શ્રી હેમુ ગઢવીના સુપુત્રો બીહારી ભાઇ તથા રાજેન્દ્રભાઇ અને ભાઇ શ્રી યોગેશ બોક્ષા હેમુ ગઢવીની ૪૭ મી પુણ્યતિથિના કાર્યક્રમ અંગેનું નિમંત્રણ આપવા માટે આવ્યા ત્યારે આનંદ થયો. પરંતુ કાર્યક્રમના સ્થળ માટે જી.એમ.ડી.સી. ના બીલ્ડીંગની પાસેજ આવેલ યુનિવર્સિટીના હોલની પસંદગી કરી છે તેમ તેમણે જણાવ્યું ત્યારે મનમાં સહજ રીતે જ એક પ્રશ્ન ઉપસ્થિત થયો. યુનિવર્સિટીના આ હોલની ક્ષમતા મોટી છે લગભગ અઢી હજાર પ્રેક્ષકોને સમાવી શકાય તેવી સવલત સાથેના આ આધુનિક હોલમાં હેમુભાઇનો શ્રધ્ધાંજલીનો કાર્યક્રમ રાખ્યો છે અને અમદાવાદ શહેરના આ વિસ્તારમાં આટલા પ્રેક્ષકો આવે ખરા? આયોજક ભાઇઓને એવો અડગ વિશ્વાસ કે હેમુભાઇના પ્રશંસકો-ચાહકો દૂરથી પણ આવશે. વીસમી ઓગસ્ટ, ર૦૧ર નો એ દિવસ સાંસ્કૃતિક કાર્યક્રમોની શૃંખલામાં શિરમોર સમાન પુરવાર થયો. યુનિવર્સિટીના હોલમાં પ્રેક્ષકોની વિશાળ હાજરી માત્ર નહિ પરંતુ હેમુ ગઢવીના ચાહકોનુ ઘોડાપુર આવ્યું હતું. તમામ ખૂરશીઓતો કાર્યક્રમની શરૂઆત થઇ તે પહેલાં ભરાઇ ગઇ અને પાછળથી સહેજ મોડા આવનાર પ્રેક્ષકોએ પણ સાઇડમાં કે વચ્ચે જયાં જેટલી, જેવી જગા મળી તે હરખભેર સ્વીકારીને કામણગારા કંઠના આ કસબીને બીરદાવવા માટે પૂરતી શિસ્ત જાળવીને બેસી રહ્યા. આ દૃશ્્ય તથા તેની સ્મૃતિ ઘણાના મનમાં રહી અને હજુ પણ તેનો ઉલ્લેખ થયા કરે છે.
માત્ર સાડા ત્રણ દાયકાનું સુરીલુ જીવન જીવી જનાર આ દિગ્ગજ કલાકારની સ્મૃતિમાં તેના દેહાવસાન બાદ સાડાચાર દાયકા પછી પણ એક મોટા શહેરમાં વસતા લોકો આટલી મોટી સંખ્યામાં સ્વયંભૂ ઉપસ્થિત થાય તે સાહિત્ય જગતની એક નોંધપત્ર ઘટના છે. આજે પણ હેમુભાઇનો આ સ્વર ક્ષીણ થયો નથી પરંતુ વધારે રેલાતો અને ઝીલાતો થયો હોય તેમ લાગ્યા કરે છે. ઓલ ઇન્ડીયા રેડીયો પાસે હેમુ ગઢવીનું લગભગ ૯૦ કલાક સુધી નોન-સ્ટોપ વગાડી શકાય તેટલું વિશાળ તથા વ્યાપક રેકોર્ડિગ છે. હજુ પણ સૈારાષ્ટ્ર-કચ્છની ગ્રામ્ય સંસ્કૃતિ સાથે અભિન્ન રીતે વણાયેલા લોક મેળાઓમાં હેમુ ગઢવીના સુમધુર સ્વરો અખંડ ગૂંજતા રહેલા જોવા મળે છે. ‘ ખમ્મા મારા નંદજીના લાલ ’ કે ‘ હાલો માનવીયું મેળે ’ જેવા અમર લોક ગીતો અબાલ વૃધ્ધ સૈા મન ભરીને માણે છે.
