શૂરા અને સંતોની જનેતા કચ્છની ધરતીને બીરદાવતી નીચે મુજબની પંક્તિઓ જ્યારે સાંભળીએ ત્યારે ગૌરવની લાગણી આપોઆપ થાય છે.
વંકા કુંવર, વીકર ભડ,
વંકા થિયેલા વચ્છ
વંકા વછેરા ત થિયે
પાણી પીએ જો કચ્છ.
કચ્છનું પાણી પીવાથી ધીંગાણામાં અડિખમ રહે તેવા શૂરવીરો પાકે છે તે વાત પંડિત શામજી કૃષ્ણવર્માના સંદર્ભમાં યાદ કરીએ તો સર્વથા ઉચિત – અર્થપૂર્ણ લાગે. ભારતનો સ્વતંત્રતા સંગ્રામ અનેક પ્રકારના યાદગાર – દિલધડક પ્રસંગોથી તેમજ અનેક નરબંકાઓની શોર્ય તેમજ બલિદાનની અમર કથાઓથી શુશોભિત છે. એક તરફ તો મહાત્મા ગાંધીની દોરવણી હેઠળ અહિંસક માર્ગે દેશને સ્વાધિનતા તરફ લઇ જવા નોંધપાત્ર પ્રયાસો થયા હતા. જગતના ઇતિહાસમાં પ્રથમ વખત દુશ્મનો તરફ પણ તિરસ્કાર કે ધ્રૂણાનો ભાવ દર્શાવ્યા સિવાય શિસ્ત તથા આત્મસંયમથી વ્યાપક લોકજૂવાળ ઊભો કરવાનું અશક્ય લાગતુ કામ ગાંધીજીના સૈનિકોએ કરી બતાવ્યું હતું. સમગ્ર વિશ્વની નજર સત્ય અને અહિંસાના આ નૂતન પ્રયોગ તરફ મંડાયેલી હતી. તેજ સમયકાળમાં સંપૂર્ણ સમર્પણ તેમજ અનન્ય રાષ્ટ્રભક્તિથી પ્રેરાઇને કેટલાક મરજીવાઓએ આતતાયીઓ સામે હથિયાર ધારણ કરીને મહાસંગ્રામનું રણશિંગુ વીરતાપૂર્વક અને નિર્ભયતાથી ફૂંકયું હતું. આ ઐતિહાસિક કાળખંડમાં સમગ્ર રાષ્ટ્રના યુવાવર્ગમાં ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ, વીર સાવરકર, લોકમાન્ય તીલક જેવા દિગ્ગજ નેતાઓ ખૂબજ લોકપ્રિય થયા હતા. નો આ સમૂહ ભલે નાનો દેખાતો હોય અને દેશના વિભિન્ન ભાગોમાં વહેંચાયેલો હોય પરંતુ તેઓ યુવાવર્ગના માનસપટ પર છવાઇ ગયા હતા. વીર સાવરકર, પંડિત શામજી કૃષ્ણવર્મા તથા ઝાલાવાડના સપૂત સરદારસિંહ રાણા જેવા વીરપુરૂષોએ દેશની બહાર રહીને પણ અમાનુષિ અંગ્રેજી શાસનની કડિબધ્ધ હકીકતો વિશ્વ સામે કૂળશતાપૂર્વક રજૂ કરી હતી. એ રીતે તેઓ સમગ્ર વિશ્વમાં એક અસરકારક લોકમતનું નિર્માણ કરતા હતા. ક્રાંતિકારીઓનો આ વર્ગ સુશિક્ષિત હતો અને પોતાના ઉચ્ચ શિક્ષણ તથા આવડતને કારણે આરામદાયક જીવન જીવી શકે તેમ હતો. પરંતુ સ્વાધિનતાને જીવનમંત્ર બનાવી તેમણે પોતાનું જીવનહોડમાં મૂક્યું હતું. બલિદાનના રંગે રંગાયેલા આ વીરપુરૂષોની યાદીમાં કચ્છના સપુત શામજી કૃષ્ણવર્માનું નામ અગ્રસ્થાને શોભાયમાન છે.
