સોનલ બીજના પાવન પ્રસંગે ભગવતી આઇશ્રી સોનબાઇમાનું વિશેષ સ્મરણ સૌને થાય તે સ્વાભાવિક છે. હવે, છેલ્લા કેટલાક વર્ષોથી તો સોનલ બીજનો પ્રસંગ અનેક જગાએ નાના મોટા પ્રસંગોનું સુંદર આયોજન કરીને થાય છે. ઉજવણીના આ તમામ કાર્યક્રમોમા એક વાત ઊડીને આંખે વળગે તેવી છે. પૂ. આઈમાની સ્મૃતિમાં યોજાતા આ પ્રસંગોએ જ્ઞાતિના અનેક નાના મોટા સમૂહોને એક થવાનો, એકબીજાને હળીમળીને નજીકથી જાણવાનો મોકો મળે છે. કાર્યક્રમોના અનેક હિસ્સાઓ પૈકી કદાચ આ ખૂબ મહત્વનો હિસ્સો છે. ઘણી જગાઓએ જ્ઞાતિના તેજસ્વી તારલાઓનું સન્માન પણ કરવામાં આવે છે. મોટાભાગે સરસ્વતી સાધના દ્વારા સિદ્ધિઓ મેળવેલ હોય તેવા વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓનું સન્માન થાય ત્યારે પૂ. આઈમાના સંપૂર્ણ આશિર્વાદ ઉતર્યા હોય તેવું લાગે છે. પરીવર્તન પણ ચોક્કસ આવ્યું હોય તેમ લાગે. તાજેતરમાંજ પ્રગતિ મંડળ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા જેમણે સિધ્ધિઓ પ્રાપ્ત કરી છે તેવી તેજસ્વી બહેનો-દિકરીઓનું સન્માન કરવામાં આવ્યુ ત્યારે આવી સિધ્ધિ પ્રાપ્ત કરેલી દિકરીઓની સંખ્યા આયોજકોની ધારણા કરતા પણ ઘણી વધારે નીકળી. આમ છતાં, શક્ય છે કે હજુ પણ ઘણી વધારે તેજસ્વી પ્રતિભાઓ બાકી પણ રહી ગઇ હોય. આ એકજ બાબત એ વાતની ખાતરી કરાવે છે કે પૂ.આઈમાએ વાવેલા બીજેના ફળ આજે ભરપૂર મળી રહ્યા છે. પૂ.ભગતબાપૂએ યથાર્થ લખ્યું.
માડી ! તેંતો ખારા રે ખેતરડાં ને ખેડીયાં …
માડી ! એમાં લીલી મોલાતું લેર્યે જાય રે …
ભેળિયાળી તારા ભામણાં.
જેમ યુગ યુગાન્તરોથી દેવાધિદેવ સૂર્યનારાયણ ઉગમણી દિશાએ પ્રગટ થઈ સમગ્ર સૃષ્ટિના તિમિરને હરવાનું કાર્ય કરે છે તે પ્રકારે સમયાંતરે પ્રગટ થયેલ ચારણ આઈઓએ સમાજમાં શિલ, સંસ્કાર અને ઉત્તમ આચરણના સારા ગુણોનો પ્રચાર-પ્રસાર સૂર્યપ્રકાશની જેમ જ્વલંત રીતે કરેલો છે. તેથી જ આપણી ઘણી સ્તુતિ-ચરજોમાં ઊગમણા ઓરડાવાળી વિવિધ સ્વરૂપે વિચરતી શક્તિની આરાધના કરવામાં આવી છે. ચારણ જાતિમાં અનેક માતાજીઓ પ્રગટ થયા હોવાના ઉલ્લેખો શાસ્ત્રોમાં તેમજ અનેક ઇતિહાસકારોએ કર્યો છે પરંતુ તેનો કડિબધ્ધ ઇતિહાસ જળવાયો નથી અથવા તો અલ્પ માત્રામાં જળવાયો છે. ઘણી ખરી બાબતો દંતકથા સ્વરૂપે એક પેઢીથી બીજી પેઢી સુધી સંચરી છે. તેમાંની કેટલીક મહત્વની કડીઓ વિસ્મૃત થઈ હોય અથવા કેટલીક બાબતો પાછળથી ઉમેરાઇ હોય તેમ પણ બનવવાનો સંભવ છે. પરંતુ આ બધામાં મઢડાધામમાં પ્રગટ થયેલા પૂ. સોનબાઇમાની વાત જરા જૂદી પડે છે. એક તો તેઓ હમણાં સુધી આપણી વચ્ચે હતા અને તેમના પ્રભાવી વ્યક્તિત્વથી સમાજની દોરવણી કરતા હતા. બીજી મહત્વની વાત એ છે કે પૂ. આઈશ્રી સોનબાઈમાં સાથે રહીને મા ની પ્રેરણામુજબ સમાજ સેવાનું કાર્ય અવિરત રીતે કરનાર પૂ. પિંગળશીભાઇ પાયક દ્વારા જે વિગતોની વિસ્તૃત રીતે નોંધ કરવામાં આવી છે તેના માધ્યમથી પણ પૂ.આઈમાના જીવન તથા તેમના અનેક કાર્યો વિશે માહિતી મળી શકે છે અને ભાવિ પેઢીઓને પણ મળતી રહેશે. આઇ શ્રી સોનબાઈમાં વીજળીના ચમકારાની માફક પોતાનું જીવનકાર્ય આટોપીને ભૌતિક રીતે આપણી વચ્ચેથી ગયા પરંતું તેમણે આદરેલા સંસ્કાર તથા સરસ્વતી સાધનાના કાર્યોને ઉત્તેજન આપવા-આશિર્વાદ આપવા જાણે કે હંમેશા આપણી વચ્ચે હોય તેવી લાગણી થયા કરે છે. તાજેતરમાંજ મઢડા ખાતે આઈમા તરફની અસીમ શ્રધ્ધાને કારણે નિર્માણ કરવામાં આવેલા તેમના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં દેશ દેશાવરથી ભક્તો જોડાયા હતા. પૂ.બનુમાના માર્ગદર્શનમાં આ પણ એક ખૂબ જ સુંદર કાર્ય સંપન્ન થયું છે.
પૂ. આઈમાના જીવનના અનેક મહત્વના પ્રસંગોને યાદ કરીએ તો મઢડાનું ૧૯૫૪ નું મહાસંમેલન તરત જ યાદ આવે છે. અગાઉ થયેલા સંમેલનોના પ્રમાણમાં તેનો વ્યાપ તથા અસર ઘણાં મોટા પ્રમાણમાં હતા. આ સંમેલનમાં પૂ. આઈ સ્પષ્ટ રીતે બોલ્યા અને જ્ઞાતિ વિકાસનો તેમજ ઉન્નતિનો જાણે કે રાજમાર્ગ બાંધી દીધો. કેવી દીર્ઘદ્રષ્ટિ યુક્ત વાત કરી! પોતે કહ્યુ કે ચારણોની હવે ચડતી થવાની છે. આટલા બધા લોકો પ્રેમથી ભેળા થાય તો પરિણામ જરૂર સારું જ આવે. વાતને આગળ વધારતા કહે છે કે ચારણો દેવ કહેવાતા એટલે કે, તેમનામાં દૈવી શક્તિ,સત્યગુણ, શુદ્ધ આચાર હતા. પછી આઈમા એ પુરોષાર્થનો મહિમા કરતા કહ્યુ કે પુરુષાર્થ એટલેજ પરચો, પુરુષાર્થ એટલેજ દેવ. ત્યારબાદ, આઈમાએ સૌને લીંબડી રાજ્યકવિ શંકરદાનજીની કવિતાના ઉત્તમ શબ્દો યાદ કરાવ્યા.
‘ઉત્તમ વિચારોથી નિરંતર, શુધ્ધ અંતર રાખવું,
બદકર્મથી ડરવુ બહુ સત્ કર્મના સેવક થવું.
રાખી સુરીતિ, નેક નીતિ, સત્ય બાબતની સમજ
ભજવા અજર અજ અમર એવા વૃષભધ્વજ કાં ગરુડધ્વજ.’
સંમેલનમાં એ ક્ષણો ઘણી ઐતિહાસિક બની રહી. પૂ. પિંગળશીભાઇ પાયકે ગામડે-ગામડે ફરીને સમાજને વિચાર,ધર્મ,નીતિ,નિયમ તરફ દોરવા સમગ્ર સમાજ વતી પૂ.આઈને વિનંતી કરી. ત્યાં ઉપસ્થિત સૌ જ્ઞાતિજનોની પણ જાણે કે આજ લાગણી તથા માગણી હતી. જવાબમાં ભાષાનો સંપૂર્ણ વિવેક જાળવીને અંતરના ઉમંગથી તેમણે જાહેર કર્યુ કે તેઓ આવી સેવા આપવા માટે જ્ઞાતિ ગંગાના દર્શન કરવા આયુષ્યનો બની શકે એટલો બધો ભાગ આપશે. કેવું મોટું વચન અને તે માટે કેવી નિર્ણયશક્તિ કે જીવનનો છેલ્લો શ્વાસ લીધો ત્યાં સુધી તેમણે મઢડામાં આપેલા વેણ પૂરેપૂરા પાળ્યા. પોતાવટ પાળી બતાવી.
‘પોતાવટ પાળવાવાળી, ભજા. તોય ભેળિયાવાળી,
સોનલમા આભ કપાળી.’
