યે આકાશવાણી હૈ

       prasarbharti

        ગુજરાત રાજયના માહિતી ખાતાના ભૂતપૂર્વ અધિકારી તથા સાહિત્‍ય પ્રેમી શ્રી ભુપેન્‍દ્રભાઇ દવેના આગ્રહથી ત્રિ-દિવસીય લોક કલાકાર મહોત્‍સવમાં થોડા દિવસ પહેલાં સાયલા (ભગતનું ગામ) જવાનું થયું. આ સુંદર મહોત્‍સવનું આયોજન ઝાલાવાડ લોકસાહિત્‍ય પરિવાર, સુરેન્‍દ્રનગર તથા અખિલ ગુજરાત લોક કલાકાર સેવા સમિતિના સંયુકત ઉપક્રમે કરવામાં આવેલું. સાયલામાં ધાંગધ્રાના સ્‍નેહાળ વ્‍યક્તિત્‍વ ધરાવતા શ્રી સૂર્યકાન્‍તભાઇ દવે મળ્યા. તેમણે પોતાનું સંપાદન કરેલું પુસ્‍તક ‘‘ કથા આકાશવાણી રાજકોટની ’’  પ્રેમથી આપ્‍યું. આકાશવાણી રાજકોટની ૧૯૫૫ થી ર૦૧ર સુધીની રસીક વાતો, પ્રસંગો, મર્મીલા માનવીઓ તેમજ સાહિત્‍યના વિવિધ ક્ષેત્રોને સમર્પિત એવા પાત્રોની કથા આ પુસ્‍તકમાં સમાવવાનો ચીવટપૂર્વકનો પ્રયાસ થયો છે. પ્રસારણનું એક અગત્‍યનું માધ્‍યમ લોકહ્રદયના સ્‍પંદનો ઝીલી શકે તો કેવા સ્‍થાયી સ્‍વરૂપના સાહિત્‍ય-સંસ્‍કૃતિ ઉપાસના માટેના કામો થઇ શકે છે તેની પ્રતિતિ કરવી હોય તો આકાશવાણી રાજકોટની કથા વાંચવા યોગ્‍ય, માણવા યોગ્‍ય છે.

       દરેક પ્રદેશને- વિસ્‍તારને તેની એક આગવી સંસ્‍કૃતિ હોય છે અને તેના કારણે તે વિસ્‍તારની ઓળખ પ્રસ્‍થાપિત થાય છે. સૌરાષ્‍ટની-કાઠિયાવાડની પ્રતિભા આવા જ કારણોસર વિશિષ્‍ઠ રહી છે. ગાંધીજીએ મેધાણીભાઇની વિદાય પછી તેમને ભાવપૂર્વક યાદ કરતા કહેલું કે, કાઠિયાવાડને ઓળખવામાં કુનેહ જોઇએ. કાઠિયાવાડમાં ઇતિહાસ પડયો છે. નુર પડયું છે. ગામડાઓમાં ગુણ, ભક્તિ અને નેકદિલી છે. મેઘાણી તેની શોધખોળ પાછળ ગાંડા હતા. આ પૂર્વભૂમિકા સમજીએ તો કાઠિયાવાડની ખૂબીઓ વિશેષ સ્‍પષ્‍ટ  થાય છે. આથી જ પૂર્વ સૌરાષ્‍ટ્ર રાજયમાં સૌરાષ્‍ટ્ર સંગીત નાટક અકાદમી તેમજ લોકસાહિત્‍ય વિદ્યાલય જુનાગઢ જેવી હેતુપૂર્ણ સંસ્‍થાઓ અસ્‍તિત્‍વમાં આવી અને પ્રદેશની આ આગવી ઓળખનું સંરક્ષણ-સંવર્ધનનું યથાશક્તિ કામ કર્યું. દીર્ધદ્રષ્‍ટા શિક્ષણશાસ્‍ત્રી શ્રી ડોલરરામ માંકડ પણ આ વાત તેમની ઝીણી નજરથી પકડી શકયા અને સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીએ સંસ્‍કૃત તથા ચારણી સાહિત્‍યના વિધ્‍વાનોનું બહુમાન કર્યુ. આ દરેક પ્રવૃત્તિમાં હેતુઓ મહદઅંશે પ્રદેશની આગવી ઓળખને સન્‍માનવાનો તેમજ તેની જાળવણી કરવાનો હતો.