સામાન્ય કુટુંબમાં જન્મ લેનાર માટે પણ બાવડાના બળે તથા દ્રઢ નિશ્ચયના સહારે જીવનમાં મહાન સિધ્ધિઓ પ્રાપ્ત કરવાની તકો રહેલી છે તે વાત શામજીના કિસ્સામાં ફરી માનવી પડે. પિતા ભૂલા ભણસાલી અતિશય મહેનત-મજૂરી કરીને બે છેડા ભેગા કરી શકતા હતા. માંડવી (કચ્છ) જેવા ગુજરાતના છેવાડે વસેલા નગરમાં શામજીનો જન્મ એ દરેક અર્થમાં એક ઐતિહાસિક ઘટના હતી. ૧૮૫૭ માં શામજીનો જન્મ થયો. જ્યારે સમગ્ર દેશમાં પૂર્વ આયોજન સાથે અનેક રાજ્યો તથા પ્રતાપી વ્યક્તિઓએ અંગ્રેજો સામે વિપ્લવનો ગગનભેદી નાદ ગજાવ્યો હતો. શામજીએ જન્મ લેતાની સાથેજ સ્વતંત્ર થવા મથતા લોકોના લોહી પસીનાની સુગંધ લીધી હશે તેમ જરૂર કહી શકાય. વાતાવરણ અંગ્રેજોના નિર્ણયાત્મક પ્રતિકારની ભવ્ય પળોથી છલોછલ હતું. શામજીના માતા તેમને નાની વયના છોડીને સ્વધામ ગયા. પિતાએ બાળકનું હીર પારખીને ભૂજ ભણવા મોકલ્યા. જ્ઞાનપિપાસા અને દ્રઢ મનોબળના સોનેરી અણસાર શામજીના પરિચયમાં જે કોઇ આવે તે સ્પષ્ટ રીતે તેમનામાં જોઇ શકતા હતા. મૂળ કચ્છના પણ કચ્છી ખમીર તથા આવડતના જોરે મુંબઇ જઇને લક્ષ્મી પ્રાપ્ત કરનાર શ્રેષ્ઠી મથુરદાસ લવજી શામજી ભણતા હતા તે શાળામાં આવ્યા. શ્રીમંતની ઝીણી – અનુભવી નજર શામજીને ટૂંકા વાર્તાલાપમાંજ પારખી ગઇ. મુંબઇની પ્રસિધ્ધ વિલ્સન સ્કૂલમાં ભણવાનો તથા મુંબઇમાં રહેવાનો સઘળો ખર્ચ આ શ્રેષ્ઠીએ આનંદથી ઉઠાવ્યો. શામજી માટે એક નવી દિશા ખૂલી ગઇ. તેઓએ સંસ્કૃતમાં પણ નોંધપાત્ર જ્ઞાન પ્રાપ્ત કર્યું. ૧૮૭૪ ના વર્ષમાં શામજી એક પ્રતિભાવંત ગુજરાતમાં જન્મેલા સંત મહર્ષિ દયાનંદના સંપર્કમાં આવ્યા. સ્વામીજીએ શીખ આપી કે ભગવા પહેરી સન્યાસી થવાની જરૂર નથી. પરાધિન દેશની બેહાલ દશા સુધારવાના કામમાં જીવન અર્પણ કરવા તેમણે શામજીને પ્રેરીત કર્યા.
લંડનમાં એક કામ મળશે તેવા સધિયારે મર્યાદિત નાણાંકીય સવલત છતાં શામજી મુંબઇથી લંડન જવા નીકળ્યા. તેમના અર્ધાંગના ભાનુમતીદેવીનો આગ્રહ તથા હૂંફના કારણે શામજીને આ મોટો નિર્ણય કરવામાં સરળતા રહી. જે કામની ધારણા હતી તે તો ન મળ્યું પણ મજૂરી કરીને ઓછા વેતનથી વિદેશની ધરતી પર આત્મવિશ્વાસના બળે ડગલા શરૂ કર્યા. ઓકસફર્ડમાં બેરિસ્ટર-એટ-લોની ઊંચી પદવી પ્રાપ્ત કરી. આ એક અભૂતપૂર્વ સિધ્ધિ હતી. જીવનની સંઘર્ષ કથાને જાણે સુવર્ણ કળશ ચડ્યો. યુવાન શામજી પદવી પ્રાપ્ત કરીને સ્વદેશ આવ્યા. મુંબઇ હાઇકોર્ટમાં કાનૂની કામ કરવાની શરૂઆત કરી પણ મન માન્યુ નહિ. લોકમાન્ય ટિળક સાથે વિચાશ વિમર્શ કર્યા બાદ પત્ની ભાનુમતીને લઇ ફરી લંડન ગયા – પરંતુ આ વખતે જુદાજ મીશન સાથે. વિદેશની ધરતી પર ઉતાર્યા બાદ દેશની આઝાદી મેળવવા માટેના પ્રયાસોની ગતિવિધિ તેજ કરવા ૧૯૦૫ માં ઐતિહાસિક ‘‘ઇન્ડિયા હાઉસ’’ માટે ઇમારત ખરીદી. ભારતના વિદ્યાર્થીઓ – ક્રાંતિકારીઓ માટે પરદેશમાં સેકન્ડ હોમ જાણે ઊભું થયું. શ્રીમતી કામા અને સરદારસિંહ રાણા જેવા સ્વાધિનતાના