વિક્રમના ૨૦૬૯ ના વર્ષને હમણાંજ ભાવભીની વિદાય આપીને અનેકાનેક દીપશીખાઓથી આપણે ૨૦૭૦ ના વર્ષને ઉમળકાથી આવકાર્યું. અનેક દીવડાઓ ભલે પ્રકાશ પાથરતા હોય પરંતુ તે દરેક દીપકની આભા અલગ હોય છે, નિરાળી હોય છે. દરેક દીપક પોતાના ભાગે આવતું અંધારૂ હટાવીને – હરાવીને જગતને તેજોમય બનાવવાનો નમ્ર છતાં દ્રઢ પ્રયાસ કરે છે. આ દીપદર્શનના પવિત્ર પર્વે વિક્રમના ગયા વર્ષમાં જેમના વિશે થોડી ઘણી જાણકારી મળી તેવા આપણાં પુરાતત્વવિદ શ્રી પી. પી. પંડ્યાની સ્મૃતિ તાજી થઇ. આપણાં એ ઘરદીવડા હતા. દીપકની નિષ્ઠાથીજ, સ્વયંમને ઓગાળીને જ્ઞાનનો, જાણકારીનો રાજમાર્ગ બતાવીને તેઓએ પોતાની માયા પ્રમાણમાં વહેલી સંકેલી લીધી. પુરાતત્વની દ્રષ્ટિએ જે ઉત્તમ કાળ હતો તેના અનેક અવશેષો સાથેનો બહોળો ખજાનો સમાજને વારસામાં આપતાં ગયા. તેમના પુત્ર કવિ શ્રી પિયૂષ પંડ્યાના આપણે રૂણી રહીશું કારણ કે તેમણે શ્રી પી. પી. પંડ્યાનું જીવનવૃતાંત, તેમનું યોગદાન તેમજ અભ્યાસુઓના આ મોંઘેરા કાર્ય પરના મંતવ્યોનો સંગ્રહ કાળજીપૂર્વકના આયોજનથી આપણી પાસે મૂક્યો. આવા દસ્તાવેજ સ્વરૂપના સંશોધનાત્મક પુસ્તકનું પ્રકાશન કરવા માટે ઉષાબેન તથા ગુલાબભાઇ જાની પણ આપણા અભિનંદનના હક્કદાર થાય છે. સિસ્ટર નિવેદિતા શિક્ષણ સંકુલે સરસ્વતીની સાધના માટે જે જીવનલક્ષી શિક્ષણનું આયોજન કર્યું છે તેનાથી તેઓ સુપ્રતિષ્ઠિત છે. આજે જેની વાત કરીએ છીએ તેવા ઐતિહાસિક ગ્રંથના પ્રકાશનના કાર્યથી ઉષાબેન – ગુલાબભાઇના શિક્ષણ યજ્ઞમાં એક વિશેષ આહૂતિ આપવાનું પ્રશંસનિય કાર્ય થયું છે.
આપણાં પ્રાચીન સ્થળો વિશે શોધખોળ – સંશોધન થાય અને તે પણ તથ્ય આધારિત અને વૈજ્ઞાનિક ઢબે થાય તો આપણી ભાવિ પેઢીઓ સુધી ભૂતકાળનો વૈભવ લઇ જઇ શકાય. દુનિયાભરના લોકોને આવા કાર્યોમાં રસ છે અને તેના પરિણામોને જોવા – જાણવાની ઉત્સુક્તા પણ છે. આથી આવા કાર્યોની અગત્યતા, તેના મહત્વ વિશે હવે ભાગ્યેજ કંઇ રહેવાનું રહે છે. આવા સ્થળોની યોગ્ય જાળવણી કરીએ તો દેશના – વિદેશોના કેટલાય લોકો તેની મુલાકાત – અભ્યાસ માટે આવે તે સ્વાભાવિક છે. જો કે આ બાબત તરફની આપણી જાગૃતિ થોડા વર્ષોમાં વધી છે પરંતુ તે બાબતમાં હજુ પણ ઘણું બધું વિશેષ કરી શકાય તેમ છે. આ પૂર્વભૂમિકામાં શ્રી પુરૂષોત્તમ પ્રેમશંકર પંડ્યા – પી. પી. પંડ્યા આપણાં એવા ઘરદીવડા છે કે જેમણે તેમના ખૂન – પસીનાને એક કરી આપણી દટાયેલી – ખોવાયેલી અસ્મિતાને ઝળહળતા પ્રકાશમાં લાવવાનું કાર્ય કર્યું છે. કોઇ એક વ્યક્તિ અને તેનું આવું મોટું સંશોધન એ કદાચ એક અદ્વિતિય ઘટના છે. ભલે આ કામ તેમણે પોતાના સેવાકાળના ભાગ તરીકે કર્યું હોય પરંતુ અસાધારણ ધ્યેયલક્ષિતા સિવાય આવું પરિણામ મળે નહિ. આદિ ગુરૂ અને આચાર્ય શંકર તથા વિશ્વ પ્રસિધ્ધ સન્યાસી વિવેકાનંદ જેમ ટૂંકા આયખામાં મોટા અને મહત્વના કાર્યો કરતા ગયા તે રીતેજ પંડ્યા સાહેબ પણ ચાર દાયકાથી પણ ઓછા આયખામાં જીવતર ઉજાળીને ગયા. ભાવિ સમાજની અનેક પેઢીઓ માટે મહામૂલ્ય વારસો પોતાના સંશોધન થકી મૂકતા ગયા. લોથલની ધોળાવીરા (કચ્છ)ની શોધ જેમ પુરાતત્વના અભ્યાસમાં ઝળહળતી છે તેમજ ‘‘ખંભાલિડાની બૌધ્ધ ગુફાઓ’’ આપણો ભવ્ય વારસો છે. સમ્રાટ અશોકના સમય સુધી જેનું પગેરું પહોંચતું હોય તેવા સ્મારકો આપણી રાષ્ટ્રીય મૂડીમાં ઉમેરો કરનારા છે. તેનું મૂલ્ય અદકેરું છે. બહુજ અર્થસભર રીતે પંડ્યા સાહેબનું જીવનકાર્ય વર્ણવતા પુસ્કતનું નામ ‘‘મધ્યાન્હે સૂર્યાસ્ત’’ આપવામાં આવ્યું છે. ખંભાલીડાની બૌધ્ધ ગુફાઓ અંગેની જાણકારી આપતી નાની પણ માહિતીસભર પુસ્તિકા ‘‘સૌરાષ્ટ્રના પ્રાચીન બૌધ્ધ સ્મારકો’’ના નામથી પ્રસિધ્ધ કરવામાં આવી છે. બન્ને પ્રકાશનો સિસ્ટર નિવેદિતા પબ્લિકેશન તરફથી કરવામાં આવેલા છે.
આપણે ત્યાં પુરાતત્વના અવશેષો શોધવામાં શ્રી પી. પી. પંડ્યાએ પોતાનું જીવન હોમીને ખોવાયેલા વારસાની શોધ કરી. આજ પ્રકારે કચ્છ તથા સૌરાષ્ટ્રના અનેક ગામોના સતી અને શૂરવીરોના ઉજળા સમર્પણની કથા કહેતા ખાંભી – પાળિયાઓ તથા તેની પાછળની કથાઓ મનોહર તથા વીરતાથી ભરપૂર છે. તે વાતો બહાર લાવવામાં પોતાના જીવનના મૂલ્યવાન વર્ષો હોમનાર અંગ્રેજ અધિકારી કેપ્ટન જેમ્સ મેકમર્ડો યાદ આવે. કચ્છ તથા ઓખામંડળના આ ક્ષ્ોત્રમાં આ યુવાન અધિકારીને ધરતીની અમીરાતનું પ્રબળ આકર્ષણ થયું અને પરિણામે ઘણી વિગતો પ્રકાશમાં આવી. ખાંભી –પાળિયાને લગતી ઘણી વિગતો સદભાગ્યે શ્રી જયમલ્લ પરમારની દ્રષ્ટિ હોવાના કારણે ઊર્મિ – નવરચનાના અંકોમાં સંગ્રહિત થઇ શકી. કચ્છમાં ઘોળાવીરાની નગરરચના પણ કેટલી રસપ્રદ – માહિતીપ્રદ છે ! જગતની પ્રાચીન સંસ્કૃતિના અવશેષો અહીંથીજ મળેલા છે.
