પુણ્યશ્લોક શ્રી અમૃતલાલ શેઠ સ્થાપિત સૌરાષ્ટ્ર ટ્રસ્ટની પત્રકારત્વના ઉમદા માધ્યમથી સમાજની નિરંતર સેવા કરવાની ગૌરવપ્રદ પ્રણાલિકા રહી છે. સૌરાષ્ટ્ર ટ્રસ્ટ અને ત્યારબાદ જન્મભૂમિ જૂથના અખબારોએ પોતાના વિશિષ્ટ યોગદાનથી પત્રકારત્વની શોભામાં અભિવૃધ્ધિ કરી છે. માત્ર મનોરંજક કે લોકરંજક બાબતો નહિ, જે તે કાળમાં પ્રજાને જે સંદેશ આપવો ઉચિત હોય, જનજાગૃતિનો પ્રશ્ન હોય ત્યાં નિરક્ષિરનો વિવેક જાળવીને જન્મભૂમિ જૂથના અખબારોએ પોતાનું કર્તવ્ય સુપેરે નિભાવ્યું છે તેથી આ જૂથના અખબારોના નાના-મોટા પત્રકારોમાં પણ આજ સંસ્કાર ધૂંટાયા. કચ્છમિત્ર તથા કીર્તિભાઇ તેનું જવલંત ઉદાહરણ છે. કચ્છમિત્રે એક પ્રદેશ સાથે પોતાની જે ઓળખ સ્થાપિત કરી છે તે અનેક રીતે વિશિષ્ટ છે. કચ્છમિત્રના સંચાલનમાં, તેના વિકાસમાં તથા તેનું યોગ્ય દિશાદર્શન કરવાના કાર્યમાં કીર્તિભાઇનું યશસ્વી યોગદાન છે.
જાહેર વહીવટના કામ સંબંધે જૂદા જૂદા સ્થળોએ ફરજ બજાવવાનું થયું તેના ભાગરૂપે કચ્છમાં પણ ત્રણ-સાડાત્રણ વર્ષ સુધી જીલ્લા વિકાસ અધિકારી તરીકે કામ કરવાની તક મળી ત્યારે કીર્તિભાઇના કામને નજીકથી નિહાળવાનો પ્રસંગ બન્યો. છેલ્લા એક દાયકાના વર્ષોને બાદ કરો તો તે પહેલાં કચ્છમાં અછત અથવા અર્ધઅછતની સ્થિતિ અવાર-નવાર ઉભી થતી હતી. આ સમયના પ્રશ્નો પણ વિશિષ્ટ હોય છે તથા તે સમયમાં સામાન્ય લોકોની, ખેડૂતોની તેમજ પશુપાલકોની અલગ પ્રકારની સમસ્યાઓ હોય છે. લોકોના સમુહને આ સ્થિતિમાં વધારેમાં વધારે રાહત પહોંચાડવાના પ્રયાસો સરકારી તંત્ર તો ફરજના ભાગરૂપે કરતું જ હોય છે અને તેની એક નિશ્રિત પધ્ધતિ, માળખું, વગેરે પણ હોય છે. પરંતુ ઘણીવાર લોકોની અપેક્ષાઓ તેમજ તેમની જરૂરિયાત અને તેની સામે તંત્ર દ્રારા લેવામાં આવેલા પગલાઓ વચ્ચે કોઇ કિસ્સામાં ગેપ દેખાય તો તેવા પ્રસંગોએ કચ્છમિત્ર એ એક જાગૃત સંત્રીની ભૂમિકા ભજવી છે. આમ પણ આપણે ત્યાં એ સમાન્ય અનુભવ રહેલો છે કે, આપત્તિકાળમાં વર્તમાનપત્રો સામાન્ય સમય કરતા વિશેષ સર્તકતા રાખીને ખરા લોકપ્રશ્નો ઉજાગર કરે છે. કચ્છમિત્રમાં પણ આ અભિગમને યોગ્ય રીતે મઠારતા રહીને તેને સ્થાયી સ્વરૂપ આપવામાં એક તંત્રી તરીકે કીર્તિભાઇએ અનન્ય યોગદાન આપેલું છે. આ સમયે આ બાબત અવારનવાર ધ્યાને આવી છે તથા અનુભવી પણ છે. જરૂર હોય તેવા કિસ્સાઓમાં વ્યક્તિગત સંપર્ક કરીને પણ કીર્તિભાઇ આવી મહત્વની બાબતો તરફ ધ્યાન