૯ માર્ચ ૧૯૪૭ ના દિવસે જેમને ગુજરાતી ભાષા અને તેના સાહિત્ય સાથે જરા પણ નિસ્બત છે તેવા તમામ લોકો પર જાણે વિજળી પડી! મેઘાણીભાઇ વહેલી સવારે ગાયને નીરણ નાખવા માટે ઉઠયા. બેચેની અનુભવી, થોડાજ કલાકો પછી હદયરોના હુકમલાથી દેહ છોડયો. છેલ્લે છેલ્લે ‘‘ સોરઠી સંતવાણી’’ ના નામે ભજન સાહિત્યના સંશોધનનું પોતાને મનપસંદ એવું પુસ્તક કાયમી ભેટ તરીકે સમાજને ચરણે મૂકી આ સર્જક સંતોના ચરણે સાશ્વત શાંતિ પામવા આંખના પલકારાની ઝડપથી ઉપડી ગયા! કવિ ઉમાશંકર જોશી લખે છે : ‘‘ આખા ગુજરાતે સ્વજન ગુમાવ્યાનો ભાવ અનુભવ્યો. જાણીતા અને અજાણ્યા સૌએ શૂન્યતા અનુભવી. કેટલા બધાના જીવનમાં મેઘાણી ઓતા-પ્રોત થઇ ગયા હતા! દુનિયા કોઇને પૈસા આપે કોઇને માન મોભો આપે છે. આવી સ્થૂળ વસ્તુઓ કદાચ બહુ સંકોચ વિના આપી દે છે. પણ દુનિયા પ્રેમ તો કોઇકને જ આપે છે. દુનિયા તેલ જૂએ છે, તેલની ધાર જૂએ છે, પછી જ પ્રેમ આપે છે. મેઘાણીને આટલો પ્રેમ મળ્યો શી રીતે? એનો જવાબ એમની ‘‘લોક હરદય પ્રત્યેની નિષ્ઠા’’ એ શબ્દોમાં શોધી શકાય.’’ ઉમાશંકરભાઇએ જન સામાન્યની લાગણીનો ખૂબજ ઉચિત પડધો પાડયો છે. લોકોના વિશાળ સમૂહે મેઘાણીની સાતત્યપૂર્ણ લોક નિષ્ઠાના બદલે કવિને પોતાના હ્રદય સિહાસન પર સ્થાન આપ્યું હતું. એમ જો ન હોત તો જીવનની પચીસી વટાવી ગયેલો યુવક કલકત્તાની નિશ્ચિત આવકની સુવિધાપૂર્ણ જિંદગી છોડીને કાઠિયાવાડની અનિશ્ચિત જિંદગીને ભેટવા શા માટે આવે? એમને કદાચ પોતાનું જીવન કાર્ય સૂઝયું હતું અને તેની પૂર્તતા માટે કોઇપણ સાહસ કરવાની તેમની તૈયારી હતી. દૂર કલકત્તામાં બેઠેલા આ યુવાનને ગોધૂલી સમયે ગામ તરફ પાછી ફરતી ગાયોના કંઠમાં લાંધેલી ધંટડીનો તથા ગામડાના નાના મંદિરમાં વાગતી ઝાલરનો નાદ સંભળાય તે કલ્પના જ અસાધારણ તથા રોમાંચક લાગે છે. આવા જ રંગભર્યા અને રોમાંચક રહ્યા આ કવિની જિંદગીના બાકીના પચીસ વર્ષો!
