કચ્છની મહારાઓશ્રી લખપતજી વૃજભાષા પાઠશાળાના યોગદાનનું મૂલ્ય સારી રીતે સમજી શકે તેવા મહાકવિ નાનાલાલે એક યાદગાર વાત કરી. તેઓએ કહ્યું કે ભૂજની આ પાઠશાળાએ કચ્છના મહારાવનો કીર્તિ મુગટ છે. નાનાલાલ જેવા મોટા ગજાના કવિ વાત કરે કે અભિપ્રાય બાંધે ત્યારે તેમ કરતા પહેલા પૂર્ણ વિચાર કરે અને ત્યાર પછી જ પોતાની લાગણી વ્યક્ત કરે તે સ્વાભાવિક છે. વાત પણ ખૂબ જ યર્થાથ છે. કોઈ પ્રદેશની કે રાજયની ઓળખ, તેની કીર્તિ કે સુયશ તે પ્રદેશમાં કેવી શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે તેના પરથી જરૂરી કરી શકાય. આપણાં દેશની પ્રાચીન નાલંદા-તક્ષશિલા જેવી કીર્તિમાન સંસ્થાઓને કારણે વિશ્વભરના કેટ કેટલા લોકો પ્રભાવિત થયા છે તે સુવિદિત છે. પ્રદેશનું નામ, તેની ખ્યાતિ ચોક્કસ તે પ્રદેશની ઉત્તમ સંસ્થાઓથી રોશન થાય છે. આથી જ આપણાં દીર્ધદ્રષ્ટા, જ્ઞાની તથા નીર-ક્ષીરનો વિચાર કરી શકનાર કેટલાક શાસકોએ દૂરના કે નજીકના ભૂતકાળમાં ઉત્તમ સંસ્થાઓ સ્થાપવાનું કાર્ય કર્યું છે. આ સંસ્થાઓમાં સરસ્વતીની સાધના તેમજ ઉપાસના કરનાર સંસ્થાઓ પ્રથમ આવે. સંસ્થાઓ સ્થાપી, તેમાં ચોક્કસ પ્રણાલિકાઓનો અમલ કરી તેની નિભાવણી માટે પણ પુરતી કાળજી રાખી છે. કચ્છ-ભુજની મહારાઓશ્રી લખપતજી વૃજભાષા પાઠશાળા આવી જ એક ગૌરવપૂર્ણ સંસ્થા હતી.
આપણો દેશ આઝાદ થયો તે પહેલાના બસ્સો વર્ષ સુધી વૃજભાષા પાઠશાળા કાર્યરત રહી. બે સદીના આ સુદીર્ધગાળામાં અનેક ગણમાન્ય વિભૂતિઓએ પાઠશાળામાં રહી નિષ્ઠાપૂર્વક પોતાનું જ્ઞાનવર્ધન કર્યું. વૃજભાષા પાઠશાળાની ઘણી વિગતો સમાજ સુધી પહોંચાડવાનું યશસ્વી કાર્ય બહેનશ્રી નિર્મલાબેન આસનાનીએ કર્યું. આ વિષય પરનો તેમનો શોધ નિબંધ આપણાં સંશોધનાત્મક સાહિત્યનો અમૂલ્ય ખજાનો છે. ઉપરાંત રાજયકવિ શંભુદાનજી ગઢવી જન્મ શતાબ્દી સમિતિએ પણ પાઠશાળા અંગે નાની અને સરળ પુસ્તિકાના માધ્યમથી કેટલીક ઐતિહાસિક વિગતો પ્રકાશિત કરી. કચ્છના પૂર્વ સાંસદ તથા શંભુદાનજી સુપુત્ર શ્રી પુણ્યદાનભાઈનો આ પ્રયાસ બીરદાવવા યોગ્ય છે. શંભુદાનજી ગઢવી વૃજભાષા પાઠશાળાના છેલ્લા આચાર્ય હતા. વૃજભાષા પાઠશાળામાં તૈયાર થયેલા હોનહાર કવિઓમાં સ્વામી બ્રહમાનંદજી એક હતા. વૃજભાષા પાઠશાળાની સ્થાપના તથા તેના નિભાવ માટેની