આઝાદહિન્દ સરકાર : ભારતના સ્વાધિનતા સંગ્રામનું સુવર્ણ પૃષ્ઠ

Image

દુર્ગાપુજાના પવિત્ર તહેવારો હમણાં જ સમગ્ર દેશમાં ઉજવાયા અને શક્તિની ઉપાસના થકી શક્તિનું આહવાન થયું. શક્તિપર્વના આ પવિત્ર પ્રસંગે બંગાળના ક્રાંતિકારી અને વિચક્ષણ રાજનીતિજ્ઞ સુભાષબાબુનું સ્મરણ થાય. સમગ્ર દેશ તેમને નેતાજીના નામથી આદરપૂર્વક ઓળખે છે. ઓકટોબર મહીનામાં જ તેમણે આઝાદહિન્દ સરકાર તથા આઝાદહિન્દ સેનાની રચના દેશની ધરતીથી દૂર અનેક પડકારો વચ્ચે પણ કરી. ગાંધીજીની જેમ જ દેશના તમામ વર્ગના લોકોની જેનામાં શ્રધ્ધા સ્થાપિત થઇ હતી તેવા નેતાઓમાં સુભાષચન્દ્ર બોઝનું નામ અગ્રસ્થાને આવે. તેમના વચનો-પ્રવચનો ઉપર દેશના સામાન્ય લોકોને પણ ઉંડો ભરોસો હતો. તે કાળમાં યુવાનોના તો તેઓ રોલમોડેલ હતા. ગાંધીજીની સલાહ પ્રમાણે જ તેઓ ચિત્તરંજનદાસ પાસેથી માર્ગદર્શન મેળવી જાહેર જીવનમાં ઝળકયા અને એક પ્રકાશપુંજ બની રહયાં. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં પણ અનેક લોકો સુભાષબાબુની તેજોમય પ્રતિભાથી અંજાયેલા હતાં. આ વાતની જાહેર ખાતરી પણ તેમની સામે કોંગ્રેસ પ્રમુખપદની ચૂંટણી લડેલા પટ્ટાભીસીતારામૈયાની હારને કારણે સમગ્ર દેશને થઇ ગાંધીજીનું સમર્થન પટ્ટાભીસીતારામૈયાને હતું તો પણ તેઓ નેતાજીની લોકપ્રિયતા સામે ટકી શકયા નહિ. જો કે હિન્દુસ્તાનની તે સમયની રાજકીય સ્થિતિ તથા મહાત્મા ગાંધીના સ્વાતંત્રય સંગ્રામમાં યોગદાનને ધ્યાનમાં રાખી વિશાળ દ્રષ્ટિકોણ ઘરાવતા આ ક્રાંતિવીરે ગાંધીજીને પોતાના ગુરૂ તરીકે તથા એ યુગના ઋષિ તરીકે અંતરના ભાવથી ઓળખાવ્યા હતા. ભલે રસ્તા અલગ હોય, વિચારધારા ભિન્ન હોય પરંતુ બન્નેનું લક્ષ્યાંક તો માતૃભૂમિને બંધનમુકત કરવાનું જ હતું. ગાંધીજીએ ૧૯૪૨ માં હિન્દછોડો (ક્વિટ ઇન્ડિયા) નું સુત્ર આપી દેશમાં ચાલતા મુક્તિ સંગ્રામને નવું બળ તથા જુસ્સો પુરા પાડયા. સમગ્ર દેશ આળસ મરડીને જાણે બેઠો થયો. આ જ રીતે વિદેશની ઘરતી પરથી સંપૂર્ણ  શ્રધ્ધા,આત્મવિશ્વાસ અને આયોજનથી ‘‘ તુમ મુઝે ખુન દો, મૈ તુમ્હે આઝાદી દૂંગાં ’’ ની અહાલેક જગાવીને સુભાષબાબુએ માત્ર દેશના જ નહિ પરંતુ દેશ બહાર વસતા ભારતીયોમાં મુક્તિમંત્રનો પ્રાણસંચાર કર્યો. નેતાજીના આ એલાનને યુવાનોએ એક નિષ્ઠાથી વધાવી લીધું. ૨૧ ઓકટોબર-૧૯૪૩ ના દિવસે નેતાજીએ આઝાદ હિન્દસરકારની સ્થાપના કરીને બ્રિટિશ સત્તાને આંચકો આપ્યો. તેમની વાત ખૂબ જ માર્મિક તથા સકારણ હતી. તેઓ કહેતા કે હિન્દુસ્તાન પાસે રાષ્ટ્રીય સેના તથા રાષ્ટ્રીય સરકાર હોય તો જ આ અમાનુષિ સત્તાને પાયામાંથી હચમચાવી શકાય. એક અંદાજ મુજબ પૂર્વ એશિયાના દેશોમાં વસતા લગભગ ૩૦ લાખ ભારતીઓને ગૌરવ તથા સન્માન સાથે મા ભોમના મુક્તિસંગ્રામમાં જોડવાનોઆ અસાધારણ પ્રયાસ હતો. જયહિન્દનો નારો દેશમાં આઝાદીની ઉષા પ્રગટે તે પહેલાં જ  પ્રચંડ સ્વરોથી દેશ-વિદેશમાં લોકોએ ઝીલ્યો. ભારતીયોએ આ કામમાં માત્ર ઉદાર આર્થિક સહાય કરી એટલું જ નહિ પરંતુ પોતાનું લોહી રેડવા સંકલ્પબધ્ધ થયા. આપણા માટે વિશેષ આનંદ તથા ગૌરવની વાત એ છે કે, નેતાજીને સહાયભૂત થનારા લોકોમાં ઘણાં ગુજરાતીઓ પણ હતાં. ફરી એક વખત જાણે ૧૮૫૭ ના સંગ્રામના વીરનાયકોની સ્મૃતિ તાજી થઇ ! માત્ર કલ્પના કે ઘોષણાઓ જ નહિ, ૧૯૪૭ ની ૧૫ મી ઓગષ્ટ પહેલાં આ ફનાગીરી વહોરી લેનાર લોકોએ કેટલાક નાના પણ મહત્વના વિસ્તારો પર ગૌરવથી આઝાદ ભારતનો ધ્વજ ફરકાવ્યો પણ ખરો. આઝાદહિન્દ સેનાના બ્રિટિશ દળો સામેના આ જીવ સટોસટના સંઘર્ષમાં અનેક સૈનિકોએ શહિદી વહોરી. રંગુનથી થતા આ વ્યુહાત્મક આયોજન તથા અસરકારક પગલાંઓથી મહાસંગ્રામમાં અટવાયેલા બ્રિટન માટે એક ગંભિર પડકાર ઉભો થયો. જાપાન તરફથી નેતાજીને એક સ્વતંત્ર સરકારના સર્વોચ્ચ નેતા તરીકે મળતા માન-મરતબો ઇતિહાસની એક નોંધપાત્ર ઘટના ગણાય. માત્ર રાષ્ટ્રીય નહિ પરંતુ તે સમયે આંતરરાષ્ટ્રીય મંચ પર પણ સુભાષબાબુ તથા તેમની સેના આકર્ષણનું – અહોભાવનું કેન્દ્ર બન્યા. વિશ્વને નોંધ લેવી પડે તેવી સ્થિતિ સુભાષબાબુએ નિર્માણ કરી હતી

