અરવિંદ આચાર્ય : અનેરા વ્યક્તિત્વની અનેરી સોડમ

Image
શ્રી અરવિંદભાઇ આચાર્ય

આઝાદી મેળવવા માટેના ઐતિહાસિક પ્રયાસો દેશની સમગ્ર જનતાએ સમર્પિત ભાવે કર્યા અને તેના પરિણામે દેશ આઝાદ થયો. ૧૯૧૫ માં ગાંધીજી આફ્રિકાથી પાછા આવ્‍યા ત્‍યારબાદ આપણા દેશની આ અહિંસક છતાં પ્રભાવી લડાઇને ગાંધીનું નેતૃત્‍વ મળ્યું. ગાંધીજીનું સમગ્ર વ્‍યક્તિત્‍વ એટલું વિશાળ હતું કે આઝાદીની ચળવળ ઉપરાંત બીજા અનેક ક્ષેત્રોમાં તેમના વિચારોનો પ્રભાવ પડ્યો. ઘણાં લોકોએ આઝાદી મળ્યા બાદ પણ ગાંધીજીના વિચારો પ્રમાણેનું જીવન જીવીને દેશને ગાંધીજીની ગેરહાજરીમાં પણ ગાંધીજીની વિચારધારાને માર્ગે ચાલવા પ્રેરીત કર્યા. આ માર્ગ પર ડગલા ભરનારા લોકોના જીવનમાં ઉપદેશ કરતા આચરણનું મહત્‍વ અધિક હતું. જયપ્રકાશ નારાયણ તથા આચાર્ય કૃપલાણી તેના જ્વલંત ઉદાહરણ છે. સદભાગ્‍યે ગાંધીમાર્ગે ચાલનારા આવા મહાનુભાવોની અસરને કારણે તથા ગાંધી વિચારના સત્‍વને કારણે આઝાદી પછીના કાળમાં જાહેર ક્ષેત્રે કામ કરનારા કેટલાક ઊંચા ગજાના નેતાઓ દેશને મળ્યાં. સૌરાષ્‍ટ્રમાં પણ આવા જાહેર સેવકો મળ્યા. આ લોકોએ પ્રયત્‍નપૂર્વક અનેક પડકારો વચ્‍ચે પણ ગાંધી વિચારના સત્‍વની મશાલને ઝાંખી પડવા ન દીધી. સર્વ શ્રી બળવંતરાય મહેતા, ઢેબરભાઇ, નાનાભાઇ ભટ્ટ, શામળદાસ ગાંધી જેવા અનેક મહાનુભાવોએ રાજકીય જીવનમાં પોતાનો પ્રભાવ પાથર્યો હોવા છતાં સેવા, સાદગી અને સ્‍વાર્પણના સદગુણોથી પોતાની એક અલગ છાપ ઊભી કરી હતી. સત્તામાં ટકી રહેવા માટે મૂલ્‍યોનો ભોગ આપવાની વાત જાણે તેમની પ્રકૃતિમાંજ ન હતી. આવા પુણ્‍યશ્લોક સજ્જનોની યાદીમાં ઝાલાવાડના પનોતા પુત્ર અરવિંદભાઇ આચાર્યનું નામ ગૌરવપૂર્વક મૂકી શકાય. અરવિંદભાઇની ચિરવિદાયથી સૌરાષ્‍ટ્ર – ગુજરાતના જાહેર જીવનને ખોટ પડી છે. અરવિંદભાઇના આજીવન મિત્ર તથા કચ્‍છના સાહિત્‍યપ્રેમી આગેવાન બાબુભાઇ મેઘજી શાહનું એક વાક્ય હમેશા યાદ આવે છે. તેઓ કહે : ‘‘ અરવિંદભાઇ વાતનો વિસામો છે. ’’ ખરેખર કોઇ વ્‍યક્તિને કેટલાયે લોકોનો આવો સ્‍નેહ મળે અને અસંખ્‍ય લોકોનો વિશ્વાસ સંપાદન કરી શકે તે જીવન એ ખરા અર્થમાં સાર્થક જીવન છે. એવા મર્મી તથા માયાળુ લોકો ઓછા મળે છે જેની પાસે હૈયુ ખોલી શકાય. અંતરના ઊંડાણની વાત કરી શકાય. લીંબડી રાજ્યકવિ શંકરદાનજીએ યથાર્થ કહ્યું છે :

અંતરના ઊંડાણની કોક વેધુને કહેવાય

ચોરે નો ચર્ચાય, ચિત્તની વાતુ શંકરા.

