આરઝી હકૂમત : સોરઠનો સુવર્ણ કળશ

Image

આમ તો આપણા વિશાળ દેશના દરેક પ્રદેશ તથા લોકો કોઇને કોઇ પ્રકારની વિશિષ્ટતાઓ ધરાવે છે. દરેકના ભાતીગળ રંગોથી દેશનો નકશો શોભાયમાન છે. આમ છતાં કેટલાંક પ્રદેશો કવિઓ-સર્જકોને પોતાની તરફ થોડા વધારે આકર્ષિત કર્યા છે તેવું ઘણીવાર લાગે છે. આવો એક પ્રદેશ એ આપણાં રાજયમાં લોકવાણીમાં ‘સોરઠ’ તરીકે ઓળખાય છે. સમુદ્રના અગાધ વારી જયાં પવિત્ર જયોતિલીંગના પગ પખાળે છે તે આ મલક છે. ડાલામથ્થા સિંહબાળોની આણ આજે પણ તેમના વિસ્તારમાં સંપૂર્ણ રીતે પ્રવર્તે છે. ગરવા અને મહેનતકશ માલધારીઓનું જીવન એ વન અને વન્ય પ્રાણીઓ સાથે સહજીવનનો ઉલ્લાસ માણતું હોય તેવું લાગે. કયારેક સહજીવન જીવતા પક્ષોમાંથી એક પક્ષ મર્યાદા મૂકે તો હીરબાઇ જેવી દુર્ગા ડાંગ લઇને તેનો ન્યાય તોળે છે. મેઘાણીભાઇ જેવા સમર્થ સર્જક નાની પણ ગૌરવપૂર્ણ આ ચડભડને ‘‘ ચારણકન્યા’’ કાવ્યથી અમરત્ય પ્રદાન કરે છે. લોકકવિ કહે છે એક વખત તો સૌએ આ મુલકના દર્શનનો લાભ લેવો જ જોઇએ. નહિતર ? નહિતર અવતાર એળે જાય ! લાગણીનો કેવો કલાત્મક ઉછાળો !

   સોરઠ ઘરા ન સંચર્યો,

                   ન ચઢ્યો ગઢ ગિરનાર,

     ન્હાયો ન ગંગા ગોમતી,

                        એનો એળે ગયો અવતાર !

        કવિવર રાજેન્દ્ર શુકલ, મનોજ ખંડેરિયા કે આપણા લોકકવિ દાદના સુપ્રસિધ્ધ સર્જનોમાં ગિર અને ગિરનાર-સોરઠના દર્શન પણ ખૂબ વિશિષ્ટ રીતે થાય છે. લોકસાહિત્ય થકી સંસ્કારની સરવાણી વહાવનાર ભીખુદાનભાઇ ગઢવીની અનેક વાતોમાં સોરઠની મીઠી સોડમ સહજ રીતે જ પ્રગટતી જોવા મળે છે. આ મોંઘેરા મલકને પકિસ્તાન સાથે જોડવાનો તઘલગી નિર્ણય કોઇ શાસક કરે અને સમસ્ત પ્રજા તેની સામે  જાગૃત બની, એક બની ઉભી રહે તે ઘટના પણ આજ પ્રદેશની ! નવેમ્બર મહિનામાં તથા દિપોત્સવના ભાતીગળ સમયમાં આ ઘટનાનું સહેજે સ્મરણ થાય. તે કાળે જ ભારત સરકારમાં રહીને આ વિષય (રીયાસતીખાતુ) સંભાળતા એક પોલાદી સંકલ્પવાળા ગુજરાતીની પણ તેમાં કપરી કસોટી હતી. સરદાર પટેલના નિર્ણયાત્મક બળ તથા આરઝી હકુમતના નામથી પ્રજાને દોરવણી આપતી વિચક્ષણ નેતાગીરીના સુમેળથી જુનાગઢના અકુદરતી રીતે ઉભા કરવામાં આવેલા પ્રશ્નનો સુખદ અંત આવ્યો. ઓકટોબર-૧૯૪૭ ના અંતમાં નવાબ નાસી ગયા અને ત્યારબાદ સરદાર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સોરઠ હરખની હેલીએ ચઢયું. શામળદાસ ગાંધીની સમર્થ નેતાગીરી હેઠળ વાસ્તવિક રીતે તો આ પ્રજાનો તેમજ ભારત સરકાર તથા સ્થાનિક નેતાગીરીની કુનેહનો વિજય હતો.

જગતના ઇતિહાસમાં એવી ઘટનાઓ અચૂક જોવા મળે છે કે જયારે શાસકો ટૂંકી તથા સ્વાર્થી દ્રષ્ટિથી પ્રજા સમસ્તની લાગણીની કઠોર અવગણના કરીને કેટલાંક મહત્વના નિર્ણયો કરવા અને તેનો જોરજુલમથી અમલ કરાવવા પ્રયાસ કરે છે. અન્યાયના આવા દરેક કિસ્સામાં શાસકો અને પ્રજા વચ્ચે સંઘર્ષ થાય છે પરંતુ કયારેક પ્રજાના નસીબમાં આ હેતુ માટે લાંબો તથા યાતનાપૂર્ણ સંઘર્ષકાળ લખાયેલો હોય છે. જૂનાગઢની આરઝી હકુમતના સંઘર્ષના પરિણામે જે સત્યનો વિજય અને શાસકોના ગાંડપણનો પરાજય થયો તે ઘટના ખૂબ જ ગતિશીલ અને નિર્ણયાત્મક જણાય છે. ગણતરીના સમયમાં જ પ્રજામતનો ભવ્ય વિજય થયો. સંઘર્ષની કપરી પ્રક્રિયા દરમ્યાન પ્રજા ચોકકસ અનેક પ્રકારની વ્યક્તિગત તથા સામુહિક યાતના-અગવડોમાંથી પસાર થઇ. પરંતુ તેમનું મનોબળ સહેજ પણ નબળું ન પડયું તે નોંધપાત્ર હકીકત છે.

દેશને આઝાદી આપવાના બ્રિટિશ પાર્લામેન્ટના કાયદાથી દેશી રાજયો તથા અંગ્રેજ સરકાર વચ્ચેના તમામ કરારો કે સમજુતીઓનો અંત આવતો હતો. આથી આવા રાજયો હિન્દુસ્તાન અથવા પાકિસ્તાન સાથે જોડાવાનો વિકલ્પ આપી શકે. કાશ્મીર તથા હૈદરાબાદમાં પણ આ જોડાણની બાબતને લઇને અનિર્ણાયકતા ઉભી થઇ તેમ જૂનાગઢના નવાબે વાસ્તવિક સ્થિતિનો વિચાર કર્યા સિવાય પકિસ્તાન સાથે જોડાવાનો નિર્ણય જાહેર કર્યો. જુનાગઢના નવાબ તથા તેમના દીવાન ભુટ્ટો પ્રજાની લાગણીની કદર કર્યા સિવાય, તેની સરેઆમ ઉપેક્ષા કરીને એવી વાતનું સમર્થન કરવા લાગ્યા કે કોઇ એક પ્રદેશને હિન્દુસ્તાન કે પાકિસ્તાન સાથે જોડાવાનો  નિર્ણય કરવાનો નવાબનો અધિકાર છે. તેમાં પ્રજાને પૂછવાની કે તેમની લાગણી સમજવાની કયાં જરૂર છે ? અણીના સમયે આવી મહત્વની ભૂલ કોઇ પણ કારણસર કરનાર શાસકના દિવસો જલ્દી ભરાઇ જતા હોય છે. કાળનાપ્રવાહમાં અપયશ લઇને વિલિન થવાનું જ તેમના ભાગ્યમાં રહેલું હોય છે. ગાંધીજીને પણ નવાબનો આ નિર્ણય અજુગતો લાગ્યો. ‘‘ જુનાગઢ પકિસ્તાનમાં કેવી રીતે જઇ શકે ? ’’ તેવી સહજ લાગણી તેમણે વ્યક્ત કરી. શામળદાસ ગાંધીની આગેવાનીમાં થયેલ મુક્તિ માટેની  ચળવળને ગાંધીજીના આશીર્વાદ તથા સરદાર પટેલનું બળ મળ્યા હતા. જે લડતના સમર્થનમાં સમસ્ત પ્રજા જોડાયેલી હોય અને જે ન્યાયના પાયા ઉપર લડાતી હોય તે નિષ્ફળ જતી નથી તેની સાક્ષી જગતના ઇતિહાસની ઘણી ઘટનાઓ પૂરે છે. આરઝી હકૂમતની ચળવળ આવી જ એક સ્વયંભૂ તથા ન્યાય મેળવવા માટેની લડાઇ હતી.

નવાબ મહોબતખાન (ત્રીજા) તથા તેના કુટનીતિજ્ઞ દિવાન શાહનવાઝ ભુટ્ટોની મુરાદ પાર ન પડી તેનું ગૌરવ લઇ શકાય તેવી ઘટનાછે. આરઝી હકૂમત એક વિશિષ્ટ ઘટના તથા સુઆયોજિત વ્યવસ્થા હતી. આરઝી હકૂમતની લડતને પ્રજાના તમામ વર્ગોનું સમર્થન મળ્યું હતું. શામળદાસ ગાંધી, સુરગભાઇ વરૂ, રસિકભાઇ પરીખ, દૂર્લભજી ખેતાણી, દરબાર ગોપાળદાસ, રતુભાઇ અદાણી, પુષ્પાબેન મહેતા, વગેરે અનેક પ્રતાપી અને ઓજસ્વી નેતાઓએ લડતને અસરકારક દોરવણી આપી હતી. તેમનો વિજય એ જ કાળની ગતિ હતી. કવિશ્રી કાગ (ભગતબાપુ) એ આ વાત તેમની સરળ છતાં અસરકારક વાણીમાં મૂકી છે.

