માનવ માત્ર જેમના અનુગામી હોવાનું સકારણ ગૌરવ લઇ શકે તેવા બે વિરાટ માનવ ગઇ સદીમાં વિશ્વને ભારત તરફથી અમૂલ્ય ભેટ તરીકે મળ્યાં એમ કહી શકાય તેમાંના એક ગાંધી કે જેમણે દરેક સામાન્ય માનવી પોતાની નબળાઇઓ પાર કરી માનવ જીવનનું સર્વોચ્ચ ગૌરવ પ્રાપ્ત કરી શકે છે તેવી વાત તેમના જીવન દ્વારા વ્યકત કરીને ગયા. આ કાળનું આવું અસાધારણ બીજુ વ્યકિતત્વ એટલે કવિવર રવીન્દ્રનાથ ટાગોર. માત્ર તેમના ગીતોમાંજ નહિ, જીવનના દરેક ક્ષેત્રમાં અસાધારણ સુંદરતાનું પાવક દર્શન ગુરુદેવ સુપેરે કરાવીને ગયા. ગુરુદેવના બંગાળી ભાષામાં સર્જાયેલા કાવ્યોને જતનપૂર્વક આપણી ભાષામાં ઉતારવાનું ખરા અર્થમાં ભગીરથ કાર્ય મેઘાણીભાઇએ કર્યું. શ્રી ભોળાભાઇ પટેલના મત પ્રમાણે મેઘાણીના ‘‘ રવીન્દ્ર વીણા’’ ના અનુવાદો કવિશ્વર ટાગોરના કાવ્યોના ગુજરાતીમાં થયેલા અનુવાદોમાં સૌથી વધારે લોકપ્રિય થયા છે. લોકની નાડ પારખનાર આ લોક કવિએ ભાવાનુવાદનું આ ગંગા-અવતરણ જેવું કાર્ય પણ ખરી ખૂબી અને ખંતથી કર્યું !
પ્રકૃતિ તથા મનુષ્યની વિચ્છેદ ન કરી શકાય તેવી આકર્ષક તથા અનિવાર્ય એકતા એ ગુરુદેવની ઘણી બધી રચનાઓના પાયામાં રહેલી વાત છે. અહીં પાંચાળની પવિત્ર ધરતીમાં ચોટીલા ડુંગરની રમણિય તળેટીમાં જન્મ લેનાર કવિએ કુદરતની રમ્યતા અને ભયાનકતા બન્ને નાનપણથી જ નિહાળ્યા છે. આથી જ આપણાં આ લોકકવિને પોતાના ‘Moutain spirit’ નો સતત અનુભવ થયા કરે છે. જેમ રવીન્દ્રનાથની વાણી એ ‘સાર્વભોમ હદયવાણી’ હતી. તેમજ મેઘાણી પણ સમાજ જીવનના જટીલ તાણાવાળામાં ગૂંથાઇને પ્રત્યેક વ્યકિતના ભાવ જગત સુધી પહોંચ્યા હતા. કાકાસાહેબ કહે છે તેમ સાદાઇ એ કવિગુરુના કાવ્યોનું સૌથી વધારે આકર્ષક ઘરેણું છે. તે રીતે જ કવિને પોતાના ગીત પંખીમાં કલાપીની ભાષાની સરળતા તેમજ ભાવોની ભીનાશનું દર્શન પ્રિય છે. કવિ શ્રી નાનાલાલના રાસોનું પાન કરીને તેઓએ લોક જીવનમાં જાગતા-ગૂંજતા રાસ, રાસડા, ગરબાઓના મુલકમાં મસ્તાન બનીને મહાલ્યા છે. ‘રઘુવંશ’ ના અભ્યાસે આ લોક કવિ સંસ્કૃતના અમૂલ્ય રસ સાહિત્ય તરફથી ખેંચાયા છે. આથી ટાગોરના કાવ્યોની સુંદરતાનું ભવ્ય ઉતરાણ કરાવવા માટે આપણાં આ લોકકવિએ પૂરી સજજતા