શક્તિપર્વના ટાણે ગંગાસતીનું સ્મરણ

Image

આપણાં શાસ્‍ત્રોમાં ભલે કહેવાયું-લખાયું હોય કે નારીની પૂજા થાય ત્‍યાં દેવતાઓનો વાસ થાય છે. પરંતુ હકીકતમાં આ સ્‍થાન પ્રાપ્‍ત કરવા માટે સમાજના શાણા લોકો તથા નારીરત્‍નોએ ઘણો સંઘર્ષ કરવો પડયો છે.  કેટલીક ઘર કરી ગયેલી જડ માન્‍યતાઓને કારણે નારીને તેના હક્કનું સ્‍થાન આપવામાં પણ સમાજે ઘણી અવઢવ અનુભવી છે, આનાકાની કરી છે. સ્‍વતંત્ર ભારતમાં તો અનેક કાયદાઓના ઘડતરથી નારી સ્‍વાતંત્ર્યને વિશેષ અસરકારક તથા પરીણામલક્ષી બનાવવાના પ્રયાસો થયા છે. તેની સારી અસર પણ જોઇ શકાય છે. પરંતુ સમાજની માનસિક સ્‍થિતિ માત્ર કાયદાના અમલથી પૂર્ણત: બદલી શકાતી નથી. તે માટે સામાજિક ચેતનાનો તણખો પેટાવવો પડે અને ત્‍યારબાદ તેને જ્વલંત રાખવો પડે. મહીલાઓની આ શક્તિનો તણખો જાગૃત-જીવંત કરવા ગાંધીજીએ જે પ્રયાસો કર્યા તે વિશેષ યાદગાર છે. કસ્‍તુરબાએ આફ્રિકામાં લગ્‍ન નોંધણીના અન્‍યાયી ધારા સામે લડતની આગેવાની કરી તે ગાંધીભાઇ તરીકે જાણીતા ગાંધીજી મહાત્‍મા  તરીકે ઓળખાયા તે પહેલાની અવિસ્‍મરણિય ઘટના છે. કસ્‍તુરબાથી મલાલા યુસુફઝાઇ સુધીના તથા તેના પણ પહેલાના નારીરત્‍નોની વાત દેવીશક્તિની આ ઉપાસના પ્રસંગે કરીએ તો શક્તિનો આ અંશ પૂરા નારી સમાજમાં છૂપાઇને પડેલો છે તેમ કહી શકાય.

 આથીજ આશરે બે સદી પહેલા સૌરાષ્‍ટ્રમાં પ્રગટ થયેલ ગંગાના પવિત્ર નીર સમાન ગંગાસતીની વાણી આજે પણ જીવંત છે, પ્રચલિત છે. ગંગાસતી જેવા પાત્રોને સમાજે સ્‍વીકાર્યા છે, પ્રમાણ્‍યા છે. જ્ઞાન સરિતાની અખંડ ઉપાસકતામાં નારી – પુરૂષનો કોઇ ભેદ રહયો નથી. તેનાથી વિપરીત, પાટ પરંપરામાં તો નારીનું – સતીનું સ્‍થાન અદકેરું ગણવામાં આવ્‍યું છે.

ભાવનગર જીલ્‍લાના પાલિતાણા તાલુકાના રાજપરા ગામના સદગસ્‍થશ્રી ભાઇજીભાઇ સરવૈયાને ત્‍યાં ગંગાબાનો જન્‍મ થયેલો. તેમને જ્ઞાન અને ભક્તિના સંસ્‍કાર તેમના પિતૃપક્ષેથી તેમજ મોસાળ પક્ષેથી ભરૂપર માત્રામાં મળ્યા હતા. આજ ગામના શ્રી હમીરભાઇ પઢીયારની પુત્રી પાનબાઇ પણ ધર્મ અને ભક્તિના રંગે રંગાયેલા અને ગંગાબાના સમવયસ્‍ક  હતા.