મેધાણીભાઇએ લોક સાહિત્યના ભેખધારી બનીને ધૂળધોયાનુ કામ કર્યુ. ગામડે–ગામડે, નેસડે-નેસડે રઝળપાટ કરીને તેમણે ધરતીના અમીરૂપ આ સાહિત્યનું કાળજીપુર્વક સિંચન કર્યુ તથા દસ્તાવેજી–કરણ કરીને જગતના ચોકમાં તરતુ મૂકયું. દુનિયા ભરના લોકો આ સાહિત્યના સત્વથી આકર્ષાયા અને તેનાથી મુગ્ધ બન્યા. ગોપ-ગોવાળના ગીતો, ભકતોના તંબુર સાથે એકતાલ થઇને ભાંગતી રાતે ગવાતા ભજનો કે સાંસારિક સબંધોના મધૂર છતાં અટપટા તાણાંવાણાંને વ્યકત કરતા, ઉકેલતા લોકગીતોનો માત્ર ઉમંગ તથા ઉલ્લાસ જ નહિ પરંતુ તેમાં છૂપાયેલી વેદનાની વાતોને પણ કાળજીપુર્વક માવજતથી હેમુ ગઢવીએ ભાવકો સમક્ષ ધરી.
આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર શરૂ થયું ત્યારે તેના ઉછેર માટે જેમની નિમણૂંક થઇ હતી તે લોકો માત્ર નોકરી નહોતા કરતા. તેઓ સાહિત્યનો સુમધૂર રસથાળ હજારો-લાખો શ્રોતાઓ સુધી સાતત્યપૂર્ણ ઢબે તેમજ મૂળ સ્વરૂપથી વિકૃત થયા સિવાય પહોંચે તેવું જાતે સ્વીકારેલુ મિશન લઇને પોતાનું કામ દિપાવતા હતા. શ્રી ગિજુભાઇ વ્યાસ હોય કે ચંદ્રકાન્ત ભટૃ હોય, એ સૈા પોતનું કામ ઉપાસના સમજીને કરતા હતા. આવા પુણ્યશ્લોક લોકોના ઉજળા પ્રતાપે મેધાણીભાઇના મોંઘેરા સંપાદનને આકાશવાણીના સબળ માધ્યમથી લોકો માણવા લાગ્યા, બીરદાવવા લાગ્યા. ઉમદા તથા જાનદાર સાહિત્ય, મધૂર કંઠ તથા માધ્યમની અસરકારકતાના ત્રિવેણી સંગમનો આ ઇશ્વર પ્રેરીત સુયોગ હતો. ‘‘ ગામનો ચોરો ’’ નામના લોકપ્રિય કાર્યક્રમમાં હેમુ ગઢવી સાથે શ્રી અરવિંદ ધોળકીયાને પણ યાદ કરીને જાણીતા સાહિત્યકાર શ્રી દોલતભાઇ ભટૃ તેના સંસ્મરણોને અવારનવાર વાગોળતા રહે છે. ૧૯૬ર ના યુધ્ધ પછી જન જાગૃતિ ઉભી કરવાના ભગીરથ કામમાં પણ હેમુ ગઢવી અગ્રસ્થાને રહ્યા. મૂળ નાટકના આ જીવે સ્ટેજ કાર્યક્રમો કરીને લોકોને મંત્રમુગ્ધ કર્યા. કેટલાયે એવોર્ડથી હેમુ ગઢવી વિભૂષિત થયા પરંતુ ખરુ રાજતિલક તો તેમને તેમના શ્રોતાઓએ હરદય સિહાસન પર બેસારીને કર્યું જે એક દૂર્લભ ઘટના હતી. લોકો સાથેના – સંબંધોમાં હેમુભાઇના દિલમાં કેવી ભીનાશ હતી તેની વાતો આપણા