રાજય સરકાર તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર સ્થાપવાના નિર્ણયોનું પરીણામલક્ષી આયોજન મહદ્ અંશે સફળ થયું છે તેવી સર્વ સામાન્ય લાગણી ઉદેપુર ખાતે જૂન-ર૦૧૩ માં યોજાયેલ સાહિત્ય સંગોષ્ટિમાં પ્રવર્તતી હતી. આ બાબત એટલા માટે ચર્ચામાં આવી કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતી ર્ડા. પાડલીયાએ છેલ્લા એકાદ વર્ષમાં કેન્દ્ર તરફથી હાથ ધરવામાં આવેલા કાર્યક્રમોનો ઉજળો હિસાબ ગુજરાત તેમજ રાજસ્થાનના ગણમાન્ય સાહિત્યકારો સમક્ષ ઉદેપુરમાં ઉપરોકત સંગોષ્ઠિ દરમિયાન રજૂ કર્યો. મેઘાણી લોક સાહિત્ય કેન્દ્ર રાજકોટની શુભ શરૂઆત રાજય સરકારની ઉદાર નાણાંકીય સહાય તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અમલીકરણની નિષ્ઠા સાથે થઇ. પ્રસિધ્ધ કથાકાર પૂ. મોરારીબાપુના કરકમળોથી આ કેન્દ્રનો ગરિમાયુકત શુભારંભ રાજકોટ ખાતે હજુ ગઇકાલેજ થયો હોય તેવી પ્રતિતિ થાય છે. આમ છતાં છેલ્લા બાર – પંદર માસના ગાળામાં કેન્દ્ર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અસરકારક તથા પ્રભાવી રહી છે.
સૌરાષ્ટ્રની અમૂલ્ય સાંસ્કૃત્તિક વિરાસતની જાળવણી તથા તેનું સમુચિત સંવર્ધન કરવાના બેવડા હેતુથી આ કેન્દ્રની શરૂઆત કરવામાં આવી.
આપણાં મહાવિદ્યાલયો શિક્ષણના પાયાના કાર્યને પૂરતો ન્યાય આપે તે તો સ્વાભાવિક રીતેજ અપેક્ષિત છે. પરંતુ આટલેથી સરસ્વતી સાધનાની સાર્વત્રિક કલ્પનાનું ઇતિશ્રી થતું નથી. જે વિસ્તારમાં આ વિદ્યાલયો વિદ્યાની ઉપાસનાનું કાર્ય કરે છે તે વિસ્તારના લોકોની સંસ્કૃતિ તેમજ સામાજિક નિસબતના કામોમાં પણ તેમનું સક્રિય યોગદાન રહે તે પણ ઇચ્છનિય છે. શૈક્ષણિક બાબતો તથા સામાજિક રીતે મહત્વ ધરાવતી બાબતોને કેન્દ્રમાં રાખીને વર્ષો પહેલા મુંબઇ યુનિવર્સિટીએ શરૂ કરેલી વસનજી માધવજી ઠકરાર વ્યાખ્યાનમાળા તેનું એક જવલંત ઉદાહરણ છે. આ વ્યાખ્યાનમાળામાંજ લોકસાહિત્યની અદભૂત વાતો પોતાની આગવી અને છટાદાર શૈલિમાં કરીને મેઘાણીભાઇએ સાહિત્યના સુવર્ણ કળશનું દર્શન મુંબઇગરાઓને ભરપેટ કરાવ્યું હતું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પણ આ બાબતમાં શરૂઆતથીજ જાગૃત તથા સક્રિય રહી છે. પુણ્યશ્લોક કુલપતિ શ્રી ડોલરરાય માંકડની આજીવન વિદ્યા પ્રીતિને કારણે લોકસાહિત્ય – ચારણી સાહિત્યની જાળવણી તથા સંવર્ધન માટે ઘણાં નોંધપાત્ર તથા લાંબાગાળાની અસર રહે તેવા પ્રયાસો થયા. ચારણી સાહિત્યની અમૂલ્ય હસ્તપ્રતો એકઠી કરવામાં માંકડ સાહેબની દીર્ઘદ્રષ્ટિ તેમજ શ્રી રતુભાઇ રોહડીયાની અથાક રઝળપાટ મહત્વનું નીમીત્ત બની તેથીજ આ કાર્ય થઇ શકયું.