જરૂરી વ્યવસ્થા ગોઠવવામાં રાજવી રાઓ લખપતજીની સાહિત્ય સમજ તથા સાહિત્ય તરફથી પ્રીતિ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. રાજવી રાઓ લખપતજીને કાવ્યશાસ્ત્ર શીખવવાના કાર્યમાં રાજયકવિ શ્રી હમીરજી રત્નુનું મહત્વનું યોગદાન હતું. સાહિત્યની સેવા માટે એક કાયમી વ્યવસ્થા ગોઠવવાના આશયથી રાઓ લખપતજીએ આ યજ્ઞકાર્ય કર્યું. સાહિત્ય જગતમાં ચેતના પ્રગટાવવાના આ મહાકાર્ય માટે તેમનું જ નામ પાઠશાળા સાથે જોડવામાં આવ્યું. આ પાઠશાળાના પહેલા આચાર્ય જૈન વિદ્વાન શ્રી કનકકુશળજી હતા. તેના છેલ્લા આચાર્ય તરીકે શ્રી શંભુદાનજી ગઢવી હતા. આ પાઠશાળામાં કચ્છ-સૌરાષ્ટ્ર ઉપરાંત રાજસ્થાન, ગુજરાતના અન્ય ભાગો તથા સિંધમાંથી પણ સરસ્વતી ઉપાસકો આવતા. કવિ શ્રી દલપતરામ, લીંબડી રાજયકવિ શંકરદાનજી જામનગર રાજયના રાજયકવિ નારણદાનજી બાલીયા જેવા અનેક વિદ્વાનોની ભેટ આ સંસ્થાએ સમાજને આપી છે. કવિ શ્રી શંભુદાનજીના આ શબ્દો કાર્યની યર્થાથતા સૂચવે છે.
યહબિધિ દાન નિદાનમેં, આન દાન મેં માન,
ઉદયગિરિ કચ્છ રાજય તે, પ્રગટત વિદ્યાદાન.
કવિઓમાં કવિ શ્રેષ્ઠ તથા સાધુત્વની શોભા અનેકગણી વધારનાર સદ્દગુરુ શ્રી બ્રહમાનંદ સ્વામીનું સ્મરણ એ પાવક તથા શાસ્વત છે. ભગવાન સ્વામીનારાયણને સંપૂર્ણ રીતે અર્પણ થયેલું તેમનું જીવન અને કવન કોઈપણ કાળમાં તરોતાઝા અને સુગંધિત છે. હાલમાં સિરોહી જિલ્લામાં આવેલા ખાણ ગામમાં સ્વામીનો જન્મ થયો હતો. આમ તો રાજસ્થાનના છેવાડે તથા ગુજરાતની પડોશમાં ખાણ આવેલું છે. ચારણ કુળમાં જન્મ લેનાર આ તેજસ્વી પ્રતિભાનું સંસારી નામ લાડુદાન હતું. સદ્દભાગ્યે બ્રહમાનંદ સ્વામી વિશે રાજયકવિ માવદાનજી રત્નુ (કાલાવડ, જિ. જામનગર) એ મહેનત લઈને નિષ્ઠાપૂર્વક જે કામ કર્યું તેના પરિણામે સમાજને બ્રહમાનંદ સ્વામીના જીવન-કવનનું સુંદર પુસ્તક મળ્યું. ઉપરાંત કવિવર્ય શ્રી દલપતરામે પણ સ્વામીના જીવનની વિગતો આલેખી છે. કવિ શ્રી માવદાનજીની અખંડ ભક્તિ તથા સંપૂર્ણપણે સત્સંગ પરાયણતાના કારણે જ આવા અમૂલ્ય પુસ્તકનું નિર્માણ થઈ શકે. સદ્દગુરુ સ્વામી શ્રી બ્રહમાનંદ સ્વામી અંગેના કવિ શ્રી માવદાનજી સંપાદિત પુસ્તક ‘‘શ્રી બ્રહમસંહિતા’’ નું મૂલ્ય દરેક કાળે સરખુજ છે. આપણી શ્રેષ્ઠકૃતિઓમાં તેનું સ્થાન છે.