સુપ્રસિધ્ધ લોકસાહિત્યકાર શ્રી ભીખુદાનભાઇ ગઢવી જયારે કરતા હોય ત્યારે આટલા વર્ષો પછી પણ શ્રોતાઓ લાગણીભીના બને છે. હેમુભાઇ સાથે રેડિયો નાટકમાં જેમણે કામ કરેલુ તેવા જૈફ ઉમ્મરના શ્રી અમુલખ ભટૃની આંખોમાં આજે પણ હેમુ ગઢવીની વાત કરતાં ચમક આવી જાય છે. કંઠના કસબીએ સામાજિક સંબંધો પણ કેવા બાંધ્યા હશે ! પંખીના માળા જેવા ઢાંકણીયા ગામમાં ખેડૂત પિતાના ધેર જન્મ લઇને કલાની રસસ્વતીની સાધનાના બળે માત્ર થોડાજ વર્ષોમાં પ્રસિધ્ધ થયા તેમજ અનેરી લોકપ્રિયતાના ઉચ્ચતમ શિખરો સર કરીને આંખના પલકારામાં જગતના તખ્તાને આવજો કહેનાર હેમુભાઇએ ગુજરાતીઓના દિલમાં કાયમી સ્થાન અને માન મેળવ્યા છે. લોકસાહિત્યમાં ભણતરના નહિ પરંતુ કોઠાસૂઝ, ધગશ તથા પ્રતિબધ્ધતાને કારણે પ્રાથમિક શાળાનો અભ્યાસ માંડમાંડ પૂરો કરનાર આ કસબી રજૂઆતની એક અનોખી શૈલીની સ્થાપના કરીને ગયો. કવિ દાદે યોગ્ય રીતે જ લખ્યુ છે.
મોંધા મૂલી સૈારાષ્ટ્રની રસધાર જે રચતો ગયો,
ઇ કલમની વાચા બની તુ ગીતડાં ગાતો ગયો,
એ લોકઢાળો પરજના કોઇ ‘દાદ’ કંઠે ધારશે,
તે વખત આ ગુજરાતને યાદ હેમુ આવશે.
મેધાણીભાઇના સાહિત્યનો રસથાળ હેમુ ગઢવીએ દિલ રેડીને પીરસ્યો અને લોકોએ તેના ઝાઝેરા વધામણાં કર્યા. દુહા- છંદની રજૂઆતની તેમની શૈલી એક લેન્ડમાર્ક બની રહી. આજે પણ તેની જોડ મળવી મુશ્કેલ છે.
આ માસની વીસમી તારીખે જામનગર મુકામે યુવાનોનું જૂથ શ્રી અશ્વિનભાઇ તથા શ્રી શૈલેશભાઇના માર્ગદર્શન હેઠળ મોટા લોક સમુહની શુભેચ્છાઓ સાથે સ્મરણાંજલીનો કાર્યક્રમ કરશે ત્યારે ફરી આ ગહેકતા મોરલાની મીઠી યાદ તાજી થશે. મેધાણીભાઇ તથા હેમુભાઇની સ્મૃતિમાં ઓગસ્ટ માસમાં થતા અનેક કાર્યક્રમો તેમની અખૂટ લોકપ્રિયતાનું પ્રમાણ આજે પણ આપે છે. જન્માષ્ટમીના દિવસેજ ગેબી રાસ ગરબાને પોતાના મીઠા સૂરનો લાભ દેવા આ ભાતીગળ વ્યકિતત્વે કાયમી વિદાય ભલે લીધી પરંતુ લોક હદયમાં તેમણે લીધેલુ સ્થાન આજે પણ એટલું જ જીવંત છે.
હીરો ખોયો હાથથી, નહિ વાવડ, નહિ વાત,
હેમુની હલક હાલી ગઇ, એનો જીવનભર આધાત .
(શ્રી કરણીદાન ઇસરાણી)
***

Leave a comment