પણ તેઓ ન હતા. ઉપરાંત તેમનું વિશેષ લક્ષ ગામડાઓ પ્રતિ રહેલું હતું. તેમણે ૮૦ વર્ષ પુરા કર્યા ત્‍યારે સરદાર વલ્‍લભભાઇ પટેલની અધ્‍યક્ષતામાં એક વિશાળ સંમેલન યોજવામાં આવ્‍યું અને બાપાનું બહુમાન કરવામાં આવ્‍યું. ર્ડા. રાજેન્‍દ્ર પ્રસાદ, પંડિત નહેરુ તથા ગણેશ વાસુદેવ માવળંકર જેવા મહાનુભાવો પણ તેમાં ઉપસ્‍થિત હતા. ઠક્કરબાપાએ સન્‍માનના જવાબમાં નમ્રભાવે જે કંઇ થયું તેનો યશ સૌ સાથી-કાર્યકરો તથા લોકોને આપ્‍યો ! મનની મોટાઇ તેમને સહજ રીતે વરેલી હતી.

 આજે ભારત સહિત વિશ્વના ઘણાં દેશો – inclusive growth – ને નજર સમક્ષ રાખીને તંત્રને ગોઠવવાની મથામણ કરી રહ્યા છે. તમામ વર્ગોનો – ખાસ કરીને વંચિતો – છેવાડાના – માનવીઓનો વિકાસ આજે પણ સિધ્‍ધ  થયેલી બાબત અથવા હાંસલ થયેલી બાબત જણાતી નથી. ભાષણો કે સૂત્રોચ્‍ચાર કરવાથી તો ભાગ્‍યેજ કોઇ કામ થાય. વંચિતોના જીવનમાં વિકાસ, સમૃધ્‍ધિ તથા સુખાકારીના સારા દિવસો આવે તેવી બાબતને જીવનમંત્ર બનાવીને ચાલનારા રાહબરની ખોટ સૌને વરતાય છે. એક તરફ સમૃધ્‍ધિની છાકમછોળ છે તો બીજી તરફ કેટકેટલા લોકોના જીવનમાંથી જાણે અંધારા ઉલેચાતાંજ નથી. ઠક્કરબાપા જેવા કર્મઠ મોવડીનું જીવન તથા તેમની કામ કરવાની નિષ્‍ઠા તેથી આજે પણ પ્રાસંગિક છે, પથદર્શક છે. ઠક્કરબાપાની સ્‍મૃતિને તાજી કરી સામાજિક ક્ષેત્રમાં કામ કરતાં લોકો પોતાની અગ્રતા ફરી તપાસે, ફરી ગોઠવે તો છેવાડાના લોકોમાં આશા – શ્રધ્‍ધાનો દિપ ફરી જરૂર પ્રગટે. સમાજની પણ આ એક સામુહિક જવાબદારી છે તેનું સ્‍મરણ આપણને સૌને સામાજિક ગતિવિધિઓમાં રહે તો કામ વિશેષ અસરકારક, વિશેષ ઝડપી બને તેમાં કોઇ સંદેહ નથી. ઠક્કરબાપાને અંજલી આપવાનો આ સિવાય કોઇ બહેતર પ્રયાસ હોઇ શકે નહિ. ગુરૂદેવ ટાગોરની રચના અને જુગતરામ દવેના ઉત્તમ અનુવાદ વાળી નીચેની પંક્તિઓ ઠક્કરબાપાના જીવનના સંદર્ભમાં જોવા જેવી છે. ઠક્કરબાપાને પરમપિતાના દર્શન દૂભ્‍યા – દૂભાયેલાઓમાંજ થયા હતા.

                                                                                        ચરણ આપના ક્યાં વિરાજે,

ચરણ આપના ક્યાં ?

સૌથી દલિત, સૌથી પતિત,

રંકના ઝૂંપડા જ્યાં,

વિરાજે ચરણ આપના ત્‍યાં.

——————————————————————————————–

આપણે મશાલ પકડીશું ?

        ઇન્‍ડીયન કાઉન્‍સીલ ફોર મેડીકલ રીસર્ચના તાજેતરમાં પ્રસિધ્‍ધ  થયેલા અહેવાલ મુજબ છેલ્‍લા દસ વર્ષના ગાળામાં બાળકોના કેન્‍સરમાં ચિંતાજનક વધારો થયો છે. દસ વર્ષ પહેલા બાળકોને થતા કેન્‍સરનું  પ્રમાણ કુલ નિદાન થતા કેસોમાં ર.પ% જેટલું હતું. છેલ્‍લા દસકામાં આ સ્‍થિતિમાં ફેર પડ્યો છે જે ચિંતાનો વિષય છે. છેલ્‍લા દાયકામાં બાળકોમાં નિદાન થયેલા કેન્‍સરનું પ્રમાણ કુલ કેસોના પ.પ% જેટલું થયું છે. રાજ્ય સરકારના શાળા આરોગ્‍ય તપાસણીના પ્રયાસોમાં પણ બાળકોને અને તેમાંયે ખાસ કરીને ગ્રામ્‍ય વિસ્‍તારના બાળકોને અસર કરતાં નાના-મોટા રોગનું પ્રમાણ નોંધપાત્ર સંખ્‍યામાં છે. શાળાઓ સાથે અનિવાર્ય રીતે જોડાતા રમત ગમત માટેના ખુલ્‍લા મેદાનો કાં તો અદ્રશ્‍ય થયા છે અને કાં તો હેતુપૂર્ણ રીતે ઉપયોગમાં લેવાતાં નથી. ગીજુભાઇ જેવા ઋષિતુલ્‍ય શિક્ષકે કહેલી – સમાજાવેલી ઘણી વાતો આપણે ભૂલ્‍યા છીએ. નાના બાળકોને ‘‘ભાર વીનાના ભણતર’’ ની વ્‍યવસ્‍થા આપણે સમજવા છતાં અસરકારક રીતે કરી શકતા નથી. આ બાબતોમાં તંત્ર કે શિક્ષણ જગતની વ્‍યવસ્‍થાને સાચી દિશા મળે અથવા આ પ્રયાસો તંત્ર તરફથી થાય તેમાં સમાજનો – વાલીઓનો સક્રિય સહયોગ મળે તેજ ઇલાજ દેખાય છે. પરિવર્તનની મશાલ આપણેજ પકડવી પડશે.

————————————————————————

Leave a comment

Blog at WordPress.com.

Up ↑