ભાષાનો વિવેક જાળવવામાં ગાંધીજી અગ્રસ્થાને હતા. એકપણ શબ્દ બીનજરૂરી રીતે વાપરવામાં ન આવે તેની સંપૂર્ણ કાળજી રાખતા. અતિશયોકિત તો તેમના લખાણમાં કે ભાષણોમાં મળે જ નહિ તેવી સ્વસ્થતા. આ પૂર્વભૂમિકા ધ્યાનમાં રાખીએ તો મેઘાણીને ગાંધીજીએ આપેલી શ્રધ્ધાંજલિ એ એક નાના પણ અમૂલ્ય દસ્તાવેજ સમાન છે. ગાંધીજીએ મેઘાણીભાઇને શ્રધ્ધા સુમન અર્પણ કરતાં લખ્યુ તે યાદગાર છે :
‘‘ કાઠિયાવાડને ઓળખવામાં કૂનેહ જોઇએ. ત્યાં ઇતિહાસ પડયો છે, નૂર પડયુ છે. ગુણ, ભકિત અને નેકદિલી છે. કળા- સૌદર્ય આ પ્રજામાં ઘણુ પડયું છે. જેની શોધખોળ પછળ મેઘાણી ગાંડા હતા. માટે મારે મન મેઘાણી કૃષ્ણની બંસરી સમાન હતા.’’
યોગાનુયોગ, કાઠિયાવાડમાં જન્મ લઇને સમગ્ર વિશ્વને બાથમાં લેનાર મોહનદાસ પોતાની માતૃમૂમિના મોઘેરા મૂલ્યથી વાકેફ છે, પ્રભાવિત છે. તેથી જ કદાચ મેઘાણીભાઇની પ્રાણવાન શોધયાત્રાના પ્રશંસક છે. મેઘાણીના મૃત્યુ બાદ જૂનાગઢમાં જે મુકિત જંગ ખેલાયો તથા આરઝી હકૂમતનો ઐતિહાસિક સંઘર્ષ થયો ત્યારે ગાંધીજીને તે બાબતના ઘણા પત્રો મળતા. મનુબેન ગાંધી લખે છે કે કાઠિયાવાડથી આવેલા આ પત્રો પરથી બાપુ મેઘાણીને અનેક વખત યાદ કરતા. આવા ડહોળાયેલા વાતાવરણમાં ગાંધીજીને મેઘાણીની ખોટ વરતાતી હતી. ભાઇ શ્રી પિનાકી મેઘાણીના ‘‘વન મેન મીશન’’ ના કારણે આવી ઘણી અમૂલ્ય શ્રધ્ધાંજલીઓ આપણને ડિજીટાઇઝડ સ્વરૂપે જોવા મળે છે. ભાઇ પિનાકીને તેનો યશ જાય છે.
મેઘાણીભાઇએ મર્યાદિત સાધન સગવડ અને સમયની ભીંસમાં જે કાર્ય અઢી દાયકામાં કર્યું તેવું અને તેટલું કામ કદાચ એક સૈકામાં પણ કરવું મુશ્કેલ બને. જીવનની બીજી પચીસી નિરંતર રીતે સમાજમાં વિહરતા રહીને એ ભૂમિની સદીઓથી સંચિત થયેલી અને અત્રતત્ર વેરાયેલી વેદનાઓ તેમજ યાતનાઓ, વીરતા, આત્મબલિદાન અને સ્વાર્પણના ઉજળા પ્રસંગો, સમાજ જીવનના તાણાવાળા અને તેમાંથી પ્રગટ થતું સુરીલુ સંગીત કાન માંડીને તેમણે સાંભળ્યુ તથા તે બધી બાબતે એક સુરેખ દસ્તાવેજ રૂપે વારસામાં મૂકીને ગયા. એક સાહિત્યકારની આથી મોટી ભેટ સમાજને બીજી કઇ હોઇ શકે? કવિ દાદે યથાર્થ લખ્યું છે:
કાજળ ઘેરા કાળજામાં તે તેજની જોઇ લકીર,
જૂલમી નરમા માનવતાના હૈયે દીઠા હીર,
અંતરના લોઢ ઉછાળ્યા, સમદરમાં વીરડા ગાળ્યાં,
ગાજે સમદરના પણી, ઘટોઘટ એમ મેઘાણી.
સત ધરમને દીવડે પૂર્યા તે, તન નીચોવીને તેલ
ખંભે ખેંચી કાવડયુ રાખી, જીવતી નાગરવેલ
ખાતર થઇ કયારીએ ખૂંત્યો , ફોરમ થઇ ફૂલડે ફૂટયો.