આપણાં સાહિત્યનો અમૂલ્ય વારસો લોકો સુધી પહોંચે અને ખાસ કરીને યુવાનોને પણ તેના સત્યથી માહિતગાર કરી શકાય તો સાહિત્ય પ્રચાર-પ્રસારની બાબતને સાર્થક ગણી શકાય. મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર તરફથી આ બાબતને પ્રથમથીજ સવિશેષ મહત્વ આપવામાં આવ્યું અને સાહિત્યની ધારા કોલેજોના વિદ્યાર્થીઓ સમક્ષ લઇ જવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો. અમદાવાદની સુવિખ્યાત સંસ્થા ભો.જે.વિદ્યાભવનના સહયોગથી ગુજરાતના સંતો અને કવિઓનું સ્વાતંત્ર્ય, ચળવળ તથા સમાજોત્થાનમાં સહયોગ જેવા વિષયને લઇને જે સેમીનારનું આયોજન થયું તે એક ઉદાહરણ છે. શૈક્ષણિક સંસ્થાઓને જોડીને આવા કાર્યક્રમો જયાં જયાં યોજવામાં આવ્યા ત્યાં અધ્યાપકો તથા યુવાન વિદ્યાર્થીઓ ખૂબજ રસપૂર્વક તેમાં જોડાયા તથા તેમની દ્રષ્ટિ આ પ્રકારના આપણાં અમૂલ્ય વારસા તરફ ગઇ. કોલેજોના યુવાન વિદ્યાર્થીઓના ઉત્સાહી પ્રતિસાદનો અનુભવ કેન્દ્રના તથા કોલેજના સંચાલકોને થયો. આ પ્રકારના કાર્યક્રમો ડીસા (જિ.બનાસકાંઠા), સુરત, જૂનાગઢ, વલ્લભવિદ્યાનગર, ભુજ (કચ્છ) વગેરે અનેક જગાઓએ થયો અને યુવાન છાત્રોએ તેને હરખભેર વધાવ્યો એ મહત્વની તથા પ્રોત્સાહક ઘટના છે. કોઇપણ સાહિત્યની ધારાને ટકાવવી હોય, અખંડ રાખવી હોય તો આપણી યુવાન પેઢીને તેની તરફ વાળવાના સભાનતાપૂર્વકના પ્રયાસો થવા જરૂરી છે. એકવખત આ સાહિત્યનું પ્રાથમિક દર્શન વિદ્યાર્થીઓને થાય તો આ સાહિત્યમાંજ એવી તાકાત છે કે તેના વિશેષ અભ્યાસ માટે યુવાનોને જીજ્ઞાસા થશે. તે રીતે સાહિત્યની ચિરંજીવીતા વધતી રહેશે. મેઘાણીભાઇએ આજ બાબતની નોંધ ખૂબ સંતોષપૂર્વક લીધી છે કે તેમની રચનાઓને યુવાનોએ વધાવી છે અને તેથીજ કવિ તે હકીકતને પોતાનું સર્વોચ્ચ સન્માન ગણે છે. વલસાડની જે.પી.શ્રોફ આર્ટસ કોલેજ સાથે મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર તરફથી જે કાર્યક્રમ થયો તેમાં તો શ્રી ઝવેરચંદ મેઘાણી પર કે કવિ શ્રી કાગ ઉપર સંશોધન કરનાર કોઇપણ છાત્રને નોંધપાત્ર નાણાંકીય અનુદાન આપીને પ્રોત્સાહન પૂરું પાડવાની જાહેરાત કરવામાં આવી. આમ ખરા અર્થમાં લોકસાહિત્યના જૂદા જૂદા સ્વરૂપોને તેની ખૂબીઓ સહિત ગુજરાતના વિવિધ પ્રદેશોમાં લઇ જવાનું અગત્યનું કાર્ય મેઘાણી કેન્દ્ર તરફથી છેલ્લાએક વર્ષમાં ખૂબજ અસરકારક