મઢડા સંમેલન પછી વીજળી વેગે પ્રવાસો કરીને પૂ.આઈમા એ જ્ઞાતિના તમામ લોકોમાં વીજ સંચાર કર્યો. ઈષ્ટ અને અનિષ્ટ વચ્ચેનો ભેદ પ્રેમથી, તર્કથી તથા લાગણીથી સમજાવી અનિષ્ટોને તિલાંજલી આપવા અહાલેક જગાડી. એની ધારી અસર થાય તે સ્વાભાવિક હતું.
‘અંધકારના ઓળા હય્યા. ભેંકાર રજની ભાગતી…
પોંફાટ હામા ઘરે પ્રગટી, જ્યોત જગમગ જાગતી…
વહ સકળ ચારણ વંશ તારણ, કિરણ ઘટ ઘટ પરવરી…
નવલાખ પોષણ અકળ નરહી ઓહી સોનલ અવતરી.
મા એ ગામેગામ, નેસડે નેસડે જે વાતો કરી તેમાં માણસાઈના ઉત્તમ સંસ્કારોને પ્રાપ્ત કરવા પર ભાર મૂક્યો. અજ્ઞાન તથા જડતામાંથી નીકળીને વ્યક્તિગત તેમજ સામાજિક દુષણો નેસ્ત નાબૂદ કરવા હાકલ કરી, અંધશ્રધ્ધાના સ્થાને સાચા શ્રધ્ધાવાન થવા શીખ આપી. વાતો પાયાની હતી તેમજ વ્યક્તિગત તથા સામાજિક ઉત્થાન માટે અનિવાર્ય હતી. પૂ.આઈની અગાધ મહેનત તથા અખૂટ આશિષના જ્વલંત પરિણામો આજે જોવા મળે છે.
સમયના બદલાવાની સાથે પ્રશ્નોનું સ્વરૂપ તથા પ્રકાર બદલાયા છે. છતાં મૂળ સિધ્ધાંતો જેનું સમર્થન પૂ.આઈએ કર્યું તે આજે પણ એટલાંજ સાચા અને પ્રાસંગિક છે. પૂ.કંકુકેશરમાએ હમણાં અમદાવાદના કાર્યક્રમમાં કહ્યું તેમ શિક્ષણ સાથે સંસ્કારની વૃધ્ધિ થાય છે કે કેમ તે તરફ પણ નજર રાખવી જરૂરી છે. ભૌતિક સમૃધ્ધિ વધવાની સાથે સાથે આપણામાં વિશાળતા અને ઉદારતાના ગુણો ખીલ્યા કે નહિ તેની સાવચેતીતો સૌએ રાખવી જ પડશે. આપણાં પૂર્વજ આઈમાઓ તથા ભક્ત કવિઓના જીવન અને કવનમાં જે ઉત્તમ તત્વો હતા તેનું સ્મરણ કરીને પોત પોતાની કેડી સૌએ કાળજી પૂર્વક જાતેજ કંડારવી પડશે. આમ થશે તોજ સમૃધ્ધિનું અમૃતતત્વ આપણાં સુધી પહોંચશે અને પહોંચ્યા પછી ટકશે. હજુ કેટલાંક જ્ઞાતિ બંધુઓ છેવાડે ઊભા હોય તો તેમને હોંશથી, લાગણીથી આગળ લાવવા પડશે. સંસ્થાઓ ઊભી કરીએ તો હેતુને અનુરૂપ તેની જરૂરી વ્યવસ્થા ગોઠવવી પડશે. સાચી દિશાના દરેક નાના પગલામા પણ આઈની અમીદ્રષ્ટિ હશે જ.
સોનલબીજના પાવક પ્રસંગે ભગવતી આઈશ્રી સોનબાઈમાના તેજસ્વી માધ્યમથી આપણાં ઉજળા વારસાનું દર્શન કરવાનો પ્રયાસ કરીએ. પૂ.આઈમાના જીવનના અનેક નાના મોટા પ્રસંગો આપણી આવતી કાલની પેઢી સુધી પહોંચાડીએ. આવતી પેઢીએ ઉત્તમ પ્રણાલિકાઓ તથા જીવન જીવવા માટેના સારા સંસ્કારો જે આપણી આઈઓએ પ્રબોધ્યા છે તે પહોંચાડવા પ્રયાસો કરવા પડશે. શિક્ષણ જેતલું જ મહત્વનું આ જીવન જીવવાનું શિક્ષણ છે. પૂ.ભગતબાપૂએ લખ્યુ છે તેમ આપણને મા તરફ વિશેષ લગાવ છે, ભક્તિ તથા શ્રધ્ધા છે તો એ જનની ખોળેથી ખસતા નહિ જ કરે. હૈયામાં હામ હોય તો આઈમાની આશિષ દરેકને માટે હાજરાહજૂર છે.
વી.એસ.ગઢવી.
ગાંધીનગર
Leave a comment