ભુજોડીના આંગણે શબદના મેળાની રંગત

      કચ્‍છની ધરતી ‘‘બહુરત્‍ના વસુંધરા’’ છે. અનેક પરગજુ વ્‍યક્તિઓના દર્શન ત્‍યાં થાય છે. આજ રીતે કેટલીક એવી સંસ્‍થાઓ પણ અહીં ઊભી થઇ છે અને વટવૃક્ષની જેમ વિકસી છે. આ સંસ્‍થાઓનો હેતુ પોતાના કોઇ પ્રોડક્ટનું બજાર શોધવાનો નથી પરંતુ નમ્રભાવે, નિષ્‍ઠાપૂર્વક પોતાની  સેવાના ખરા લાભાર્થીઓ શોધવાનો છે. આવી સંસ્‍થાઓએ તેમજ મહાનુભાવોએ સામાજિક જીવનના અલગ અલગ ક્ષેત્રમાં ગુણવત્તાનો ઉમેરો કરવાનું કાર્ય પ્રસિધ્‍ધિની પરવા કર્યા સિવાય કર્યું છે. કચ્‍છમાં વસતા અને કચ્‍છની બહાર વસતા અનેક ભાગ્‍યશાળી લોકોએ પણ આવી વ્‍યક્તિઓ કે સંસ્‍થાના યોગક્ષેમ પર ધ્‍યાન આપ્‍યું છે. આ બન્‍નેની જુગલબંધીથી સેવાધર્મ – સેવાધામનો એક માહોલ ઊભો થયો છે અને સદભાગ્‍યે સચવાયો પણ છે. એ વાતની સતત પ્રતિતિ થાય છે કે ભિષણ ભૂકંપ પહેલાના કાળમાં પણ અનેક સંસ્‍થાઓ તથા તેના પરોપજીવી આગેવાનો એક નિષ્‍ઠાથી કચ્‍છની ધરતી પર ધૂણી ધખાવીને બેઠા હતા તેમજ સમાજ તરફનું પોતાનું રૂણ મુંગા મોઢે અદા કરતા હતા. તેમાં ઝૂખમભાઇ મહેતાની શૈક્ષણિક પ્રવૃત્તિઓના અનેક સ્‍મારકને ગણાવીએ કે ‘‘માતૃછાયા’’ જેવા માણેકભાઇના પ્રયાસોને બીરદાવીએ ત્‍યાંજ આવી બીજી અનેક સંસ્‍થાઓ દ્રષ્‍ટિપટ પર પ્રગટ થાય છે. આરોગ્‍ય ક્ષેત્રે બીદડા આરોગ્‍ય ટ્રસ્‍ટ હોય કે વાગડ વેલફેર સોસાયટી, ભચાઉ હોય તેમાં થયેલા પ્રયાસો પ્રશંસાપાત્ર છે. ગાંધીનો સાદ સાંભળી કોઇ મણીભાઇ સંઘવી જેવા ગાંધી વિચારના રાહબરો વાગડના અંતરિયાળ વિસ્‍તારમાં દ્રઢતાપૂર્વક ધ્‍યેય સાથે બેઠા હતા. એવી લાગણી થાય કે ડાડા મેકણના સેવાના સંસ્‍કારો કેવા ઊંડા રોપાયા હશે કે કાળની ઝાપટ સામે તે અવિરત ઊભા છે ! ભાઇ શ્રી પુંજલભાઇ રબારીની સંસ્‍થા માલધારી મંગલ ટ્રસ્‍ટ આવીજ એક આંખ ઠારે એવી શૈક્ષણિક પ્રવૃત્તિ કરતી સંસ્‍થા છે. માલધારી સમાજનો તેમની પ્રવૃત્તિના કારણે આપણા સમાજમાં દબદબો રહ્યો છે તેમાં કચ્‍છમાં તો તે વિશેષ જોવા મળે છે. પુંજલભાઇ નિખાલસ પણે જણાવે છે કે કચ્‍છના સજ્જનો – શ્રેષ્‍ઠિઓએજ તેમની આ પડકારરૂપ પ્રવૃત્તિના દીવામાં સતત તેલ પુરેલું છે અને તે પણ સંપૂર્ણ આત્‍મિય ભાવથી ! માલધારીના છોરૂને વર્ગખંડોમાં બેસારી તેમના કુદરતી રીતે ઘડાતા ઘાટમાં શિક્ષણ-સંસકારનું મેળવણ આ સંસ્‍થા ભક્તિપૂર્વક ઉમેરવાનું કાર્ય કરે છે. આ સંસ્‍થાના વાયકને વધાવીને એટલેજ ડૉ. મોતીભાઇ પટેલ તથા તેમના શિક્ષણક્ષેત્રના સાથીઓ સુરેન્‍દ્રનગરથી પણ સ્‍નેહના તાંતણે બંધાઇને અહીં આવે છે. પોતાનું યોગદાન આપે છે.