        વિશ્વના ફલક પર પોતાના મનોબળ તથા નિષ્ઠાને કારણે સન્માન મેળવનાર આ વીર પુરૂષના ઉછેરમાં પિતાના સ્વભાવની સ્વાભિમાન વૃત્તિ તેમજ માતાની રામકૃષ્ણ પરમહંસ પ્રેરીત અધ્યાત્મની શિક્ષા જરૂર પાયાના પરિબળો હશે. અભ્યાસકાળમાં પણ શિક્ષણ સંસ્થાઓમાં ભારતીયો તરફનો ભેદભાવ જયાં પણ દેખાયો ત્યાં તેને ખુલ્લી રીતે પડકારવાનું સાહસ તેમનામાં હતું. સમાજ તરફ સંવેદનશીલતાના ગુણ પણ તેમનામાં વિદ્યાર્થીકાળથી જ પ્રગટ્યા હતા. ઓરિસ્સાના કટક શહેરમાં કે જયાં તેઓ અભ્યાસ કરતા હતા ત્યાં કોલેરાનો રોગચાળો ફાટી નીકળ્યો. અજ્ઞાન-ગરીબીની સ્થિતિમાં રહેતા સામાન્ય લોકો માટેનો સારવારનો યજ્ઞ તેમણે વિદ્યાર્થીકાળમાં જ આરંભેલો. તેમના તરૂણ માનસ ઉપર બંગાળના ક્રાંતિવીરોની ભારે અસર હતી. અભ્યાસમાં તેઓ ખૂબ તેજસ્વી હતા. તે વખતની દેશની સર્વોચ્ચ વહીવટી સેવા- આઇ.સી.એસ. માં સફળ થયા તે તેમની તેજસ્વીતાનો જવલંત પુરાવો છે. પરંતુ છેક ૧૯૨૧ માં આઇ.સી.એસ. માંથી રાજીનામુ આપીને યુવાન વયે સત્તા-સંપત્તિ-સવલતોનો ત્યાગ કરીને તેમણે ઇતિહાસમાં એક અનેરૂ ઉદાહરણ સ્થાપિત કર્યુ. ભારત પાછા આવ્યા બાદ ૧૯૨૧ ના જુલાઇમાં ગાંધીજીને મળ્યાં. ૨૪ વર્ષના આ તેજસ્વી યુવાન કે જેણે પ્રાપ્ત થયેલી સત્તાને સ્વેચ્છાએ ઠોકર મારી હતી તેને જોઇને ગાંધીજી પ્રસન્ન થયા. બાપુની સાદગીથી યુવાન સુભાષચન્દ્ર પ્રભાવીત થયા. ગાંધીજી સાથે ખુલ્લા મને ચર્ચા કરીને તેમનું લડત અંગેનું દ્રષ્ટિબિંદુ પણ સમજયા. પરંતુ મનમાં જે ક્રાંતિનું બીજ રોપાયું હતું તે ગાંધીજીના વિચારો જાણ્યા પછી પણ મુરઝાયું નહિ. દેશબંધુ ચિત્તરંજનદાસના વ્યક્તિત્વથી તેઓ પ્રભાવીત થયાં. તેમના માર્ગદર્શન મુજબ કામ પણ શરૂ કર્યું. આઝાદીની લડતની ગતિવિધિઓના તેઓ સક્રિય ભાગ બન્યા.

