૨૦૧૩ નું વર્ષ જ્યારે પૂરૂ થાય છે, ત્યારે તે વર્ષમાં બનેલી કેટલીક ઘટનાઓની સ્મૃતિ વાગોળતા જાગૃત નાગરિકના મનમાં એક મંથન શરૂ થાય છે. આપણાં શાસ્ત્રોએ જે કેટલાક મૂલ્યોની, કેટલાક સંસ્કારોની વાત કરી છે, તેનો વ્યવહારુ જીવનમાં અમલનો વિશેષ મહિમા કર્યો છે. તેમાં ક્યાંય અંધશ્રધ્ધા કે અસહિષ્ણુતાને સ્થાન નથી. “દરેક દિશાએથી અમને શુભ તથા સુંદર વિચારો પ્રાપ્ત થાઓ.” તેવું વિશ્વના પ્રાચીન જ્ઞાન ગ્રંથોમાં જેની ગણતરી થાય છે, તેવી વેદોની વાણીમાં કેટલી વિશાળતા તથા ખુલ્લાપણું -openness- ખીલી ઉઠે છે ! વિશાળતાનો આવો વારસો તેમજ આ પ્રકારની પૂર્વભૂમિકાની નજરે પુનામાં થયેલી ડૉ. નરેન્દ્ર દાભોલકરની હત્યા એક અકલ્પ્ય આંચકો આપે છે. આ પ્રકારની હિણપતભરી ઘટનાઓને જન્મ આપે તેવી અસહિષ્ણુ મનોદશા સમાજના કોઇ એક નાના વર્ગ કે વ્યક્તિઓના સમૂહમાં જોવા મળે તો પણ તે આપણું સામુહિક કલંક જ ગણાય. જો કે તેમની હત્યાના વિરોધમાં દેશભરના બૌધ્ધિકો, વિચાર કરનાર સામાન્ય લોકોનો પણ એક મોટો સમૂદાય જાગૃત થયો અને આ ઘટના તરફ પોતાની તીવ્ર નારાજગી અલગ-અલગ ઢબે વ્યક્ત કરી તે થોડા આશ્વાસનનો વિષય જરૂર બને છે. એક કૂશળ તબીબ એવા નરેન્દ્રભાઇ ચીલાચાલુ દાક્તરીનો સ્વેસ્છાએ તથા સમજપૂર્વક ત્યાગ કરીને સમાજમાં વ્યાપેલી અંધશ્રધ્ધાની બિહામણી બીમારી સામે નિદાન અને ઉપચારના પાવન કાર્યમાં જોડાયા. ઘણાં સમર્થકોનો સાથ પણ તેમને મળ્યો. છેલ્લા બે દાયકાથી અંધશ્રધ્ધાના નિવારણ તથા તેના આચરણ પર કાનૂની નિયંત્રણો મૂક્યાના કાયદાને મહારાષ્ટ્ર વિધાનસભામાં પસાર કરાવવા તેઓ સતત સંઘર્ષ કરતા હતા. ડૉ. દાભોલકર જે કાયદાના અમલીકરણ માટે ઝઝૂમતા હતા. તે ધર્મ વિરોધી કે ધર્મને લગતી બાબતો પર કોઇ અંકૂશ લાગુ કરવા માટે ન હતા. અંધશ્રધ્ધાયુક્ત કેટલીક બાબતો જેવી કે, ચમત્કારોના પ્રયોગોની વાત કરીને લોકો સાથે છેતરપીંડી કરવી, ભૂત પીશાચના વળગાડ ઉતારવાના બહાનાને આગળ ધરીને કોઇ વ્યક્તિની મારપીટ કરવી કે તેની સાથે અનુચિત વ્યવહાર કરવો વગેરે જેવી બાબતો માટે નાણાકીય દંડ તથા જેલની સજા માટેની જોગવાઇ હતી. ધાર્મિક સ્વાતંત્ર્ય પર તરાપ આપે તેવી કોઇ બાબત તેમાં ન હતી. તેઓ એ બાબત પણ બરાબર સમજતા હતા કે, માત્ર કાયદો પસાર કરાવવાથી અંધશ્રધ્ધા નિર્મૂલન પૂર્ણ અર્થમાં ન થઇ શકે. આથી જ તેના માટે જનજાગૃતિ ઊભી કરવાના વ્યાપક તેમજ અસરકારક પ્રયાસો તેઓ કરતા હતા. ખરા અર્થમાં જેને ધર્મ કહેવાય તેની સામે તેમને કોઇ વાંધો-વિરોધ ન હતા. માત્ર ધર્મના નામે ધતીંગને, અંધશ્રધ્ધાને પ્રોત્સાહન ન મળે તે સ્થિતિનું નિર્માણ કરવાના તેમના પ્રયાસો હતા. આ ઉપરાંત પણ અનેક ક્ષેત્રોમાં સામાજિક જાગૃતિના પ્રયાસો તેઓ આજીવન કરતા રહ્યા હતા. તુકારામ અને જ્ઞાનેશ્વરની વિચારધારાના જ એક અંકોડા સમાન તેમનું જીવન હતું.