કઠણમાં કઠણ માનવીઓના દિલમાં વહેતી હેતની સરવાણીઓ મેઘાણીએ શોધી કાઢી કાળના પ્રવાહમાં પણ જેમની ઓજસ્વીતા ઝાંખી ન થાય તેવા આપણી જ ભૂમીના કેટલાક પાત્રો લોક સાહિત્યના આ ધૂળધોયાએ આપણી સન્મુખ કરી દીધા! આજે પણ જન સામાન્યની લાગણીનો અવિરત પ્રવાહ મેઘાણીના સાહિત્ય તથા તેમના હૂંફાળા વ્યકિતત્વ તરફ સતત વહેતો રહે છે. આ વાતની પ્રતિતિ તાજેતરમાંજ સુરેન્દ્રનગરના રાજય સરકારના નિવૃત્ત અધિકારી અને સાહિત્યપ્રેમી શ્રીભૂપેન્દ્રભાઇ દવેએ મોકલાવેલી રચનાથી સવિશેષ રીતે થઇ. મોટીલા તાલુકાના ઢોકળવા ગામના શ્રી પીઠુભાઇ ખાચરે લખેલી કેટલીક સુંદર પંકિતઓ આપણાં લોકકવિ તથા મર્મી સાહિત્યકાર મેઘાણીનુ સુરેખ ચિત્ર રજૂ કરે છે.
દિવ્ય વાતુ હતી પથ્થર તણા દિલમાં
વિવિધ વાતુ હતી ગગન વાડી
ભવ્ય વાતુ હતી ગેબને ભોંયરે
જુગ જૂની હતી અગમ ઝાડી.
કલમતો પગલીઓ પાડતી કંકુની,
કયાંક શોણિતના રંગ કરતીઃ
મલપતી ચાલતી કયાંક માધૂરી,
જવાળ થઇ શૈાર્યના અગન ઝરતી.
ખરેજ, પીઠુભાઇએ લખ્યુ છે તેમ આ બધી અમૂલ્ય વાતોનો આપણો ખજાનો સમાજ સમક્ષ રજૂ કરવાની અથાક મહેનત, રઝળપાટ મેઘાણી સિવાય કોણ કરી શકત? આ વાતોમાં પૂરાયેલા વિવિધ રંગોની ભાત તેમણે ઉપસાવી અને જગતના ચોકમાં રમતી મૂકી. માતા સરસ્વતીના દિવ્ય મૂખ પર મેઘાણીની મહેનત એક નવો મલકાર લાવી શકી છે, પ્રસન્નતા લાવી શકી છે.
મેઘાણીભાઇને અંજલી સ્વરૂપે લખાયેલા પિંગળશીભાઇ લીલાના આ શબ્દો રળિયામણા લાગે છે.
માતા સરસ્વતી મીટ માંડીને જોતી કોઇક દૂલારો,
નિડર, નિર્ભય, નિર્વ્યસની આ કોણ ઉપસક મારો.
બાવલ બેટો જોઇ બગસરે હૈયામાં હરખાણી,
અમરલોકથી આપ્ય! અમારા શાયર મેઘાણી.
શ્રાવણ માસના પવિત્ર તહેવારોની મધ્યમાં આ મહામાનવની સ્મૃતિ આ માસની ર૮ મી તારીખે આવતી તેમની જન્મ જયંતિને કારણે સવિશેષ થાય છે. અનેક કાર્યક્રમોમાં, સાહિત્યના મર્મીલા વાહકોની રસાળ શૈલિમાં મેધાણીભાઇના ગીતોની, વાતોની ફરી સુંદર પ્રસ્તુતિ થશે. લોકોએ તો મેધાણીની વાતોને હંમેશા માણી છે, ખોબે અને ધોબે વધાવી છે. મેઘાણીની પાવન સ્મૃતિ લોક હદયમાં ચિરંજીવી છે, અમિટ છે.
***
Leave a comment