સંસારમાં અત્ર-તત્ર ફેલાયેલી દરિદ્રતા, શારીરિક અશક્તિ અને રોગની સ્થિતિ તથા મૃત્યુ જેવી સ્થિતિના દર્શન તો સમાજમાં સૌને સહજ રીતે જ થાય છે. પરંતુ તે સ્થિતિના સ્થાયી ઉકેલની શોધમાં મહાભિનિષ્ક્રમણ તો કોઇક ‘બુધ્ધ‘ જ કરી શકે. કોઇ ગરીબ ખેડૂતનું આક્રંદ તો વહીવટના ભાગ તરીકે બેઠેલા નાના–મોટા કેટલાયે વહીવટદારોએ સાંભળ્યું હશે, જોયુ હશે. પરંતુ રૂષિતુલ્ય વહીવટકર્તા પ્રભાશંકર પટ્ટણીના માનસ પર પાંચપીપળાના દેવામાં ડૂબેલા કિસાનની કરૂણ કથણી કોઇક જુદી જ અસર જન્માવી જાય છે. સંવેદનશીલતાની શાક્ષાત મૂર્તિ સમાન ભાવનગરના આ દિવાન ફરિયાદ લાવનાર ખેડૂતની વ્યથા દૂર કરીને અટકતા નથી. આ પ્રશ્નના મૂળ સુધી પહોચવાનો તેઓ પ્રયાસ કરે છે અને તે મનોમંથન માંથી જ ભાવનગર રાજયની ખેડૂત કરજ નિવારણ યોજના આકાર ધારણ કરે છે. સદ્દભાગ્યે આ વિશિષ્ટ યોજનાની વિગતો સર પટ્ટણીની ૧૫૦ મી જન્મજયંતી ગુજરાત સરકાર તથા અનેક લોકો-સ્વૈચ્છિક સંસ્થાઓએ ઉજવી તે પ્રસંગે ફરી પ્રકાશિત કરવામાં આવી. ભાવનગરના તત્કાલિન કલેકટર શ્રી ડી.જી.ઝાલાવડિયા તથા શ્રી પીયુષ પરાશર્યે તૈયાર કરેલ પુસ્તિકા જાન્યુઆરી-૨૦૧૧ માં પ્રકાશિત કરવામાં આવી. તેમાં આ સુપ્રસિધ્ધ કરજ નિવારણ યોજનાની વિગતો આપી છે. આ યોજનાની નોંધ અન્ય પ્રગતિશીલ રાજયો તથા બ્રિટિશ સત્તાધિશોએ પણ લીધી. જો ભાવનગરમાં આટલું વ્યાપક તથા સુઆયોજિત કરજમુક્તિનું માળખુ થઇ શકતું હોય તો અન્ય સ્થળોએ કેમ ન થઇ શકે તેની પણ ઘણી ચર્ચાઓ તે સમયે થઇ.
કિસાનોને ધિરાણ આપવાના આ પ્રશ્નો સ્વતંત્ર થયેલા આપણાં દેશમાં પણ અવારનવાર થયા છે. તેને ઉકેલવાના પણ પ્રયાસો થયા છે. ભારત સરકારે ૧૯૯૦માં દેવા નાબૂદી યોજના જાહેર કરી ત્યારબાદ ફરી ૨૦૦૮માં પણ ફરી વખત કિસાનો માટે રાહતની યોજના જાહેર થઇ. આ પ્રશ્નની ગંભીરતા તથા તેની વ્યાપક અસરો આજે પણ દેખાય છે ત્યારે આવા મહત્વના વિષયને લઇને પુણ્યલોક મહારાજા કૃષ્ણકુમારસિંહજી તથા તેમના વિચક્ષણ વિદ્દવાન પ્રભાશંકર પટ્ટણીએ લગભગ એક સદી પહેલા આ બાબતમાં કેટલું મનોમંથન કર્યુ તેમજ નક્કર ઉપાયો કર્યા તે બાબત અહોભાવ જન્માવે તેવી છે. આ પ્રકારની વ્યાપક નાણાંકીય રાહત આપવામાં રાજયે ઘણી મોટી રકમનુ ખર્ચ તે જમાનામાં કર્યું તે પણ એક નોંધપાત્ર બાબત છે. ભાવનગર રાજયના ડહાપણભર્યા નાણાંકીય વહીવટને કારણે નાણાંકીય ખાધ ભોગવતું રાજય ભારતીય સંઘમાં ભળ્યુ ત્યારે નોંધપાત્ર પુરાંત ધરાવતું હતું. મહારાજા ભાવસિંહજી(બીજા)ના સમયમાં વીસમી સદીની શરૂઆતમાં જ ભાવનગર રાજય અને બીજા ઘણાં પ્રદેશોને ભિષણ દુષ્કાળનો પ્રતિકાર કરવાનો પડકારરુપ સમય આવ્યા. રાજયની નાણાંકીય સ્થિતિ પણ તે સમયે સધ્ધર ન હતી. આ સમયે શ્રી પટ્ટણી દિવાન ન હતા પરંતુ ‘હજૂર સેક્રેટરી’ તરીકેની કામગીરીના ભાગ રૂપે કિસાનોને આવા કપરા કાળમાં રાહત મળે, સાંત્વના મળે તે માટે સતત વ્યસ્ત રહેતા હતા. એ સમયે પણ ગામેગામ ફરી, લોકોના પ્રશ્ન સમજી, તેના ત્વરિત નિરાકરણ માટેના તમામ પ્રયાસો તેઓ કરતા. આપણે આજે પ્રજા અને સરકાર વચ્ચેની લોકભાગીદારીની વાતો કરીએ છીએ અને કેટલાંક નિષ્ણાંતો આ બાબતને વેગ આપવા સેમીનાર વગેરેનું પણ આયોજન કરે છે. ભાવનગર રાજયે ૧૦૦ વર્ષ પહેલા સરકાર અને સમાજની મજબૂત તથા હેતુલક્ષી સાંકળ રચી હતી. ગુજરાતમાં ખાસ કરીને જે મહાજન પ્રથાનો વિકાસ થયેલો તેનો અર્થપૂર્ણ અને સુઆયોજિત પ્રયોગ વાસ્તવિક કામગીરી કરવા માટે ભાવનગર રાજયમાં એક સદી પહેલા થયો હતો તે નોંધપાત્ર હકીકત છે. મહાજનોને જોડીને દુષ્કાળ રાહત સમિતિઓ બનાવવામાં આવી હતી અને સમાજ તરફથી પણ દુષ્કાળ નિવારણના કામમાં મહાજનો મારફત નાણાંકીય સહયોગ રાજયને મળતો હતો. આ સમિતિઓને રાહતકામોના આયોજન તથા અમલીકરણ બાબતમાં સત્તા આપવામાં આવી હતી. ઉત્પાદકીય શ્રમનો લાભ સ્થાયી ધોરણે મિલકતો ઉભી થાય તે પ્રકારનું આયોજન હતું.
ભાવનગર રાજયની કરજ નિવારણ યોજનામાં રાજયના દેવા ઉપરાંત શાહુકારોના ખેડૂતો પરના કરજનો પણ વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરવા માટે કાળજીપૂર્વક માહિતી એકઠી કરવામાં આવી હતી. શાહુકરો સાથે રાજયે મસલતો કરીને સામાન્ય રીતે વ્યાજનું વધતું જતું ભારણ ઉમેરીને દેખાડવામાં આવતી મોટી રકમો પણ ઓછી કરાવી હતી ત્યારબાદ આ રકમ નજીવા વ્યાજે ખેડૂતોને આપી અને તેની ચૂકવણી શાહૂકારોને કરાવી ખેડૂતોને ખાનગી ધિરાણની નાગચુડમાંથી મુકત કરાવ્યા હતા. કરજ નિવારણની યોજના સામે ઘણા લોકોએ ભયસ્થાનો બતાવ્યા ત્યારે સર પટ્ટણીએ ઐતિહાસિક વિધાન પૂર્ણ દ્રઢતા તથા સમજપૂર્વક કર્યુ કે નિષ્ફળતા મળશે તો પણ એક ઉમદા હેતુવાળા કાર્યને પાર પાડવાના પ્રયત્ન દરમિયાન મળશે તેથી તેનો અફસોસ કરવાનો હોય નહિ. કિસાનો રાજયની ધોરી નસ સમાન છે અને તેમના કલ્યાણ માટેના સંનિષ્ઠ પ્રયાસોએ ભાવનગર રાજયની પ્રથમ અગ્રતા છે તેવો ધીરગંભીર પ્રતિભાવ મહારાજા અને પટ્ટણી સાહેબ બન્નેનો હતો. ‘સમૃધ્ધ ખેતી જે દેશનું ભવ્ય ગૌરવ છે તેનો એક વખત નાશ થયા પછી તે ખોટ પૂરી શકાતી નથી’ ગોલ્ડ સ્મિથના કાવ્યની આ વિભાવના સર પટ્ટણીના લોહીમાં વહેતી હતી. રાજયે કરજ રાહત સાથે જ ગ્રામ્ય સુધારણાના અનેક પગલા ભર્યા જેથી જે પરિવર્તન થાય તે સ્થાયી સ્વરૂપનું હોય. આટલું મોટું કાર્ય કાર્યદક્ષતાથી અમલમાં મૂકયા બાદ અને ચારે તરફથી તેની પ્રશંસા થયા પછી પટ્ટણી સાહેબનો પ્રતિભાવ આવો હતો.
‘હું જે કંઇ કરી શકયો તેની પાછળ મહારાજા ભાવસિંહજીનો મારામાં વિશ્વાસ જવાબદાર છે. તેના કારણે મારી શક્તિઓ બહાર આવી. હું માનું છું કે મારા જેવા ઘણાં છે માત્ર તેમને મહારાજા ભાવસિંહજી મળ્યા નથી.’
કાર્યનિષ્ઠ અને વિનમ્રતાએ જાણે કે માનવદેહ ધારણ કર્યો હોય તેવું આ વ્યક્તિત્વ અને તેમના વિચારોનું ભાથુ કાળના કોઇપણ વળાંક ઉપર વ્યક્તિગત એવમ સમાજજીવનને ઉન્નત કરે તેવું છે.
*****
Leave a comment