બાળક તથા કિશોર લાડુદાનને માતાપિતા તરફથી શિક્ષણ ઉપરાંત યોગ, અશ્વવિદ્યા તેમજ સંગીત અંગેના શાસ્ત્રની સુયોગ્ય તાલીમ આપવામાં આવી હતી. ‘‘પુત્રના લક્ષણ પારણામાંથી’’ તે કહેવતની જેમ આસપાસના લોકો લાડુદાનજીની તેજસ્વીતાથી પ્રભાવિત થતા હતા. પોતાના પિતાની સાથે કોઈ સામાજિક પ્રસંગે શિરોહી જવાનું કિશોર લાડુદાનજીને થયું. રાજય દરબારમાં જવાની તક મળી. શિરોહી મહારાવશ્રી સમક્ષ કેટલાક છંદો-કાવ્યો સંભળાવવાની તેમને તક મળી. કિશોર લાડુદાનજી કાવ્યની રજૂઆતની શૈલી તથા તેમની પ્રતિભાથી મહારાવ પ્રસન્ન થયા. આથી રાજયના ખર્ચે લાડુદાનજીને તે સમયની સૌથી વધારે સુવિખ્યાત ભૂજ વૃજભાષા પાઠશાળામાં વિધિસરના કાવ્યશાસ્ત્રના અભ્યાસ માટે મોકલવા તેમણે સૂચન કર્યું. રાજવીની ઉદારતા તથા દીર્ધદ્રષ્ટિતા તેમજ ભૂજ પાઠશાળાની અદ્વિતિય પ્રતિષ્ઠાનું પ્રમાણ અહીંથી મળે છે. લાડુદાનજીના પિતા પોતાના પુત્રની પ્રતિષ્ઠા થતી જોઈ આનંદ અને ગૌરવની લાગણી અનુભવતા હતા. જોકે આટલા દૂરના પ્રદેશમાં પુત્રને મોકલવા મન માનતું ન હતું. અંતે પુત્રની સર્વાંગી પ્રગતિ માટે તેને ભૂજ મોકલવા તૈયાર થયા. આ નિર્ણયને કારણે સમાજને એક ધૂરંધર ભક્તકવિ સાંપડ્યા. જીવનભર તેમણે ભગવાન સ્વામીનારાયણની ભક્તિ તથા તેમના સોંપેલા કાર્યો કર્યા. સાથે સાથે કાળના કપરા પ્રવાહમાં ટકે તેવું મૂલ્યવાન સાહિત્યનું સર્જન કરતા ગયા.
મંદિરોના સર્જન કાર્યમાં જેમ બ્રહમાનંદ સ્વામીને જગપ્રસિધ્ધિ મળી તેજ રીતે અનેક ઉત્તમ કાવ્યોના સર્જન થકી તેઓ અમરત્વને વર્યા છે. આજે પણ બ્રહમાનંદજીના કાવ્યો સ્વામીનારાયણના મંદિરોમાં કીર્તન સ્વરૂપે શોભાયમાન લાગે છે. અનેક ગીત-સંગીત તથા સાહિત્યની પ્રસ્તુતિ કરનારા કલાકારોને સ્વામીના કાવ્યોનો અસરકારક રજૂઆત માટે મોટો આધાર છે. તેમના કાવ્યોની ચમક અનોખી છે. તેમનો વિદ્યાભ્યાસ પૂરો થયા પછી જુનાગઢના નવાબ હામીદખાનજી સાથેની તેમને મુલાકાત દરમ્યાન કહેલા શબ્દો કેવા ચમકવાળા છે!
દિયા હૈ ખૂદાને ખૂબ ખુશી કર ગ્વાલ કવિ,
ખાના પીના લેના દેના ઓ હી રહ જાના હૈ.
કેતેક અમીર ઉમરાવ બાદશાહ ગયે,
કર ગયે કૂચ તાકા લગા ના ઠિકાના હૈ.
હિલો મિલો પ્યારે જાન બંદગી કી રાહ ચલો,
જીંદગી જરાસી તામે દિલ બહલાના હૈ.
આવ પરવાના બને એક હુન બાના,
યાતેં નેકી કર જાના ફિર આના હૈ ન જાના હૈ.