સ્વપ્નસેવીઓનો સંપૂર્ણ સહયોગ શામજીને મળ્યો. ભારતમાં અંગ્રેજી શાસનના અન્યાયી તથા આપખુદ વલણની વાત દુનિયા સમક્ષ રજૂ કરવા ‘‘ઇન્ડિયન સોશિયોલોજીસ્ટ’’ નામે પત્રની શરૂઆત કરી. સ્વાતંત્ર્યપ્રાપ્તિના ભારતના પ્રયાસોને વાચા આપતુ એક મુખપત્ર શાસકોના દેશમાંજ શરૂ કરવાનો વિચાર શામજીની અસાધારણ બૌધ્ધિક ક્ષમતાનો નિર્દેશ કરે છે. હિન્દુસ્તાનને રંક બનાવવાના તમામ પ્રયાસો વિદેશી શાસનના સૂત્રધારો કરે છે તેની ચોટદાર હકીકતો લખીને વિશ્વમાં એક જનમત તૈયાર કરવાની લડાઇ આરંભી. શામજી કૃષ્ણવર્માની સ્કોલરશીપની સહાયના કારણે વીર સાવરકર ઇંગ્લાંડ જઇ શકયા. એક આખી સમર્પિત પેઢી તૈયાર કરવાનું સ્વપ્ન જાણે શામજી સેવતા હતા. લોકમાન્ય ટિળકના વખતોવખત મળતાં આશીર્વાદ તેમના માટે ઉત્સાહ વર્ધક હતા. લંડનના વસવાટના પહેલા એક દાયકામાંજ તેમણે અનેકવિધ પ્રવૃત્તિઓ ઉપાડી તથા તેને સતત ગતિ પૂરી પાડી. સ્વાધિનતાના શંખનાદનો રણકો તેમણે કદી મંદ થવા દીધો નહિ. સમય જતાં શાસકોને શામજીની પ્રવૃત્તિની ગંભીરતાનો ખ્યાલ આવ્યો. પોલીસની નજર તેજ બની. અંતે સ્વાધિનતા સંગ્રામની મશાલ ઝળહળતી રાખવા શામજીએ લંડન છોડ્યુ અને પેરિસ ગયા. ક્રાંતિકારીઓએ પેરિસની ભૂમિ પરથી ઘણાં ઐતિહાસિક કાર્યો સ્વાધિનતા પ્રાપ્ત કરવા માટે કર્યા છે. બ્રિટીશ કાનૂનની પહોંચ બહાર હોવાનો તેનો દેખીતો લાભ હતો. પરંતુ પ્રથમ વિશ્વયુધ્ધના વાદળો ઘેરાતા પેરિસમાં રહેવું પણ સલામત ન લાગ્યું. ભાનુમતીદેવી અને શામજી પેરિસથી જીનીવા ગયા પણ સ્વાધિનતા સંગ્રામની દિલમાં પ્રગટેલી જ્યોત ધીમી થવા દીધી નહિ. બીજુ એક સ્થળાંતર પરંતુ નિશ્ચયમાં જરાપણ અવઢવનું નામ નહિ.
જીનીવામાં શામજી તથા તેમના ધર્મપત્નીના અંતિમ દિવસો ગયા. પંડિત નહેરુ જીનીવા ગયા ત્યારે શામજીને મળ્યા. તેમના એકાંકી જીવન વિશે નહેરુજીએ લખ્યું પણ છે. દેશથી માઇલો દૂર, મિત્રો – સ્નેહીઓથી દૂરનું આ એકલવાયુ જીવન એ ઇતિહાસનું સુવર્ણપૃષ્ઠ છે. ૧૯૩૦ માં તેમણે માતૃભૂમિની સ્વાધિનતાના સ્વપ્ન સેવતાં સેવતાંજ અંતિમ શ્વાસલીધા. સરદારસિંહ રાણા આ કપરી પળોમાં પણ ભાનુમતીદેવીની પડખે ઊભા રહ્યાં. મિત્રતાની ગરિમા વધારી. બે વર્ષ બાદ ભાનુમતીએ પણ જીનીવામાંજ અંતિમ શ્વાસ લીધા. ૧૯૪૭ માં જયારે સ્વાધિન રાષ્ટ્રનો ધ્વજ ફરક્યો ત્યારે ભલે શામજી – ભાનુમતી સદેહે ઉપસ્થિત ન હતા પરંતુ તેમનો આત્મા જરૂર મહોરી ઊઠયો હશે. ચોથી ઓકટોબરે તેમની જન્મજયંતિ નીમીત્તે આપણી વિધાનસભામાં તેમને પુષ્પાંજલી થશે. તેમની પાવન સ્મૃતિમાં માંડવી સ્થિત શામજી કૃષ્ણવર્મા મેમોરિયલ આજે પણ જીવંત તથા સક્રિય રહીને કામ કરે છે. શાળાએ જતા અનેક બાળકોને આ પ્રદર્શન જોયા પછી આઝાદીના મહાસંગ્રામ તથા શામજી કૃષ્ણવર્માના તેજસ્વી જીવન વિશે ઉપયોગી તેમજ પ્રેરણાદાયક માહિતી મળે છે. શામજીની સ્મૃતિ અનેક લોકોના દિલમાં ધરબાઇને પડેલી છે. ભાવિ પેઢીઓમાં પણ તે સુગંધ સચવાઇને રહેશે.
***
Leave a comment