સૌરાષ્ટ્રની ધરતી : લોકકલાઓનો મોઘેરો રસથાળ

tarnetar

સૌરાષ્‍ટ્રે પંચરત્‍નાની, નદી નારી તુરંગમ,

ચતુર્થમ સોમનાથશ્ચ, પંચમમ્ હરિ દર્શનમ્

             જામનગર રાજયના પંડિત શ્રી કંઠ કવિની આ પંક્તિઓમાં ગાગરમાં સાગર ભરવાનો પ્રયાસ કરવામાં આવ્‍યો છે. એક પ્રદેશની ઓળખ તથા તે પણ કેવી અને કેટલી બધી વિવિધતાઓથી ભરેલી ! કાઠિયાવાડી પાણીદાર અશ્વો જોઇને ઘણા બ્રિટિશ અમલદારો પણ પ્રભાવિત થઇ જતા અને પ્રશંસાના શબ્‍દો બોલતા તથા લખતા હતા. સોમનાથ અને દ્વારિકા ભૂતકાળના ભવ્‍ય વારસાને સાચવીને ઉન્‍નત મસ્‍તકે અડિખમ ઊભા છે અને આજે પણ લાખો લોકોના પ્રેરણાસ્‍થાન છે. લોકોના અલગ મીજાજ, જીવન તરફથી તેમની દ્રષ્‍ટિ તથા ઉત્‍સવો તરફના લગાવને કારણે કેટલીક પારંપારિક લોકકલાઓનો રંગીન માહોલ જીવનના તાણાવાણાની જેમ ગૂંથાઇને આ પ્રદેશના લોકોમાં પડેલો છે. લોકગીતો હોય, લોકસંગીત કે લોકનૃત્‍યો હોય તે દરેક લોકકલાઓએ સૌરાષ્‍ટ્ર નિવાસીના જીવનમાં રંગો પૂર્યા છે. જીવનને મીકેનીકલ કે શુષ્‍ક થવામાંથી ઊગાર્યુ છે. મેળાઓમાં આ બધી લોકકલાઓનું પ્રગટીકરણ થતું જોવા મળે તે જાણીતી બાબત છે. કાળક્રમે તેમાં કેટલાક પરિવર્તન જરુર થયા છે પરંતુ કળાઓનો પ્રભાવ જીવાતા જીવનમાં, આર્થિક પ્રવૃત્તિઓમાં, સામાજિક રૂઢિઓમાં હજુ જોવા મળે છે. લોક અને લોકકલાઓનો આપસી સંબંધ વિચ્‍છેદ ન થઇ શકે તેવો છે. મેઘાણીભાઇની અવિરત રઝળપાટ તથા બીજા અનેક સંશોધકોના પ્રયાસોને કારણે વિવિધ લોકકલાઓ બાબત સમાજને ઉપયોગી માહિતી મળી છે. ઊર્મિ-નવરચનાની ભાતીગળ યાત્રામાં પણ આ લોકકલાઓની શક્તિ તથા સત્‍વ સમાજ સમક્ષ રજૂ કરવાના નોંધપાત્ર પ્રયાસો થયા છે.

લોકકલાઓના નવરંગ થાળમાં લોકગીતોનું અનેરુ સ્‍થાન છે. લોકગીત એ સહજ રીતેજ જનજીવનમાંથી પ્રગટ થતી ભાવનાઓ-લાગણીઓની ઉત્‍કૃષ્‍ટ  રચના છે. તેમાં કળાનું-ભાવનું-લાગણીનું અનોખું ગૂંથણ છે. આ પ્રાચીનતાના સૂરો આપણને પરંપરા દર્શન તો કરાવેજ છે પરંતુ આપણાં વર્તમાન જીવનમાં પણ ભાતીગળ રંગો ઉમેરે છે. લોકગીતો ખરા અર્થમાં આપણી પ્રજાની શાશ્વત સંપત્તિ સમાન છે. હજુ તો ધરતી અષાઢ – શ્રાવણની ભીનાશ ઝીલે ન ઝીલે ત્‍યાંજ સમીસાંજે સંધ્‍યાકાળે કે રસઝરતી ચાંદનીના નીતરતા અજવાળામાં ગોપગોવાળો મસ્‍તીમાં સૂરો છેડે છે.

