ઉર્મિનવરચનાના ભાતીગળ વિશેષાંકોઃ

લોકસાહિત્‍યના વિવિધ અંગો બાબતમાં અનેક સંશોધકો-વિદ્વાનોએ ખેડાણ કર્યુ છે જેની પ્રસાદી સ્‍વરૂપે લોકોના જીવનમાંથી જન્મેલા આ મહામૂલા સાહિત્‍ય તથા વિવિધ લોકકળાઓ બાબત સમાજને નોંધપાત્ર માહિતી મળી છે.  અન્‍ય સંશોધન કાર્યોથી કદાચ એક વાત અહીં અલગ તરી આવે છે કે આ સંશોધકોની ભરપુર રસવૃત્તિ તેમજ આ સાહિત્‍યના સ્‍વરૂપને કારણે ક્યારે પણ આવું સંશોધન શુષ્‍ક કે કંટાળાજનક બન્યું નથી. સમાજનો સામાન્‍યમાં સામાન્‍ય માનવી પણ તેનું આચમન લઇને તૃપ્‍તિનો ભાવ અનુભવે છે કારણકે સરળતા અને પ્રવાહિતા આ સાહિત્‍યના મુખ્‍ય લક્ષણો છે. સમાજજીવનમાંથી જેમ તેનું સર્જન થયું તેમ સમાજ થકી તેનું પોષણ થયું, સંવર્ધન થયું. વર્ષો પહેલાં ફોર્બ્સ સાહેબ તથા કવિશ્વર દલપતરામે આ સાહિત્‍યના ખેડાણ-સંશોધન તથા સંગ્રહ માટે પ્રસંશાપાત્ર કામગીરી કરી. જો કે અગાઉ થતા આ કાર્યમાં મેઘાણીભાઇના આગમન બાદ જાણે કે તીવ્ર ગતી-ઘોડાપુર આવ્‍યું.  આ પેઢી દર પેઢી સુધી કર્ણો-પ-કર્ણ કહેવાતી આ વાતો રસપ્રદ તથા સત્‍યશીલ તો હતી જ. આ વાતોમાંથી જ લોકસંસ્‍કૃતિનો એક આગવો મીજાજ પેદા થતો જોવા મળતો. પરંતુ તેના કૂશળતાપૂર્વકના દસ્‍તાવેજીકરણનો અભાવ હતો. જે કામ થતું હતું તેનું પ્રમાણ નજીવું હતું. મેઘાણીભાઇએ ઝોળી લઇને જે સતત પરિભ્રમણ કર્યું તેના પરિણામે ઘણાં વિશાળ સાહિત્‍ય ભંડારની ઉપલબ્‍ધિ  સમાજને થઇ. લગ્‍નગીતો હોય કે લોકગીતો હોય, તેની ખૂટતી કડીઓ મેળવીને સમાજને ચરણે ધરવાની હોંશ મેઘાણીભાઇના હૈયે હતી. તેનું પરીણામ પણ આવ્‍યું અને અનેક વાતો-ગીતો સચવાઇ ગયા. મેઘાણીભાઇની આ સમર્પિત રઝળપાટના પ્રસાદનો લાભ  સમાજને મળ્યો છે. લોકસાહિત્‍યને પ્રકૃતિ સાથે સીધો સંબંધ છે. પ્રકૃતિના રળીયામણા રંગો આ સાહિત્‍યમાં ભરપૂર ઝીલાયેલા જોવા મળે છે. પ્રકૃતિના ખોળે બેસીને જ આ સાહિત્‍યનું  સર્જન-સંવર્ધન થયું છે. પ્રકૃતિની વ્‍યાપક સૃષ્‍ટિમાં પ્રાણીઓ ખૂબજ મહત્‍વનું સ્‍થાન ધરાવે છે. આથી માનવ પણ  સૃષ્‍ટી તથા પ્રાણી સૃષ્‍ટીના પરસ્‍પરના સંબંધો તથા એકબીજા તરફનું અવલંબન સ્‍પષ્‍ટ છે તેમ જોઇ શકાય છે.

અશ્વ હોય, સિંહ હોય કે માનવજીવનમાં અમી સિંચન કરતા ગાય-ભેંસ-બળદ જેવા ધરેલું પ્રાણીઓ હોય તે તમામનું સ્‍થાન અને માન લોકસાહિત્‍યમાં ભરપૂર રીતે સચવાયા છે. આપણી ભાષાના ખૂબ મોટા ગજાના કવિ શ્રી ઉમાશંકર જોશીએ માનવીનો સમગ્ર સૃષ્‍ટીના પર્યાવરણ સાથે નો સંબંધ આલેખતા સુંદર શબ્દો લખ્‍યા છેઃ

વિશાળ આ જગ વિસ્‍તારે નથી એકજ માનવી

પશુ છે પંખી છે પુષ્‍પો, વનોની છે વનસ્‍પતિ !

           આપણાં લોકસાહિત્‍યમાં કોઇ લોકકવિએ શ્રીકંઠ દ્વારા રચિત સંસ્‍કૃત શ્લોકનું ખૂબ સરળ છતાં ચોટદાર શબ્દોમાં રૂપાંતર કરીને મૂળ શ્લોકોનો ભાવ પેદા કર્યો છે.

 સિંહ ગીરા, મઠ મંદિરા , નારી, નીર નરાં

ખ્‍યાતાં, બાતાં બંદરા, સોરઠ  સંત સરાં

        એક પ્રદેશની મોહક છબી ઉપસાવવામાં માત્ર ત્‍યાંના નિવાસી નર નારી મઠ મંદિરો જ નહીં પરંતુ સિંહો તથા સંતોના ગેોરવપૂર્ણ અસ્‍તિત્‍વ ને કારણે પ્રદેશની શોભાગરીમાં વિશેષ નીખરી છે તેમ કહીને પ્રકૃતિ સાથેના કાયમી તથા ઉષ્‍માપૂર્ણ સંબંધની વાત કરી છે.