દોરતાં અને તે રીતે તંત્રને વિશેષ અસરકારક તથા પરિણામલક્ષી બનવા માટે ઉચિત ફીડબેક મળતું હતું. કચ્છની સમસ્યાઓ તથા કચ્છીઓના મીજાજ બાબતમાં તેમને ઉંડી સમજ હોવાથી કોઇક સમયે કયારે ઇનોવેટીવ સૂચનો પણ તેઓ કરતાં. આ રીતે આપત્તિગ્રસ્ત વિસ્તારના લોકોને મહત્તમ રાહત પહોંચાડવાના સરકારી તંત્રના પ્રયાસોમાં કીર્તિભાઇ મહત્વની પૂર્તિ કરતા હતા. તેમના જેવી સ્વસ્થતા અને નિરક્ષિર તારવી લેવાની શક્તિ ઓછી જોવા મળે છે. ભૂકંપની ભિષણ આપત્તિ બાદ ઉભી થયેલ અસાધારણ સ્થિતિને કાળજીપૂર્વક સંભાળી લેવાના જે ખરા અર્થમાં ભગીરથ પ્રયાસો થયાં તેમાં કીર્તિભાઇ તથા કચ્છમિત્રનું નામ અનોખી ઉંચાઇને પામ્યું. રાજય સરકાર તરફથી વિવિધ ક્ષેત્રમાં કામગીરી કરતા અમે સૌ અધિકારીઓ આ બાબત સ્પષ્ટ રીતે જોઇ શકતા હતા. અનેક સમસ્યાઓના ઉકેલ માટે આગળ વધવાની પ્રક્રિયામાં કીર્તિભાઇનો સતત જાગૃત હોંકારો અને વિધેયાત્મક સૂચનો રાહત પુનર્વસનની કપરી કામગીરીમાં ખૂબ ઉપયોગી તથા અસરકારક હતા. જો કે ભૂકંપ બાદ કચ્છની સ્થાનિક પ્રજાએ દેખાડેલી હિમંત તથા સ્વસ્થતા, કચ્છ તથા કચ્છ બહારના લોકો તરફથી રાહત પહોંચાડવાના પ્રયાસો તેમજ રાજય સરકાર, સ્વૈચ્છિક સંસ્થાઓ અને પ્રસાર માધ્યમોએ કરેલી કામગીરી ઇતિહાસના ઉજળા પૃષ્ઠો સમાન રહી છે.
સાહિત્યની મુડી તેમને વારસામાં મળી હોવાથી કચ્છના સાહિત્યના વિકાસ સંવર્ધનમાં પણ કીર્તિભાઇ રસ લઇને પોતાનું યોગદાન આપતા હતા અને આજે પણ આપે છે. નર્મદાના પાણીની કચ્છમાં વહેંચણીનો કે ફાળવણીનો પ્રશ્ન હોય કે કચ્છના જર્જરીત થતા અમૂલ્ય અવશેષોની જાળવણીનો પ્રશ્ન હોય, કીર્તિભાઇનું તટસ્થ મૂલ્યાંકન આ દરેક બાબતમાં ઉપયોગી થયું છે. જીએમડીસીની મારી કામગીરી દરમિયાન ઘણી વખત કચ્છમાં રોજગારીની તકો વધારવાના પ્રશ્ને તેમજ કચ્છમાં સ્થાપયેલા ઉદ્યોગોના સ્થાનિક વિકાસમાં વલણ બાબતમાં તેમના તરફથી ઉપયોગી સૂચનો થયા છે.
આજે વિશ્વસનિયતા ઉભી કરી તેને ટકાવી રાખવાનો પ્રશ્ન સામાજીક જીવનના અનેક ક્ષેત્રોમાં પડકાર સ્વરૂપે ઉભો થયો છે. આવા સંજોગોમાં પણ ‘‘તેજની લકીર’’ જેવા કેટલાંક લોકો આપણા સામાજીક તાણાવાણાની સુદ્રઢતા ટકાવી રાખવા જાહેર જીવનમાં સમર્પિત ભાવે મૂલ્યોના સહારે ચાલતા નજરે પડે છે ત્યારે સમાજની વિશેષ ઉન્નતિ માટેની નવી આશાનો સંચાર થાય છે. કીર્તિભાઇ બહુરત્ના વસુંધરા સમાન કચ્છની ભૂમિના અમૂલ્ય રત્ન સમાન છે.
***

Leave a comment