બન્‍ને વચ્‍ચે બહેનપણાનો ગાઢ સંબંધ હતો. ભાવનગર જીલ્‍લાના ઉમરાળા તાલુકાના સમઢીયાળા ગામના શ્રી કલભા ગોહિલના સુપુત્રશ્રી કહળસંગ સાથે ગંગાબાના લગ્‍ન થયા બાદ તેમની સેવા માટે તેમની સાથે પાનબાઇ પણ રાજપરાથી સમઢીયાળા આવ્‍યા હતા. તમામ પ્રકારના સંસારિક વ્‍યવહારો વચ્‍ચે પણ જળકમળવત રહીને કહળસંગ, ગંગાસતી અને પાનબાઇ ભક્તિમાર્ગે નિરંતર રીતે આગળ વધતા હતા. પરમતત્‍વના સાદને સાંભળીને કહળસંગ કે જેઓ ભગતબાપુના નામથી ઓળખાતા હતા તેમણે સમાધી લેવાનો નિર્ણય કર્યો. ગંગાસતીએ પણ તેમની સાથેજ દેહ છોડવાની ઇચ્‍છા વ્‍યકત કરી. પરંતુ ભગતબાપુએ ગંગાસતીને આદેશ કર્યો કે તેમણે પાનબાઇને પૂર્ણ આત્‍મજ્ઞાન કરાવ્‍યા પછીજ આલોકમાંથી પ્રયાણ કરવું. સતીએ આદેશનું સંપૂર્ણ પાલન કર્યું અને જ્ઞાન-ભક્તિ તથા વૈરાગ્‍યના દેવોને દુલર્ભ તેવા તેજસ્‍વી શિખરનું દર્શન બાવન દિવસો સુધી પાનબાઇને સંતવાણીના માધ્‍યમથી કરાવ્‍યું. સદગુરૂની કૃપાથી પાનબાઇ આત્‍મવિદ્યામાં પ્રવિણ થયા ત્‍યારે પોતાનું કાર્ય પુરૂ થયેલું માની ગંગાસતીએ આ સંસારમાંથી મહાપ્રયાણ કર્યું. કેટલીક માહિતીઓના આધારે આ ઘટના  માર્ચ-૧૮૯૪ માં બની હોવાનું કહેવાય છે. ગંગાસતીના મહાપ્રયાણ પછી ચોથા દિવસે પાનબાઇએ પણ સમાધી અવસ્‍થામાં સ્‍વેચ્‍છાએ દેહત્‍યાગ કર્યો.

 જેમ વૈદિકકાળમાં ઋષિકાઓનો જ્ઞાન અને ભક્તિમાર્ગમાં દબદબો હતો અને તેમની રચનાઓ વિદ્દવતજનોમાં પણ અગ્રસ્‍થાનને પામી હતી તેજ પ્રકારે મધ્‍યકાલિન સાહિત્‍યમાં પણ વિદુષીઓએ ભક્તિમાર્ગમાં ઘણું મોટું તેમજ નોંધપાત્ર પ્રદાન કર્યું છે. તેમનો દરજ્જો કયારે પણ નીચો કે ઉતરતો રહયો નથી. ગાર્ગી તથા લોપામુદ્રાની હરોળમાં બેસી શકે તેવી ભક્તિમાર્ગ – જ્ઞાનમાર્ગની આપણી કવિયત્રીઓ છે. ગંગાસતી, અમરબાઇ કે લીરબાઇ જેવી કવિયત્રીઓના વાણી પ્રવાહે કાળ પર પોતાની અમીટ છાપ છોડી છે. ઉપાસના તથા આત્‍મજ્ઞાનના આ પવિત્ર પથ પર કોઇ જાતિને પ્રાધાન્‍ય નથી તે બાબત પણ આ બધી રચનાઓ જોતાં સ્‍પષ્‍ટ થાય છે. આ હકીકત પણ ખુબજ સંતોષ તથા ગૌરવ અપાવે તેવી છે.

 વેદ ઉપનિષદોની વાણીનો દિવ્‍ય સંદેશ લોકજીવન સુધી વહેતો કરવાનો સફળ પરિશ્રમ આપણાં સંત કવિઓએ કર્યો છે. આ સંત કવિઓના યોગદાન થકી વેદ – ઉપનિષદની જ્ઞાનવાણીને લોકવાણીમાં પીરસીને આપણાં પર મોટો ઉપકાર કર્યો છે. કેનાલોના માધ્‍યમથી જેમ ગંગા કે નર્મદાના વારી ખેતર-વાડીઓએ પહોંચીને તેમને ધનધાન્‍યથી સમૃધ્‍ધ કરે છે તેમજ આ સંતોના સબળ માધ્‍યમથી શાસ્‍ત્રોની અમૂલ્‍ય જ્ઞાનવાણી જનજન સુધીપહોંચી છે. ગંગાસતી એ આપણાં મીરાની કક્ષામાં મૂકી શકાય તેવા સંત સર્જક છે. એમની વાણીમાં ભક્તિમાર્ગની અખંડ ઉપાસનાના તપોબળથી આત્‍મવિશ્વાસનો કેવો રણકો ઊઠે છે !

મનને સ્‍થિર કરી આવો રે મેદાનમાં ને

 મિટાવું સરવે કલેશ રે

હરિનો દેશ તમને એવો દેખાડું ને

જ્યાં નહિ વર્ણને વેશ રે……

તમામ આવરણોનો તેમજ રાગદ્વેષ જેવા વિકારોને ત્‍યાગીને આવનારા જનોને હરિના દેશનું દર્શન કરાવવાનો કોલ આપવા માટે ગંગાસતી જેવા સંતનું સામર્થ્‍ય જોઇએ. ગંગાસતી આવી સ્‍થિતિને પ્રાપ્‍ત કરવા માટે ચિત્તવૃત્તિના નિગ્રહ માટે તથા અખંડ ઉપાસના – સ્‍વાધ્‍યાય તેમજ અભ્‍યાસ કરવાનું કહે છે. ઇશ્વરની આ અમૂલ્‍ય ભેટ મેળવવા તેમજ મેળવ્‍યા પછી ટકાવી રાખવા વિશેષ અભ્‍યાસ – સ્‍વાધ્‍યાય કરવાની સોનેરી સલાહ આપે છે.