        ‘‘ કાગ સાધન બધા કાળના રમકડાં,

                                જૂનાગઢના બનાવે જણાવ્યું,

        બાબી મહોબત તણો દી ફર્યો જે સમય,

                                   તે સમય એ બધું કામ નાવ્યું ’’

શામળદાસ ગાંધીને વધાવતા કવિ કાગ લખે છે :

                            માતા વધાવે મોભીને, સદ્દગીત ગાવે ચારણાં,

                                                        ધાવેલ ધાવણ કર્યું ઉજવળ, વીર તારા વારણાં,

                                    હું ‘કાગ’ ગાંધી એક ગાતો, સાથ ભળીઓ શામળો ……..

ઓકટોબર-નવેમ્બર ના મહીનાઓમાં આ પ્રજાકીય જુવાળની સ્વાભાવિક રીતે જ સ્મૃતિતાજી થાય છે. લોકશક્તિ અને રાજકીય કૂનેહ જયાં હાથમાં હાથ પરોવી આગળ વધતા હોય તો તે ગતિને એકાદ શાસક તો શું પરંતુ કાળનો ગમે તેવો વિપરિત પ્રવાહ પણ અટકાવી શકતા નથી. આ વાતની પુન:પ્રતિતિ સોરઠની આ ઘટનાને વાગોળીએ ત્યારે જરૂર થાય છે. ગુજરાતની ભાવી પેઢીઓ સુધી પહોંચાડવા જેવી, જીવંત રાખવા જેવી આ ઘટના છે. કાળના અવિરત વહેતા પ્રવાહ પર તેની અમીટ છાપ પડેલી છે. ફરી એક વખત સંતો અને સાવજની આ ભૂમિને લોકકવિના શબ્દોથી વંદન કરીએ.

                                                              સિંહ ગિરા મઠ મંદિરા નારી નીર નરાં,

                                                             ખ્યાતાં બાતાં બંદરા, સોરઠ સંત સરાં

                                      તેજ તણખો

        ઓરીસા (ઓડિશા) તથા આંધ્રના કાંઠા વિસ્તારના કેટલાંક વિસ્તારોમાં તાજેતરમાં જ ફૂંકાયેલા વાવાઝોડાએ અનેક શીખવા જેવી તથા આપત્તિ સમયે અનુકરણ કરવા જેવી બાબતો સમાજ સામે તેમજ તંત્ર સામે મૂકી છે. પૂર્વતૈયારી કેટલો મોટો ફેર પાડીને માનવ જાનહાની કદાચ સંપૂર્ણપણે રોકી ન શકે તો અટકાવી તો જરૂર શકે છે તે વાત પણ પુન: સ્પષ્ટ થઇ. ઓડિશાના દરિયાકિનારા પરના ગોપાલપુરમાં વાવાઝોડું સૌ પ્રથમ ત્રાટકે તેવી આગાહી હતી. સ્વાભાવિક રીતે જ ગોપાલપુર ખાલી હતું. પરંતુ ગોપાલપુરની દરિયાકિનારે આવેલી દીવાદાંડી કાર્યરત રહે તે જરૂરી હતું. આ દીવાદાંડીના કર્મચારીઓ તિવ્ર ગતિથી ફૂંકાતા જોખમી પવન સામે આખી રાત સીગ્નલ ચાલુ રાખીને માહિતી પહોંચાડતા રહયા જે માહિતી આપત્તિના નિવારણ માટે, સામનો કરવા માટે જરૂરી હતી. આ નાના ફીલ્ડના કર્મચારીઓના બે કુટુંબો સિવાય સમગ્ર વિસ્તાર ખાલી અને સુમસામ ! કાન ફાટી જાય તેવા બિહામણા અવાજો, બારી-બારણોઓના તુટીને વેરણ છેરણ થતા કાચના ટૂકડાઓ વચ્ચે પોતાની ફરજ નિભાવનારા આ કર્મચારીઓ અને તેમના કુટુંબીજનોને સલામ નહિ કરીએ ? કચ્છના ભિષણ ભૂકંપ વખતે પણ આવા ફરજ પરસ્તીના કિસ્સા જોવા મળ્યા હતાં. આ બાબત માધ્યમોમાં પ્રકાશિત ન થઇ હોત તો કદાચ ધ્યાન બહાર પણ જાત.

                                                      આપ બળે પર ઓલવે

                                                            લેતા લડથડિયાં,

                                                       એવા ઘડનારે ઘડિયા,

                                                             કોક કોક માનવ કાગડા (કવિ કાગ)

***

Leave a comment

Blog at WordPress.com.

Up ↑