શિક્ષણના કાર્ય જેટલુંજ મહત્‍વનું કાર્ય સંસ્‍કાર નિર્માણનું છે તે વાત દર્શકે વર્ષો પહેલા કરેલી તે આજે કદાચ વિશેષ પ્રસ્‍તુત લાગે છે. સમાજના બાળકો સુધી, યુવાનો સુધી આપણાં પુણ્‍યશ્લોક મહાનુભાવોના જીવન વિશે, તેમના યોગદાન વિશે વાત થાય, ચર્ચા થાય તો તે ખૂબજ વધાવી લેવા જેવી બાબત ગણાય. તેથીજ મંગલ મંદિર ટ્રસ્‍ટે આવા બે સમર્થ સર્જકોને યાદ કરીને તેમના જીવનની ધૂમ્રસેર જેવી સુગંધને માણી શકાય – સમજી શકાય તેવા પ્રસંગનું સુંદર આયોજન કર્યું. શ્રી જયમલ્‍લ પરમાર તથા શ્રી શંભુદાન ગઢવીની જન્‍મ શતાબ્‍દીની ઉજવણી તો સમાજે તાજેતરમાંજ ધામધૂમપૂર્વક કરી હતી. તેજ માળાના મણકામાં એક વિશેષ મણકો ઉમેરવાનો પુંજલભાઇનો આ પ્રયાસ હતો જેને સૌએ બીરદાવ્‍યો હતો. બન્‍ને  મહાનુભાવોના શતાબ્‍દી વર્ષમાં યોજવામાં આવેલા અનેક કાર્યક્રમોમાં જોવા મળેલા લોક પ્રતિભાવની વિસ્‍તૃત વાતો પુષ્‍પદાનભાઇ કે રાજુલભાઇ પાસેથી જાણીએ ત્‍યારેજ સમજાય કે સમાજ આવા સર્જકો – સંશોધકો તથા કર્મઠ વ્‍યક્તિઓને ક્યારેય વિસરતો નથી.

