ફરી આ વર્ષે પણ જૂન મહિનાની પાંચમી તારીખે વિશ્વ પર્યાવરણ દિવસ આવીને ગયો. લોકોનું ધ્યાન પર્યાવરણ ની જાળવણી તરફ જાય તેવા પ્રયાસો અનેક સંસ્થાઓ – લોકોએ કર્યા. આખરે તો વ્યક્તિગત ચેતનાના દિવડાઓ ભલે નાના ખૂણાને અજવાળે પરંતુ તેનું મૂલ્ય સહેજ પણ ઓછું કે ઉતરતું નથી. વ્યક્તિગત ચેતના થકી જ સામુહિક ચેતનાના વ્યાપક ખ્યાલ સુધી પહોંચી શકાય. આ દિવસે પ્રસિધ્ધ થયેલા અહેવાલોમાં સાબરકાંઠામાં પ્રાથમિક શિક્ષક તરીકે કાર્ય કરતા ભાઇશ્રી રામભાઇ ચારણની વિગતો જોઇને થયું કે કોઇ પણ કાર્યમાં નિષ્ઠાથી પ્રયાસો કરીએ તો સમાજમાં એક વાતાવારણનું નિર્માણ જરૂર થાય છે. આવા કાર્યો કોઇપણ ક્ષેત્રમાં કાર્ય કરતી વ્યક્તિ કરી શકે તેવું પણ રામભાઇનું દ્રષ્ટાંત જોતાં લાગે છે. એક કુદરતી રીતે જ વ્યક્તિગત શોખને કારણે તેઓ આ કાર્ય સ્વેચ્છાએ કરે છે. જ્યારે તેઓ અખબારોમાં મૃત્યુનોંધ જુએ છે ત્યારે તેમાંથી વિગતો મેળવીને તેઓ જે તે કુટુમ્બને આ દુખઃદ પ્રસંગ નીમીત્તે સાંત્વના પાઠવતો પત્ર લખે છે અને જેમનો સ્વર્ગવાસ થયો છે તેની સ્મૃતિમાં એક વૃક્ષનું વાવેતર કરવા માટે ભારપૂર્વક વિનંતી કરે છે. આજ રીતે લગ્નપ્રસંગ કે જન્મદિવસના સમાચારોની વિગતો એકઠી કરી તેમને પણ અભિનંદન આપીને એકાદ છોડ લગાવવા સૂચવે છે. ૧૯૮૫થી આજ સુધીમાં તેમણે ૪૦,૦૦૦ થી વધારે પત્રો લખ્યા છે ! તેઓ કહે છે કે રોજના લગભગ પાંચ પત્રો તેઓ લખતા હોય છે. ગુજરાત વિદ્યાપીઠના પોતે વિદ્યાર્થી એટલે સામાજીક બાબતોમાં નિસબત હોય એ સ્વાભાવિક ગણાય. દર મહિને ઓછામાં ઓછા ૧૦૦ વૃક્ષો વાવવા માટે તો લોકોને પ્રેરીત કરવાજ તેવું લક્ષ રાખીને રામભાઇ આ તપશ્ચર્યા મૂંગા મોઢે કર્યા કરે છે. તેમણે લખેલા પત્રોના જવાબો પણ ઘણાં કિસ્સામાં તેમને મળે છે. ઉત્સાહજનક પ્રતિભાવ જોઇને તેમનો કાર્ય કરવા માટેનો ઉમંગ બેવડાય છે. પર્યાવરણના ક્ષેત્રમાં કાર્ય કરતી અમદાવાદની પ્રતિષ્ઠીત સંસ્થા “સૃષ્ટી” તરફથી તેમના કાર્યનું દસ્તાવેજીકરણ કરવામાં આવેલું છે અને આ સંસ્થા તરફથી રામભાઇનું સન્માન કરીને તેમની કામગીરીને બીરદાવવામાં આવી છે. રામભાઇએ પકડેલી મશાલના અજવાળે આપણે સેો પણ એકાદ પગલું માંડવાનો પ્રયાસ કરીએ તો કેવું? પર્યાવરણ ની જાળવણી આખરે તો આપણી સામાજીક જવાબદારી છે. આપણાં મૂર્ધન્ય કવિ ઉમાશંકર જોશીને યાદ કરીએ.
વિશાળ જગ વિસ્તારે
નથી એકજ માનવી
પશુ છે પંખી છે પુષ્પો
વનોની છે વનસ્પતિ !
પ્રકૃતિમાં રમંતા એ દુભાશે જો દિલે
શાંતીની સ્વપ્નછાંયાએ કદી માનવને મળે?
**********
Leave a comment