આજે વિશ્વના ઘણાં ભાગોમાં ધર્મના નામે અંધશ્રધ્ધા, પાખંડ કે ધર્મના મૂળ તત્વજ્ઞાન સાથે જેને નિસબત ન હોય તેવી અમૂક બાબતોને જડતાથી વળગી રહેવાની વૃત્તિ અને તેમાંથી પ્રગટ થતું ઝનૂન જોવા મળે છે. આ સ્થિતિ સામે આપણાં મધ્યયુગના સંતો-કવિઓએ કહેલી વાણી તેમજ તે લોકોનું વાસ્તવિક જીવન આજના સંદર્ભમાં પણ ઘણું વિચારયુક્ત, વિશાળ અને સર્વાશ્ર્લેષી લાગે. અંધશ્રધ્ધાને તેમના જીવન,કવન કે વર્તનમાં ક્યાંય સ્થાન ન હતું. મહારાષ્ટ્રમાં જ જ્ઞાનેશ્વર, એકનાથ કે તુકારામ-એ બધા સંતોમાં જડતા, અહંકાર કે વિધિવિધાનની જડતા જોવા મળતી નથી. સમાજને માનવતાના મહામૂલ્યોના ઉચ્ચ શિખરે દોરી જવાના તેમના નિષ્ઠાપૂર્વકના તથા દ્રઢ પ્રયાસ હતા. ગુજરાતમાં પણ આજ કાળના કેટલાય સંતો સીધુ-સાદુ તથા સરળ ગૃહસ્થજીવન જીવીને કર્મ અને વાણીથી પોતાનો પ્રભાવ પાથરી ગયા. તેમાં કોઇ આડંબર કે જડતાને સ્થાન હતું જ નહિ. ખરા અર્થમાં તેઓ ક્રાંતિના મશાલચીઓ હતા. તેમણે ધાર્મિક કે સામાજિક દ્રષ્ટિએ અમૂક વર્ગની તરફેણમાં સ્થપાયેલી પ્રથાઓને મૂળમાંથી જ પડકારી. તેમની ભાષા પણ કેવી સંઘેડા-ઉતાર ! નરભેરામ કહે-
“નથી રામ ભભૂતિ ચોળ્યે, નથી ઊંધે શિર ઝોળ્યે,
નથી નારી તજી વન જાતા જ્યાં લગી આપ ન ખોળે,
જંગલમાં મંગલ કરી જાણે, મંગલ જંગલ જેને,
કડવું મીઠું, મીઠું કડવું, રામજી વશ છે તેને
નિશ્વે કરો રામનું નામ.”
સ્વની ઓળખ કર્યા સિવાય અંતરના અંધારા બાહ્ય આચારોથી ઉલેચી શકાતા નથી તે વાત પર જ આ ભક્તકવિઓએ ભાર મૂક્યો છે. આ સંતોએ જ્યારે શાળા, મહાશાળા કે યુનિવર્સિટીઓનું અસ્તિત્વ ન હતું. ત્યારે, ઉદારતાના,માનવતાના અને બંધુતાના આદર્શોનું સિંચન જતનપૂર્વક કર્યુ હતુ. સૃષ્ટિ સાથેની સંવાદિતા તથા જીવ માત્ર પ્રત્યે સંવેદનશીલતા એ તેમની વાણીમાં સહજ રીતે પ્રગટતા હતા. તેમના જીવતર પણ એવાજ ઉજળા હતા. સેવાધર્મના ગિરીશૃંગ સમાન કચ્છના ડાડા મેકણની વાતમાં કેવું ઊંડાણ છે !
‘ખેંધલ ખુટા, મેં ડીંધલ મુઠા,
વૈકુંઠજી વાટમેં, ડીંધલ ડિઠા.’
ખાનાર, ભોગવનાર તો ખલાસ થઇ ગયા. મેળવનારા જૂઓ તો માથે હાથ દઇને બેઠા પણ મેકણ કહે છે કે, વૈકુંઠના રસ્તે તો મેં દેનારને જ દીઠો. આપવાનો આવો મહીમા ગાનાર મધ્યયુગના સંતોના દેશમાં અસહિષ્ણુતા કે સંકીર્ણતા કેવી રીતે પ્રવેશી તે વિચારવા જેવી બાબત છે. આપણાં આ સંતો-કવિઓએ ધર્મ સાથે ઝનૂન, બાહ્ય-આડંબરો કે અંધશ્રધ્ધાને ક્યારે પણ જોડ્યા નથી. બલકે તેઓએ આવા વલણ સામે બગાવત કરી છે. શીલવંત સાધુતાનો જ મહિમા તેમણે ગાયો છે.