અરવિંદભાઇની ૧૯૨૩ થી ૨૦૧૩ સુધીની સુદીર્ઘ જીવનયાત્રા જોઇએ તો ધૂમ્રસેર જેવું પવિત્ર અને પારદર્શક જીવન નજર સામે તરવરે છે એ જિલ્‍લા  પંચાયતના પ્રમુખ થયા હશે, લોકોના પ્રતિનિધિ તરીકે વિધાનસભામાં પણ જરૂર ગયા હશે. પરંતુ કેળવણીકાર પિતાના સંસ્‍કારના રંગે રંગાયેલો તેમનો આત્‍મા  જીવનના આ તમામ ઉતાર-ચઢાવમાં જળકમળવત્ રહયો હોય તેમ લાગે છે. ખભે થેલો ભરાવીને ઝાલાવાડનો પ્રતાપી ઇતિહાસ શોધવાની અલગારી રઝળપાટ કરનાર આ ધરતીપુત્રે મેઘાણીના પગલે ચાલીને સરસ્‍વતીની ઉપાસના કરી છે. ઝાલાવાડના સંતો અનેસાહિત્‍યનો અમૂલ્‍ય ખજાનો તેમણે જગતના ચરણે મૂકીને સમાજ પર પોતાનું રુણ ચઢાવ્‍યું છે. લોક સંસ્‍કૃતિનો માત્ર ઊંડો અભ્‍યાસ જ નહિ તેની જાળવણીનું યજ્ઞકાર્ય પણ અરવિંદભાઇએ આજીવન કર્યું. ખૂબીની વાત એ છે કે આ કાર્ય કરવામાં તેમના જીવનમાં કોઇ દિવસ વ્‍યક્તિગત ગમા-અણગમા જોવા મળ્યા ન હતા. ભૂપેન્‍દ્રભાઇ દવે તેમને લોકસંસ્‍કૃતિના કબીરવડ તરીકે ઓળખાવે છે તે સર્વથા યોગ્‍ય છે.

ધારાસભ્‍ય કે જિલ્‍લા પંચાયતના પ્રમુખ તરીકેની તેમની કામગીરીમાં તેમણે સુરેન્‍દ્રનગર જિલ્‍લાના પાયાના પ્રશ્નો પર પોતાનું ધ્‍યાન કેન્‍દ્રિત કર્યું. તેઓ સાથે અનેક પ્રસંગોએ વાત કરવાનું બન્‍યું છે ત્‍યારે અગરિયાઓની સમસ્‍યાઓ ઉકેલવાની તીવ્ર લાગણી તેમના મનમાં હમેશા જોવા મળતી હતી. અગરિયાઓની વિવિધ સમસ્‍યાઓનો અનુભવ મને પણ સરકારના વિવિધ વિભાગોમાં કામ કરતા થયો છે. સામાન્‍ય રીતે જેમણે તેમની સ્‍થિતિ નજીકથી જોઇ ન હોય કે તેમના પ્રશ્નો ઝીણવટથી સમજવાનો પ્રયાસ ન કર્યો હોય તો તેની ગંભિરતાનો, તેના વ્‍યાપનો જલ્‍દી ખ્‍યાલ આવતો નથી. સરકારની અનેક કલ્‍યાણલક્ષી યોજનાઓ અગરિયાઓ માટે છે પરંતુ અરવિંદભાઇ તેના અસરકારક અમલ માટે હમેશા કાર્યરત રહયા હતા. સતત જાગૃત રહયા હતા. વહીવટીતંત્રને પણ તેમની આ સક્રિયતાનો, અનુભવના ભાથાનો લાભ મળતો હતો. આ પ્રસંગે શ્રી દિલીપભાઇ રાણપુરાનું પણ સ્‍વાભાવિક રીતેજ સ્‍મરણ થાય કે જેમણે એક સમર્થ સર્જક તરીકે અગરિયાઓની વ્‍યથાને અસરકારક રીતે શબ્‍દદેહ આપ્‍યો છે. અરવિંદભાઇ જેવા વ્‍યક્તિની નજર અગરિયા ઉપર સ્‍થિર થાય છે એટલુંજ નહિ પરંતુ તેમની નજર ભીની પણ થાય છે. જાહેર જીવનમાં પડેલા લોકોમાં સંવેદનશીલતાનો ગુણ અનિવાર્ય છે તેવી ગાંધી પ્રેરીત ભાવનાનું આબેહૂબ દર્શન અરવિંદભાઇના જીવનમાં થાય છે.