       ૧૯૩૧ ની ગોળમેજી પરિષદ બાદ તેઓ યુરોપના પ્રવાસે ગયા. વિયેનામાં જ તેમની મુલાકાત ચરોતરના સપુત વિઠ્ઠલભાઇ પટેલ સાથે થઇ. બન્નેએ પોતાની વિદ્વતા તથા તર્કથી ભારતની આઝાદીની તરફેણમાં વિશ્વના દેશોમાં લોકમત ઉભો કરવાનું કામ કર્યું. યુરોપના અનેક દેશોની મુલાકાત આ હેતુ માટે લીધી. રોમારોલાને પણ તેઓ મળેલા. વિઠ્ઠલભાઇ પટેલના જીવનની સંધ્યાકાળે નેતાજીએ તેમની સારવાર કરી. વિદેશની ધરતી પર હુંફ પૂરી પાડી. વિઠ્ઠલભાઇ પટેલના સંપૂર્ણ સ્નેહતથા વિશ્વાસ તેમણે મેળવ્યા હતા.

        સુભાષબાબુનું અંગ્રેજોને થાપ આપીને ૧૯૪૧ માં દેશ છોડીને જવું તે ઘટના અનોખા અને ચુસ્ત આયોજન તેમજ અસાધારણ સાહસની ઉજવળ ગાથા છે. વીર સાવરકરનું મધદરિયે કસ્ટડીમાંથી નાસીને અજાણી ભૂમિના સમુદ્રના વિશાળ વારીને પાર કરી કિનારે પહોંચવાની ઘટના તે પણ આવી જ અસાધારણ વીરતાની ઘટના હતી. નેતાજીએ પરિસ્થિતિની તલસ્પર્શી છણાવટ કર્યા બાદ માભોમની મુક્તિની ચળવળને ગતિ આપવા માતૃભુમિનો ત્યાગ કર્યો. અનેક આંતરરાષ્ટ્રિય ખ્યાતિ પ્રાપ્ત લોકોની મુલાકાતો પછી અનેક તકલીફો વચ્ચે જાપાન પહોંચ્યા ત્યારે રાસબિહારી બોઝની મહેનત તથા નિષ્ઠાને કારણે ઉભા થયેલા ભારતીય સંગઠનને એક સમર્થ નેતા મળ્યા. તમામ પરિસ્થિતિનો અભ્યાસ કરીને ૨૧ ઓકટોબર ૧૯૪૩ ના રોજ આઝાદહિન્દ સરકારની સ્થાપનાની મહત્વાકાંક્ષી જાહેરાત કરી. દેશને આઝાદી મળી તેના અઢી દાયકા પૂર્વે વિદેશની અજાણી ધરતી પર પોતાની જગા બનાવી આઝાદ ભારતની આઝાદ સરકારનો શંખનાદ કરવો તે ઘટના જ કેટલી રોમાંચક લાગે છે !  જયહિન્દ તથા જનગણમનના નાદ વાયુમંડળમાં લહેરાવા લાગ્યા. ત્યારબાદ તુરત જ બ્રિટિશ સરકાર સામે વિધિવત યુધ્ધની જાહેરાત કરી. કેટલાંક દેશોએ આ નવા રાષ્ટ્રને માન્યતા પણ આપી. ઝાંસીની રાણીની વીરતાની સ્મૃતિને તાજી કરીને તેના નામ સાથે મહિલાઓની રેજીમેન્ટ ઉભી કરી. મહિલાઓને સમરાંગણમાં જોડવાનું આ દીર્ઘદ્રષ્ટિવાળું ઐતિહાસિક પગલું હતું. આઝાદીના મહાસંગ્રામમાં મહિલાઓને સક્રિય રીતે જોડવાની અનિવાર્યતા ગાંધીજીની જેમ નેતાજી બરાબર સમજી શકયા હતા. મહિલાઓનું શૌર્ય-ઓજસ યુનિફોર્મમાં શિસ્તબધ્ધ રીતે પ્રગટ થયું. અનેક દુર્ગા આતતાયીઓ સામે ઝઝુમવા તૈયાર થઇ.

             બહુબલધારિણીં નમામિ તારિણીં

                    રિપુદલ વારિણિમ્ માતરમ્..

                                               વન્દે માતરમ્

ડૉ. લક્ષ્મી આ રેજીમેન્ટના કેપ્ટન હતા. યુધ્ધભૂમિમાં પણ આ માતાઓએ ખમીરનું જવલંત પ્રદર્શન કર્યુ. પરંતુ દૈવ નિર્માણ કંઇક જુદું હતું. બીજા વિશ્વયુધ્ધનું ચિત્ર જાપાન પર અણુંબોમ્બના ઘાતક ઉપયોગ બાદ બદલાયા પછી બ્રિટિશ-અમેરિકન દળોની સંયુકત તાકાત સામે ટકી રહેવું મુશ્કેલ હતું. પ્રતિકૂળ હવામાન તથા યુધ્ધભૂમિના પણ વિકરાળ પ્રશ્નો સામે આવ્યા. લડતમાં અનેક લોકોએ નેતાજીના શબ્દ પર પોતાનું લોહી વહેવડાવ્યું. અત્રે એ બાબત ધ્યાનમાં રાખવી જોઇએ કે આ મરજીવા આઝાદહિન્દ ફોજના સૈનિકો અન્ન-વસ્ત્ર-હથિયારોની અછત સાથે હવાઇ દળની સુરક્ષા વિના વિશ્વની મહાસત્તા સામે લડતા હતા. રકતના છેલ્લા બિંદુ સુધી આ તેઓ ઝનુનપૂર્વક લડયા. લડતનો વીરતાનો નુતન ઇતિહાસ કાયમ કર્યો.  ત્યારબાદ ટૂંકા સમયમાં જ નેતાજીની આકસ્મિક ચિરવિદાયની ઘટનાને દેશના લોકો હચમચી ગયા અને તે ઘટનાને કયારે પણ પચાવી શકયા નહિ.