પ્રાપ્ત કરી છે. કલકત્તાની એલ્યુમિનિયમની કંપનીમાં કામ કરતા કરતા કલકત્તાની બજારોમાં સાઇનબોર્ડ વાંચી વાંચીને આપણા કવિ બંગાળીનો પરિચય મેળવવા લાગ્યા. બંગાળી ભાષામાં ભજવાતા નાટકો તથા બ્રહ્મો સમાજની બેઠકોમાં હાજર રહીને તેઓ બંગાળી ભાષાની ખૂબી, તેનું સૌંદર્ય સમજતા થયા. કલકત્તાનું આ ત્રણેક વર્ષનું રોકાણ વિધિની કોઇ ચોકકસ યોજના મુજબનું જ હશે. એમ ન હોત તો મહા કવિ ટાગોરની રચનાઓનો સુંદરતમ આસ્વાદ આપણાં સુધી કેવી રીતે પહોંચી શકત? કાલિદાસ, ભવભૂતિ અને જયદેવ જેવા મહાકવિઓની હરોળમાં બેસી શકે તેવા ગુરુદેવ ટાગોરના કાવ્યોને આપણી ભાષામાં લાવવાનું કાર્ય એ કદાચ મેઘાણીભાઇના અનેક ઉત્તમ કાર્યો પૈકીનું એક અગ્રજ કાર્ય છે. શાંતિનિકેનથી મેઘાણીભાઇના સ્નેહી દલપતભાઇ કોઠારીએ ‘‘સંચયિતા’’ નામનો કવિવરનો કાવ્ય સંગ્રહ તેમને મોકલ્યો તે દિવસથી જ આ કાવ્યોને પોતાની માતૃભાષામાં લઇ જવાનો સંકલ્પ મેઘાણીભાઇએ કરી લીધો! ઉપરાંત ‘‘સંચયિતા’’ માં જેનો સંગ્રહ થયો છે તે રચનાઓને ગુરુદેવે જાતે પણ પ્રમાણિત કરેલી છે. ‘‘સંચયિતા’’ નું પરિશીલન કવિએ કર્યું તેનું જવલંત પરિણામ પણ જોવા મળ્યું. પરભોમની આ કૃતિઓનું સુયોગ્ય અવતરણ એ એક પડકારરૂપ કાર્ય હતું. મેઘાણીભાઇ લખે છે કે આ અનુવાદિત રચનાઓ વાંચનારને પરકીયતાનો ભાવ પેદા નહિ થાય. કારણ કે તેની મૂળ કૃતિઓને આત્મસાત કર્યા પછી જ તેમણે નવલો અવતાર ધારણ કરેલો છે. મૂળ રચનાઓની સર્વજનગ્રાહિતા જાણે કે આબેહૂબ અનુવાદિત રચનાઓમાં પણ ઉતરી છે. ટૂંકા આયખામાં આ વિરાટ પગલું માંડીને મેઘાણીએ સમાજને સદા-સર્વદા માટે રૂણી બનાવ્યો છે. આથી જ પ્રાધ્યાપક દાવરે આ અનુવાદિત રચનાઓને ‘ટ્રાન્સલેશન’ નહિ પણ ‘ટ્રન્સફયુઝન’ કહી છે. અસલ કૃતિને હૈયામાં એકાકાર કરીને સર્જન કરેલ આ નવી કૃતિઓ છે. આ કૃતિઓની પોતાના કાવ્યત્વની એક આગવી તથા સ્વતંત્ર છટા છે.
ઝાકળના બિંન્દુની આ વેદના તો સાંભળોઃ
ઝાકળના પણીનું બીન્દુ
એકલવાયું બેઠું‘તું.
એકલવાયું બેઠું તું ને
સુરજ સામે જોતું તું.
સુરજ સામે જોતું તું ને
ઝીણું ઝીણું રોતું તું
સુરજ ભૈયા! સૂરજ ભૈયા!
હું છું ઝીણું જલબિન્દું,
મુજ હૈયે તમને પધરાવું .
શી રીતે હે જગ બંધુ!