પુરાતત્વીય ઉત્ખનન – સંશોધનનું ક્ષેત્ર અભ્યાસ – જાણકારી ઉપરાંત પુષ્કળ ધીરજ અને પધ્ધતિસરનું સાતત્ય માંગી લે છે. પંડ્યા સાહેબે તેમના સેવાકાળ દરમિયાન સૌરાષ્ટ્રના જૂના સોરઠ (જૂનાગઢ) તથા હાલાર (જામનગર) જિલ્લાઓનો પગપાળા પ્રવાસ કર્યો. ટાંચા સાધનો તથા મર્યાદિત વ્યવસ્થા વચ્ચે પણ તેમની સંશોધકની આંખ ધરતીમાં ધરબાયેલી સમૃધ્ધિના અવશેષો જોઇ શકી. કેટલાયે સંશોધન્તમ નિબંધો લખ્યા અને પ્રતિષ્ઠિત સામયિકોમાં પ્રકાશિત થયા. દેશના અનેક આ વિષયના તજજ્ઞો – સંશોધકોનું ધ્યાન આપણી ધરતીના આ મોંઘેરા વારસા તરફ ખેંચાયું. આ સર્વેક્ષણ – સંશોધન બાદ વૈજ્ઞાનિક ઢબે તેના તારણો જગત સમક્ષ પ્રસ્તુત કરવા માટે ભારત સરકારના આર્કીઓલોજી વિભાગના વડા શ્રી એ. ઘોષ તથા ડૉ. એચ. ડી. સાંકળિયા જેવા વિષય નિષ્ણાતોએ તેમને વધાવ્યા તે બાબત તેમના સંશોધનમાં રહેલી ગુણવત્તા દર્શાવે છે.
આ કાર્યમાં તેમણે સમાજના જાગૃત તથા આ વિષયમાં રસ લેતા લોકોને જોડવાનો પ્રયાસ કર્યો તે બાબત પણ તેમના પત્ર વ્યવહારમાંથી સ્પષ્ટ થાય છે. આ હકીકત તેમની દીર્ઘદ્રષ્ટિ સાબિત કરે છે. આવા કાર્યોમાં સરકાર સાથે સમાજને જોડીનેજ તેને વિશેષ પરિણામલક્ષી બનાવી શકાય તે વાત તેઓ બરાબર સમજતા હતા. આજ રીતે સંશોધનના આવા વૈજ્ઞાનિક કાર્યમાં વિદ્યાર્થીવર્ગને જોડવાની પણ તેમની તાલાવેલી હતી. જો કે આપણી પધ્ધતિની કેટલીક ઉણપો તથા સમયના અભાવે એ બાબતમાં નોંધપાત્ર પ્રગિત ન થઇ શકી પરંતુ પંડ્યા સાહેબની ઊંડી સૂઝ તેવા પ્રયાસોમાં જોવા મળે છે. તેમણે પાંચ સાત વર્ષના ટૂંકા ગાળામાં પોતાના સક્રિય યોગદાનથી જે કાર્ય કર્યું તે પાંચ દાયકામાં પણ કરવું મુશ્કેલ જણાય તેવું છે ! ગાંધીવિચારની અસરથી દિક્ષિત થયેલા આ મહામાનવે પોતાના કાર્યમાં નિષ્ઠા અને ભક્તિ ઉમેરીને નૂતન ક્ષિતિજો સર કરી. ટીંબાઓ, મંદિરો, ગુફાઓ જેવા અનેક ક્ષેત્રો પંડ્યા સાહેબે તેમના સંશોધનકાર્યમાં ખૂબીપૂર્વક આવરી લીધા છે. જે પ્રાચીન વસાહતો ભાદર તેમજ અન્ય નદીઓના કાંઠે વસેલી તે વિગતો તેમના ધ્યાનમાં સંશોધન થકી આવી. તેનું તેમણે ભાવિ સંશોધન માટે સુરેખ દસ્તાવેજીકરણ પણ કર્યું. શ્રી પલાણ સાહેબ લખે છે તેમ એમના જીવનનો છેલ્લો દાયકો સતત સૌરાષ્ટ્રની પ્રાચીન સંસ્કૃતિઓની શોધખોળમાં ગયો. તેના પરિણામ પણ આજે નજર સામે છે. એક પ્રદેશની આગવી ઓળખ ઊભી કરવાનું આ તપ એળે નહિ જાય તેમ ચોક્કસ કહી શકાય.
