ફરી આ વર્ષે પણ ૨૦૧૩ ના જૂન મહિનાની પાંચમી તારીખે વિશ્વ પર્યાવરણ દિવસ આવીને ગયો. લોકોનું ધ્યાન પર્યાવરણની જાળવણી તરફ જાય તેવા પ્રયાસો અનેક સંસ્થાઓ – લોકોએ કર્યા. આખરે તો વ્યકિતગત ચેતનાના દિવડાઓ ભલે નાના ખૂણાને અજવાળે પરંતુ તેનું મૂલ્ય સહેજ પણ ઓછું કે ઉતરતું નથી. વ્યકિતગત ચેતના થકી જ સામુહિક ચેતનાના વ્યાપક ખ્યાલ સુધી પહોંચી શકાય. આ દિવસે પ્રસિધ્ધ થયેલા અહેવાલોમાં સાબરકાંઠામાં પ્રાથમિક શિક્ષક તરીકે કાર્ય કરતાં ભાઇશ્રી રામભાઇ ચારણની વિગતો જોઇને થયું કે કોઇપણ કાર્યમાં નિષ્ઠાથી પ્રયાસો કરીએ તો સમાજમાં એક વાતાવરણનું નિર્માણ જરૂર થાય છે. આવા કાર્યો કોઇપણ ક્ષેત્રમાં કાર્ય કરતી વ્યકિત કરી શકે તેવું પણ રામભાઇનું દ્રષ્ટાંત જોતાં લાગે છે. એક કુદરતી રીતે જ વ્યકિતગત શોખને કારણે તેઓ આ કાર્ય સ્વેચ્છાએ કરે છે. જયારે તેઓ અખબારોમાં મૃત્યુનોંધ જુએ છે ત્યારે તેમાંથી વિગતો મેળવીને તેઓ જે તે કુટુંબને આ દુ:ખદ પ્રસંગ નિમીત્તે સાંત્વના પાઠવતો પત્ર લખે છે અને જેમનો સ્વર્ગવાસ થયો છે તેની સ્મૃતિમાં એક વૃક્ષનું વાવેતર કરવા માટે ભારપૂર્વક વિનંતી કરે છે. આજ રીતે લગ્નપ્રસંગ કે જન્મદિવસના સમાચારોની વિગતો એકઠી કરી તેમને પણ અભિનંદન આપીને એકાદ છોડ લગાવવા સૂચવે છે. ૧૯૮૫ થી આજ સુધીમાં તેમણે ૪૦૦૦૦ થી વધારે પત્રો લખ્યા છે. તેઓ કહે છે કે રોજના લગભગ પાંચ પત્રો તેઓ લખતા હોય છે. ગુજરાત વિદ્યાપીઠના પોતે વિદ્યાર્થી એટલે સામાજીક બાબતોમાં નિસબત હોય એ સ્વાભાવિક ગણાય. દર મહિને ઓછામાં ઓછા ૧૦૦ વૃક્ષો વાવવા માટે તો લોકોને પ્રેરિત કરવા જ તેવું લક્ષ રાખીને રામભાઇ આ તપશ્ચર્યા મૂંગા મોઢે કર્યા કરે છે. તેમણે લખેલા પત્રોના જવાબો પણ ઘણાં કિસ્સામાં તેમને મળે છે. ઉત્સાહજનક પ્રતિભાવ જોઇને તેમનો કાર્ય કરવા માટેનો ઉમંગ બેવડાય છે. પર્યાવરણના ક્ષેત્રમાં કાર્ય કરતી અમદાવાદની પ્રતિષ્ઠિત સંસ્થા ‘‘સૃષ્ટિ’’ તરફથી તેમના કાર્યનું દસ્તાવેજીકરણ કરવામાં આવેલું છે અને આ સંસ્થા તરફથી રામભાઇનું સન્માન કરીને તેમની કામગીરીને બિરદાવવામાં આવી છે. રામભાઇએ પકડેલી મશાલના અજવાળે આપણે સૌ પણ એકાદ પગલું માંડવાનો પ્રયાસ કરીએ તો કેવું ? પર્યાવરણની જાળવણી આખરે તો આપણી સામાજીક જવાબદારી છે. આપણાં મૂર્ધન્ય કવિ ઉમાશંકર જોશીને યાદ કરીએ.
વિશાળ જગ વિસ્તારે
નથી એકજ માનવી
પશુ છે પંખી છે પુષ્પો
વનોની છે વનસ્પતિ !
પ્રકૃતિમાં રમંતા એ દુભાશે જો દિલે
શાંતિની સ્વપ્નછાંયાએ કદી માનવને મળે ?
એક શિક્ષકની આવી સાધના જોઇને દિલમાં ઉજળા ભવિષ્યની શ્રધ્ધા જાગે છે. શિક્ષણ સમગ્રપણે જીવનના દરેક પાસાને આવરી લેતું સર્વગ્રાહી – સર્વવ્યાપી બને તે આજની જરૂરિયાત છે. એક પ્રસંગ વાંચ્યો છે કે સમર્પિત કેળવણીકાર નાનાભાઇ ભટ્ટ ગ્રામ્ય કેળવણીના વિકાસ માટે લોકભારતી સંસ્થાની સ્થાપના કરે છે ત્યારે તેના શુભમુહુર્તે ખેડાયેલા ખેતરના ઢેફા ભાંગીને તેને સમથળ બનાવે છે ! ભૂમિપૂજનની કેવી અનોખી રીત ! અંતે તો શિક્ષણનો તાર જીવાતા જીવન સાથે જોડાયેલો હોવો જોઇએ તે વાત નાનાભાઇ કે દર્શક બરાબર સમજતા હતા. આપણે આજની કેળવણીને થોડી વિશેષ જીવનલક્ષી ન બનાવી શકીએ ? સમાજ તો તેનું શુભ પરિણામ જોશે ત્યારે માનશે અને પછી તેનો આદર પણ કરશેજ.
પ્રવેશ મહોત્સવ કે ગુણોત્સવ સમયે પ્રાથમિક શાળાઓમાં જવાનું થાય ત્યારે તેની વિશેષ સારી માળખાકીય વ્યવસ્થા જોઇને સંતોષ થાય છે. પરંતુ પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા જોઇને ઘણા કિસ્સાઓમાં ચિંતા પણ થાય છે. ગુણવત્તામાં ઝડપી તથા અસરકાર સુધારો કરવો તે આપણી પ્રથમ અગ્રતા બને છે. સમાજ અને વ્યવસ્થાતંત્રે પણ આ માટે વિશેષ સંવેદનશીલતા બતાવવી પડશે. પરંતુ આખરે તો, પ્રાથમિક શિક્ષકોના મજબૂત ખંભાઓ ઉપર આ કાર્યનો વિશેષ ભાર રહે છે.
આપણી ભાવી પેઢીઓના માધ્યમથીજ દેશને પ્રગતિના ઉચ્ચત્તમ શિખરો પર લઇ જઇ શકાશે. આવો, આપણે સૌ સામુહિક રીતે આ યજ્ઞ કાર્યમાં જોડાઇને સ્વેચ્છાએ આપણું યોગદાન આપીએ. આ મશાલ આપણેજ પકડવી પડશે, રસ્તો બતાવવો પડશે.
વી. એસ. ગઢવી
પ્લોટ નં.૧૧૫/૨,
સેકટર નં.ર/એ,
ગાંધીનગર.
Leave a comment