નાના એવા ઝાકળબિંદુના હૈયામાંથી ઉગેલા આ ભાવને ઝીલીને સમગ્ર સૃષ્ટિના તિમિરનું હરણ કરનાર મહાદેવ સૂર્ય કેવો ભાવુક જવાબ આપે છે!
જલબિંદુ હે જલબિંદુ!
ઓ નાજુક ઝાકળ બિંદુ!
સૂરજ બોલેઃ સુણ બંધુ!
તુજ સરીખો નાનકડો થૈને,
તુજ અંતરમાં આસન લૈને,
ઇન્દ્રધનુની રમતો રમવા
આવીશ, હે બિંન્દુ!
અને પછી…
હસતે મૂખડે સૂરજરાણાં
જલબિંન્દુમાં જઇ સમાણાં
રુદનભર્યા જીવતરના ગાણાં
ગાઇ રહ્યું ઝાકળ બિંદુ!
લગભગ પોણી સદી પહેલાં રચાયેલી આ અમર રચનામાં સૂર્યની વિશાળતા સાથે ઉદારતા અને ઝાકળ બિંન્દુના પ્રેમની બાળ સહજ ઉત્કટતા કેવી સોળે કાળાયે ખીલી ઉઠી છે!
આપણાં લોક કવિ મેઘાણી જીવન પર્યત સતત કર્મશીલ રહ્યા છે. સૌરાષ્ટ્ર કચ્છના ગામડે ગામડે, નેસડે નેસડે તેમણે કરેલી રજળપાટના પરિણામે જ એક લુપ્ત થતા જતા બળુકા તથા સત્વવાળા સાહિત્યનું સુયોગ્ય દસ્તાવેજીકારણ થઇ શકયું. આ માત્ર સાહિત્ય ન હતુ, જીવતા જીવનના ધબકાર તેમાં સર્વત્ર વેરાયેલા હતા. મેઘાણીભાઇના કર્મપરાયણ જીવે જ કવિગુરુની મૂળ રચનાનો સુંદર યાદગાર ભાવનુવાદ ખૂબીપૂર્વક કર્યો હશે!
અસ્તા જાતા રવિ પૂછતા અવનિને,
સારશો કોણ કર્તવ્ય મારાં!
સાંભળી પ્રશ્ન એ સ્તબ્ધ ઉભાં સહુ,
મોં પડયા સર્વના સાવ કાળાં.
તે સમે કોડિયું એક માટી તણું
ભીડને કોક ખૂણેથી બોલ્યુઃ
મામુલી જેટલી મારી ત્રેવડ પ્રભુ!
એટલું સોંપજો, તો કરીશ હું’’
આત્મશ્રધ્ધા તથા નિજગૌરવનો આવો અનોખો ભાવ જે કોડિયામાં પ્રગટેલો દેખાય છે તેવું જ દિવ્ય કર્તવ્યપરાયણ જીવન આંખના પલકારાની જેમ વ્યતિત કરીને મેઘાણીભાઇએ કાયમી ગામતરુ કર્યું. કલકત્તાથી આવ્યા પછી માત્ર અઢી દાયકા જેટલા ટૂંકા આયખામાં આ કવિ સૈકાનું કામ કરીને ગયા. અનુવાદીત કાવ્યો હોય, કથાગીતો હોય, ચારણી શૈલીના રૂતુગીતો હોય કે સતી અને શૂરની રસધારા હોય આ દરેકે દરેક પાસાને સ્પર્શ કરીને પોતાની આગવી છાપ મૂકીને ગયા.
ઓગષ્ટ મહિનાની આવતી ર૮ મી તારીખે શ્રાવણના આ પવિત્ર માસમાં ભકિત સાથે સાથે મેઘાણીભાઇના અનેક પ્રકારના ગદ્ય તથા પદ્ય સાહિત્યની સ્મૃતિ તાજી કરીને કવિની જન્મ જયંતિ ઉજવીએ તો એ આપણો નિજાનંદ જરૂર વધારશે.
***
Leave a comment