કોઇક સમયે દેશના સામાન્ય નાગરિકને એવી લાગણી થાય કે તેની આસપાસ-ચોપાસ માત્રને માત્ર અપ્રિય, અનિચ્છનિય અને સામાજિક ગૌરવમાં ઘટાડો થાય તેવી ઘટનાઓ આકાર લેતી રહે છે તો કદાચ આવી લાગણી આશ્ચર્યનો વિચાર નહિ ગણાય. સમાચાર પત્રોમાં ધડાધડ પ્રગટ થતા સમાચારો, ટેલીવિઝનની ચેનલો પર સતત ફેલાતી આ પ્રકારની ઘટનાઓ આવી લાગણીને જન્મ આપે છે, તેને મજબૂત બનાવે છે. આવી સ્થિતિ સામે કેટલીયે એવી ઘટનાઓ પણ બનતી રહે છે કે જેના કારણે સમાજ તરીકેનું આપણું સામુહિક ગૌરવ આવી ઘટનાને કારણે, પ્રસંગને કારણે વૃધ્ધિ પામતું હોય તેવી પ્રતિતિ જરૂર થાય. આથી જ લોકપ્રિય માધ્યમોના એક નાના ભાગમાં જયારે અવકાશી વિજ્ઞાનના એક સુવિખ્યાત તજજ્ઞ શ્રી યુ.આર.રાવના સંબંધમાં એક સમાચાર જોયા ત્યારે સામાજિક ગૌરવની લાગણી થઇ. ઉડીપી રામચંદ્ર રાવ જેમનું પુરું નામ છે તેઓ અત્યારે ફીઝીકલ રીસર્ચ લેબોરેટરી-(પી.આર.સેલ) અમદાવાદના અધ્યક્ષ છે. અવકાશી વિજ્ઞાનમાં સેટેલાઇટ વિકસાવી તેનો વાસ્તવિક પ્રયોગ કરવાની ક્ષમતાનો પધ્ધતિસર વિકાસ કરવામાં તેઓનું નામ અગ્રસ્થાને છે. ૧૯૮૪ થી ૧૯૯૪ સુધી તેઓ ઇસરોના ચેરમેન તરીકે હતા અને તે ગાળા દરમિયાન ભારતની સેટેલાઇટ ટેકનોલોજીને મજબૂત બનાવવામાં તેમણે અનન્ય યોગદાન આપ્યું. અવકાશી વિજ્ઞાનના આ તમામ અગત્યના સંશોધનોનો વાસ્તિવક ઉપયોગ શિક્ષણ, પ્રસારણ વ્યવસ્થા, રીમોટ સેન્સીંગ જેવી વ્યાપક જનસમાજને ઉપયોગી તેવી બાબતોને વિશેષ પરિણામલક્ષી તથા અસરકારક બનાવવામાં બેહદ ઉપયોગી બને છે. કોસ્મિક રે વૈજ્ઞાનિક તરીકે ડો.વિક્રમ સારાભાઇના માર્ગદર્શન હેઠળ પોતાની કારકિર્દી શરૂ કરનાર ડો.રાવે સફળતાની ઘણી લાંબી સફર ખેડી છે, પરંતુ તાજેતરમાં જે ઘટના બની છે, તે સમગ્ર સમાજને ગૌરવ પ્રદાન કરે તેવી અસાધારણ છે.
ઇસરોની એક યાદીમાં એમ જણાવવામાં આવ્યુ છે કે સેટેલાઇટ હોલ ઓફ ફેઇમ (વોશિગ્ટન) માં વિશ્વના માત્ર ૫૦ શ્રેષ્ઠ અવકાશી વૈજ્ઞાનિકોની વિગતો છે. તેમાં આપણાં આ મહાન વૈજ્ઞાનિકને સ્થાન આપવામાં આવ્યુ છે. આ સેટેલાઇટ હોલ ઓફ ફેઇમમાં સમાવિષ્ટ થવાનું બહુમાન પ્રાપ્ત કરનાર તેઓ પ્રથમ ભારતીય વૈજ્ઞાનિક છે. “સોસાયટી ઓફ સેટેલાઇટ પ્રોફેશનલ્સ ઇન્ટરનેશનલ” નામની સ્વાયત્ત સંસ્થા દ્વારા આ સમગ્ર વ્યવસ્થા સંભાળવામાં આવે છે. આ પ્રકારનું ભારતીય વૈજ્ઞાનિકોનું આંતરરાષ્ટ્રિય બહુમાન મનમાં એક આનંદ, સંતોષ તથા ગૌરવ ઉપરાંત પ્રેરણાના સ્પંદન પણ ઉભા કરે છે. શ્રી રાવે ૩૦૦ થી વધારે વૈજ્ઞાનિક તથા તાંત્રિક લેખો લખ્યા છે. જેમાં તેમણે અનેક વિષયોને આવરી લઇ જ્ઞાનનો એક સમૃધ્ધ ખજાનો સમાજ સમક્ષ મૂકયો છે. ૧૯૭૬ માં પદ્મ ભૂષણ આપીને ભારત સરકારે તેમને બીરદાવ્યા છે. ઉપરાંત દેશ-વિદેશની કેટલીયે યુનિવર્સિટીઓએ તેમનું હોંશથી બહુમાન કર્યુ છે. કેટલાયે મનને ખીન્ન કરે તેવા સમાચારો વચ્ચે આવી ઘટનાઓ પણ આસપાસ બની રહી છે તે બાબત ધ્યાનમાં આવે કે તરત જ “બહુરત્ના વસુંધરા” તરફ એક વિશેષ સન્માનના ભાવ આપોઆપ જાગૃત થાય છે.
***********
Leave a comment