સાહિત્‍યની, પરંપરાઓની તેમજ લોકજીવનના તાણાવાણા જેવી અનેક અમૂલ્‍ય બાબતો વિશાળ સમુદાય સુધી પહોંચાડવામાં રેડિયો ખૂબ જ અસરકારક માધ્‍યમ છે. આથી જ આ પુસ્‍તકમાં એ વાત પર ખાસ પ્રકાશ પાડવામાં આવ્‍યો છે કે અલગ સૌરાષ્‍ટ રાજય બન્‍યું ત્‍યારે રાજકોટને એક રેડિયો સ્‍ટેશન મળે તેવી ઇચ્છા સૌરાષ્‍ટ્ર રાજયના પ્રથમ મુખ્‍યમંત્રી તથા ગાંધીવાદી સજ્જન શ્રી ઢેબરભાઇની હતી. દિલ્‍હીમાં યોજાયેલા એક સાંસ્‍કૃતિક સમારંભમાં મુખ્‍યમંત્રીશ્રી હાજરી આપવાના હતા. કાર્યક્રમમાં રાષ્‍ટ્રપતિ, વડાપ્રધાન તથા નાયબ વડાપ્રધાન સરદાર વલ્‍લભભાઇ પટેલ તેમજ રેડિયોના ઉચ્‍ચ અધિકારીઓ હાજર રહેવાના હતા. ઢેબરભાઇ કવિ શ્રી દુલા ભાયા કાગને આ કાર્યક્રમમાં દિલ્‍હી સાથે લઇને ગયા. કવિ શ્રી કાગની અસ્‍ખલિત વાણી પ્રવાહને કારણે રાષ્‍ટ્રપતિ ડૉ. રાજેન્‍દ્રપ્રસાદ પ્રભાવીત થયા. તકનો લાભ લઇને મુખ્‍યમંત્રીશ્રીએ કવિ શ્રી કાગે જે સાહિત્‍યનું દર્શન મર્યાદિત સમયમાં કરાવ્‍યું હતું તેના સંરક્ષણ-સંવર્ધન માટે સૌરાષ્‍ટ્ર માટે રેડિયો સ્‍ટેશનની માંગણી ભારપૂર્વક કરી. ઢેબરભાઇની વિચક્ષણતાએ કામ કર્યું અને રાજકોટને રેડિયો સ્‍ટેશન મળ્યું. ૧૯૫૫ માં તેની શુભ શરૂઆત કરવામાં આવી. શ્રી જયમલ્‍લભાઇ પરમાર તેના સલાહકાર સમિતિના સભ્‍ય હોવાથી તેમના રચનાત્‍મક દ્રષ્‍ટિકોણનો તથા અમૂલ્‍ય સૂચનોનો લાભ આકાશવાણીને મળવાનો શરૂ થયો.

આકાશવાણી, રાજકોટના કલાકારોની આકાશગંગાના અનેક તેજસ્‍વી તારલાઓએ લોકોના મન મોહી લીધા છે તે વાતની સવિશેષ પ્રતિતિ આ પુસ્‍તક જોયા પછી થાય છે. ભગતબાપુ (કવિ કાગ)  અને કંઠના કામણગારા હેમુ ગઢવી ઉપરાંત નારાયણ સ્‍વામીના અલૌકિક કંઠે રેકોર્ડ થયેલા ભજનો, લોકવાતોની અનોખી શૈલી ધરાવતા કાનજી ભુટા બારોટ તેમજ બચુભાઇ ગઢવી અને દિવાળીબેન ભીલ તથા ઇસ્‍માઇલ વાલેરા  જેવા અનેક દિગ્‍ગજોએ રેડિયોના માધ્‍યમથી પોતાની કળાના ઓજસ પાથર્યા છે. હેમુ ગઢવી અકાળે ગયા તેનો આઘાત તો સમગ્ર સમાજે અનુભવ્‍યો પણ તે માટે અમદાવાદથી રાજકોટ ખાસ આવેલા  અને રાજકોટ આકાશવાણી કેન્‍દ્રના નિયામક પદે અગાઉ રહી ચૂકેલા ગિજુભાઇ વ્યાસે ભાવવિભોર થઇને કહ્યું ‘‘ હેમુ બહુ ઉતાવળ કરી ’’ કેવો સહજ, આત્‍મિય ભાવ !

કાળના સતત સરી જતા પ્રવાહમાં પણ કેટલાયે યાદ કરવા હંમેશા ગમે તેવા પાત્રો-પ્રસંગો આકાશવાણી રાજકોટની કથા સાથે જોડાયેલા છે. ભગતબાપુના ગાતા સરવાણ હેમુ ગઢવીના કંઠેથી વહેતા મૂકાયેલા મીઠા લોકગીતો તથા કાનજીભાઇ બારોટની મર્મી વાતો નિત્‍ય નવા તથા રોચક લાગે છે. પ્રદેશની પરંપરાની એક ધારાને રેડિયો સ્‍ટેશને કાળજીપૂર્વક તથા આબેહુબ ઝીલી, સાચવી અને તેને પાંખો આપી તે કદી વિસરી શકાશે નહિ. આ અનોખી સિધ્‍ધિના મૂળમાં ચન્‍દ્રકાન્‍ત ભટ્ટ, ગિજુભાઇ વ્‍યાસ, ઉપેન્‍દ્ર ત્રિવેદી, કવિ શ્રી ઇન્‍દુલાલ ગાંધી, હરસુખ કીકાણી તથા વસુબહેન ભટ્ટ જેવા અનેક સમર્પિત કર્મયોગીઓને કારણે કેન્‍દ્રમાં એક મજબુત ટીમ વર્ક ઉભું થયું અને તેના રૂડા પરિણામો પણ મળ્યાં.