એક અભ્‍યાસુ અધ્‍યાપકને છાજે તેવી જ્ઞાનપિપાસુ વૃત્તિ અરવિંદભાઇમાં આજીવન જોવા મળી છે. ઝાલાવાડના ઇતિહાસને, તેના ઉજળા પાત્રોને જગત સમક્ષ ઉજાગર કરવામાં તેમણે લગનપૂર્વક પ્રયાસો કર્યા છે. આપણને રાષ્‍ટ્રિય – આંતરરાષ્‍ટ્રિય વ્‍યક્તિઓ કે ઘટનાઓની સારી એવી જાણકારી હોય તો પણ મોટા ભાગે એવું બને છે કે આપણાં ઘર દીવડાઓથી આપણે અજ્ઞાત રહીએ છીએ. ખરેખર આવા સામાન્‍ય લાગતા લોકોમાં અનેક કિસ્‍સામાં અસામાન્‍ય તેજ છૂપાયેલું હોય છે. તેમની હસ્‍તી મેળવીને જગતને તેમનું દર્શન કરાવવું એ ખરા અર્થમાં સંશોધકનું કામ છે. આ કાર્ય અરવિંદભાઇએ ખંતથી કર્યું છે. નહિતર જતપીપળીનાસવા ભગતની સમર્થ પ્રતિભાના દર્શન સમાજને કેવી રીતે થાત ! કવિ દાદે મેઘાણીભાઇ માટે લખેલા શબ્‍દો અરવિંદભાઇ જેવા સમર્પિત ધૂળધોયાને પણ લાગુ પડે છે.

કાળી અંધારી રાતમાં તેંતો તેજની જોઇ લકીર

જૂલમી નરમાં માનવતાના હૈયે દીઠાં હીર

અંતરના લોઢ ઉછાળ્યાં, સમદરમાં વીરડા ગાળ્યાં.

 

ખારાજળમાં મીઠી વીરડી સમાન કેટલાયે જીવંત પાત્રોનો પરિચય આપણે અરવિંદભાઇની અનુભવી આંખેથી કરી શકીએ છીએ. કંકુવરણી ભોમકા પાંચાળની કેટલીયે વાતો-ઘટનાઓ અરવિંદભાઇ પસેથી સાંભળવી તે એક અમૂલ્‍ય લહાવો હતો. લોકજીવનને સ્‍પર્શતી બાબતોમાંતેમની હથરોટી હતી. તેમ કહીએ તો અતિશયોક્તિ નહિ ગણાય. એજ પ્રકારે ઝાલાવાડના કેટલાયે પનોતા પુત્રોએ દેશની સ્‍વાધિનતાના સંગ્રામમાં સક્રિય રીતે ભાગ લીધો હતો. એ બધા પાત્રોનું સુંદર ચરિત્ર લેખન કરીને અરવિંદભાઇએ ઝાલાવાડની અમૂલ્‍ય સંપત્તિનું દર્શન કરાવ્‍યું છે.

હજુ ભાનુભાઇ શુકલની વિદાયનો અફસોસ સમ્‍યો નથી ત્‍યાંજ અરવિંદભાઇની વિદાય એ માત્ર તેમના સ્‍વજનો માટેજ નહિ પરંતુ ગુજરાત ભરના તમામ સાહિત્‍યપ્રેમીઓ, ઇતિહાસપ્રેમીઓ માટે આંચકારૂપ છે. આપણાં આ સાહિત્‍ય, સંસ્‍કૃતિના સંસ્‍કારના વારસાનું યથાયોગ્‍ય દર્શન ભાવિ પેઢીઓને પણ થાય તે જોવાની સમાજની સામુહિક જવાબદારી છે. તે દિશામાં કરેલું કોઇપણ નાનું કામ પણ અરવિંદભાઇનું તર્પણ કર્યું ગણાશે. તેમની વિદાયનો વસવસો જનજન સુધી પ્રસરે તે સ્‍વાભાવિક છે.

મીઠપવાળા માનવી જગ છોડી જાશે,

કાગા એની કાણ ઘરોઘર મંડાશે.

***.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