માત્ર ૩૯ વર્ષની ઉંમરમાં સંસારને અલવિદા કહેનાર આ વ્યક્તિ વિશેષે કુટુંબની ચિંતા પણ ફરજને પ્રાથમિકતા આપીને અવગણી હતી તેમ લાગે. ખરા અર્થમાં આ ક્ષેત્રમાં શહિદી વહોરનાર ચિરનિંદ્રામાં પોઢી ગયા ત્યારે નજીવું બેંક બેલેન્સ તથા કાચી ઉંમરના સંતાનો છોડીને ગયા. કદાચ કુદરતેજ આ કુટુંબીજનોને ઝઝૂમીને જીવવાની તાકાત પૂરી પાડી હશે. જો કે મહામહોપાધ્યાય કે. કા. શાસ્ત્રી તથા ડૉ. સાંકળિયા જેવા મુરબ્બીઓએ તેમજ પુરાતત્વ ખાતાના તે સમયના વરિષ્ઠ અધિકારીઓએ કુટુંબને હૈયાધારણ આપવાના, ટેકો આપવાના સહજ કાર્યો સામે ચાલીને જરૂર કર્યા. પરંતુ પંડ્યા સાહેબની ખોટ કુટુંબ માટે કે સમાજ માટે પૂરી શકાય તેવી ન હતી. પંડ્યા સાહેબના પુત્રોએ પણ ખંભાલિડાની ગુફાઓના સંરક્ષણ માટે વિવિધ સત્તામંડળો, સરકાર પાસે સક્રિય રજૂઆતો કરીને તે અંગેના સુયોગ્ય પગલાં લેવાય તે માટેના સફળ પ્રયાસો કર્યા. આ ગુફાઓના શિલ્પો જે જીર્ણશીર્ણ સ્થિતિમાં છે તે ત્રીજા સૈકાના ગુજરાતની શિલ્પ સમૃધ્ધિ દર્શાવે છે તેવું પંડ્યા સાહેબનું મહત્વનું પ્રતિપાદન છે.
શ્રી પી. પી. પંડ્યાની જન્મજયંતિ આઠમી નવેમ્બરના રોજ આવે છે તેથી પ્રકાશપર્વના છવાયેલા ઉજાસે આપણાં આ ઘરદીવડાએ પ્રસરાવેલ પ્રકાશને યાદ કરીને તેમના જીવનની, તેમના યોગદાનની સ્મૃતિ તાજી કરીએ તો એ ખૂબ ઉચિત ગણાશે. ચાર દાયકાના ટૂંકા આયખામાં ચાર સૈકાનું કાર્ય ! માનવી કેટલું નહિ પણ કેવું જીવ્યા એજ મહત્વનું છે. સાહિર લુધિયાનવીનો જાણીતો શેર યાદ આવે :
અબ એક રાત અગર કમ જિયે તો કમ હી સહી
યેહી બહોત હૈ કે હમ મશાલેં જલા કે જિયે.
પુરાતત્વના મહત્વના ક્ષેત્રમાં ચીલા ચાતરીને જગતને નૂતન દર્શન કરાવનાર પી. પી. પંડ્યા આપણી મોંઘેરી મૂડી સમાન છે.
–
આપણે મશાલ પકડીશું ?
એક સ્વૈચ્છિક સંસ્થાએ કરેલા સંશોધનમાં તારણ તરીકે એક વિગત રજૂ થઇ છે. જે અત્ર તત્ર મીડીયામાં પ્રકાશિત પણ થઇ છે. આ તારણ પ્રમાણે બાળકનો જન્મ થાય તેજ દિવસે તેનું મૃત્યુ થાય તેની વિશ્વભરની સંખ્યાની ગણતરી કરીએ તો આવા કિસ્સાઓ ભારતમાં સૌથી વધારે નોંધાય છે. વિશ્વના આવા કુલ બનાવોમાં એકલા ભારતમાંજ લગભગ ૨૯% જેટલાં છે. આ સ્થિતિ સ્વસ્થ – શિક્ષિત સમાજ માટે પડકાર સ્વરૂપ છે. સમાજે આ ઘટના તરફ વિશેષ સજાગ બનીને માતાની સ્વાસ્થ્યને લગતી સુવિધાઓ તેમજ પ્રાથમિક બાબતોની જાણકારી વધારવા યથાશક્તિ પ્રયાસો કરવા પડશે તેવી લાગણી થવી સ્વાભાવિક છે. માત્ર સરકાર તથા તજજ્ઞો પર આ બાબત છોડી શકાય તેવી સ્થિતિ નથી. કાર્યનો વ્યાપ પણ ઘણો વિશાળ છે. આ સ્થિતિમાં સુધારો લાવવા માટે મશાલ પકડવાની વેળા સામેજ ઊભી છે.
***
Leave a comment