       સફળતા કે નિષ્ફળતા એ જીવનમાં અભિન્ન રીતે જોડાયેલી બે બાબતો છે. ભલે નેતાજીનો આ પ્રયાસ અનેક કારણોસર પૂર્ણ સફળતાને ન પામ્યો પરંતુ દેશ તથા દેશની બહાર વસતા ભારતીયોમાં એક ચેતના જરૂર પ્રગટાવી. ઓકટોબરના શક્તિપુજાના આ માસમાં  આઝાદહિન્દ સરકાર તથા આઝાદહિન્દ ફોજની સ્થાપનાનો આ પોલાદી સંકલ્પ કરનાર તથા તેનો વાસ્તવિક અમલ કરનાર દેશના શક્તિશાળી નેતા સુભાષબાબુની વીરતા તથા ત્યાગનું સ્મરણ કરીએતો ખૂબ જ ઉચિત ગણાશે.

        કોઇ એક શિક્ષિત તેમજ સુખી કુટુંબનો યુવાન વહીવટની સર્વોચ્ચ સેવાને અને તેની સાથે તે સમયે જોડાયેલી સત્તા-સવલતોને ઠોકર મારી દેશ સેવા તેમજ મુક્તિ સંગ્રામને પોતાનો જીવનમંત્ર બનાવે તે એક અહોભાવ ઉપજાવે તેવી બાબત છે. પરાધિન દેશની પણ એક સ્વતંત્ર સરકાર હોય અને તેને એક અસરકારક સૈનિકબળનું સમર્થન હોય તે ઘટના જ અસાધારણ લાગે. હિન્દુસ્તાનના દરેક વર્ગના લોકો  તેમજ તે કાળે મહિલાઓને પણ તેમાં જોડીને સમૃધ્ધ તથા શક્તિશાળી રાષ્ટ્રનું નિર્માણ કરવાનું એક સુરેખ સ્વપ્ન નેતાજીના મનમાં હતું તેમ ચોકકસ કહી શકાય. જીવનભર ઝઝુમીને તેઓએ આ ચેતના પ્રગટ કરી હતી. ભારતના મુક્તિ સંગ્રામમાં નેતાજી સુભાષચન્દ્ર બોઝનો ફાળો અનેક પ્રકારે વિશિષ્ટ છે. તેમના નામ અને કામના પ્રભાવથી આજે પણ તેઓ કરોડો ભારતવાસીઓના દિલમાં જીવંત છે. વીરતા અને સાહસે જાણે માનવદેહ ધારણ કર્યો હોય તેવું તેમનું જીવન ભાવી પેઢીઓ માટે હંમેશા માર્ગદર્શક રહેશે તે નિ:સંદેહ છે. કેટલાયે નામી-અનામી વીરોના લોહીથી જે મોંઘેરી મુક્તિનો આપણે અનુભવ કરીએ છીએ તેને હેતુપૂર્ણ બનાવવાની, અસરકારક બનાવવાની જવાબદારી એ આપણી સૌની  સામુહિક છે તે વાત વિસરવા જેવી નથી. સ્વપ્નદ્રષ્ટા નેતાજી સુભાષચન્દ્ર બોઝને એ જ અંજલિ ઉચિત – અર્થપૂર્ણ બની શકે.

 ‘‘ જયહિન્દ ’’

***

Leave a comment

Blog at WordPress.com.

Up ↑