ભારત-પાકિસ્‍તાન વચ્‍ચેના યુધ્‍ધ સમયે જુસ્‍સાથી લડીને મા-ભોમનું રક્ષણ કરતા ભારતિય સૈનિકો માટે ‘‘ જય ભારતી ’’ નામના લોકપ્રિય ગીત-સંગીત કાર્યક્રમ શરૂ કરીને આકાશવાણી રાજકોટે નોંધપાત્ર પહેલ કરી. ભાઇ શ્રી ભરતભાઇ યાજ્ઞીકે પોતાની સમગ્ર શક્તિ નીચોવીને આ કાર્યક્રમને વ્‍યાપક લોકાભોગ્‍ય બનાવ્‍યો. દૂર-સુદૂરના પ્રેક્ષીકો પણ આ કાર્યક્રમને માણે છે. શ્રી નાનજીભાઇ મીસ્‍ત્રીનું વાયોલીન વાદન, સુલતાન ખાં સાહેબનું સારંગી વાદન તથા ટપુભાઇ દેગામાનું મંજીરાવાદન આજે પણ લોકોની સ્‍મૃતિમાં જીવંત છે. કેટલાના નામ ગણાવીએ, દરેક ગાયક-વાદક કલાકાર અહીં સોળે કળાએ ખીલ્યા છે. સંતવાણીના ઉત્તમ નિદર્શનમાં યશવંતભાઇ ભટ્ટ, મુગટલાલ જોશી, અમરનાથ નાથજી, પ્રાણલાલ વ્‍યાસ, નિરંજન પંડ્યા વગેરે ધન્‍યનામો આકાશવાણીના હર્યાભર્યા બાગની શોભા વધારનારા પુષ્‍પો છે.

કુદરતી આફતના કપરા કાળે છેવાડાના માનવી સુધી સલામતીના ઉપાયોની માહિતી પહોંચાડવાનું કામ પણ આકાશવાણીએ ખૂબ જ ગંભીરતાપૂર્વક તથા અસરકારક રીતે કર્યું છે તેનો મારો સ્‍વઅનુભવ પણ છે. આપણું આ લોક માધ્‍યમ સારા નરસા કાળે લોક સાથે ખભેખભા મેળવીને અડગ રીતે ઉભું રહેલું છે. સૌરાષ્‍ટ્રની સંસ્‍કૃતિ સાથે જોડાયેલું ખારવાઓની અભિવ્‍યક્તિનું સાહિત્‍ય તથા તેમના ગીતો પણ આકાશવાણીએ ખાસ પ્રયત્‍નો કરીને મેળવ્‍યા અને જાળવ્‍યા.

આમ તો આકાશવાણી (હવે પ્રસારભારતી) એ એક સરકારી માધ્‍યમ છે છતાં પણ આકાશવાણી રાજકોટની કથા વાંચતા તેમાંથી શુષ્‍કતા કે ફરજ તરફના અણગમાનો અણસાર સુધ્‍ધાં નથી આવતો. કેવા સમર્પિત લોકો ! સાહિત્‍ય અને સાહિત્‍યકારોને મહેનત લઇને ખૂણેખાંચરેથી શોધી કાઢયા અને તેમના સાહિત્‍યની મીઠાશને, ઉર્મિઓને, આગવી અભિવ્‍યક્તિને આકાશવાણીની પાંખે કાળજીથી, સ્‍નેહથી ઉડતા કર્યા. જનજન સુધી આ સત્‍વશીલ સાહિત્‍યના ગમતાનો ગુલાલ કર્યો. તેમની આ યશોગાથાની ઉજળી વાતોનું સંપાદન કરવા માટે સૂર્યકાન્‍તભાઇ તથા સ્‍મૃતિઓ લખવા માટે અન્‍ય સૌ લેખેકોને અંતરથી અભિનંદન આપીએ. નિજધર્મને સમર્પિત આ રંગીલા લોકોનો સમાજ હંમેશા રૂણી રહેશે.

***

Leave a comment

Blog at WordPress.com.

Up ↑