સમર્થ સર્જક, અભ્‍યાસુ સંશોધક તથા તથ્‍યોને આધારેજ તારણો કાઢવાની વિશિષ્‍ટ ટેવો જયમલભાઇને સહજ વરેલી હતી. ૧૯૧૧ થી ૧૯૯૧ સુધીનું સુદીર્ઘ જીવન તેઓએ લોકસાહિત્‍યની અખંડ સાધનામાંજ વિતાવ્‍યું. કેટકેટલા વિષયોને આવરી લીધા ! દરેક બાબતમાં અભ્‍યાસુ વૃત્તિથી ઊંડા ઉતરવાની પ્રકૃત્તિને કારણે સાહિત્‍યની મોટી સેવા થઇ શકી. મેઘાણીભાઇથી કોઇ બાબત છૂટી ગઇ હોય તો જહેમતપૂર્વક તેના અંકોડા મેળવ્‍યા. મંગલ મંદિર ટ્રસ્‍ટના આંગણે જયમલભાઇના જીવન-કવનની વાત શિક્ષણ – સાહિત્‍યના મર્મીઓ એવા શ્રી રાજીવ વચ્‍છરાજાની તથા શ્રી રાજુલ દવેએ સુંદર તથા આકર્ષક રીતે રજૂ કરી. જયમલભાઇ એક સત્‍યાગ્રહી તરીકે પણ કેવા અસરકારક હતા તેની વાતો વિગતે વાગોળી. જયમલભાઇની પેઢીના લોકો પર ગાંધી વિચારની ઊંડી અસર હતી. ધોલેરાના ઐતિહાસિક સત્‍યાગ્રહમાં ‘‘સૌરાષ્‍ટ્ર’’ પત્રના શ્રી અમૃતલાલ શેઠ, રતુભાઇ અદાણી, ઝવેરચંદ મેઘાણી, જયમલ્‍લ પરમાર, નિરંજન વર્મા (નાનભા બારહઠ) વગેરે પૂર્ણત: હોમાયા હતા. અહિંસા તથા સત્‍યના ગાંધીચીંધ્‍યા માર્ગે ગમે તે પડકારો વચ્‍ચે  માભોમની મુક્તિનું સ્‍વપ્‍ન લઇને આ બધા કર્મવીરો ચાલ્‍યા. મહાત્‍માએ ચપટી મીઠુ ઉપાડીને બ્રિટિશ મહાસત્તાને પાયામાંથીજ લુણો લગાડવાનું ક્રાંતિકારી કદમ દાંડીમાં ઉઠાવ્‍યું અને દેશ આખો સમરાંગણમાં ફેરવાઇ ગયો. ધોલેરાના આંગણે હૈયે હૈયુ દબાય તેવી માનવમેદનીને સંબોધન કરતા મેઘાણીભાઇએ સિંહ ગર્જના કરી.

કંકુ ઘોળજો રે ! કેસર રોળજો રે !

પીઠી ચોળજો રે ! માથા ઓળજો રે !

જોધ્‍ધા જાગિયા રે ! કાયર ભાગિયા રે !

ડંકા વાગિયા રે ! હાકા લાગિયા રે !

મોતના મંડપ મા ગુર્જરીના ગૃહે ગૃહે રોપાયા હોય અને ત્‍યાં  મરજીવાઓની પીઠી ચોળાતી હોય એવી ફૂલગુલાબી કલ્‍પના આ રાષ્‍ટ્રીય શાયર જેવી કોણ કરી શકે ! સમગ્ર પંથકમાં મેઘાણીભાઇના ગીતોએ ચીનગારી ચાંપી. બ્રિટિશ શાસકો સુધી તેનો તાપ પહોંચતા વાર ન લાગી. જયમલ્‍લભાઇ – નિરંજનની જોડી તો આ જનજાગૃતિને જીવંત રાખવા તથા વ્‍યાપક બનાવવા ગામેગામ ફરતા હતા. ગાંધીના ખાદીધારી સૈનિકોનો સંદેશ લોકો વિશ્વાસ અને શ્રધ્‍ધાથી ઝીલતા હતા. આ કામની સાથે સાથેજ રચનાત્‍મક પ્રવૃત્તિઓ, જાગૃતિ માટેની પ્રભાતફેરીઓનો અવિરત દોર ચાલતો હતો. જયમલ્‍લભાઇને સાંભળવા યુવાનો ઉત્‍સુક હતા તો નિરંજનને  બાળકો – કિશોરો ગમે ત્‍યાંથી શોધી ગીતો – વાતો સાંભળતા હતા, માણતા હતા. ક્વિટ-ઇન્‍ડિયાના ગાંધીના એલાન બાદ એક ક્રાંતિકારીને છાજે તેવી શાસન માટે સ્‍ફોટક પ્રવૃત્તિઓ પણ ધોલેરાનીજ આ વીરોની ટોળીએ કરેલી. તેનો પણ અલગ અને ઉજ્વળ ઇતિહાસ છે. ઊર્મિ – નવરચનાના માધ્‍યમથી લોકસાહિત્‍યના દસ્‍તાવેજીકરણનું ઐતિહાસિક કાર્ય કરીને જયમલ્‍લભાઇએ સમાજને રૂણી બનાવ્‍યો છે. માતા સરસ્‍વતીના ખરા અર્થમાં તેઓ ધારક તથા વાહક હતા. કવિ નારણદાનજી બાલીયાએ ખૂબ ઉચિત શ્રધ્‍ધાંજલિ જયમલ્‍લભાઇને આપી.