અમે મૈયારે ગોકુળ ગામના

મારે મહી વેચવાને જાવા……. મૈયારા રે……

ગોકુળ ગામના.

રાધાજીના ઊંચા મંદિર નીચા મોલ

ઝરુખડે દીવા બળે રે લોલ

રાધા ગોરી ગરબે રમવા આવો

સાહેલી સહુ ટોળે મળી રે લોલ

        ગરબાઓ તેમજ લોકગીતોના આ સ્‍વરોના કોઇ ચોક્કસ રચનાકારો નથી. તેના તળપદા શબ્‍દોના કોઇ વ્‍યક્તિગત જનક નથી. દયારામ કે પ્રેમાનંદ પહેલાથી આ સ્‍વરો અવિરત આવ્‍યા કરે છે, ઝીલાયા કરે છે. રણજીતરામ વાવાભાઇ મહેતા જેવા વિદ્વાનો આથીજ લોકગીતોના ઉષાકાળને સાહિત્‍યનો ઉષાકાળ ગણાવે છે. કાકા સાહેબ લખે છે તેમ કૃત્રિમતાનું કવચ આપણે આ લોકસાહિત્‍યના અધ્‍યયન તથા પુનરુત્‍થાનથીજ તોડી શકીશું. સાહજિકતામાં ધબકતું આ સાહિત્‍ય છે.

લોકકથાઓ – આખ્‍યાનો – લોકવાર્તાઓ વગેરે લોકકલાના એક મજબૂત તથા લોકભોગ્‍ય સ્‍વરૂપ સમાન છે. લોકસાહિત્‍ય – લોકવિદ્યાના ઉપાસક તથા સંવર્ધક બ્રિટીશ અમલદાર જેમ્‍સ ફોર્બ્‍સે આ પ્રકારની વિદ્યાઓ ગ્રંથસ્‍થ કરવાનું કામ લગભગ એક સદી પહેલા કર્યું. કંઠસ્‍થ પરંપરાનું આ સાહિત્‍ય આપણી ઉત્‍કૃષ્‍ટ લોકકળાનો અદભૂત નમૂનો છે. લોકકળાની અસરકારક તથા આકર્ષક રજૂઆત એ તેનું મહત્‍વનું પાસું છે. લોકકળાઓનાજ એક ભાગ તરીકે કેટલીક સંતકથાઓ પણ વ્‍યાપક લોક સ્‍વીકૃતિ પામી છે. વાર્તાકાર તથા શ્રોતા વચ્‍ચેનો આ એક એવો સંવાદ છે કે જેમાં બન્‍ને પક્ષે પૂર્ણ તન્‍મયતાનો અનુભવ થાય છે. લોકવાર્તાઓના સઘળા માધ્‍યમથી સંસ્‍કારની એક ઉજળી પરંપરાને ટકાવવાનો પ્રયાસ થાય છે. રાજકોટ રેડિયો સ્‍ટેશન પરથી પ્રસારીત થતી કાનજી ભુટા બારોટની લોકવાર્તાઓ સાંભળવા આજે પણ લોકો ઉત્‍સુક રહે છે. ઊર્મિ નવરચનાના માધ્‍યમથી ઘણી લોકવાર્તાઓનું ગ્રંથસ્‍થીકરણ થઇ શકયું છે. લોકકલાની શૈલી અસરકારક હોવાની સાથે સાથે સરળ તથા નિરાંડબરી હોય છે. આ કથાઓના ક્લેવર તથા તેના સત્‍યને કારણે વિશેષ લોકભોગ્‍ય બને છે. લોકકથાઓમાં વણી લેવાયેલા વિષયો તત્‍કાલિન સામાજિક સ્‍થિતિનું પ્રતિબિંબ પાડે છે.