‘શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઇ !
જેના બદલે નહિ વ્રતમાન રે.’
આ શીલવંત સાધુતા વિવેક, વિનય તથા આત્મસંયમના મજબૂત પાયા ઉપર ટકેલી છે, વિકસેલી છે. ગંગા સતીની આ અમર સંતવાણી શાસ્ત્રોનું દોહન કરીને સારાસારનો વિવેક સબળ રીતે શીખવે છે. આજે પણ તે વાત તેટલી જ પ્રસ્તુત છે.
આપણાં આવા સમૃધ્ધ, સહિષ્ણુ તથા ભાવપૂર્ણ વારસાથી દૂર થવાના અનેક ભયસ્થાનો છે. ડૉ.દાભોલકરની હત્યા એ આવી શ્રૃંખલાનો જ એક ભાગ છે. વિવેક ચૂકવાની ભારે કિંમત અંતે તો આપણે જ ચૂકવવી પડે છે. સહિયારા સામુહિક ચિંતનની અને તર્કબધ આચરણની જરૂરિયાત સ્પષ્ટ રીતે જોઇ શકાય છે. ડો.દાભોલકરે સમાજના તમામ વર્ગોને સચેત કરવાના પ્રયાસો કર્યા છે. લોકો સાથે સંવાદની ભૂમિકા કાળજી અને ખંતથી બાંધી છે. સાને ગુરુજી સ્થાપિત વિચારપત્ર સાધનાને મજબૂત અને અસરકારક બનાવવાનું કાર્ય તેમણે જ કર્યુ. દરેક માધ્યમનો ઉપયોગ તેમણે સામાજિક ચેતનાને જાગૃત કરવાના પ્રયાસો માટે કર્યો. શિક્ષિત લોકો પણ જો ધર્મના ઠેકોદારોની શેહમાં આવે તો તેમાંથી સામાજિક વિસંવાદીતા ઊભી થવાની શક્યતા ડૉ.દાભોલકર જોઇ શક્યા. ધાર્મિક સંસ્થાનોમાં ભૌતિકવાદની બોલબાલા અને પાખંડિઓનું વર્ચસ્વ એજ ધર્મ સામેનો મોટો પડકાર છે. તે વાત સ્પષ્ટ કરવાનો ઘણા અંશે સફળ પ્રયાસ ડોક્ટર સાહેબ કરી શક્યા. તેમને મળતી ધમકીઓ તેમને સહેજપણ ડગાવી ન શકી. ધાર્મિક સંસ્થાનોનું વ્યાપારીકરણ ન થાય તેની ખેવના રાખીને તેઓએ અનેક કાર્યક્રમો હાથ પર લીધા. કાર્યકર્તાઓનો એક સમૂહ તૈયાર કર્યો. વર્ષો પહેલા સ્વામી દયાનંદે જેમ ધર્મના ઓઠા હેઠળ દિવા તળે અંધારા તરફ સમાજનું ધ્યાન તેમની સમર્થ પાણીથી, તર્કબધ્ધ વિચારોથી દોર્યુ હતું. તેવું જ દુષ્કર કાર્ય ડૉ.દાભોલકર આપણી નજર સામે કરીને ગયા.
ડૉ. નરેન્દ્ર દાભોલકરની હત્યાથી પેદા થયેલા વમળો કદાચ શમી જાય પરંતુ, તેમણે જે ચીનગારી પ્રગટાવી છે તે વિચારશીલ નાગરિકોના મનમાં જાગૃત રહે, જીવંત રહે તો આ બલિદાન એળે નહિ જાય. તેમણે આપણી ઊંઘમાં ખલેલ પહોંચાડવાનું યજ્ઞકાર્ય કર્યું છે અને તેની ભારે કિંમત પણ ચૂકવી છે. તેમના રક્તના દરેક બિંદુમાંથી જાગૃતિનો જૂવાળ પેદા થાય તેજ સમયની માંગ છે.
આ અંધકાર દૂર થશે જ,
સત્યના સૂર્યે ઊગવાનું આપ્યું છે વચન,
તેનો ઉદય ન થાય,
ત્યાં લગી
અમે દીવડાઓ ઝગતાં જ રહીશું
હજ્જારોની સંખ્યામાં
કદી ઓલવાઇશું નહિ. (પ્રવીણ ગઢવી)
વી.એસ.ગઢવી.
ગાંધીનગર
Leave a comment