જયમલ્‍લ પામી જગતમાં આદરમાન અભૂત,

કીર્તિ કરી ગયો કાયમી, શારદ તણો સપૂત,

રાજ્યકવિ શંભુદાનજીને યાદ કરતાંજ ગુણિયલ કચ્‍છ ધરાનું ચિત્ર આપણાં મનોમસ્‍તિક પર કબજો કરે છે. કારાણીજી અચૂક યાદ આવે.

સંત સૂતા ભલા ભક્ત જે ભોમમાં

પીર પોઢ્યા જહાં ઠામ ઠામે

ડુંગરે ડુંગરે દેવની દેરીઓ

ખાંભીઓ ખોંધની ગામગામે ;

કૈક કવિઓ તણાં ભવ્‍ય ઉરભાવની,

જ્યાં વહી સતત સાહિત્‍ય-સરણી

ભારતી માતને ખોળલે ખેલતી,

ધન્‍ય હો ! ધન્‍ય હો ! કચ્‍છ ધરણી !

કચ્‍છની ધરતીના ચાહક અને ઉપાસક એવા શંભુદાનજી ગઢવીએ જીવનના સંધ્‍યાટાણે સહેજે આવતી શારીરિક તકલીફોની અવગણના કરીને કચ્‍છના ઇતિહાસની પ્રગટ – અપ્રગટ વાતો લખીને એક મોટું યજ્ઞકાર્ય કરી ગયા. કચ્‍છના રાજ્યકવિ હોવા ઉપરાંત માતા સરસ્‍વતીના ઉપાસક હોવાથી તેમનું કામ દીપી ઊઠ્યું અને સમાજે પૂરા આદરથી તેને વખાણ્‍યું – વધાવ્‍યું. શંભુદાનજીના અમૂલ્‍ય યોગદાનની વાતો બે વિદ્વાન વક્તાઓ ડૉ. બળવંત જાની તથા ડૉ. દર્શનાબેન ધોળકિયા પાસેથી સાંભળીને શ્રોતાગણને શંભુદાનજીના જીવનના અનેક પાસાઓની તથા સર્જનની જાણકારી મળી. શંભુદાનજીના શતાબ્‍દી વર્ષની ભવ્‍ય ઉજવણી સમાજે સામુહિક રીતે કરીને આ કવિના યોગદાનને બિરદાવેલું તેની સુખદ સ્‍મૃતિ થઇ. શ્રી બળવંત જાની લખે છે એ વાત સંપૂર્ણપણે ઉચિત છે કે શંભુદાનજીનો સુપ્રસિધ્‍ધ ગ્રંથ કચ્‍છદર્શન એ ‘‘આત્‍મકથન, સમાજકથન અને ઇતિહાસકથનનો ત્રિવેણી સંગમ’’ છે. કારાણીજીનું કથન છે : મારા પર મદનસિંહજી બાવાના બે હાથ છે જ્યારે શ્રી શંભુદાનજી પર ચાર હાથ છે’’ આ સહેતુક વિધાન રાજ્યવાહકો અને કવિઓ વચ્‍ચેના અરસપરસના મીઠા સંબંધોની શાખ પૂરે છે. મહામહોપાધ્‍યાય કે. કા. શાસ્‍ત્રીએ શંભુદાનજીની આ સેવા તેમની માતૃભૂમિ કચ્‍છ માટે યશોદાયી છે તેમ કહીને ગુણાનુરાગ કર્યો છે. શંભુદાનજી કચ્‍છની વ્રજભાષા પાઠશાળાના છેલ્‍લા આચાર્ય હતા તે પણ એક અવિસ્‍મરણિય ઘટના છે. કવિ મહેશદાનજી મીસણે કચ્‍છદર્શનને શંભુદાનજીના મધુર પ્રસાદ તરીકે ઓખાવ્‍યો છે.