રીતે કરવામાં આવ્યું તેમ કહી શકાય. આગામી સમયમાં પણ પ્રસારના અલગ અલગ માધ્યમોથી આ પ્રવૃત્તિને વિશેષ ગતિ આપવામાં આવે તેવા આયોજનની અપેક્ષા રહે છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે જે અમૂલ્ય હસ્તપ્રતો પડેલી છે તેની યોગ્ય જાળવણી તેમજ સંશોધકો તેનો ઉપયોગ કરી શકે તેવા સ્વરૂપમાં રૂપાંતરની જરૂરિયાત લાંબા સમયથી પ્રતિત થતી હતી. ઘણાં લોકોની લાગણી પણ આ બાબતમાં હતી જે આ સાહિત્યના અવિરત ખેંચાણને સ્પષ્ટ કરે છે. આ બધી હસ્તપ્રતોનું ડીજીટલાઇઝેશનનું કામ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર તરફથી શરૂ કરવામાં આવ્યું અને છેલ્લી માહિતી પ્રમાણે નોંધપાત્ર માત્રામાં આ કાર્ય પૂરું પણ કરવામાં આવ્યું છે. આ બાબત લાંબાગાળાના દ્રષ્ટિકોણથી ખૂબજ અગત્યની તથા ઉપયોગી પુરવાર થશે તે નિ:શંક છે. આ હસ્તપ્રતોના અમૂલ્ય વારસાનું પવિત્ર આચમન આપણી ભાવિ પેઢીના ભાવકો તથા સંશોધકો લઇ શકે તે એક મહત્વની સિધ્ધિ લેખાશે.
આવીજ બીજી મહત્વની હકીકત એ ‘‘લોકગુર્જરી’’ ના પ્રકાશન અંગેની છે. આપણી સાહિત્ય અકાદમીએ આ પરંપરા લાંબા સમયથી શરૂ કરી છે તેને વિશેષ સમૃધ્ધ અને વ્યાપક બનાવવાનું કાર્ય મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર તરફથી સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે. લોકગુર્જરીનું પ્રકાશન ત્રિમાસિક ધોરણે કરીને લોસાહિત્યનો રસથાળતેના વાચકો સમક્ષ પ્રસ્તુત થાય છે જેનો પ્રતિભાવ પણ ખૂબ સારો મળ્યો છે. વિષયોની, લેખકોની કાળજીપૂર્વકની પસંદગીને કારણે આ બધા અંકો કાયમી ધોરણે સંદર્ભ તરીકે ઉપયોગી થાય તેવા સર્વગ્રાહી બનાવવાના પ્રયાસ થયા છે.
અનેકવિધ પ્રવૃત્તિઓનું ઉજળું સરવૈયું જોતાં મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર ખરા અર્થમાં તેની પ્રવૃત્તિથી મહત્વના પગલા ભરી શકયું છે તેમ ચોકકસ કહી શકાય. આ સાહિત્યમાં રસ લેનારા સૌ કોઇની વિશેષ અપેક્ષાઓ પણ કેન્દ્ર પાસે રહે છે પરંતુ ઉજળો પ્રારંભ અને સક્રિય પ્રયાસોથી આ કેન્દ્ર તેના હેતુઓને પાર પાડશે તેવી શ્રધ્ધા અને વિશ્વાસ જરૂર રાખી શકાય.
***
મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઇટ લીંકઃ
http://www.saurashtrauniversity.edu/UserSideSaurashtr_Dyanamic/Meghani_Sahitya_admin.aspx
Leave a comment