લોકસંગીતની પણ એક આગવી અસરકારકતા લોકજીવનમાં જોવા મળે છે. લોકસંગીતના ભાવોને અભિવ્‍યક્ત કરવામાં પૂરક બને તેવા સાદા વાદ્યો પણ મહદ્અંશે આવી પ્રસ્‍તુતિમાં વપરાય છે. ઢોલ, ઢોલક, બંસી, પાવો, એકતારો, મંજીરા કે રાવણ હથ્‍થો જેવા લોકોને સહજ ઉપલબ્‍ધ સાધનોએ લોકસંગીતની પ્રસ્‍તુતિમાં પ્રાણ પૂર્યા છે. જીવાતા જીવનના વિવિધ વ્‍યવહારોમાંથી પ્રગટ થતું આ ગીતસંગીત છે અને તેથી તેનો મૂળ સંબંધ સહજતા સાધે છે. બાળકને હાલરડુ ગાઇને સુવરાવતી માતા, નાનાભાઇને જોડકણું સંભળાવીને રાજી કરવા મથતી બહેન, ડુંગરગાળા ગજાવતો આપણો ગોપ-ગોવાળ કે પ્રભાતિયા ગાઇને જાદવાને જગાડતી દિકરી કે ઘરની લક્ષ્‍મીના ગળાની મીઠાશ તથા તેની પ્રસન્‍ન ઊર્મિનો આવેગ આ ગીત-સંગીતમાં સુપેરે ઝીલાયેલા છે. બાળગીતોથી માંડી મૃત્‍યુ બાદ ગવાતા મરશિયા સુધીનો વિશાળ વ્‍યાપ લોકસંગીત – લોકગીતોનો છે. દરેક અવસરે તેની પ્રાસંગિક્તા છે. રાજકોટ રેડિયો સ્‍ટેશનમાં હેમુ ગઢવીના કંઠે ગલાયેલા લોકગીતોની મીઠાશ તથા તેમાંથી પ્રગટ થતા ભાવ આજે પણ જનસમુહ એટલીજ ઉત્‍કંઠાથી માણે છે. ગુજરાતી ફિલ્‍મોએ પણ આજ લોકસંગીતનો સહારો લઇ તેમની પ્રસ્‍તુતિ વધારે લોકભોગ્‍ય બનાવવા પ્રયાસ કર્યા એ જાણીતી બાબત છે.

અનેક લોકકળાઓનો અમૂલ્‍ય ખજાનો આ પ્રદેશમાં ધરબાઇને પડેલો છે. કેટલીક કળા-કસબોએ સમયને અનુરૂપ કેટલાક ફેરફારો સ્‍વીકારીને નૂતન યુગની અપેક્ષાઓ પૂરી કરવાનો પ્રયાસ કરે છે. મૂળ બાબત એ છે કે આ કળાઓને માત્ર આર્થિક ત્રાજવે તોલીનેજ તેનું વાસ્‍તવિક મૂલ્‍યાંકન નહિ થઇ શકે. જીવન જીવવાની રીધમ, પરંપરા તથા આરોહ – અવરોહમાંથી સહજ રીતેજ પ્રગટ થતી આ કળાઓ સચવાય તે સમાજની સામુહિક જવાબદારી છે. વિકૃત્તિઓનું દૂષણ નિયંત્રણમાં રાખવા સામુહિક જાગૃતિ પણ કેળવવી પડશે. આખરે તો આ ઓળખ એ સમાજની, જનજનની સામુહિક સંપત્તિ છે. લોકકળાઓની આ સામુહિક સંપત્તિ લૂપ્‍ત ન થાય તે જોવાની પણ આપણી સામુહિક જવાબદારી બને છે. કેવા કેવા મહામાનવોની ભેટ લોકકળાઓથી વિભૂષિત આ ધરતીએ વિશ્વને આપી છે તેનો વિચાર કરતા કવિ શ્રી ત્રિભુવન ગૌરીશંકર વ્‍યાસના અમર શબ્‍દો યાદ આવે છે.

ભક્ત નરસિંહ જ્યાં નાચિયો નેહમાં

સંપદા પામિયો જ્યાં સુદામો,

વીર ગાંધી દયાનંદ જ્યાં નીપજ્યા

સતી અને સંતનો જ્યાં વિસામો

ગામે ગામ ઊભા સ્‍થંભ પોકારતા

શૂરના ગુણની ગાથ વરણી,

ભારતી ભોમની વંદુ તનયા વડી,

ધન્‍ય હો ! ધન્‍ય ! સૌરાષ્‍ટ્ર ધરણી.

***

Leave a comment

Blog at WordPress.com.

Up ↑