જીવન જીવવાની સાર્થકતા જે શાસ્ત્રોએ વિગતે વર્ણવી છે તે જ વાતને ઉપરના થોડા જ શબ્દોમાં ભક્તકવિએ ગાગરમાં સાગર ભરે તેમ ભરી છે. જીવનમાં નેકી કરી જવા કવિએ ચેતવ્યા છે કારણકે ફિરરસ્તાઓ સમન્સ લઈને આવશે ત્યારે કોઈ બહાનું નહિ ચાલે.
શ્રી જયમલભાઈ પરમાર લખે છે તેમ ચારણી સાહિત્ય તથા લોકસાહિત્યમાં રાસલીલાના ચિત્તઆકર્ષકછંદો આપણને બ્રહમાનંદસ્વામી પાસેથી મળ્યા તે ઉત્તમોત્તમ પ્રકારના છે. આ બાબત ખૂબ જ યર્થાથ છે. બ્રહમાનંદસ્વામીના આ રેણકી છંદથી ભાગ્યે જ કોઈ અજાણ હશે.
ઘણ રવ પટ ફરર ઘરર પદ ઘૂંઘર
રંગ ભર સુંદર શ્યામ રમે.
આવીજ બીજી બળુકી રચના ચર્ચરી છંદમાં જોવા મળે છે.
હરિહર અજ હેરહેર,
બિકસિત સુર બેર બેર,
ફરગર ઘટ ફેરફેર
નટવર નાચે.
આ છંદોની રચના થઈ ત્યારથી એટલે કે લગભગ બે સદીથી પણ વધારે સમયથી અનેક જાહેર તમામ કાર્યક્રમોમાં લોકો ઉલ્લાસભેર આ રચનાઓ માણે છે. બન્ને છંદોના નાદવૈભવ અને તાલબધ્ધતા તેને અલગ ઉંચાઈએ મૂકે છે. સદ્દગુરુ શ્રી બ્રહમાનંદસ્વામીની વિદ્વતા તથા ભાષા પરની અસાધારણ પકડ એ જવલ્લેજ જોવા મળે તેવી શક્તિ છે. આ ભક્ત કવિની પવિત્ર કાવ્ય ગંગોત્રી અસ્ખલિત રીતે સહજાનંદ સ્વામીના પાવન ચરણો તરફ વહે છે. આપણાં સાહિત્યના અમૂલ્ય વારસામાં તેમનું પ્રદાન કાળના પ્રવાહમાં ક્ષીણ ન થાય તેવું પ્રાણવાન છે.
બ્રહમાનંદ સ્વામી જેમ અનેક શાસ્ત્રના જ્ઞાતાઓ તથા કવિઓનું સર્જન કરવામાં કચ્છની વૃજભાષા પાઠશાળાનું અનોખું યોગદાન છે. પાઠશાળાનો ઈતિહાસ તથા તેનું યોગદાન કચ્છની યશકલગીમાં ઉમેરો કરે તેવું શ્રેષ્ઠ અને શાસ્વત છે.
તેજ – તણખો
મહાકવિ નાનાલાલનો એક પ્રસંગ નોંધાયો છે. ૧૯૩૫ માં વડોદરાના મહારાજા સયાજીરાવનો હિરક મહોત્સવ ઉજવાતો હતો. કવિને સાક્ષર શ્રી ર. વ. દેસાઈએ ઓફર કરી: મહારાજા સયાજીરાવના જીવન તેમજ કાર્યો ઉપર લખો. પાંચ લાખ રૂપિયાનો પુરસ્કાર આપવાની રાજયની તૈયારી છે તેમ પણ જણાવ્યું. કવિનો જવાબ સાંભળવા જેવો છે: મને લખવાની પ્રેરણા થશે તો મારા પોતાના ખર્ચે કાગળ અને શાહી લાવીને લખીશ. કોઈના કહેવાથી નહિ લખાય. કવિ પત્નીની ઈચ્છા ઓફર સ્વીકારવાની હોવા છતાં સ્નેહી તથા સાક્ષર મિત્રની વાત માનવા કવિશ્રી તૈયાર ન થયા. કેટલાક લોકો કાળના અવિરત વહેતા પ્રવાહમાં પણ પોતાના પદ ચિન્હો છોડતા જાય છે.
દુર્લભ એ દરવેશ
કે જેના કાળ સાચવે પગલા. (કવિ રમેશ પારેખ)
વી. એસ. ગઢવી
ગાંધીનગર
Leave a comment