શ્રી શંભુદાન ઇતિ પ્રસાદ મધુરં !

નામ પ્રભાવન્‍તિ તમ !!

       આપણી સામાજિક – શૈક્ષણિક સંસ્‍થાઓ આ પ્રકારના કાર્યક્રમો કરે એ ‘‘ગમતાનો ગુલાલ’’ કરવા જેવી પ્રવૃત્તિ છે. મંગલ મંદિર ટ્રસ્‍ટ, ભુજોડીના ટ્રસ્‍ટીઓ આપણાં અભિનંદનના અધિકારી છે. જયમલ્‍લભાઇ – શંભુદાનજી સદેહે ભલે આપણી વચ્‍ચે નથી પરંતુ તેમના સર્જનથી, યોગદાનથી સમાજની સ્‍મૃતિમાં તેઓ અખંડ સ્‍થપાયેલા છે તેમ ચોક્કસ કહી શકાય.

 ———————————————————————–

તેજનો તણખો

      ભૂજમાં સહજાનંદ રૂરલ ડેવલપમેન્‍ટ ટ્રસ્‍ટના શ્રી વિનોદભાઇ કેવરિયાને મળવાનું થયું ત્‍યારે તેઓએ વાત કરી. રાજ્ય સરકારે પ્રાથમિક શાળાઓને પુસ્‍તકો ખરીદવા તાજેતરમાં ગ્રાન્‍ટ આપી છે. અલગ અલગ શાળાઓના શિક્ષકો તેમને ત્‍યાં પુસ્‍તકો ખરીદવા ઉત્‍સાહભેર આવે. કાળજીથી પુસ્‍તકો પસંદ કરે. સામાન્‍ય રીતે ગ્રાન્‍ટની રકમમાંથી પુસ્‍તકોનું વાહતુક ખર્ચ બાદ કરીને બાકીની રકમનો ઓર્ડર આપે. એ બાબત સ્‍વાભાવિક પણ છે. પરંતુ કચ્‍છ – સૌરાષ્‍ટ્રની કેટલીક શાળાઓના શિક્ષકોએ ગ્રાન્‍ટની પૂરેપૂરી રકમના પુસ્‍તકો ખરીદવાનો ઓર્ડર આપ્‍યો ત્‍યારે વિનોદભાઇએ વાહતુક ખર્ચની વ્‍યવસ્‍થા બાબત પૂછપરછ કરી. જવાબ સાંભળવા જેવો છે. તેઓ કહે : ‘‘અમે શિક્ષકોએ અમારા પોતાના ખીસ્‍સામાંથી આ રકમની વ્‍યવસ્‍થા  સ્‍વેચ્‍છાએ કરી છે ’’ ! કેટલાક કહે કે ગ્રામલોકોએ રાજીખુશીથી તે રકમનો સહયોગ આપ્‍યો છે. આ વાત ભલે નાની લાગતી હોય, પરંતુ આ પ્રકારનું વિધેયાત્‍મક વલણ આવતીકાલ માટે એક શ્રધ્‍ધા તથા વિશ્વાસ ઊભા કરે છે. શિક્ષકોમાં આજે પણ નાનાભાઇ, ગિજુભાઇ, હરભાઇના સંસ્‍કાર જીવંત છે, ધબકતા છે તેમ ન માની શકાય ? તેજના આ તણખાને જોવા – બિરદાવવાનો આપણે સમય કાઢીશું ?

***

Leave a comment

Blog at WordPress.com.

Up ↑