 ધ્‍યાન ધારણાં કાયમ રાખવી ને

કાયમ કરવો અભ્‍યાસ રે

ભાળી ગયા પછી તરપત ન થાવું ને

 વિશેષ રાખવો ઉલ્‍લાસ રે…..

મધ્‍યયુગના આ સંતોમાં ગુરૂભક્તિનો મહીમા મોટો છે. નાત-જાત-પંથના કોઇ ભેદ તેમણે સ્‍વપ્‍નમાં પણ સેવ્‍યા નથી. અંધશ્રધ્‍ધા – પાખંડ સામે અવાજ ઊંચો કર્યો છે. સમરસ સમાજનું સર્જન તેજ તેમના સહજ પ્રયાસો દેખાય છે. આહાર સહિતની જીવનની તમામ બાબતોમાં સંયમ તથા ગુરૂવાણીમાં વિશ્વાસનો તેમણે અખંડ નાદ ગજાવ્‍યો છે.

ભાઇ રે ! આહાર તો સત્‍વગુણી કરવો ને

રૂડી પાળવી રીત રે

ગુરૂના વચનને મૂકવું નહિ ને

રાખવી પરિપૂર્ણ પ્રીત રે

પરંતુ આવી ભક્તિ કરનાર સાધક માટે સમર્પણ તથા નિરાભિમાનીતા એ પાયાની શરતો તરફ ગંગાસતી ધ્‍યાન દોરે છે.

 ભક્તિ કરવી તેને રાંક થઇને રેવું ને

મેલવું અંતરનું અભિમાન રે ;

સદગુરૂ ચરણમાં શીશ નમાવી

કરજોડી લાગવું પાય રે……

        ભાવનગર રાજયના દિવાન અને ઋષિતુલ્‍ય રાજપુરૂષ સર પ્રભા શંકર પટ્ટણીનું મન આપણાં મધ્‍યયુગના સંતોની સંતવાણીથી તરબતર થયેલું હતું. જીવનના સંધ્‍યાકાળે ઝાંઝમેરની શાળાના દાંડિયારાસના કાર્યક્રમમાં ‘મેરૂ તો ડગે પણ જેના મન નવ ડગે’ એ ગંગાસતીનું ભજન સાંભળી તેમણે પોતાની અંતરની પ્રસન્‍નતા વ્‍યકત કરી. આ પદ ઉપર ત્‍યાંજ તેમણે સુંદર વિવેચન કર્યુ. તેમણે ભારપૂર્વક કહયું કે આ સંતવાણીના શબ્‍દો બરાબર સમજવા જરૂરી છે. તેમણે ઉમેર્યુ કે સમાજમાં વ્‍યાપકપણે આ ભજનની વિભાવના ઝીલાય તો જરૂર સ્‍વસ્‍થ  સમાજનું નિર્માણ થઇ શકે. શિક્ષકોને સમજાવ્‍યું કે આવી ભજનવાણીથી વિદ્યાર્થીઓમાં સંસ્‍કારનું સિંચન કરવું જોઇએ. વાણીના પાણીનું મૂલ્‍ય સર પટ્ટણી બરાબર સમજતા હતા.

તાજેતરમાંજ ગુજરાત સાહિત્‍ય અકાદમીએ શ્રી મેરૂભા ગઢવી સ્‍મૃતિ પ્રકાશન જામનગર દ્વારા પ્રકાશિત ‘‘ આત્‍મજ્ઞાનિ ગંગાસતીનું દર્શન ’’ પુસ્‍તકને અકાદમી તરફથી એવોર્ડ આપવાનું નકકી કર્યું છે. ભાઇ શ્રી લક્ષ્‍મણભાઇ ગઢવીએ ચીવટ તથા ખંતથી ગંગાસતીની સંતવાણી આ પુસ્‍તકમાં વિવરણ સાથે સમાવ્‍યા છે. આજે આ પવિત્ર આત્‍મા સદેહે આપણી વચ્‍ચે નહિ હોવાછતાં ગંગાસતીની પ્રતાપી અને પાવન વાણી સદાયે જીવંત છે, પથદર્શક છે. શક્તિપર્વમાં તેમની પાવન સ્‍મૃતિને વંદન કરીએ.

***

Leave a comment

Blog at WordPress.com.

Up ↑