          ઉર્મિનવરચના માસિકે લગભગ અઢી દાયકાના તેના યાદગાર પ્રવાસ દરમ્‍યાન લોકસાહિત્‍યના જ એક અભિન્‍ન મણકા સમાન પશુ-પ્રાણી-પ્રકૃતિની અનેક વાતો તેના સિધ્ધહસ્‍ત લેખકો પાસે લખાવી અને સમાજ ને આ મહામૂલી સામગ્રી ભેટ ધરી.

સેોરાષ્‍ટ્રની સંસ્કૃતિના જાણતલ અને સદા જાગૃત તથા અભ્‍યાસુ એવા જયમલ્લભાઇએ આ સામગ્રીને ગ્રંથસ્‍થ કરવા માટેના જે પ્રયાસો કર્યા તે પ્રસંશાને પાત્ર છે. ઘણી બધી એવી બાબતો કે વિગતો કે જે કંઠો-પ-કંઠ કહેવાતી હતી તે ગ્રંથસ્‍થ થતાં ભાવી પેઢીઓ સુધી તેનો લાભ વિસ્‍તરતો રહેશે.  આ પ્રયાસના જ એક ભાગરૂપે દર વર્ષે દીપોત્‍સવી પર્વ નિમિત્તે લોકસાહીત્‍યના કોઇ એક વિષયને કેન્‍દ્રમાં રાખીને તેના પર અભ્‍યાસપૂર્ણ વિશેષાંક પ્રગટ કરવાની જે પ્રથા હતી તેના કારણે કેટલાક લોકજીવનના ખૂબ મહત્‍વના વિષયો પર વિશેષાંકો થયાં. સમાજે આ પ્રયાસને ઉમળકાભેર વધાવી લીધો. આવા વિશેષાંકોમાં સ્‍વાભાવિક રીતે જ ૨૫ થી ૩૦ જેટલાં વિષયના જાણકાર તથા અનુભવી લેખકો પોતાની કૃતી રજૂ કરી શકતા હતાં. સિંહ કથાનો વિશેષાંક હોય કે પછી લોકકળા ના વિવિધ વિષયોની સામગ્રીને કાળજીપૂર્વક આવરી લેતો ખાસ અંક હોય,  તે દરેકમાં એકઠી થયેલ સામગ્રી મહત્‍વની છે. આ બધી બાબતો થકી એક સારા દસ્‍તાવેજીકરણનું કામ ઉર્મિનવરચનાના જાગૃત માધ્‍યમથી થયું. ફૂલછાબના માધ્‍યમથી મેઘાણીભાઇએ ઘણી પ્રગટ-અપ્રગટ લોકજીવન, લોકકળાઓ સાથે સંકળાયેલી બાબતો લોકો સમક્ષ ધરી. તેજ પ્રકારે જયમલ્લભાઇએ ઉર્મિનવરચના થકી એકનિષ્‍ઠાથી આ કાર્ય અઢી દાયકા સુધી ૧૯૬૭ થી ૧૯૯૧ દરમ્‍યાન નિયમીત રીતે કર્યુ. સેોરાષ્‍ટ્ની સંસ્‍કૃતિ કેટલીક રીતે વિશિષ્ઠ છે તેવું કહેવાય છે પરંતુ આ વિશિષ્‍ઠ બાબતો કઇ છે અને શા માટે તેને વિશિષ્‍ઠ કે અનોખી ગણીએ છીએ તેનો ખ્‍યાલ આપતું કાર્ય મહદઅંશે મેઘાણીભાઇએ અને ત્‍યારબાદ જયમલ્લભાઇ જેવા ધૂળધોયા લોકોએ કરી બતાવ્‍યુ. સદભાગ્‍યે જે લેખકોએ પોતાનું યોગદાન આ યશકાર્યમાં આપ્‍યું તેઓને આ વિષયનો માત્ર ઉપરચોટીયો કે પુસ્‍તકીયો પરિચય નથી. આ વિષયમાં આને તેને લગતી તમામ બાબતોમાં તેમનું જીવન ઓતપ્રોત હોવાથી તેની બારીક બાબતોને તેઓ ખૂબીપૂર્વક પકડી શકયા છે આને આપણી સમક્ષ મુકી શકયા છે. શ્રી મેઘાણીભાઇના ચીલે ચાલીને તેમણે ઉપડેલી બાબતોને વિશેષ આગળ વધારવામાં કે તેમાં અર્થપૂર્ણ પૂર્તિ કરવામાં જયમલ્લભાઇ, રાયચૂરાભાઇ તથા દૂલેરાય કારાણી જેવા લોકોએ સંપૂર્ણ નિષ્‍ઠા અને શ્રધ્ધાથી પ્રયાસો કર્યા છે. આવતીકાલે કોઇપણ જીગ્‍નાસુને માર્ગદર્શક બની શકે તેવા ઉર્મિના આ દરેક વિશેષાંકમાં ક્ષમતા છે. કોઇપણ વિષયની તલસ્‍પર્શી છણાવટ આવા અભ્‍યાસપૂર્ણ લેખોથી થાય તો તે ખરા અર્થમાં સરસ્‍વતીની ઉપાસના છે. સમાજજીવન તેનાથી હરિયાળુ બને છે.

*******

Leave a comment

Blog at WordPress.com.

Up ↑